કોના શિરે તાજ?: મુખ્ય મંત્રીની રેસમાં ભાજપના બંને રાજવંશના નેતા

ભોપાલઃ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપની પ્રચંડ જીતની ચર્ચા ચોરે ને ચૌટે થઈ રહી છે, એટલી જ ચર્ચા બંને રાજ્યોમાં મુખ્ય મંત્રી કોણ બનશે? એના પર થઈ રહી છે. પાર્ટીએ હજી સુધી મુખ્ય મંત્રી માટે કોઈ નામની ઘોષણા નથી કરી, પણ રેસમાં કેટલાંક નામ સામેલ છે. આ રેસમાં બે નામ પણ સામેલ છે, જે રાજવંશથી સંબંધ ધરાવે છે. રાજસ્થાનના જયપુર રાજઘરાનાની રાજકુમારી દિયા કુમારી અને મધ્ય પ્રદેશના ગ્વાલિયર રાજઘરાનાના જ્યોતિરાદિત્ય સિંધિયા મુખ્ય મંત્રીના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

સિંધિયાએ ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને તે ભાજપમાં સામેલ થયા પછી પાર્ટી ફરી સત્તામાં આવી છે. આવામાં તેમના ટેક્દારો સિંધિયાને મુખ્ય મંત્રી બનાવવાની વકીલાત કરી રહ્યા છે, જ્યારે રાજસ્થાનમાં વિદ્યાધર નગર સીટ ચૂંટણી જીત્યા પછી દિયાકુમારીની CM પદની દાવેદારી વધી ગઈ છે. વડા પ્રધાન મોદીએ દિયાકુમારીને જે રીતે મહત્ત્વ આપ્યું હતું એનાથી અંદાજ લગાવી શકાય છે કે પાર્ટી તેમને CM બનાવી શકે છે. આ સિવાય તેઓ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ પર પણ ખૂબ બોલે છે. સિંધિયા રાજ્યસભા સાંસદ છે અને હાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય પણ સંભાળી રહ્યા છે, જ્યારે દિયાકુમારી લોકસભા સીટનાં સાંસદ છે. રાજવંશના હોવાને કારણે સિંધિયા અને દિયાકુમારી પાસે માલમિલકતની ઘણી ચર્ચા છે.

દિયાકુમારી જયપુરના અંતિમ શાસક મહારાજ માનસિંહ દ્વિતીયનાં દોહિત્ર છે. તેમણે નામાંકન ભરતી વખતે આપેલી માહિતી પ્રમાણે તેઓ રૂ. 19.19 કરોડની સંપત્તિ છે અને એફિડેવિટ અનુસાર તેમની પાસે 28 કંપનીઓ છે. જ્યારે સિંધિયા પાસે આશરે રૂ. 375 કરોડની સ્થાવર જંગમ મિલકત છે. ગ્વાલિયરમાં તેમની હવેલીની કિંમત રૂ. 4000 કરોડ છે, જેમાં 400 રૂમ છે.