Home Blog Page 2269

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં BJP નવા ચહેરાઓને બનાવી શકે છે CM

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રી પદ માટે મંથન ચાલી રહ્યું છે. દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ નવા ચહેરાઓને મુખ્યમંત્રી બનાવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ત્રણેય રાજ્યોમાં બિન-ધારાસભ્યને પણ મુખ્યમંત્રી બનાવી શકાય છે. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રીપદના ચહેરાની જાહેરાત કરી નથી. પાર્ટીએ રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત મેળવીને કોંગ્રેસના હાથમાંથી સત્તા છીનવી લીધી છે. જ્યારે મધ્યપ્રદેશમાં પહેલાથી જ શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં સરકાર છે. પાર્ટીએ અહીં મોટી જીત હાંસલ કરી છે.

મુખ્યમંત્રી ચહેરા અંગે શિવરાજ સિંહ ચૌહાણ કહે છે કે પાર્ટી અમને જે પણ જવાબદારી આપે છે અમે તેને પૂરી કરીએ છીએ. હું માનું છું કે જે પોતાના વિશે વિચારે છે તે સારો કાર્યકર નથી. એક કાર્યકર તરીકે અમને જે પણ કામ આપવામાં આવે છે. કાર્પેટ બિછાવવાથી લઈને સફાઈથી લઈને સરકાર ચલાવવા સુધી, અમે તે કરીએ છીએ અને કરીશું.

રાજસ્થાન

જ્યારે રાજસ્થાનમાં ઝાલરાપાટન બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીતનાર મુખ્યમંત્રી વસુંધરા રાજે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન મેઘવાલ, બાબા બાલકનાથ અને દિયા કુમારીના નામની અટકળો ચાલી રહી છે. વસુંધરા રાજે આ પહેલા પણ રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. રાજસ્થાનના નવા મુખ્યમંત્રી અંગેની અટકળો વચ્ચે 4 ડિસેમ્બરે ભાજપના લગભગ 25 ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને મળ્યા હતા. વસુંધરા રાજેની ધારાસભ્યો સાથેની મુલાકાતને શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે.

છત્તીસગઢમાં પણ મુખ્યમંત્રી પદને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. આને ધ્યાનમાં રાખીને તાજેતરમાં પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ અરુણ સાઓ, પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ અને રાજ્ય માટે પાર્ટીના સહ-પ્રભારી નીતિન નબીને બેઠક યોજી હતી.

સરકાર બફર સ્ટોક બનાવવા ખેડૂતો પાસેથી તુવેર દાળની ખરીદી કરશે

નવી દિલ્હીઃ દેશમાં તુવેર દાળની અછતને પહોંચી વળવા માટે સરકારે તુવેર દાળનો બફર સ્ટોક બનાવશે. જે માટે સરકાર ખેડૂતો પાસેથી એની સીધી ખરીદી કરશે, એમ એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું. સરકાર નાફેડ ને NCCF દ્વારા ખેડૂતો પાસેથી સીધી તુવેરની ખરીદી કરશે અને જ્યારે આ તુવેર દાળના ભાવ રિટેલ માર્કેટમાં વધશે તો ભાવને નિયંત્રણમાં રાખવા માટે બફર સ્ટોકમાંથી જથ્થો બજારમાં ઉતારશે.

નાફેડ પાસે ખેડૂતોનો ડેટાબેઝ છે, કેમ કે સંસ્થા કૃષિ ઊપજ માટે વીમા એજન્ટ તરીકે કામ કરે છે. અમે એ ડેટાબેઝનો ઉપયોગ તુવેર દાળ ઉગાડતા ખેડૂતો પાસેથી ખરીદવા માટે એનો ઉપયોગ કરીશું, એમ તેમણે કહ્યું હતું. સરકારને અપેક્ષા છે કે એ ખેડૂતોને બજારમાં નિશ્ચિત ખરીદદારનો વિશ્વાસ આપશે, જેથી આગામી કેટલાંક વર્ષોમાં તુવેર દાળ ઉગાડવા માટે ખેડૂતોને પ્રોત્સાહન મળી રહેશે.

જોકે સમસ્યા એ છે કે તુવેર દાળના સ્થાનિક ઉત્પાદન કરતાં વપરાશ વધુ છે. વર્ષ 2022-23 (જુલાઈ-જૂન)માં દેશમાં તુવેર દાળનું ઉત્પાદન ગયા વર્ષના 42.9 લાખ ટનથી 20 ટકા ઘટીને 34.3 લાખ ટન થયું હતું. વળી, પાક સીઝન વર્ષ 2023-24માં કૃષિ મંત્રાલય દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ તુવેર દાળના ઉત્પાદનનો અંદાજ ગયા વર્ષ કરતાં થોડો નીચો 34.2 લાખ ટન આંકવામાં આવ્યો છે.

ગુજરાતમાં તુવેર દાળનું ઉત્પાદન સારું છે પરંતુ કર્ણાટક, મહારાષ્ટ્ર અને યુપીમાં ઓછું ઉત્પાદન થયું છે. જાણકારોને કહેવા પ્રમાણે કર્ણાટકના ગુલબર્ગામાં તુવેર દાળના પાકમાં ફૂગનો રોગ લાગવાને કારણે પાક નિષ્ફળ રહ્યો હતો. જ્યારે મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદે દાળનો પાક ધોઈ નાખ્યો.

 

 

ફ્લાવરનું સૂકું શાક

ઘણીવાર ટીફીન માટે ગૃહીણી ગડમથલમાં રહે છે કે ફ્લાવરનું શાક સૂકું, છૂટું અને સ્વાદીષ્ટ કઈ રીતે બને. આજે એ માટે થોડી ટીપ્સનો સમાવેશ છે અને એ રીતથી આ શાક સરળતાથી ઝટપટ બની પણ જાય છે. આમ પણ ફ્લાવરનું શાક જેમને ભાવતું હોય તેમને બને તેટલું શાકમાં ફ્લાવરના ટુકડા આખા રહે અને સ્વાદિષ્ટ પણ લાગે તેવું જોઈતું હોય છે.

સામગ્રીઃ

  • ફ્લાવર 250 ગ્રામ
  • બટેટું 1
  • કાંદો 1 (optional)
  • રાઈ 1 ટી.સ્પૂન
  • તેલ 2 ટે.સ્પૂન
  • હીંગ 2-3 ચપટી
  • આદુ 1 ઈંચ
  • લીલા મરચાં 2
  • લાલ મરચાં પાવડર 1 ટી.સ્પૂન
  • હળદર પાવડર ¼ ટી.સ્પૂન,
  • ટામેટું 1

રીતઃ ફ્લાવરના નાના ટુકડા કરી લો. એક મોટા વાસણમાં પાણીમાં થોડું મીઠું નાખીને ગરમ કરવા મૂકો. તેમાં 3-4 મિનિટ માટે ફ્લાવરના ટુકડા નાખો જેથી તે ચોખ્ખું થઈ જાય. થોડીવાર રાખીને ફ્લાવર એક થાળીમાં કાઢી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ તતડાવો. ત્યારબાદ તેમાં આદુના ઝીણા ટુકડા તેમજ મરચાંના 2-3 ટુકડા કરી અથવા ખમણીને તેલમાં 1 મિનિટ માટે સાંતડો. (કાંદા ખાતા હોવ તો કાંદો ઝીણો સમારીને સાંતડવો). ગેસની આંચ મધ્યમ રાખવી. હવે તેમાં બટેટાના ટુકડા નાખીને 2-3 મિનિટ થવા દઈ, તેમાં ફ્લાવરના ટુકડા નાખીને સાંતડો. હવે તેમાં હળદર પાવડર તેમજ લાલ મરચાં પાવડર નાખો, ગરમ મસાલો પણ નાખી દો. ટામેટાંના મધ્યમ આકારના ટુકડા કરીને તેમાં નાખો તેમજ મીઠું પણ ઉમેરો. સાથે કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને નાખો તેમજ કોથમીર ઝીણી સુધારેલી પણ ઉમેરી દો. હવે ગેસની આંચ ધીમી કરીને ઢાંકણ ઢાંકીને ફ્લાવરને 2-3 મિનિટ સુધી ચઢવા દો. વચ્ચે વચ્ચે તવેથા વડે શાક મિક્સ કરી લો. ફરીથી 2 મિનિટ રાખીને શાક ચઢી ગયું હોય તો ગેસ બંધ કરી દો. પણ ત્યારબાદ પણ ઢાંકણ રાખીને ગરમ રહેલાં શાકને તેમાં જ થોડું વધુ ચઢવા દો.

આ શાક ગરમાગરમ ઘી લગાડેલી ફુલકા રોટલી સાથે પીરસો.

 

રાજપૂત કરણી સેનાના વડા સુખદેવસિંહના બંને હત્યારાની પોલીસે ઓળખ કરી

જયપુરઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવસિંહ ગોગામેડીની ગઈ કાલે અહીં શ્યામ નગરસ્થિત એમના બંગલામાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરનાર બંને હુમલાખોરની ઓળખ સાબિત કરવામાં પોલીસને સફળતા મળી છે.

પોલીસે આ બંનેને રોહિત રાઠોર મકરાના અને નીતિન ફૌજી તરીકે ઓળખી કાઢ્યા છે. આમાંનો નીતિન ફૌજી હરિયાણાના મહેન્દ્રગઢનો રહેવાસી છે. હત્યાના બનાવમાં, નવીન શેખાવત નામનો ત્રીજો ગુનેગાર પણ સામેલ હતો, પણ અંધાધૂંધ ગોળીબારમાં એને ગોળી વાગી ગઈ હતી. ગોળીબારમાં ગોગામેડીનો એક બોડીગાર્ડ પણ ઘાયલ થયો છે. રાજ્યના પોલીસ વડા ઉમેશ મિશ્રાએ આ કેસમાં તપાસ કરવા માટે ખાસ ટૂકડીની રચના કરી છે અને જાહેરાત કરી છે કે આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા આપે એવી કોઈ પણ માહિતી આપનારને રૂ. પાંચ લાખનું ઈનામ આપવામાં આવશે.

યુનેસ્કો દ્વારા ‘ગરબા’ને સાંસ્કૃતિક વારસો જાહેર કરાયો

ગાંધીનગર: દેશ અને દુનિયામાં જાણીતા ગુજરાતના ગરબાને યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન્સ) દ્વારા સાંસ્કૃતિક વિરાસત (ઇન્ટેજિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનિટી)નો દરજ્જો આપવામાં આવશે. યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવશે. યુનેસ્કો દ્વારા આયોજિત બોત્સાવાનામાં સમારોહનું આયોજન થયું છે. આ માટે ચાર સ્થળો પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, તેમ સરકારની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ગુજરાતના ગરબાને સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરાશે, આ માટે આજે યુનેસ્કોની ટીમ ગુજરાતમાં આવશે, અને જુદાં-જુદાં સ્થળો પર ગરબાની ઢબને નિહાળશે. આજે સાંજે અમદાવાદના ભદ્ર ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે, એટલુ જ નહીં, ચાચર ચોક અંબાજીમાં પણ સાંજે ગરબાનું ભવ્ય આયોજન થઇ રહ્યું છે.

ગરબો એ ગુજરાત અને ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યપૂર્ણ એકતા દર્શાવતું મહત્વનું સ્થાન ધરાવે છે. ગરબાને મા આદ્યશક્તિની ઉપાસના તરીકે જોવામાં આવે છે. જાતિ ધર્મ ભાષા બોલીના ભેદથી ઉપર ઊઠીને સામાજિક સમરસતા અને સમૂહ જીવનને આકાર આપવામાં એ મહત્વનું સ્થાન લીધું છે. ગુજરાતના પ્રજાજીવનને ધબકતું રાખવા અને જીવંત રાખવા ગરબાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ગરબાનો સૌથી મોટો ઉત્સવ નવરાત્રી એટલે કે વિશ્વનો સૌથી લાંબો ચાલનારો ઉત્સવ પણ બની ચૂક્યો છે.

આ નવરાત્રીના ગરબાને માણવા માટે દેશ-વિદેશથી લોકો ખાસ ગુજરાત આવવા લાગ્યા છે. ગરબો એટલે ભક્તિ ભાવ સ્નેહ અને પ્રારંપરિક સહકારનું પ્રતિબિંબ આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમા સમૂહમાં ગવાતા ગરબાએ સમાજ જીવનનું બહુમૂલ્ય અંગ છે. ગરબો પરંપરા પ્રેરણા, ઉત્સાહ ઉપરાંતમાં આદ્યશક્તિના આવિર્ભાવથી પ્રગટતા ઉત્કૃષ્ટ ભાવનું પ્રતીક પણ છે.

 

 

 

કોના શિરે તાજ?: મુખ્ય મંત્રીની રેસમાં ભાજપના બંને રાજવંશના નેતા

ભોપાલઃ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપની પ્રચંડ જીતની ચર્ચા ચોરે ને ચૌટે થઈ રહી છે, એટલી જ ચર્ચા બંને રાજ્યોમાં મુખ્ય મંત્રી કોણ બનશે? એના પર થઈ રહી છે. પાર્ટીએ હજી સુધી મુખ્ય મંત્રી માટે કોઈ નામની ઘોષણા નથી કરી, પણ રેસમાં કેટલાંક નામ સામેલ છે. આ રેસમાં બે નામ પણ સામેલ છે, જે રાજવંશથી સંબંધ ધરાવે છે. રાજસ્થાનના જયપુર રાજઘરાનાની રાજકુમારી દિયા કુમારી અને મધ્ય પ્રદેશના ગ્વાલિયર રાજઘરાનાના જ્યોતિરાદિત્ય સિંધિયા મુખ્ય મંત્રીના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

સિંધિયાએ ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને તે ભાજપમાં સામેલ થયા પછી પાર્ટી ફરી સત્તામાં આવી છે. આવામાં તેમના ટેક્દારો સિંધિયાને મુખ્ય મંત્રી બનાવવાની વકીલાત કરી રહ્યા છે, જ્યારે રાજસ્થાનમાં વિદ્યાધર નગર સીટ ચૂંટણી જીત્યા પછી દિયાકુમારીની CM પદની દાવેદારી વધી ગઈ છે. વડા પ્રધાન મોદીએ દિયાકુમારીને જે રીતે મહત્ત્વ આપ્યું હતું એનાથી અંદાજ લગાવી શકાય છે કે પાર્ટી તેમને CM બનાવી શકે છે. આ સિવાય તેઓ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ પર પણ ખૂબ બોલે છે. સિંધિયા રાજ્યસભા સાંસદ છે અને હાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય પણ સંભાળી રહ્યા છે, જ્યારે દિયાકુમારી લોકસભા સીટનાં સાંસદ છે. રાજવંશના હોવાને કારણે સિંધિયા અને દિયાકુમારી પાસે માલમિલકતની ઘણી ચર્ચા છે.

દિયાકુમારી જયપુરના અંતિમ શાસક મહારાજ માનસિંહ દ્વિતીયનાં દોહિત્ર છે. તેમણે નામાંકન ભરતી વખતે આપેલી માહિતી પ્રમાણે તેઓ રૂ. 19.19 કરોડની સંપત્તિ છે અને એફિડેવિટ અનુસાર તેમની પાસે 28 કંપનીઓ છે. જ્યારે સિંધિયા પાસે આશરે રૂ. 375 કરોડની સ્થાવર જંગમ મિલકત છે. ગ્વાલિયરમાં તેમની હવેલીની કિંમત રૂ. 4000 કરોડ છે, જેમાં 400 રૂમ છે.

 

 

 

 

 

નેટફ્લિક્સની ‘ધ આર્ચીસ’ના પ્રીમિયર શોમાં બચ્ચન પરિવારની ઉપસ્થિતિ

OTT સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 7 ડિસેમ્બરથી રજૂ થનારી આગામી હિન્દી ફિલ્મ ‘ધ આર્ચીસ’ના પ્રીમિયર શોનું 5 ડિસેમ્બર, મંગળવારે મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે અમિતાભ બચ્ચન એમના સમગ્ર પરિવાર સાથે હાજર રહ્યા હતા. જેમાં પત્ની જયા, પુત્ર અભિષેક, પુત્રવધુ ઐશ્વર્યા, પૌત્રી આરાધ્યા, પુત્રી શ્વેતા નંદા, જમાઈ નિખિલ નંદા, દોહિત્ર અગસ્ત્ય, દોહિત્રી નવ્યા નવેલીનો સમાવેશ થાય છે. તે ઉપરાંત આ પ્રસંગે અન્ય ફિલ્મી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી. ‘ધ આર્ચીસ’ ફિલ્મનું નિર્માણ શાહરૂખ ખાન અને એની પત્ની ગૌરી ખાન તથા ઝોયા અખ્તર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં શ્વેતા-નિખિલ નંદાનો પુત્ર અગસ્ત્ય નંદા અને શાહરૂખ ખાન-ગૌરીની પુત્રી સુહાના, નિર્માતા બોની કપૂર-સ્વ. શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂર, વેદાંગ રૈના, મિહિર આહુજા અને અદિતી ડોટ જેવા યુવા કલાકારો અભિનયની દુનિયામાં પ્રવેશ કરી રહ્યાં છે.

અભિષેક, ઐશ્વર્યા અને એમની પુત્રી આરાધ્યા

ફિલ્મમાં 1960ના દાયકાનો સેટ બતાવવામાં આવ્યો છે. રિવરડેલ નામના શહેરમાં રહેતાં સગીર વયનાં મિત્રો – આર્ચી, બેટ્ટી, વેરોનિકા, જગહેડ, રેગી, એથેલ, ડિલટનની વાર્તા છે. આઝાદી, પ્યાર, દોસ્તી અને બ્રેક-અપ જેવા સમયગાળામાં પસાર થતાં સગીર લોકોને દર્શાવતી આ ફિલ્મને ઝોયા અખ્તરે ડાઈરેક્ટ કરી છે. અગસ્ત્ય નંદા આર્ચીનો રોલ ભજવી રહ્યો છે. સુહાના વેરોનિકા બની છે. ખુશી કપૂર વેરોનિકાની સહેલી છે. એ બંનેને આર્ચી સાથે પ્રેમ હોય છે. મિહિરે જગહેડનો રોલ કર્યો છે જે આર્ચીનો ખાસ મિત્ર છે. યુવરાજ મેંડા ડિલટન અને વેદાંત રૈનાએ રેગી મેન્ટલનો રોલ કર્યો છે.

‘આ આર્ચીસ’ ફિલ્મ 7 ડિસેમ્બરે બપોરે લગભગ 12 વાગ્યે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. સબ્સક્રાઈબ્ડ યૂઝર્સ આ રોમેન્ટિક કોમેડીને સ્ટ્રીમ કરી શકશે.

કેટરિના કૈફ એની બહેન ઈસાબેલ સાથે

જ્હાન્વી કપૂર

હૃતિક રોશન તેની મિત્ર સબા આઝાદ સાથે

રણવીરસિંહ

અર્જુન કપૂર

દિયા મિર્ઝા

આદિત્ય રોય કપૂર

સુહાના ખાન

મિહિર આહુજા

યુવરાજ મેંદા

કેન્દ્ર સરકારે 100થી વધુ વેબસાઇટ પર મૂક્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 100થી વધુ એવી મૂડીરોકાણ તેમ જ પાર્ટ ટાઇમ જોબ ઓફર કરીને કૌભાંડ કરતી વેબસાઇટો પર પ્રતિબંધ મૂકી દીધો છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશનટેક્નોલોજી મંત્રાલયે IT એક્ટ, 2000 હેઠળ આ વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, એની ઓળખ ગયા સપ્તાહે નેશનલ સાઇબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટે (NCTAUએ) કરી હતી. આ વેબસાઇટ્સ ઓર્ગેનાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ, ટાસ્ક આધારિત પાર્ટ ટાઇમ જોબને નામે લોકોને પોતાની જાળમાં ફસાવતી હતી.

ગૃહ મંત્રાલયે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીને આ વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવા માટે નિર્દેશ આપ્યા હતા. એક મિડિયા અહેવાલ મુજબ હૈદરાબાદ પોલીસે સૌથી મોટી છેતરપિંડીનો ખુલાસો કર્યો હતો, જેમાં આશરે રૂ. 712 કરોડ એકત્ર થયા હતા અને એ ચીનથી ઓપરેટ થઈ રહી હતીએમાં લોકોને ટેલિગ્રામ એપ દ્વારા પાર્ટ ટાઇમ જોબને નામે ફસાવવામાં આવતા હતા. આ મામલે હૈદરાબાદ સાઇબર ક્રાઇમ પોલીસની પાસે ફરિયાદ આવી હતી તે ટેલિગ્રામ પર રેટ એન્ડ રિવ્યુ જોબના ચક્કરમાં ફસાઇ ગયો હતો.

 આ કેસમાં પીડિતાને પહેલાં સરળ કામ આપવામાં આવે છે. તેને નાની રકમનું મૂડીરોકાણ કરવામાં આવે છે અને નફા માટે રેટિંગ અસાઇનમેન્ટ આપવામાં આવે છે. ત્યાર બાદ તેમને મોટા મૂડીરોકાણમાં ખેંચવામાં આવે અને એ રીતે તેઓ કૌભાંડનો શિકાર બને છે. તિરુવનંતપુરમના કોલ્લમમાં પીડિતની સાથે રૂ. 1.2 કરોડની છેતરપિંડી થઈ હતી. આ પ્રકારના કૌભાંડ વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા વધી રહ્યા છે. જેટલી વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એ કેટલાંય બેન્ક ખાતાંઓથી જોડાયેલી હતી.

 

 

 

 

ડૂપ્લેસી નિવૃત્તિ છોડીને T20 વર્લ્ડ કપમાં ફરી રમવા માગે છે

જોહનિસબર્ગઃ સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ કેપ્ટન ફાફ ડૂ પ્લેસી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, પણ એણે સંકેત આપ્યો છે કે આગામી T20 વર્લ્ડ કપમાં રમવા માટે તે ક્રિકેટમાં પુનરાગમન કરશે. એણે કહ્યું છે કે આ માટે તે સાઉથ આફ્રિકા વ્હાઈટ-બોલ (મર્યાદિત ઓવરોવાળી ક્રિકેટ) ટીમના કોચ રોબ વોલ્ટર સાથે વાટાઘાટ કરી રહ્યો છે.

ડૂપ્લેસી 2020માં તેની છેલ્લી T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. જ્યારે એની કારકિર્દીની આખરી આંતરરાષ્ટ્રીય મેચ હતી પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચ, ફેબ્રુઆરી-2021માં. એણે અબુધાબી T-10 લીગના બ્રોડકાસ્ટર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને લાગે છે કે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કરી શકું એમ છું. હું છેલ્લા બે વર્ષથી આ વિશે વાટાઘાટ કરી રહ્યો છું. આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં T20 વર્લ્ડ કપ રમાવાની છે તો એમાં રમવા માટે હું કમબેક કરવા વિચારું છું.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો હોવા છતાં ડૂપ્લેસી સાઉથ આફ્રિકામાં સ્થાનિક સ્તરની સ્પર્ધાઓમાં સારું રમી રહ્યો છે. આઈપીએલ સ્પર્ધામાં એ રોયલ ચેલેન્જર્સ બેંગલોર વતી રમે છે અને આ વર્ષની સ્પર્ધામાં એણે 14 મેચમાં 730 રન કર્યા હતા. સમગ્ર સ્પર્ધામાં સૌથી વધુ રન કરનાર બેટર્સમાં એ બીજા ક્રમે રહ્યો હતો. 39 વર્ષના ડૂપ્લેસીએ 2014 અને 2016ની T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા ટીમનું નેતૃત્ત્વ સંભાળ્યું હતું, પરંતુ નિવૃત્તિ જાહેર કરી ન હોવા છતાં છેલ્લી બે T20 વર્લ્ડ કપમાં એને ટીમમાં પસંદ કરવામાં આવ્યો નહોતો.

રણબીર કપૂરની ‘એનિમલ’નું પાંચ દિવસમાં રૂ. 500 કરોડનું કલેક્શન

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર રણબીર કપૂર, રશ્મિકા, અનિલ કપૂર અને બોબી દેઓલ સ્ટારર બોલીવૂડ ફિલ્મ ‘એનિમલે’ બોક્સ ઓફિસ પર તહેલકો મચાવી દીધો છે. સંદીપ પેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આવનારા દિવસોમાં મોટામાં મોટી ફિલ્મોનો રેકોર્ડ તેડે એવી શક્યતા છે. જોકે એવું અત્યાર સુધીનું બોક્સ ઓફિસ કલેક્શન પરથી એવું લાગી રહ્યું છે.

‘એનિમલ’ને હજી પાંચ દિવસ થયા છે અને એ વર્લ્ડ વાઇડ રૂ. 500 કરોડની નજીક પહોંચી ગઈ છે. ઘરેલુ બોક્સ ઓફિસ પર છઠ્ઠા દિવસની કમાણી રૂ. 300 કરોડને પાર થાય એવી શક્યતા છે. આ ફિલ્મને સેન્સર બોર્ડનું એડલ્ટ સર્ટિફિકેટ મિલાસ મળ્યું છે, પરંતુ એને લઈને ફુલ ક્રેઝ બનેલો છે. એમાં ફિલ્મના ટ્રેલરની પણ મોટી ભૂમિકા છે.

‘એનિમલ’થી પાંચ દિવસની કમાણી જોઈએ તો – પહેલા દિવસે રૂ. 63.8 કરોડ, બીજા દિવસે રૂ. 66.27 કરોડ, ત્રીજા દિવસે રૂ. 71.46 કરોડ, ચોથા દિવસે રૂ. 43.96 કરોડ અને પાંચમા દિવસે રૂ. 38.25 કરોડ. આમ ઘરેલુ બોક્સ ઓફિસ પર કલેક્શન રૂ. 283.74 કરોડ અને દેશની બહાર ફિલ્મનું કલેક્શન રૂ. 200 કરોડની આસપાસ થયું છે. આ સાથે પાંચ દિવસમાં કુલ કલેક્શન રૂ. 486 કરોડ થયું છે.  ‘એનિમલ’ની ખાસ વાત એ છે કે એ ફિલ્મ વગર કોઈ સ્પેશિયલ હોલિડેના એક સામાન્ય વીકએન્ડે રિલીઝ થઈ છે, પરંતું આ ફિલ્મનું ટ્રેલર બહુ લોકપ્રિય થયું છે. ફિલ્મનું ટ્રેલર લોકોને એટલું પસંદ પડ્યું છે કે એડવાન્સ બુકિંગ જબરદસ્ત રહ્યું છે.