ધન વહેંચીને ખાઈએ કે પછી કોઈના માટે સમય ફાળવીએ

અદ્રોહઃ સર્વભૂતેષુ કર્મણા મનસા ગિરા

અનુગ્રહશ્ચ દાનં ચ સતાં ધર્મઃ સનાતનઃ

(તમામ પ્રકારના ભેદ દૂર કરીને સમસ્ત શરીરધારી જીવોમાં પરમાત્માનાં દર્શન કરવાં; મન, વચન તથા કર્મથી કોઈનું પણ અનિષ્ટ ચિંતન કરવું નહીં; દયા અને શક્તિ પ્રમાણે દાન કરતાં રહેવું. બધા સદાચારીઓનો આ જ સનાતન ધર્મ છે).

મહાભારતના અધ્યાય 281ના શ્લોક ક્ર. 34માં સદાચારી વ્યક્તિનાં લક્ષણો જણાવવામાં આવ્યાં છે. આજે આપણે આ શ્લોકના આધારે આપણા વિષયની ચર્ચા કરીએ.

26 વર્ષીય રાજીવનો કિસ્સો જોઈએ. શિક્ષણ પૂરું કરીને તેને બેંગલુરુમાં નોકરી મળી છે. ત્યાં તે પેઈંગ ગેસ્ટ તરીકે રહે છે. દર શનિવારે રાતે એ મિત્રો જોડે એ પબમાં જાય છે, પણ વધારે પીતો નથી. તેના મિત્રવર્તુળમાંની છોકરીઓ સિગારેટ અને દારૂ બન્ને પીએ છે તથા ટૂંકા સ્કર્ટ પણ પહેરે છે. રાતે મોડે સુધી પાર્ટી કરવાની તેમને આદત છે. ક્યારેક એ છોકરીઓ વધુપડતું પી લે છે ત્યારે રાજીવ તેમને પોતાની કારમાં ઘર સુધી મૂકી આવે છે.

56 વર્ષીય આધેડ અશ્વિન આચાર્યની વાત કરીએ. તેમનો ઉછેર રૂઢિચુસ્ત પરિવારમાં થયો છે. મંદિરે જવું, પૂજા-અર્ચના કરવી, વારે-તહેવારે ઉપવાસ કરવા એ બધા તેમના બાળપણના સંસ્કારો છે. આ ઉંમરે પણ તેઓ વહેલી સવારે નજીકના મંદિરમાં અચૂક જાય છે.

રાજીવ અને અશ્વિનભાઈ એ બન્નેમાં વધારે ધાર્મિક કોણ કહેવાય?

માફ કરો, હું એક માહિતી આપવાનું ભૂલી જ ગયો!

રાજીવ દારૂ પીધેલી હાલતમાં છોકરીઓને તેમના ઘરે મૂકવા જાય ત્યારે ક્યારેય તેમની સ્થિતિનો ગેરલાભ લેતો નથી. એ હંમેશાં પોતાની મર્યાદામાં રહે છે અને સ્ત્રીદાક્ષિણ્ય દાખવે છે. છોકરાઓ રાજીવની મશ્કરી કરીને તેને યોગી મહારાજ કહે છે, પરંતુ છોકરીઓ તેના પર પૂરેપૂરો વિશ્વાસ રાખે છે.

રાજીવની બીજી એક ખાસિયત તેના પાક્કા દોસ્તારોને જ ખબર છે. એ દર મહિને પોતાનો એક દિવસનો પગાર સેવાભાવી સંસ્થાને દાનમાં આપે છે. રવિવારની બપોરનો સમય એ આ જ સંસ્થામાં સ્વયંસેવક તરીકે જઈને વિતાવે છે. ત્યાં તે ઝૂપડપટ્ટીનાં બાળકોને ભણાવે છે. રાજીવ એ બાળકો માટે ચોકલેટ લઈ જાય છે અને તેથી તેનું નામ ચોકલેટવાલા ભૈયા પડી ગયું છે. રાજીવ ભાગ્યે જ મંદિરે જાય છે. આ વાત તેની મમ્મીને જરાપણ ગમતી નથી.

બીજી બાજુ, અશ્વિન આચાર્ય રોજ મંદિરે જાય ત્યારે ત્રાંસી આંખે મહિલાઓ સામું જોવાનું ચૂકતા નથી. સ્ત્રી-પુરુષો માટેની લાઇન અલગ હોવા છતાં તેઓ મહિલાઓ સાથે ઘસાઈને ચાલવાનો પ્રયાસ કરે છે. મંદિરમાં તહેવારોમાં ગિરદી હોય એ દિવસની તેઓ રાહ જ જોતા હોય છે. તેઓ ક્યારેય દાન આપતા નથી. ક્યારેક આપે તોપણ પોતાની નામના થાય એ વાતની ખાસ તકેદારી લે છે.

રાજીવ અને અશ્વિનભાઈ એ બન્નેમાં વધારે ધાર્મિક કોણ કહેવાય, ભાગ્યે જ મંદિરમાં જતો અને દર શનિવારે પબમાં જતો 26 વર્ષીય રાજીવ કે પછી મંદિરમાં નિયમિતપણે જતા અને ધાર્મિક દિવસોએ ઉપવાસ કરતા 56 વર્ષીય અશ્વિન આચાર્ય?

જો માણસનાં મન, વચન અને કર્મ શુદ્ધ ન હોય તો મંદિરે જવાનો કે ભજનો સાંભળવાનો કે પછી ઉપવાસ કરવાનો કોઈ અર્થ હોતો નથી. મનમાં જે હોય એ જ વચન અને કર્મમાં આવતું હોય છે.

જે માણસ સમાજ, સરકાર કે બીજી કોઈ વ્યક્તિની કુથલીઓ કરતો હોય, જે માણસ પોતાનું નામ થાય એ માટે દાન આપતો હોય, એ માણસ સ્વભાવે ઈર્ષ્યાળુ હોય છે અને અન્યો સાથે પોતાની તુલના કરતો હોય છે. અન્યો સાથેનું તેનું વર્તન ધાર્મિક કહેવાય નહીં. લોભ, ચિંતા, અસલામતી એ બધાં લક્ષણો ધાર્મિક વ્યક્તિનાં નથી હોતાં.

ગયા માર્ચ મહિનામાં હું એક પરિચિતનાં લગ્નપ્રસંગ માટે વડોદરા ગયો હતો. ત્યાં એક મિત્ર જોડે વાત કરતો હતો ત્યારે તેણે કહ્યું કે હવે એ 50 વર્ષનો થઈ ગયો હોવાથી ધીમેધીમે ધર્મ તરફ વળી રહ્યો છે. મને તેની આ વાત વિચિત્ર લાગી. માણસ ધર્મ તરફ વળવા લાગે એ વળી કેવું? કાં તો માણસ ધાર્મિક હોય કાં ધાર્મિક ન હોય.

કમનસીબે, આપણામાંથી મોટાભાગના લોકો ધાર્મિક સ્થળોએ જવાને, કર્મકાંડ કરવાને ધર્મ માને છે. હું કોઈ પણ કર્મકાંડ કે વર્તનની વિરુદ્ધમાં કે તરફેણમાં બોલી રહ્યો નથી. મારે તો એટલું જ કહેવું છે કે જે કરીએ એ નહીં, પણ આપણા મનની જે સ્થિતિ છે એ ધર્મ છે.

મહાભારતમાં કહેવાયું છે કે ધર્મ મનની અવસ્થા છે. સદાચારી વ્યક્તિ અન્યો પ્રત્યે કરુણાભાવ ધરાવતી હોય છે, સમાજ સાથે ધન વહેંચી લે છે. ધન વહેંચીને ખાઈએ કે પછી કોઈના માટે સમય ફાળવીએ એ કરુણાભાવ છે. કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર સ્વૈચ્છિક રીતે કાર્ય કરીએ એ પણ મહાભારતમાં કહ્યા પ્રમાણે ધર્મ છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)