નીતા અંબાણીને ‘સ્પોર્ટ્સ લીડર ઓફ ધ યર-ફીમેલ’ એવોર્ડ એનાયત

મુંબઈઃ ભારતના સ્પોર્ટ્સ ક્ષેત્રને નવી દિશા આપવામાં અદભુત નેતૃત્વ દાખવવા બદલ રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચેરપર્સન નીતા એમ અંબાણીનું સોમવારે સાંજે નવી દિલ્હીમાં યોજાયેલા CII સ્કોરકાર્ડ 2023 સમારોહમાં “સ્પોર્ટ્સ લીડર ઓફ ધ યર-ફીમેલ” એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્પોર્ટ્સમાં શ્રેષ્ઠતાના નવા માપદંડ સ્થાપિત કરવા બદલ રિલાયન્સ ફાઉન્ડેશનને પણ “બેસ્ટ કોર્પોરેટ પ્રમોટિંગ સ્પોર્ટ્સ ઇન ઈન્ડિયા” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ સંદર્ભમાં, રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચેરપર્સન નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે CII સ્પોર્ટ્સ બિઝનેસ એવોર્ડ્સ અંતર્ગત “સ્પોર્ટ્સ લીડર ઓફ ધ યર- ફીમેલ” અને “બેસ્ટ કોર્પોરેટ પ્રમોટિંગ સ્પોર્ટ્સ ઇન ઈન્ડિયા” એવોર્ડ્સ સ્વીકારતાં હું કૃતજ્ઞતા અને ગર્વની લાગણી અનુભવું છું. મારું દ્રઢતાપૂર્વક માનવું છે કે સ્પોર્ટ્સ એકતા, ઊર્જા અને સમાનતાની લાગણીનો સંચાર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. 2023 એ ખરેખર સ્પોર્ટ્સ ક્ષેત્રમાં ભારત માટે સર્વોત્તમતાનું વર્ષ રહ્યું છે. આપણા રમતવીરોએ વૈશ્વિક સ્તરે સંખ્યાબંધ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં વિજય દ્વારા દેશને ગૌરવ અપાવ્યું છે અને આપણે મુંબઈમાં 141મી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સેશન આયોજિત કરીને 40 વર્ષના ગાળા બાદ ઓલિમ્પિક મુવમેન્ટને ભારતમાં પરત લાવ્યા છીએ. રિલાયન્સ ફાઉન્ડેશન ખાતે અમે ભારતના યુવાવર્ગ માટે વિશ્વ-સ્તરીય તકો અને સમર્થન પૂરા પાડીને ભારતને વૈશ્વિક સ્તરે સ્પોર્ટિંગ પાવરહાઉસ બનાવવા કટિબદ્ધ છીએ, એમ તેમણે જણાવ્યું હતું.