સરકાર બફર સ્ટોક બનાવવા ખેડૂતો પાસેથી તુવેર દાળની ખરીદી કરશે

નવી દિલ્હીઃ દેશમાં તુવેર દાળની અછતને પહોંચી વળવા માટે સરકારે તુવેર દાળનો બફર સ્ટોક બનાવશે. જે માટે સરકાર ખેડૂતો પાસેથી એની સીધી ખરીદી કરશે, એમ એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું. સરકાર નાફેડ ને NCCF દ્વારા ખેડૂતો પાસેથી સીધી તુવેરની ખરીદી કરશે અને જ્યારે આ તુવેર દાળના ભાવ રિટેલ માર્કેટમાં વધશે તો ભાવને નિયંત્રણમાં રાખવા માટે બફર સ્ટોકમાંથી જથ્થો બજારમાં ઉતારશે.

નાફેડ પાસે ખેડૂતોનો ડેટાબેઝ છે, કેમ કે સંસ્થા કૃષિ ઊપજ માટે વીમા એજન્ટ તરીકે કામ કરે છે. અમે એ ડેટાબેઝનો ઉપયોગ તુવેર દાળ ઉગાડતા ખેડૂતો પાસેથી ખરીદવા માટે એનો ઉપયોગ કરીશું, એમ તેમણે કહ્યું હતું. સરકારને અપેક્ષા છે કે એ ખેડૂતોને બજારમાં નિશ્ચિત ખરીદદારનો વિશ્વાસ આપશે, જેથી આગામી કેટલાંક વર્ષોમાં તુવેર દાળ ઉગાડવા માટે ખેડૂતોને પ્રોત્સાહન મળી રહેશે.

જોકે સમસ્યા એ છે કે તુવેર દાળના સ્થાનિક ઉત્પાદન કરતાં વપરાશ વધુ છે. વર્ષ 2022-23 (જુલાઈ-જૂન)માં દેશમાં તુવેર દાળનું ઉત્પાદન ગયા વર્ષના 42.9 લાખ ટનથી 20 ટકા ઘટીને 34.3 લાખ ટન થયું હતું. વળી, પાક સીઝન વર્ષ 2023-24માં કૃષિ મંત્રાલય દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ તુવેર દાળના ઉત્પાદનનો અંદાજ ગયા વર્ષ કરતાં થોડો નીચો 34.2 લાખ ટન આંકવામાં આવ્યો છે.

ગુજરાતમાં તુવેર દાળનું ઉત્પાદન સારું છે પરંતુ કર્ણાટક, મહારાષ્ટ્ર અને યુપીમાં ઓછું ઉત્પાદન થયું છે. જાણકારોને કહેવા પ્રમાણે કર્ણાટકના ગુલબર્ગામાં તુવેર દાળના પાકમાં ફૂગનો રોગ લાગવાને કારણે પાક નિષ્ફળ રહ્યો હતો. જ્યારે મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદે દાળનો પાક ધોઈ નાખ્યો.