નવી મુંબઈમાં 24 કલાકમાં 6 બાળકો ગૂમ થયાની પોલીસમાં ફરિયાદ

નવી મુંબઈઃ મુંબઈની પડોશના થાણે જિલ્લામાં આવેલા નવી મુંબઈ શહેરના જુદા જુદા ભાગોમાંથી ગત્ 24 કલાકમાં ચાર બાળકો ગૂમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આમાં ચાર સગીર વયની છોકરીઓ છે અને બે છોકરા છે. બાળકોને શોધી કાઢવા માટે પોલીસતંત્ર કામે લાગી ગયું છે. એમાંના એક બાળકનો પતો લાગ્યો હતો અને તેનું એના માતાપિતા સાથે પુનર્મિલન કરાવવામાં આવ્યું છે.

ગૂમ થયેલાં બાળકો 12-15 વર્ષની વયનાં છે. તેઓ 3-4 ડિસેમ્બર વચ્ચે ગૂમ થયાં હતાં. 12 વર્ષના એક છોકરો કોપરખૈરણે ઉપનગરમાંથી ગૂમ થયો હતો. એ બાદમાં થાણે રેલવે સ્ટેશન નજીક મળી આવ્યો હતો. એનો એના માતાપિતા સાથે પુનઃ મેળાપ કરાવી દીધો છે.

13 વર્ષની એક છોકરી કળંબોલી ઉપનગરમાંથી ગૂમ થઈ છે. એ ગયા રવિવારે એનાં ક્લાસમાં ભણતી એક છોકરીના જન્મદિવસની પાર્ટીની ઉજવણીમાં ગઈ હતી, પણ પાછી ફરી નહોતી. પનવેલમાં 14-વર્ષની એક છોકરી ગયા રવિવારે એની એક સહેલીનાં ઘેર એક પ્રસંગે ગઈ હતી, પણ પોતાનાં ઘેર પાછી ફરી નહોતી.

કમોઠે ઉપનગરમાં 12 વર્ષની એક છોકરી ગૂમ થઈ છે. એ ગઈ કાલે એનાં ઘેરથી બહાર નીકળ્યાં બાદ પાછી ફરી નહોતી. રબાળે ઉપનગરમાં 13-વર્ષની એક છોકરી શાળાએ જવા એનાં ઘેરથી નીકળી હતી, પણ ઘેર પાછી ફરી નહોતી. રબાળેમાં જ 13-વર્ષનો એક છોકરો વહેલી સવારે જાહેર શૌચાલયમાં ગયો હતો, પણ તે પછી ઘેર પાછો ફર્યો નહોતો.