ધનવાન બનવાનો રામબાણ ઉપાય

ભાગવત પુરાણના પુસ્તક ક્ર. 10ના અધ્યાય 22નો 35મો શ્લોક સમાજનું ઋણ ચૂકવવાનો બોધ આપે છે. કોઈકે સાચું જ કહ્યું છે, “કમાવું સહેલું છે, પણ સમાજને પાછું આપવું અઘરું છે.” કોઈ માણસને પૈસા આપવાની વાત તો જવા દો, બીજું પણ કંઈ આપવાનું મુશ્કેલ હોય છે. એક વખત માણસ કંઈક આપી દે તોપણ તેનું ગુમાન આવતું અટકાવવાનું એનાથીય વધારે આકરું છે.

પાંચ મોટા બિઝનેસમૅનનાં નામ વિચારો. તમે જોઈ શકશો કે એ દરેકે સમાજને કોઈક ને કોઈક રીતે મદદ કરી છે. સમાજનું ઋણ અદા કર્યા વગર કોઈનો બિઝનેસ ફૂલ્યોફાલ્યો છે ખરો? જો તેમણે બીજી કોઈ દેખીતી રીતે મદદ નહીં કરી હોય તોય તેમાંથી કોઈકે મોટા પ્રમાણમાં રોજગારનું સર્જન થયું હશે, કોઈકે સામાન્ય માણસને ઓછા ખર્ચે ટેક્નૉલૉજી પૂરી પાડી હશે, કોઈકે શૈક્ષણિક સંસ્થાઓ બનાવી હશે, તો કોઈકે આરોગ્ય સેવા માટેની સંસ્થાઓ સ્થાપી હશે.

સુપ્રસિદ્ધ કલાકાર, લેખક, ગાયક અને પોતાના શૉનું દિગ્દર્શન કરનાર શેખર સેને પોતાના એક કાર્યક્રમમાં આ સુંદર પંક્તિઓ રજૂ કરી હતીઃ

खुद की कमाई खुद खाना यह इंसान की प्रकृति हैं।

दूसरों की कमाई छीन के खाना यह इंसान की विकृति हैं।

पर खुद की कमाई दूसरों के साथ बाँट कर खाना यह हमारी संस्कृति हैं।

થોડાં વર્ષો પહેલાંની આ વાત છે. મારાં ફઈએ મને પૂછ્યું, “ગૌરવ, તું ઘણા વખતથી પર્સનલ ફાઇનાન્સનું કામ કરે છે. કોઈને પૈસા કમાવા માટે ટૂંકી ને ટચ સલાહ આપવી હોય તો તું શું કહેશે?” મેં પલકવારમાં જવાબ આપ્યો, “સમાજ પાસે લીધેલું પાછું આપવું.”

25 વર્ષની મારી કારકિર્દીમાં હું એક વાત શીખ્યો છું. જેઓ કોઈ પણ પ્રકારનો અહંકાર લાવ્યા વગર (પોતાના મન કે નામથી સંકળાયા વગર) સમાજનું ઋણ ચૂકવે એ જ માણસ ધનવાન કહેવાય.

સમાજ પાસેથી લીધેલું સમાજને પાછું ચૂકવવાની શરૂઆત કરનારના ઘરમાં ધનનો પ્રવાહ આવવા લાગે છે. ભગવાન એવા જ માણસને શોધતો હોય છે, જેઓ તેના ‘વિશ્વાસુ ઍજન્ટ’ તરીકે કામ કરી શકે. ભગવાનને લાગે કે તમે પ્રામાણિક અને વિશ્વાસુ છો, તો એ તમને કામે રાખી લે છે. એ કર્યા બાદ ભગવાન તમને એટલું ધન આપતો રહેશે કે તમારી પાસે આવેલો માણસ ભૂખ્યો પાછો ન જાય.

પોતે ભગવાને આપેલું ધન નહીં, પણ પોતાના પૈસા આપી રહ્યો છે એવો ભાવ જાગે ત્યારે સમસ્યા સર્જાય છે. આ ભાવ અહંકારનો છે અને એ જાગે ત્યારે ભગવાન તમને આપેલી ઍજન્સી પાછી ખેંચી લે છે.

ક્યારેક આપણને એવા માણસોનો ભેટો થઈ જાય છે કે જેઓ કહેવા માટે તો એમ જ કહેતા હોય છે કે પોતે ભગવાનના નામે આ બધું કરી રહ્યા છે અથવા તો ભગવાન તેમને આ બધું કરાવી રહ્યો છે. માણસ આવું બોલવા માટે મોં ખોલે એ જ દર્શાવે છે કે તેનામાં સૂક્ષ્મરૂપે અહંકાર છે. જો માણસ સંઘરો કરવાને બદલે કંઈક સમાજને પાછું આપી રહ્યો હોય તો આવો સૂક્ષ્મ અહંકાર પણ ચલાવી લેવાય એવો છે, કારણ કે સંઘરેલું ધન સડી જતાં વાર નથી લાગતી. એક જગ્યાએ ભેગું થયેલું સ્થિર પાણી પણ જે રીતે બગડી જાય છે એ જ હાલ ધનના પણ થાય છે.

ઉપર આપણે સમાજનું ઋણ ચૂકવનારા બિઝનેસમૅનોની વાત કરી, પણ હું તો ત્યાં સુધી કહું છું કે બિઝનેસમૅન જવા દો, જે કોઈ માણસને દુનિયા આજે યાદ કરે છે એણે ગુમાન કર્યા વગર કોઈક ને કોઈક સ્વરૂપે સમાજ પ્રત્યેનું કરજ ચૂકવ્યું જ હશે.

અહંકાર અસલામતીની ભાવનામાંથી જન્મે છે. અહંકાર આવ્યા બાદ માણસને એવું લાગ્યા કરે છે કે જો એ સમાજને આપ-આપ કર્યે રાખશે તો પોતાનું ધન ખૂટી જશે. આથી અસલામતીની ભાવનાથી પિડાઈને માણસ સંઘરો કરવા લાગે છે અને સંઘરેલું ધન સડી જાય છે. આથી જ ગુજરાતીમાં કહેવત છેઃ કંજૂસનું ધન કાંકરા બરાબર.

આમ, ભાગવત પુરાણના ઉક્ત શ્લોકના આધારે કહી શકાય કે ધનનો સંગ્રહ કરવો નહીં અને કોઈ પણ આસક્તિ કે ઘમંડ રાખ્યા વગર સમાજનું ઋણ ચૂકવવું. સદા ધનવાન રહેવા માટેનો આ અચૂક ઉપાય છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)