આવો, આવી દિવાળી ઉજવીએ…

દેશ-વિદેશમાં વસતા તમામ ભારતીયો અત્યારે દિવાળી મૂડમાં અને ‘મોડ’માં છે. પ્રકાશનો આ ઉત્સવ હિન્દુઓનું નવું વર્ષ પણ છે. લક્ષ્મીજીની આરાધનાનું પણ આ પર્વ છે. આપણાં શાસ્ત્રોમાં લક્ષ્મીમાતાની પરિકલ્પના સર્વાંગી અને વ્યાપક છે. તેમની આરાધના કરતાં પહેલાં અનેક તૈયારીઓ કરવાની હોય છે અને તેના ફળસ્વરૂપે જ ધન (લાભ) પ્રાપ્ત થાય છે. લક્ષ્મીજીની પૂજાની વિવિધ પ્રકારની તૈયારીઓ કરવાની હોય છે. આપણા ઋષિમુનિઓએ દિવાળીના દરેક દિવસની ઉજવણી વિશે લખેલી વાતોને જાણીને સમજવાનો આ લેખનો પ્રયાસ છે.

દિવાળીની ઊજવણી વાઘ બારસથી શરૂ થાય છે. મૂળ શબ્દ તો વાક બારસ છે. આસો મહિનાના કૃષ્ણ પક્ષનો આ બારમો દિવસ છે. વાક એટલે કે વાણી. વાણી શબ્દ આપણી વાચા સાથે સંકળાયેલો છે. વાણી સરસ્વતી માતાની દેન છે, કારણકે તેઓ જ્ઞાનની દેવી છે. આથી લક્ષ્મીજીને જાણતાં પહેલાં સરસ્વતી માતા વિશે જાણી લેવું જરૂરી છે. વર્તમાન સંદર્ભમાં કહીએ તો, રોકાણ કરતાં પહેલાં નાણાકીય શિક્ષણ જરૂરી હોય છે. જોકે, આપણાં શાસ્ત્રોમાં તેનાથી પણ વધારે ગહન અર્થઘટન કરવામાં આવ્યું છે.

ત્યાર પછી આવે છે ધનતેરસ. આનો પણ મૂળ શબ્દ અલગ છે. એ છે ધન્વંતરી ત્રયોદશી. મહર્ષિ ધન્વંતરીએ આયુર્વેદ આપ્યું. આપણે આયુર્વેદની વ્યાખ્યામાં ઉંડા ઉતરવાને બદલે અત્યારે આ દિવસ પૂરતું તેનું મહત્ત્વ સમજીએ. ધન્વંતરી ત્રયોદશીના દિવસનું મહત્ત્વ આરોગ્યની દૃષ્ટિએ ઘણું છે. આપણે શારીરિક રીતે સક્ષમ ન હોઈએ, એટલે કે સંપૂર્ણપણે તંદુરસ્ત ન હોઈએ તો લક્ષ્મીજીની આરાધના કરી શકીએ નહીં. આજના સંદર્ભમાં આને આપણે આરોગ્યવીમા સાથે સરખાવી શકાય.

ધનતેરસ પછીનો દિવસ છે કાળી ચૌદશ. કાળી ચૌદશના દિવસે કકળાટ કાઢવાની આપણી પરંપરા રહી છે. લક્ષ્મીજીને આવકારતાં પહેલાં ધન વિશેના ખોટા અને નઠારા વિચારોને દૂર કરવાની આ વાત છે. તેમાં ઘમંડ, ઈર્ષ્યા, ચિંતા, અસલામતી તથા બીજી અનેક લાગણીઓનો સમાવેશ થાય છે. આજના યુગમાં આ વાત બિહેવિયરલ ફાઇનાન્સ દ્વારા કહેવામાં આવે છે. અહીં નોંધવું રહ્યું કે આજકાલ જે બિહેવિયરલ ફાઇનાન્સની ચર્ચા થાય છે તેની તુલનાએ આપણા શાસ્ત્રાર્થ ઘણા ઉંડા છે.

પછી આવે છે મુખ્ય દિવસ. એટલે કે દિવાળી એટલે કે લક્ષ્મીપૂજન. આપણી પાસે નાણાકીય જ્ઞાન, તંદુરસ્તી અને સ્વચ્છ મન હોય ત્યારે જ આપણે લક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ. તેના વગરના ક્રિયાકાંડ ધાર્યું પરિણામ આપી શકતાં નથી.

અને હા, દિવાળીનો તહેવાર લક્ષ્મીપૂજન સાથે પૂરો થઈ જતો નથી. દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન કરતી વખતે આપણે દેવીનું આવાહન કરીએ છીએ, પરંતુ અમુક કાર્યો કર્યા વગર તે પરિપૂર્ણ થતું નથી. આથી જ બીજો દિવસ બેસતા વર્ષનો હોય છે. આ દિવસે બધા લોકો પોતપોતાના કામ-ધંધે જઈને પૂજા કરે છે. માલિકો કર્મચારીઓને બોનસ આપે છે. વર્તમાન યુગમાં ઈસોપ (એમ્પ્લોયીઝ સ્ટોક ઓપ્શન પ્લાન) તરીકે તે પ્રચલિત છે. જોયું, આપણા ઋષિ-મુનિઓ સદીઓ પહેલાં ઈસોપનો વિચાર લઈને આવ્યા હતા! કોઈ પણ બિઝનેસ કર્મચારીઓની મદદથી જ ચાલતો હોય છે અને તેથી તેમને નફામાં હિસ્સો આપવો જ જોઈએ. દિવાળીના દિવસે હિસાબનું વર્ષ પૂરું થયે બીજા દિવસે કર્મચારીઓમાં નફાની વહેંચણી કરવાની પરિકલ્પના આપવામાં આવી છે.

પછી આવે છે ભાઈબીજ. આ દિવસ મહિલાઓના આર્થિક સ્વાતંત્ર્યનો છે. બધી જ દીકરીઓને પારિવારિક બિઝનેસમાં હક મળે છે. હિસાબના વર્ષના અંતે થયેલા નફાનો બહેનના ભાગનો હિસ્સો લઈને ભાઈ બહેનના ઘરે જાય છે અને તેને એ આપે છે. મહિલાઓની આર્થિક સલામતી માટે આ વ્યવસ્થા સર્જવામાં આવી હતી. બહેનને આપવામાં આવેલો હિસ્સો કોઈ ભેટ કે દાન નથી, તેના હકની વાત છે.

આ બધી પ્રવૃત્તિઓ કર્યા પછી હિન્દુઓના નવા વર્ષના પાંચમા દિવસે એટલે કે લાભ પાંચમે વાસ્તવિક આર્થિક લાભ પ્રાપ્ત કરી શકાય છે.

લક્ષ્મીમાતાની આવી આસ્થા, પૂજા અને આધ્યાત્મિકતાનાં દર્શન ભારત સિવાય બીજે ક્યાંય થતાં નથી. આજની તારીખે પણ એ બધાનું જતન થયેલું છે. આથી આ બધા તહેવારોની ઉજવણી મિત્રો અને પરિવારજનો સાથે આનંદપૂર્વક કરવાનું માહાત્મ્ય છે. પરિવારના તમામ સભ્યોને આર્થિક જાણકારી હોય એવી તેની પાછળની ભાવના છે. આથી જ કહેવાયું છે કે ભારતમાં મનુષ્ય જન્મ લેવો એ દુર્લભ વાત છે. જેમણે અગાઉનાં જન્મોમાં સારાં કર્મ કર્યાં હોય તેમને જ ભારતમાં જન્મ લેવા મળે છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)