‘PoK આપણું જ છે, એને માટે 47 બેઠકો અનામત રાખી છે’: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે લોકસભામાં બે ‘નયા કશ્મીર’ ખરડા રજૂ કર્યા હતા – જમ્મુ એન્ડ કશ્મીર રીઝર્વેશન (સુધારિત) ખરડો-2023 અને જમ્મમુ એન્ડ કશ્મીર રીઓર્ગેનાઈઝેશન (સુધારિત) ખરડો-2023. આ બંને ખરડા પરની ચર્ચા વખતે સરકારનો પ્રત્યુત્તર આપતાં ગૃહ પ્રધાન અમિત શાહે કેટલાક એવા નિવેદનો કર્યા કે દેશની જનતાને જોમ ચડશે.

અમિત શાહે કહ્યું કે, ‘ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ કરેલી બે ભૂલને કારણે આપણો દેશ નુકસાન ભોગવી રહ્યો છે. એક ભૂલ એ હતી કે પાકિસ્તાન સામેના યુદ્ધમાં આપણી સેના જીત મેળવવાને આરે હતી. પંજાબનો એરિયા આપણી સેનાના હાથમાં આવે એ પહેલાં જ નેહરુએ પૂરેપૂરું કશ્મીર જીત્યા વગર અચાનક યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી હતી. એને કારણે પાકિસ્તાન ભારતનો કશ્મીર પ્રદેશ પચાવવામાં સફળ થયું અને તે બની ગયું PoK. નેહરૂનો તે ઐતિહાસિક છબરડો હતો. જો નેહરૂએ ત્રણ દિવસ પછી યુદ્ધવિરામની જાહેરાત કરી હોત તો PoK આપણું હોત. નેહરૂની બીજી ભૂલ એ હતી કે, તેઓ કશ્મીરનો મામલો સંયુક્ત રાષ્ટ્ર (યૂનો) સંસ્થામાં લઈ ગયા હતા.’ શાહની આ વાતો સાંભળીને વિપક્ષ કોંગ્રેસના સભ્યો ભડકી ગયા હતા અને સભાત્યાગ કરી ગયા હતા.

અમિત શાહે કહ્યું કે, ‘આજે રજૂ કરાયેલા બે ખરડા જેમને અન્યાય થયો છે, જેમનું અપમાન થયું છે અને જેમની અવગણના કરાઈ છે એમને ન્યાય અપાવવા અને એમને અધિકારો અપાવવા માટેના છે. ભારતના બંધારણની આ જ મૂળ ભાવના છે. પાકિસ્તાને કબજામાં લીધેલું કશ્મીર આપણું જ છે. જમ્મુમાં અગાઉ 37 બેઠકો હતી, તે હવે વધીને 43 થઈ છે. કશ્મીરમાં અગાઉ 46 બેઠકો હતી, તે હવે વધીને 47 થઈ છે. પાકિસ્તાને પચાવી પાડેલું કશ્મીર (PoK) આપણું જ છે એટલે આપણે એને માટે 24 બેઠક અનામત રાખી છે.’

ઉક્ત બંને ખરડા લોકસભા ગૃહમાં પાસ કરી દેવામાં આવ્યા છે. હવે તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.