બાઈક-ટેક્સી સ્ટાર્ટઅપ રેપિડોએ કેબ બિઝનેસમાં કર્યો પ્રવેશ

મુંબઈઃ દેશમાં બાઈક-ટેક્સી સેવા પૂરી પાડતી રેપિડો કંપનીએ કેબ બિઝનેસમાં વ્યૂહાત્મક પ્રવેશ કર્યાની આજે જાહેરાત કરી છે. તેણે આંતર-શહેર રેપિડો કેબ્સ શરૂ કરી છે. બાઈક ટેક્સીની માર્કેટમાં રેપિડોનો હિસ્સો 60 ટકા છે. કેબ બિઝનેસમાં તે 1 લાખ વાહનોના પ્રારંભિક કાફલા સાથે શરૂઆત કરશે.

રેપિડોનું કહેવું છે કે તે અનોખા એવા SaaS-આધારિત (સોફ્ટવેર એઝ અ સર્વિસ) પ્લેટફોર્મ પર જ પોતાના બિઝનેસનું વિસ્તરણ કરે છે. આ સેવામાં યૂઝર્સ વેબ બ્રાઉઝર મારફત રેપિડોની એપ પર સબ્સ્ક્રાઈબ કરીને સેવા એક્સેસ કરી શકે છે. આ પ્લેટફોર્મને કારણે ડ્રાઈવરો માટે પરંપરાગત કમિશન પદ્ધતિ નાબૂદ થાય છે. આ સેવામાં ડ્રાઈવરોને માત્ર ન્યૂનતમ સોફ્ટવેર યૂસેજ ફીનો જ ખર્ચ થાય છે.

SaaS-આધારિત પ્લેટફોર્મ માર્કેટપ્લેસ પર નિયંત્રણ રાખ્યા વગર ડ્રાઈવરો અને ગ્રાહકોને કનેક્ટ કરી આપે છે. રેપિડો ઈકોસિસ્ટમ અંતર્ગત ડ્રાઈવરો ગ્રાહકો પાસેથી જ સીધું પેમેન્ટ મેળવે છે. રેપિડોનો આમાં કોઈ હસ્તક્ષેપ હોતો નથી. ડ્રાઈવરોએ અમુક સામાન્ય સબ્સક્રિપ્શન ફી ચૂકવવાની રહે છે. રેપિડો એપ મારફત રૂ. 10,000ની કમાણી થાય એટલે ડ્રાઈવરોએ રૂ. 500ની ફી ચૂકવવાની રહે છે.