પરવાનગી વગર 18 વર્ષના છોકરાએ પિતાની બાઈક ચલાવી, અકસ્માતમાં મૃત્યુ પામ્યો

મુંબઈઃ પિતાની મોટરબાઈક એમની પરવાનગી વગર અને લાઈસન્સ વગર માત્ર મનોરંજનને ખાતર ચલાવવા બદલ 18 વર્ષના એક છોકરાએ એનો જાન ગુમાવવો પડ્યો છે. આ ઘટના અમુક દિવસો પહેલાંની છે, જે અહીંના વિક્રોલી ઉપનગરમાં એક ફ્લાઈઓવર પર બની હતી.

(ફાઈલ તસવીર)

મૃતક છોકરાનું નામ હિતેન્દ્ર વિજય તિવારી છે. તે વિક્રોલીના પાર્ક સાઈટ વિસ્તારનો રહેવાસી હતો. તેના પિતા વિજયે એમના કામકાજ માટે એક મોટરસાઈકલ ખરીદી હતી. તે દિવસની બપોરે હિતેન્દ્ર મનોરંજક સવારી માટે એના પિતાને પૂછ્યા વગર એમની બાઈક લઈ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ઈમરાન સિદ્દિકી નામનો એક ડ્રાઈવર એની ઓલા ટેક્સીમાં જતો હતો. સાથે સુનિતા મિરાની નામનાં એક પેસેન્જર પાછલી સીટ પર બેઠાં હતાં. ટેક્સી પવઈથી ભાંડુપ તરફ જતી હતી. ત્યારે હિતેન્દ્ર ઈમરાનની કેબને ઓવરટેક કરવાની કોશિશ કરતો હતો. આખરે તે એમાં સફળ થયો હતો, પણ તે વધારે પડતી સ્પીડમાં હતો અને થોડાકના આગળના અંતરે એ બાઈક પરથી અંકુશ ખોઈ બેઠો હતો અને બાઈક ડીવાઈડર સાથે અથડાઈ હતી. બાઈક પલટી ખાઈ ગઈ હતી અને હિતેન્દ્ર ઉછળીને રસ્તાની બીજી તરફ પડી ગયો હતો. કેબ ડ્રાઈવર ઈમરાન અને પેસેન્જર મિરાનીએ તે દ્રશ્ય જોયું અને તરત જ તેઓ હિતેન્દ્રને કેબમાં બેસાડીને નજીકની રાજાવાડી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસે પણ તરત જ હિતેન્દ્રના પિતાને ફોન કરીને બોલાવ્યા હતા.

હોસ્પિટલમાં ડોક્ટરોએ તરત જ હિતેન્દ્ર પર ઓપરેશન કર્યું હતું, પરંતુ અમુક જ કલાકોમાં એનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે હિતેન્દ્રના માથામાં ઘણી ઈજાઓ થઈ હતી અને તેને કારણે હેમરેજ અને શોકને કારણે એનું મૃત્યુ થયું હતું. પોલીસે કહ્યું કે હિતેન્દ્ર પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ નહોતું અને તેણે માથા પર હેલ્મેટ પણ પહેરી નહોતી, એને કારણે એને ગંભીર ઈજાઓ થઈ હતી. વિજય તિવારીએ કહ્યું કે એમનો પુત્ર એમને પૂછ્યા વગર મોટરસાઈકલ ક્યારે લઈ ગયો એની તેમને ખબર જ નહોતી.