ભૂખ અને તરસ શમી જાય છે, પણ લોભને કોઈ થોભ નથી

ભાગવત પુરાણના સ્કંધ 7ના પ્રકરણ 7માંથી લેવાયેલા શ્લોક ક્રમાંક 20માં નારદ મુનિ યુધિષ્ઠિરને મોટો બોધ આપતાં કહે છે, આ વિશ્વમાં ભૂખ અને તરસ ખાધે-પીધે શમી જાય છે, બધી ઈચ્છાઓ, ગુસ્સો અને ચીડ એ બધાનો પણ ઊભરો આવીને ઓસરી જાય છે, પરંતુ લોભ એવો દુર્ગુણ છે, જે ક્યારેય ઓછો નથી થતો.

ઉપરોક્ત શ્લોક પરથી ગુજરાતી કહેવત યાદ આવે છેઃ લોભને થોભ નથી.

લોભી માણસ સતત વધુ ને વધુ સંપત્તિ તથા વસ્તુઓ મેળવવા માગે છે. એક વખત બધું મળી જાય પછી તેનાથી વધારે મેળવવાની ઈચ્છા રાખે છે. આથી જ દુનિયાનો સૌથી વધુ સંપત્તિવાન માણસ પણ વધુ ધન મેળવવાનો પ્રયાસ કરતો રહે છે. પોતાની બધી જરૂરિયાતો પૂરી થાય એટલું મેળવ્યા બાદ પણ લોભનો અગ્નિ સતત પ્રજ્વલિત રહે છે. ધન મેળવવાની ઈચ્છાને સંતોષવાનો પ્રયાસ ખરેખર તો એ જ્વાળામાં વધુ ઘી હોમવાનું કામ કરે છે. લોભને સંતોષવાનો ન હોય, તેને નિયંત્રિત રાખવાનો હોય, કારણ કે એ ધર્મના માર્ગમાં બાધારૂપ બને છે.

આપણી આસપાસ વ્યક્તિઓ, સંસ્થાઓ અને કંપનીઓનાં એવાં અનેક ઉદાહરણો છે, જેમાં લોભીઓ પણ છે અને સમાજનું ઋણ ચૂકવનારાઓ પણ છે.

પોતાને પૂરતું મળી ગયું છે કે પછી પોતાને સંપત્તિ ભેગી કરવાનું વ્યસન લાગી ગયું છે એ સમજવાનું ઘણા લોકો માટે અઘરું હોય છે. દા.ત. રજત મહેતા. તેઓ નવી દિલ્હીમાં સારા વિસ્તારમાં સરસ મજાનું ઘર ધરાવે છે. તેમની પાસે એક કરતાં વધારે કાર, નોકરો છે, તેઓ વૅકેશનમાં હંમેશાં દેશ-વિદેશમાં ફરવા જાય છે, જીવનની સુખ-સાહ્યબી ભોગવે છે અને એ બધું હોવા છતાં સંપત્તિની બાબતે અસલામતી અનુભવે છે. પોતાની પાસે હાલ કેટલી સંપત્તિ છે અને ભવિષ્યમાં સારી જીવનશૈલી ટકાવી રાખવા માટે પોતાને કેટલી સંપત્તિની જરૂર છે એની ગણતરી હંમેશાં ચાલતી જ હોય છે. 65 વર્ષના આયુષ્યમાં તેમણે ક્યારેય નાણાંના અભાવે ભૂખ્યા સૂવું પડ્યું નથી કે ક્યારેય તેમને પહેરવા માટે કપડાં ન હોય કે માથે છાપરું ન હોય એવી સ્થિતિમાં રહેવું પડ્યું નથી. આમ છતાં વારેઘડીએ તેઓ પોતાની સંપત્તિની ગણતરી અને હજી કેટલાની જરૂર છે તેનો હિસાબ કરતા હોય છે. આટલું જ નહીં, તેઓ પોતાના મિત્રો, પરિચિતો અને સંબંધીઓની સંપત્તિની સાથે પોતાના ધનની તુલના કરતા હોય છે. બીજાઓ તો ખોટા રસ્તે ધન કમાયા છે એવું જ તેમનું માનવું હોય છે. આ બાબત ઈર્ષ્યા દર્શાવે છે. તેઓ ધનની બાબતે અસલામતી અનુભવે છે. આ અસલામતી લોભને જન્મ આપે છે. આથી જ માણસ વધુ ને વધુ ધન મેળવવાની ઈચ્છા રાખે છે.

મારા ઘરની નજીક રહેતા દૂધવાળા નરેશભાઈ રજતભાઈ કરતાં સાવ અલગ વલણ ધરાવે છે. તેઓ અગાઉ દિવસમાં બે વાર દૂધનું કૅન લઈને આવતા. હવે તેઓ વહેલી સવારે દૂધની થેલીઓ આપી જાય છે. એ પતી ગયા પછી અખબાર વહેંચે છે. દિવસ દરમિયાન તેઓ ડ્રાઇવર તરીકે કામ કરે છે અને સાંજે સાડા છ વાગ્યે પરવારે છે. સાંજે તેઓ મંદિરે જઈને સેવા આપે છે. તેઓ મંદિરની સાફસફાઈમાં મદદ કરે છે, વડીલોને રસ્તો ઓળંગવામાં સહાય કરે છે. તેઓ રોજ એક માણસને ભોજન કરાવે છે. તેમનું કહેવું છે કે 59 વર્ષના આયુષ્યમાં તેમણે એકેય દિવસ ભૂખ્યા રહેવું પડ્યું નથી. આથી તેમણે રોજ એક માણસને જમાડવાનો નિયમ રાખ્યો છે.

થોડા મહિનાઓ પહેલાં મેં તેમને નિયમિતપણે બચત કરવાની વાત કરી હતી. આથી તેમણે બૅન્કમાં રિકરિંગ ખાતું ખોલાવ્યું છે. તેમણે વીમાની અને નિવૃત્તિની વિવિધ સરકારી સ્કીમ લીધી છે. જો કે, તેઓ સ્પષ્ટપણે કહે છે, રામ રાખે એને કોણ ચાખે. તેમના મુખ પર ગજબની શાંતિ ઝળકે છે.

કેટલી સંપત્તિ પૂરતી કહેવાય એનો કોઈ ચોક્કસ આંકડો નથી. કોઈ પણ સંખ્યા બાહ્ય પરિબળ છે. ખરું સુખ તો અંદર હોય છે. લોભ એ સુખનો ક્ષય કરે છે. કમનસીબે આપણામાંથી મોટાભાગના લોકો અંદર સુખ શોધવાને બદલે બહાર શોધતા હોય છે. તેને લીધે જ લોભ જેવા વિકારો જન્મે છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)