કાર્તિકેય વિક્રમ સારાભાઈ સાથે એક યાદગાર સાંજ

મુંબઈઃ રોટરી ક્લબ ઑફ ક્વીન સિટી તથા ‘ડી ઍન્ડ જે ફાઉન્ડેશન’ના સ્થાપક રમેશ જૈન દ્વારા આયોજિત ‘બીતે કલ કો સલામ’ની એ કાર્યક્રમની શ્રેણીમાં પાંચ ડિસેમ્બરે પદ્મશ્રી કાર્તિકેય વિક્રમ સારાભાઈનું સમ્માન તથા એમની સાથે એક સંવાદનો કાર્યક્રમ મુંબઈના નેહરુ સેન્ટર સ્થિત જેડ બૉલરૂમમાં યોજાઈ ગયો.

‘એન્વાયરમેન્ટ એજ્યુકેશન સેન્ટર’ના ફાઉન્ડર અને ડિરેક્ટર તથા ભારતમાં પર્યાવરણના શિક્ષણ અંગે જાગૃતિ લાવી રહેલા 76 વર્ષીય કાર્તિકેય સારાભાઈ મિનિસ્ટ્રી ઑફ એન્વાયર્નમેન્ટ, ફૉરેસ્ટ અને મિનિસ્ટ્રી ઑફ હ્યુમન રિસોર્સીસ સાથે સંકળાયેલી વિવિધ કમિટીમાં કામ કર્યું છે.

પોતાના વક્તવ્યના આરંભમાં કાર્તિકેય સારાભાઈએ પોતાના પરિવાર વિશેની સુખદ સ્મૃતિ વાગોળી હતી. જેમ કે, 1920માં ગુજરાતી સાહિત્ય પરિષદ વતી રવીન્દ્રનાથ ટાગોરને અમદાવાદ બોલાવવાના હતા ત્યારે એ આમંત્રણ મહાત્મા ગાંધી દ્વારા મોકલવામાં આવ્યું. તે વખતે રવીન્દ્રનાથના અમદાવાદમાં ઉતારાની વ્યવસ્થા કાર્તિકેયભાઈના દાદાજી અંબાલાલ સારાભાઈએ પોતાના નિવાસસ્થાનમાં કરેલી. એ રીતે રવીન્દ્રનાથ ટાગોરનો સારાભાઈપરિવાર સાથે ઘરોબો બંધાયો.

પોતાના વ્યક્તિઘડતરમાં દાદાજી-ફોઈ-પિતા તથા જૈનસંસ્કારે કેટલો મહત્વનો ભાગ ભજવ્યો છે એ જણાવતાં કાર્તિકેયભાઈએ કહ્યું કે “1917ના ડિસેમ્બરમાં અમદાવાદમાં મજૂરોએ પગારવધારા માટે હડતાળ પાડી ત્યારે અંબાલાલ સારાભાઈ (કાર્તિકેયભાઈના દાદાજી)નાં બહેન ડૉ. અનસૂયાબહેન (કાર્તિકેયભાઈનાં ફોઈ) મજૂરો વતી લડત ચલાવતાં. આખો દિવસ એ મિલમાલિકો, જેમાં પોતાના નાના ભાઈ, અંબાલાલ સારાભાઈ (કેલિકો, જ્યુબિલી મિલ) પણ હતા, એમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા ને રાતે ભાઈ-બહેન સાથે જમવા બેસતાં. ત્રણેક મહિના બાદ પગારાવધારો માન્ય રાખવામાં આવ્યો. ભાઈ-બહેનના આ સૈદ્ધાંતિક સંઘર્ષને મહાદેવભાઈ દેસાઈએ ધર્મયુદ્ધ તરીકે ઓળખાવ્યું હતું. મજૂરો સાથે કામ કરવાના પોતાના અનુભવો તથા ગાંધીવિચારોથી પ્રેરાઈને અનસુયાબહેને મજૂરોના પ્રશ્નોના ઉકેલ માટે ‘મજૂર મહાજન સંઘ’ની સ્થાપના કરી.”

તો રવીન્દ્રનાથ ટાગોરે જેમને મેધાસંપન્નનું બિરુદ આપેલું એ ડૉ. વિક્રમ સારાભાઈ (કાર્તિકેયભાઈના પિતા) એટલે ભારતના પરમાણુ અને અવકાશયુગની તાસીર બદલનાર ભૌતિકવિજ્ઞાની, ‘ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી’, ‘અમદાવાદ ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રી રિસર્ચ ઍસોસિયેશન’ (‘અટિરા’), ‘ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ’ તથા ‘કમ્યૂનિટી સાયન્સ સેન્ટર’ જેવી કંઈકેટલીય સંસ્થાઓના સર્જક, પ્રગતિશીલ ઉદ્યોગપતિ, કલા, વિજ્ઞાન અને શિક્ષણનો સમન્વય સાધનાર દ્રષ્ટા હતા.

પોતાના જીવનમાં આવેલા વળાંક વિશે જણાવતાં “કાર્તિકેયભાઈએ જણાવ્યું કે 1965માં હું લંડન અભ્યાસ કરવા ગયો. મારે પિતાના પગલે ફિઝિક્સ-મૅથ્સ ભણીને વિજ્ઞાની બનવું હતું, પણ 1967માં બિહારના ભીષણ દુષ્કાળ વિશે લંડન ટાઇમ્સમાં વાંચ્યું અને ફિઝિક્સ-મૅથ્સમાં આગળ વધવાને બદલે સમાજોદ્ધાર માટે ભારત આવવાનો નિર્ણય લીધો. અલબત્ત, એ પહેલાં એમઆઇટીમાં ભણતર પૂરું કર્યું, ડિગ્રી મેળવી. મારી ઈચ્છા પિતાને જણાવી. એમણે મને કારકિર્દી બદલવાની તથા જીવનમાં જે કરવું હોય એની મોકળા મને સંમતિ આપી.”

આ અવસરે કાર્તિકેયભાઈએ  હવામાનના બદલાતા મિજાજના સમયમાં શિક્ષક અને શિક્ષણ માટે પડકારો વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “પ્રકૃતિ ક્યારેય કચરાનું સર્જન કરતી નથી, કચરો એ માનવીનું સર્જન છે. ક્લાઇમેટ ચેન્જના યુગમાં તમામ શિક્ષકોએ પર્યાવરણીય મુદ્દે જાગ્રત રહેવું પડશે અને આવનારી પેઢીને આ વિશે માહિતગાર કરવા પડશે. પ્રકૃતિના વિનાશથી ઊભા થયેલા વિવિધ પર્યાવરણીય પડકારો વિશે પણ તેમણે માહિતી આપી હતી.”

આમ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં ડૂબકી લગાવી, કાર્તિકેયભાઈએ અઢળક અણમોલ રત્નો શ્રોતા સમક્ષ મૂક્યાં હતાં. આ દબદબાભેર કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ચીફ કમિશનર- કસ્ટમ્સ તથા જીએસટી ડૉ. ઉમા શંકર, મેજર ડૉ. સુરેન્દ્ર પુનિયા, ‘સિયારામ મિલ્સ’ના જૉઈન્ટ મૅનેજિંગ ડિરેક્ટર પવન પોદ્દાર, ‘બીએમસી’ના આસિસ્ટન્ટ કમિશનર વિશ્વાસ મોટે, સંગીતકાર આણંદજી, વગેરે જેવી વિવિધ ક્ષેત્રની નામાંકિત વ્યક્તિ ઉપસ્થિત રહી હતી.

(કેતન મિસ્ત્રી)