યુનેસ્કો દ્વારા ‘ગરબા’ને સાંસ્કૃતિક વારસો જાહેર કરાયો

ગાંધીનગર: દેશ અને દુનિયામાં જાણીતા ગુજરાતના ગરબાને યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન્સ) દ્વારા સાંસ્કૃતિક વિરાસત (ઇન્ટેજિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનિટી)નો દરજ્જો આપવામાં આવશે. યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવશે. યુનેસ્કો દ્વારા આયોજિત બોત્સાવાનામાં સમારોહનું આયોજન થયું છે. આ માટે ચાર સ્થળો પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, તેમ સરકારની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ગુજરાતના ગરબાને સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરાશે, આ માટે આજે યુનેસ્કોની ટીમ ગુજરાતમાં આવશે, અને જુદાં-જુદાં સ્થળો પર ગરબાની ઢબને નિહાળશે. આજે સાંજે અમદાવાદના ભદ્ર ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે, એટલુ જ નહીં, ચાચર ચોક અંબાજીમાં પણ સાંજે ગરબાનું ભવ્ય આયોજન થઇ રહ્યું છે.

ગરબો એ ગુજરાત અને ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યપૂર્ણ એકતા દર્શાવતું મહત્વનું સ્થાન ધરાવે છે. ગરબાને મા આદ્યશક્તિની ઉપાસના તરીકે જોવામાં આવે છે. જાતિ ધર્મ ભાષા બોલીના ભેદથી ઉપર ઊઠીને સામાજિક સમરસતા અને સમૂહ જીવનને આકાર આપવામાં એ મહત્વનું સ્થાન લીધું છે. ગુજરાતના પ્રજાજીવનને ધબકતું રાખવા અને જીવંત રાખવા ગરબાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ગરબાનો સૌથી મોટો ઉત્સવ નવરાત્રી એટલે કે વિશ્વનો સૌથી લાંબો ચાલનારો ઉત્સવ પણ બની ચૂક્યો છે.

આ નવરાત્રીના ગરબાને માણવા માટે દેશ-વિદેશથી લોકો ખાસ ગુજરાત આવવા લાગ્યા છે. ગરબો એટલે ભક્તિ ભાવ સ્નેહ અને પ્રારંપરિક સહકારનું પ્રતિબિંબ આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમા સમૂહમાં ગવાતા ગરબાએ સમાજ જીવનનું બહુમૂલ્ય અંગ છે. ગરબો પરંપરા પ્રેરણા, ઉત્સાહ ઉપરાંતમાં આદ્યશક્તિના આવિર્ભાવથી પ્રગટતા ઉત્કૃષ્ટ ભાવનું પ્રતીક પણ છે.