Home Blog Page 2268

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સચિન અને કોહલીને આમંત્રણ

તમે ક્રિકેટના બે મહાન ખેલાડીઓ સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને ક્રિકેટના મેદાન પર ઘણી વાર જોયા હશે, પરંતુ ટૂંક સમયમાં જ તમે આ બંને ખેલાડીઓને દેશના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમમાં એકસાથે જોઈ શકશો. સચિન અને વિરાટ બંને રામ મંદિરના અભિષેક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા જઈ શકે છે.

સચિન અને વિરાટને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું હતું

પ્રિન્ટ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ રામ મંદિરના અભિષેક કાર્યક્રમ માટે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી બંનેને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જો આમ થશે તો આ પહેલીવાર બનશે જ્યારે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર આ બે ભારતીય ખેલાડીઓ ધાર્મિક સ્થળ પર એક કાર્યક્રમ જોવા સાથે જશે. તમને જણાવી દઈએ કે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો આ સૌથી મોટો ધાર્મિક કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના રોજ આયોજિત કરવામાં આવશે.

પીએમ મોદી સહિત લગભગ 8000 મહાનુભાવો હાજરી આપશે

આ ખાસ કાર્યક્રમ માટે પ્રતિષ્ઠિત ક્રિકેટ જોડી ઉપરાંત લગભગ 8000 મહાનુભાવોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. પવિત્ર મંદિર જાન્યુઆરી 2024 સુધીમાં તૈયાર થઈ જશે. રામ લલ્લાની પ્રતિમાના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભારત રત્ન સચિન તેંડુલકર, વિરાટ કોહલી સહિત અનેક વિશેષ હસ્તીઓ હાજરી આપશે.

સચિન અને વિરાટ ઘણી વખત ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા જોવા મળ્યા છે. ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનાઓ અથવા વર્ષોમાં, વિરાટ કોહલી ઘણી વખત તેની પત્ની અનુષ્કા શર્મા સાથે દેશભરના વિવિધ ધાર્મિક સ્થળોએ પૂજા કરતા જોવા મળ્યો છે. વિરાટના કેટલાક ચાહકોનું માનવું છે કે જ્યારથી તેણે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે ત્યારથી તેનું ફોર્મ પણ પાછું આવ્યું છે અને હવે તે તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમી રહ્યો છે.

છત્તીસગઢમાં ‘આપ’ના બધા 53 ઉમેદવારોની સજ્જડ હાર

રાયપુરઃ છત્તીસગઢમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હીનાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી (આપ)એ સજ્જડ હાર ખમવી પડી છે. આપના 53 ઉમેદવારો ભારે અંતરથી ચૂંટણી હારી ગયા છે. આપ પાર્ટીએ રાજ્યમાં બીજી વાર નસીબ અજમાવ્યું હતું.

આ વિધાનસભાની ચૂંટણીમાં આપે 53 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 0.93 ટકા મત મળ્યા હતા, જ્યારે વર્ષ 2018માં આપે 85 બેઠકો પર ચૂંટણી લડી હતી અને એને 0.87 ટકા મતો મળ્યા હતા. વર્ષ 2018માં બધા ઉમેદવારોની જમાનત પણ જપ્ત થઈ હતી.

આપના 53 ઉમેદવારોમાંથી નવને નોટા કરતાં પણ ઓછા મત મળ્યા હતા. રાજ્યમાં પાર્ટીના પ્રવક્તા અભ્યતમ શુક્લાએ કહ્યું હતું કે ચૂંટણીમાં પાર્ટીનો હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બસ્તર ક્ષેત્રમાં સારો દેકાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જે પાંચ સીટો પર અમારી પાર્ટીના ઉમેદવારોને 5000થી વધુ મતો મળ્યા હતા, એમાં ભાનુપ્રતાપપુર, અંતાગઢ અને દાંતેવાડા- બસ્તર વિસ્તારમાં આવેલા છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પરિણામો વધુ આંચકાદાયક છે, કેમ કે ચૂંટણી સર્વે અને ટિપ્પણીકારોએ રાજ્યમાં કોંગ્રેસની જીતની ભવિષ્યવાણી કરી હતી. અમે કેટલીક સીટો પર સારો દેખાવની અપેક્ષા કરી રહ્યા હતા, પણ એવું થઈ ના શક્યું.

 

 

 

 

પરવાનગી વગર 18 વર્ષના છોકરાએ પિતાની બાઈક ચલાવી, અકસ્માતમાં મૃત્યુ પામ્યો

મુંબઈઃ પિતાની મોટરબાઈક એમની પરવાનગી વગર અને લાઈસન્સ વગર માત્ર મનોરંજનને ખાતર ચલાવવા બદલ 18 વર્ષના એક છોકરાએ એનો જાન ગુમાવવો પડ્યો છે. આ ઘટના અમુક દિવસો પહેલાંની છે, જે અહીંના વિક્રોલી ઉપનગરમાં એક ફ્લાઈઓવર પર બની હતી.

(ફાઈલ તસવીર)

મૃતક છોકરાનું નામ હિતેન્દ્ર વિજય તિવારી છે. તે વિક્રોલીના પાર્ક સાઈટ વિસ્તારનો રહેવાસી હતો. તેના પિતા વિજયે એમના કામકાજ માટે એક મોટરસાઈકલ ખરીદી હતી. તે દિવસની બપોરે હિતેન્દ્ર મનોરંજક સવારી માટે એના પિતાને પૂછ્યા વગર એમની બાઈક લઈ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ઈમરાન સિદ્દિકી નામનો એક ડ્રાઈવર એની ઓલા ટેક્સીમાં જતો હતો. સાથે સુનિતા મિરાની નામનાં એક પેસેન્જર પાછલી સીટ પર બેઠાં હતાં. ટેક્સી પવઈથી ભાંડુપ તરફ જતી હતી. ત્યારે હિતેન્દ્ર ઈમરાનની કેબને ઓવરટેક કરવાની કોશિશ કરતો હતો. આખરે તે એમાં સફળ થયો હતો, પણ તે વધારે પડતી સ્પીડમાં હતો અને થોડાકના આગળના અંતરે એ બાઈક પરથી અંકુશ ખોઈ બેઠો હતો અને બાઈક ડીવાઈડર સાથે અથડાઈ હતી. બાઈક પલટી ખાઈ ગઈ હતી અને હિતેન્દ્ર ઉછળીને રસ્તાની બીજી તરફ પડી ગયો હતો. કેબ ડ્રાઈવર ઈમરાન અને પેસેન્જર મિરાનીએ તે દ્રશ્ય જોયું અને તરત જ તેઓ હિતેન્દ્રને કેબમાં બેસાડીને નજીકની રાજાવાડી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસે પણ તરત જ હિતેન્દ્રના પિતાને ફોન કરીને બોલાવ્યા હતા.

હોસ્પિટલમાં ડોક્ટરોએ તરત જ હિતેન્દ્ર પર ઓપરેશન કર્યું હતું, પરંતુ અમુક જ કલાકોમાં એનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે હિતેન્દ્રના માથામાં ઘણી ઈજાઓ થઈ હતી અને તેને કારણે હેમરેજ અને શોકને કારણે એનું મૃત્યુ થયું હતું. પોલીસે કહ્યું કે હિતેન્દ્ર પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ નહોતું અને તેણે માથા પર હેલ્મેટ પણ પહેરી નહોતી, એને કારણે એને ગંભીર ઈજાઓ થઈ હતી. વિજય તિવારીએ કહ્યું કે એમનો પુત્ર એમને પૂછ્યા વગર મોટરસાઈકલ ક્યારે લઈ ગયો એની તેમને ખબર જ નહોતી.

ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો, લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી પાકિસ્તાનમાં ઠાર

પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોનો ખાત્મો ચાલુ છે. કરાચીમાં ભારતનો વધુ એક મોટો દુશ્મન માર્યો ગયો છે. હકીકતમાં, લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદી અદનાન અહમદ ઉર્ફે હંજલા અદનાન, જેણે 2015માં જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં BSFના કાફલા પર હુમલાની યોજના બનાવી હતી, તે માર્યો ગયો છે. અહેવાલો અનુસાર, તેમને અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી હતી. એક અહેવાલ મુજબ, હંજલા અદનાનને 2 અને 3 ડિસેમ્બરની વચ્ચેની રાત્રે અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેના પર કુલ ચાર ગોળીઓ વાગી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રિપોર્ટ અનુસાર, અદનાનને 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ લશ્કરના વડા હાફિઝ સઈદની ખૂબ નજીક માનવામાં આવતો હતો.

બે જવાનો શહીદ થયા હતા

અહેવાલો કહે છે કે અદનાનને તેના ઘરની બહાર ગોળી મારી દેવામાં આવી હતી, ત્યારબાદ પાકિસ્તાની સેના દ્વારા તેને ગુપ્ત રીતે કરાચીની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં 5 ડિસેમ્બરે તેમનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે ઉધપુરમાં બીએસએફના કાફલા પર લશ્કરના આતંકીઓએ કરેલા હુમલામાં સેનાના બે જવાન શહીદ થયા હતા. જ્યારે BSFના 13 જવાનો ઘાયલ થયા છે. આ સિવાય આવતા વર્ષે 2016માં પણ હંજલાએ પમ્પોરમાં CRPFના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં 8 જવાનો શહીદ થયા હતા. આ ખતરનાક આતંકવાદીએ પુલવામા હુમલામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

પાકિસ્તાનમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા 

ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં પાકિસ્તાનમાં અનેક આતંકીઓને અજાણ્યા હુમલાખોરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. આ પહેલા મુફ્તી કૈસર ફારૂક, ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પંજવાડ, એજાઝ અહમદ અહંગર, બશીર અહેમદ પીર જેવા આતંકવાદીઓના મોત થયા છે. એક દિવસ પહેલા જ 26/11ના મુંબઈ હુમલાના પ્લાનિંગમાં સામેલ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને પાકિસ્તાનની જેલમાં ઝેર આપવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. સાજિદ મીરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

છેલ્લાં ત્રણ વર્ષમાં સરકારી બેન્કોએ રૂ. 3.66 લાખ કરોડની માંડવાળ કરી

નવી દિલ્હીઃ દેશની સરકારી બેન્કોએ છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષોમાં રૂ. 3.66 લાખ કરોડનાં દેવાંને રાઇટ ઓફ (માંડવાળ) કરી દીધી છે. RBI આ માહિતી એક RTIના જવાબમાં આપી છે. ડેટા મુજબ આ બેન્કોએ માત્ર રૂ. 1.9 લાખ કરોડની વસૂલાત કરી છે. નાણાકીય વર્ષ 2022-23માં કુલ રિકવરી FY21માં 58,494 કરોડથી વધીને રૂ. 67,162 કરોડ થઈ ગઈ છે. આ સમયગાળામાં કુલ રાઇટ ઓફ રૂ. 1.18 લાખ કરોડની તુલનાએ રૂ. 1.31 લાખ કરોડ રહી છે.

FY23માં કેનેરા બેન્ક સિવાયની બધી સરકારી બેન્કોએ રિકવરીની તુલનામાં વધુ રાઇટ ઓફ કરી છે. સ્ટેટ બેન્કે રૂ. 13,024 કરોડની રિકવરીની તુલનામાં રૂ. 24,061 કરોડની લોનની માંડવાળ કરી છે. બેન્ક ઓફ બરોડાએ કુલ રાઇટ ઓફ લોન રૂ. 17,998 કરોડ રહી છે, જ્યારે એની રિકવરી રૂ. 6294 કરોડ રહી છે, જ્યારે કેનેરા બેન્કે FY23માં કુલ રૂ. 11,919 કરોડની રિકવરી કરી છે અને રૂ. 4472 કરોડની લોન રાઇટ ઓફ કરી છે. કેન્દ્રીય બેન્કે બેડ લોનની રિકવરી માટે ઝડપથી કામ કરવા માટે બેન્કોને નિર્દેસ આપ્યા છે.

RBIના ડેપ્યુટી ગવર્નર સ્વામિનાથને MPCની બેઠકમાં બેન્કોને સાઇટ ઓફ કરવામાં આવેલી લોનની વસૂલી માટે પ્રયાસો બમણા કરવા પર ભાર મૂક્યો હતો. આ સાથે છેલ્લાં પાંચ વર્ષમાં બેન્કોએ રૂ. 10.6 લાખ કરોડની લોન રાઇટ ઓફ (માંડવાળ) કરી દીધા છે. આ રકમમાંથી 50 ટકા મોટી કંપનીઓની લોન છે. સરકારે હાલમાં એ વિશેની માહિતી લોકસભામાં આપી છે. દેશની બધી શિડ્યુલ્ડ કોમર્શિયલ બેન્કોએ આ વર્ષ માર્ચમાં પૂરાં થયેલાં પાંચ વર્ષના સમયગાળામાં રૂ. 10.6 લાખ કરોડ શંકાસ્પદ લોન ખાતામાં નાખી દીધા છે.

 

 

 

 

 

Willful defaulters, owe, Indian banks, FM Bhagwat karad, RBI, Loan, Write Off,

T-20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં રવિ બિશ્નોઈ નંબર-1

T20 ક્રિકેટને વિશ્વનો નવો નંબર-1 બોલર મળ્યો છે. ભારતીય સ્પિનર ​​રવિ બિશ્નોઈ હવે ICC T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં બોલિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે લાંબા સમયથી આ પદ પર રહેલા રાશિદ ખાનને પાછળ છોડી દીધો છે. રવિ બિશ્નોઈના ખાતામાં હવે 699 પોઈન્ટ છે. તે રાશિદ ખાન (692) કરતા 7 રેટિંગ પોઈન્ટ આગળ નીકળી ગયો છે. આ યાદીમાં શ્રીલંકાના વાનિધુ હસરાંગા (679) ત્રીજા સ્થાને, આદિલ રાશિદ (679) ચોથા સ્થાને અને મહિષ તિક્ષાના (677) પાંચમા સ્થાને છે. એટલે કે T20 ઈન્ટરનેશનલ બોલરોની રેન્કિંગમાં સ્પિનરો ટોપ-5માં સ્થાન ધરાવે છે.

રવિ બિશ્નોઈને ઓસ્ટ્રેલિયા શ્રેણીનો ફાયદો મળ્યો

રવિ બિશ્નોઈને હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 સીરિઝથી ઘણો ફાયદો થયો છે. આ સિરીઝમાં બિશ્નોઈએ શાનદાર બોલિંગ કરી અને 5 મેચમાં 9 વિકેટ લીધી. ખાસ વાત એ છે કે આ સિરીઝમાં રનોના ભારે વરસાદ વચ્ચે તે નિયમિત રીતે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ પ્રદર્શન માટે તેને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.

બોલિંગ એવરેજ 17 અને સ્ટ્રાઈક રેટ 14

રવિ બિશ્નોઈએ ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આ સ્પિનરે ફેબ્રુઆરી 2022માં ઈડન ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તે તેની પહેલી જ મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો હતો. તેણે 17 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ બોલર T20માં સતત તબાહી મચાવી રહ્યો છે. બિશ્નોઈએ અત્યાર સુધીમાં 21 મેચ રમી છે અને તેણે 17.38ની બોલિંગ એવરેજ અને 7.14ના ઈકોનોમી રેટથી કુલ 34 વિકેટ લીધી છે. તેનો બોલિંગ સ્ટ્રાઈક રેટ 14.5 રહ્યો છે. એટલે કે તેણે દરેક 15મા બોલમાં એક વિકેટ લીધી છે.

‘PoK આપણું જ છે, એને માટે 47 બેઠકો અનામત રાખી છે’: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે લોકસભામાં બે ‘નયા કશ્મીર’ ખરડા રજૂ કર્યા હતા – જમ્મુ એન્ડ કશ્મીર રીઝર્વેશન (સુધારિત) ખરડો-2023 અને જમ્મમુ એન્ડ કશ્મીર રીઓર્ગેનાઈઝેશન (સુધારિત) ખરડો-2023. આ બંને ખરડા પરની ચર્ચા વખતે સરકારનો પ્રત્યુત્તર આપતાં ગૃહ પ્રધાન અમિત શાહે કેટલાક એવા નિવેદનો કર્યા કે દેશની જનતાને જોમ ચડશે.

અમિત શાહે કહ્યું કે, ‘ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ કરેલી બે ભૂલને કારણે આપણો દેશ નુકસાન ભોગવી રહ્યો છે. એક ભૂલ એ હતી કે પાકિસ્તાન સામેના યુદ્ધમાં આપણી સેના જીત મેળવવાને આરે હતી. પંજાબનો એરિયા આપણી સેનાના હાથમાં આવે એ પહેલાં જ નેહરુએ પૂરેપૂરું કશ્મીર જીત્યા વગર અચાનક યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી હતી. એને કારણે પાકિસ્તાન ભારતનો કશ્મીર પ્રદેશ પચાવવામાં સફળ થયું અને તે બની ગયું PoK. નેહરૂનો તે ઐતિહાસિક છબરડો હતો. જો નેહરૂએ ત્રણ દિવસ પછી યુદ્ધવિરામની જાહેરાત કરી હોત તો PoK આપણું હોત. નેહરૂની બીજી ભૂલ એ હતી કે, તેઓ કશ્મીરનો મામલો સંયુક્ત રાષ્ટ્ર (યૂનો) સંસ્થામાં લઈ ગયા હતા.’ શાહની આ વાતો સાંભળીને વિપક્ષ કોંગ્રેસના સભ્યો ભડકી ગયા હતા અને સભાત્યાગ કરી ગયા હતા.

અમિત શાહે કહ્યું કે, ‘આજે રજૂ કરાયેલા બે ખરડા જેમને અન્યાય થયો છે, જેમનું અપમાન થયું છે અને જેમની અવગણના કરાઈ છે એમને ન્યાય અપાવવા અને એમને અધિકારો અપાવવા માટેના છે. ભારતના બંધારણની આ જ મૂળ ભાવના છે. પાકિસ્તાને કબજામાં લીધેલું કશ્મીર આપણું જ છે. જમ્મુમાં અગાઉ 37 બેઠકો હતી, તે હવે વધીને 43 થઈ છે. કશ્મીરમાં અગાઉ 46 બેઠકો હતી, તે હવે વધીને 47 થઈ છે. પાકિસ્તાને પચાવી પાડેલું કશ્મીર (PoK) આપણું જ છે એટલે આપણે એને માટે 24 બેઠક અનામત રાખી છે.’

ઉક્ત બંને ખરડા લોકસભા ગૃહમાં પાસ કરી દેવામાં આવ્યા છે. હવે તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં BJP નવા ચહેરાઓને બનાવી શકે છે CM

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રી પદ માટે મંથન ચાલી રહ્યું છે. દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ નવા ચહેરાઓને મુખ્યમંત્રી બનાવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ત્રણેય રાજ્યોમાં બિન-ધારાસભ્યને પણ મુખ્યમંત્રી બનાવી શકાય છે. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રીપદના ચહેરાની જાહેરાત કરી નથી. પાર્ટીએ રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત મેળવીને કોંગ્રેસના હાથમાંથી સત્તા છીનવી લીધી છે. જ્યારે મધ્યપ્રદેશમાં પહેલાથી જ શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં સરકાર છે. પાર્ટીએ અહીં મોટી જીત હાંસલ કરી છે.

મુખ્યમંત્રી ચહેરા અંગે શિવરાજ સિંહ ચૌહાણ કહે છે કે પાર્ટી અમને જે પણ જવાબદારી આપે છે અમે તેને પૂરી કરીએ છીએ. હું માનું છું કે જે પોતાના વિશે વિચારે છે તે સારો કાર્યકર નથી. એક કાર્યકર તરીકે અમને જે પણ કામ આપવામાં આવે છે. કાર્પેટ બિછાવવાથી લઈને સફાઈથી લઈને સરકાર ચલાવવા સુધી, અમે તે કરીએ છીએ અને કરીશું.

રાજસ્થાન

જ્યારે રાજસ્થાનમાં ઝાલરાપાટન બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીતનાર મુખ્યમંત્રી વસુંધરા રાજે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન મેઘવાલ, બાબા બાલકનાથ અને દિયા કુમારીના નામની અટકળો ચાલી રહી છે. વસુંધરા રાજે આ પહેલા પણ રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. રાજસ્થાનના નવા મુખ્યમંત્રી અંગેની અટકળો વચ્ચે 4 ડિસેમ્બરે ભાજપના લગભગ 25 ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને મળ્યા હતા. વસુંધરા રાજેની ધારાસભ્યો સાથેની મુલાકાતને શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે.

છત્તીસગઢમાં પણ મુખ્યમંત્રી પદને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. આને ધ્યાનમાં રાખીને તાજેતરમાં પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ અરુણ સાઓ, પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ અને રાજ્ય માટે પાર્ટીના સહ-પ્રભારી નીતિન નબીને બેઠક યોજી હતી.

સરકાર બફર સ્ટોક બનાવવા ખેડૂતો પાસેથી તુવેર દાળની ખરીદી કરશે

નવી દિલ્હીઃ દેશમાં તુવેર દાળની અછતને પહોંચી વળવા માટે સરકારે તુવેર દાળનો બફર સ્ટોક બનાવશે. જે માટે સરકાર ખેડૂતો પાસેથી એની સીધી ખરીદી કરશે, એમ એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું. સરકાર નાફેડ ને NCCF દ્વારા ખેડૂતો પાસેથી સીધી તુવેરની ખરીદી કરશે અને જ્યારે આ તુવેર દાળના ભાવ રિટેલ માર્કેટમાં વધશે તો ભાવને નિયંત્રણમાં રાખવા માટે બફર સ્ટોકમાંથી જથ્થો બજારમાં ઉતારશે.

નાફેડ પાસે ખેડૂતોનો ડેટાબેઝ છે, કેમ કે સંસ્થા કૃષિ ઊપજ માટે વીમા એજન્ટ તરીકે કામ કરે છે. અમે એ ડેટાબેઝનો ઉપયોગ તુવેર દાળ ઉગાડતા ખેડૂતો પાસેથી ખરીદવા માટે એનો ઉપયોગ કરીશું, એમ તેમણે કહ્યું હતું. સરકારને અપેક્ષા છે કે એ ખેડૂતોને બજારમાં નિશ્ચિત ખરીદદારનો વિશ્વાસ આપશે, જેથી આગામી કેટલાંક વર્ષોમાં તુવેર દાળ ઉગાડવા માટે ખેડૂતોને પ્રોત્સાહન મળી રહેશે.

જોકે સમસ્યા એ છે કે તુવેર દાળના સ્થાનિક ઉત્પાદન કરતાં વપરાશ વધુ છે. વર્ષ 2022-23 (જુલાઈ-જૂન)માં દેશમાં તુવેર દાળનું ઉત્પાદન ગયા વર્ષના 42.9 લાખ ટનથી 20 ટકા ઘટીને 34.3 લાખ ટન થયું હતું. વળી, પાક સીઝન વર્ષ 2023-24માં કૃષિ મંત્રાલય દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ તુવેર દાળના ઉત્પાદનનો અંદાજ ગયા વર્ષ કરતાં થોડો નીચો 34.2 લાખ ટન આંકવામાં આવ્યો છે.

ગુજરાતમાં તુવેર દાળનું ઉત્પાદન સારું છે પરંતુ કર્ણાટક, મહારાષ્ટ્ર અને યુપીમાં ઓછું ઉત્પાદન થયું છે. જાણકારોને કહેવા પ્રમાણે કર્ણાટકના ગુલબર્ગામાં તુવેર દાળના પાકમાં ફૂગનો રોગ લાગવાને કારણે પાક નિષ્ફળ રહ્યો હતો. જ્યારે મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદે દાળનો પાક ધોઈ નાખ્યો.

 

 

ફ્લાવરનું સૂકું શાક

ઘણીવાર ટીફીન માટે ગૃહીણી ગડમથલમાં રહે છે કે ફ્લાવરનું શાક સૂકું, છૂટું અને સ્વાદીષ્ટ કઈ રીતે બને. આજે એ માટે થોડી ટીપ્સનો સમાવેશ છે અને એ રીતથી આ શાક સરળતાથી ઝટપટ બની પણ જાય છે. આમ પણ ફ્લાવરનું શાક જેમને ભાવતું હોય તેમને બને તેટલું શાકમાં ફ્લાવરના ટુકડા આખા રહે અને સ્વાદિષ્ટ પણ લાગે તેવું જોઈતું હોય છે.

સામગ્રીઃ

  • ફ્લાવર 250 ગ્રામ
  • બટેટું 1
  • કાંદો 1 (optional)
  • રાઈ 1 ટી.સ્પૂન
  • તેલ 2 ટે.સ્પૂન
  • હીંગ 2-3 ચપટી
  • આદુ 1 ઈંચ
  • લીલા મરચાં 2
  • લાલ મરચાં પાવડર 1 ટી.સ્પૂન
  • હળદર પાવડર ¼ ટી.સ્પૂન,
  • ટામેટું 1

રીતઃ ફ્લાવરના નાના ટુકડા કરી લો. એક મોટા વાસણમાં પાણીમાં થોડું મીઠું નાખીને ગરમ કરવા મૂકો. તેમાં 3-4 મિનિટ માટે ફ્લાવરના ટુકડા નાખો જેથી તે ચોખ્ખું થઈ જાય. થોડીવાર રાખીને ફ્લાવર એક થાળીમાં કાઢી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ તતડાવો. ત્યારબાદ તેમાં આદુના ઝીણા ટુકડા તેમજ મરચાંના 2-3 ટુકડા કરી અથવા ખમણીને તેલમાં 1 મિનિટ માટે સાંતડો. (કાંદા ખાતા હોવ તો કાંદો ઝીણો સમારીને સાંતડવો). ગેસની આંચ મધ્યમ રાખવી. હવે તેમાં બટેટાના ટુકડા નાખીને 2-3 મિનિટ થવા દઈ, તેમાં ફ્લાવરના ટુકડા નાખીને સાંતડો. હવે તેમાં હળદર પાવડર તેમજ લાલ મરચાં પાવડર નાખો, ગરમ મસાલો પણ નાખી દો. ટામેટાંના મધ્યમ આકારના ટુકડા કરીને તેમાં નાખો તેમજ મીઠું પણ ઉમેરો. સાથે કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને નાખો તેમજ કોથમીર ઝીણી સુધારેલી પણ ઉમેરી દો. હવે ગેસની આંચ ધીમી કરીને ઢાંકણ ઢાંકીને ફ્લાવરને 2-3 મિનિટ સુધી ચઢવા દો. વચ્ચે વચ્ચે તવેથા વડે શાક મિક્સ કરી લો. ફરીથી 2 મિનિટ રાખીને શાક ચઢી ગયું હોય તો ગેસ બંધ કરી દો. પણ ત્યારબાદ પણ ઢાંકણ રાખીને ગરમ રહેલાં શાકને તેમાં જ થોડું વધુ ચઢવા દો.

આ શાક ગરમાગરમ ઘી લગાડેલી ફુલકા રોટલી સાથે પીરસો.