રાજપૂત કરણી સેનાના વડા સુખદેવસિંહના બંને હત્યારાની પોલીસે ઓળખ કરી

જયપુરઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવસિંહ ગોગામેડીની ગઈ કાલે અહીં શ્યામ નગરસ્થિત એમના બંગલામાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરનાર બંને હુમલાખોરની ઓળખ સાબિત કરવામાં પોલીસને સફળતા મળી છે.

પોલીસે આ બંનેને રોહિત રાઠોર મકરાના અને નીતિન ફૌજી તરીકે ઓળખી કાઢ્યા છે. આમાંનો નીતિન ફૌજી હરિયાણાના મહેન્દ્રગઢનો રહેવાસી છે. હત્યાના બનાવમાં, નવીન શેખાવત નામનો ત્રીજો ગુનેગાર પણ સામેલ હતો, પણ અંધાધૂંધ ગોળીબારમાં એને ગોળી વાગી ગઈ હતી. ગોળીબારમાં ગોગામેડીનો એક બોડીગાર્ડ પણ ઘાયલ થયો છે. રાજ્યના પોલીસ વડા ઉમેશ મિશ્રાએ આ કેસમાં તપાસ કરવા માટે ખાસ ટૂકડીની રચના કરી છે અને જાહેરાત કરી છે કે આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા આપે એવી કોઈ પણ માહિતી આપનારને રૂ. પાંચ લાખનું ઈનામ આપવામાં આવશે.