Home Blog Page 2270

ખાલિસ્તાની આતંકવાદી પન્નુની સંસદ પર હુમલાની ધમકી

નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુએ ભારત પર હુમલો કરવાનો ધમકીભર્યો એક વિડિયો જારી કર્યો છે. તેણે વિડિયોમાં કહ્યું હતું કે મારી હત્યાનું ષડયંત્ર નિષ્ફળ થયું છે. હું 13 ડિસેમ્બેર સંસદ ભવન પર હુમલો કરીને એનો જવાબ આપીશ. 13 ડિસેમ્બર, 2001એ સંસદ ભવન પર આતંકવાદી હુમલો થયો હતો. ભારતીય એજન્સીઓએ તેની હત્યાની યોજના બનાવી હતી, જે નિષ્ફળ થઈ છે. તેના હુમલાની યોજનાના જવાબમાં તે 13 ડિસેમ્બરે સંસદ પર હુમલો કરશે, એમ તેણે કહ્યું હતું.

પન્નુએ સંસદ ભવન પર હુમલાના દોષી અફઝલ ગુરુ સાથેના એક વિડિયોમાં એક પોસ્ટર પણ જારી કર્યું છે, જેમાં લખ્યું હતું કે ‘દિલ્હી બનશે પાકિસ્તાન.’ હજી હાલમાં અમેરિકી એજન્સીઓએ એક ભારતીય શખસની ધરપકડ કરીને પન્નુની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. અમેરિકી એજન્સીઓએ દાવો કર્યો હતો કે ધરપકડ કરવામાં આવેલો આરોપી ભારતીય એજન્સીઓના ઇશારે કામ કરી રહ્યો હતો. જોકે ભારતે સ્પષ્ટ શબ્દોમાં આરોપોથી ઇનકાર કર્યો હતો અને તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે.

સુરક્ષા એજન્સીઓએ પન્નુના તાજા વિડિયોને જોઈને જણાવ્યું હતું કે પન્નુના વિડિયોનું કન્ટેન્ટ સાંભળીને સ્પષ્ટ લાગ રહ્યું છે કે પન્નુ સ્ક્રિપ્ટ પાકિસ્તાની જાસૂસી એજન્સી ISI K-2 ડેસ્કે લખીને આપી છે. એને કારણે વિડિયોમાં એક તરફ ખાલિસ્તાનનો પ્રોપેગેન્ડા ચાલતો અને સંભળાવી દઈ રહ્યો છે કે તે અફઝલ ગુરુનું નામ લઈને કાશ્મીરી આતંકવાદી અને પાકિસ્તાનના કાશ્મીરી એજન્ડાનો પણ સાથ છે. પન્નુના આ વિડિયો પછી સુરક્ષા એજન્સીઓ હાઇ અલર્ટ પર છે.

 

 

 

 

 

 

કોરાનાના 119 નવા કેસો, એકનું મોત    

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 119 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,02,440 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,302 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,551 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 43 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 587 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,78,090 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 80 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

વાવાઝોડું ‘મિચૌંગ’ આંધ્ર પ્રદેશના મધ્ય સમુદ્રકાંઠા પર નબળું પડી ગયું

હૈદરાબાદઃ ગઈ કાલે બપોરે આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાના સમુદ્રકાંઠા પર ત્રાટકેલા ચક્રવાતી વાવાઝોડા ‘મિચૌંગ’નું જોર રાજ્યના મધ્યભાગના કાંઠાળ વિસ્તાર પરના આકાશમાં નબળું પડી ગયું છે અને વાવાઝોડું હવાના ઘેરા દબાણમાં ફેરવાઈ ગયું છે. એ હવે વધુને વધુ નબળું પડતું રહેશે, પરંતુ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના રહેશે, એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે.

તામિલનાડુમાં 18નાં મરણ

મિચૌંગ વાવાઝોડાને કારણે પડોશના તામિલનાડુ રાજ્યમાં ઘણો વિનાશ થયો છે. ત્યાં રાજધાની શહેર ચેન્નાઈ સહિતના વિસ્તારોમાં પૂર આવ્યું હતું અને વાવાઝોડાને લગતા જુદા જુદા બનાવોમાં 18 વ્યક્તિનાં જાન ગયા છે.

 

રાજ કુન્દ્રા અને પોર્નોગ્રાફી કૌભાંડ વચ્ચે સીધો સંબંધ નથી: ED એજન્સી

મુંબઈઃ 2022ના મે મહિનામાં બહાર આવેલા પોર્નોગ્રાફી કૌભાંડમાં આરોપી તરીકે મુંબઈ પોલીસે ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાનું નામ આપ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ઈડી)એ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ કુન્દ્રા સામે મની લોન્ડરિંગ મામલામાં તપાસ શરૂ કરી હતી. પરંતુ હવે ઈડી એજન્સીને કુન્દ્રા અને પોર્નોગ્રાફી કૌભાંડ વચ્ચે કોઈ સીધો સંબંધ ન હોવાનું માલૂમ પડ્યું છે એવું સત્તાવાર સૂત્રોનું કહેવું છે.

કેન્દ્રીય એજન્સીએ હવે આ કૌભાંડમાં મની લોન્ડરિંગ મામલા પર તેનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બ્રિટનસ્થિત કેનરિન નામની કંપનીના અનેક બેન્ક સોદાઓના પૈસા ક્યાંથી આવ્યા એની અમલદારો તપાસ કરી રહ્યા છે. ઉક્ત કંપની ભારતમાં મની લોન્ડરિંગ કૌભાંડમાં સંડોવાયેલી અનેક બેનામી કંપનીઓ સાથે સંકળાયેલી છે. ઈડીના અમલદારોના માલૂમ પડ્યું છે કે કેનરિન કંપની પ્રદીપ બક્ષીની માલિકીની છે, જેઓ રાજ કુન્દ્રાની હોટસ્પોટ એપના સત્તાવાર પ્રમોટર છે અને કુન્દ્રાના બનેવી છે.

રાજ કુન્દ્રાએ 2019માં હોટસ્પોટ એપ બનાવી હતી. બાદમાં તેમણે આ એપ કેનરિનને 25,000 ડોલરમાં વેચી દીધી હતી. પરંતુ એપની જાળવણી માટે કુન્દ્રાની કંપની ‘વિઆન ઈન્ડસ્ટ્રીઝ’એ કેનરિન સાથે સહયોગ ચાલુ રાખ્યો હતો. તેથી ઈડી અમલદારો હવે આ કંપનીઓના અને કુન્દ્રાના બેન્ક એકાઉન્ટના સોદાઓ અને એમાંના પૈસાનું મૂળ શોધી રહ્યા છે.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેની ચાર્જશીટમાં કુન્દ્રા પર આરોપ મૂક્યો હતો કે તેઓ મુંબઈ નજીકની ફાઈવ સ્ટાર હોટેલોમાં પોર્નોગ્રાફિક ફિલ્મ્સ નિર્માણમાં સંડોવાયેલા છે. તેઓ બાદમાં એવી ફિલ્મો OTT પ્લેટફોર્મ્સને વેચી દેતા હતા. કુન્દ્રાએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી છે. કુન્દ્રાએ તપાસ એજન્સીને કહ્યું હતું કે એમને પોર્નોગ્રાફી કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે.

વાહ ભાઈ વાહ! – ૦૬ ડિસેમ્બર, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૦૬ ડિસેમ્બર, ૨૦૨૩

૦૬ ડિસેમ્બર, ૨૦૨૩

૦૬ ડિસેમ્બર, ૨૦૨૩

નોટ આઉટ @ 81 : પ્રતિમાબહેન (પાલકર) ઠાકોર

પર્વતોને પોતાની સુંદર ચિત્રકલા સુધી સીમિત રાખવાને બદલે ઊંચા-ઊંચા પર્વતોમાં અપ્રતિમ સાહસથી આરોહણ કરનાર ગુજરાતના પ્રથમ મહિલા-પર્વતારોહકોમાંના એક પ્રતિમાબહેનની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :

જન્મ નવસારીમાં. પિતા ગાયકવાડી રાજમાં ડોક્ટર. તેમની બદલી વારંવાર થયા કરે પણ પ્રતિમાબહેનનું મરાઠી કુટુંબ વડોદરામાં સ્થાયી થયેલું. એક અપરણીત ફોઈ સાથે રહેતાં. પ્રતિમાબહેનને ત્રણ ભાઈ, બે બહેન. બધાંનો શાળાનો અભ્યાસ વડોદરામાં. તેમણે એમ.એસ. યુનિવર્સિટીમાંથી ફાઈન-આર્ટસ(કલા)નું શિક્ષણ લીધું. એકવાર લાંબુ વેકેશન હતું. ભાઈના સજેશનથી તેઓ ‘પરિભ્રમણ’ સંસ્થા દ્વારા ગોઠવાયેલ પર્વતારોહણના પ્રોગ્રામમાં જોડાઈ ગયાં. દાર્જીલિંગ અને મનાલી પછી ગઢવાલ રેન્જમાં ગંગોત્રીથી શ્રી કૈલાશ, ગુજરાત અને માતરી શિખરો સર કર્યાં. દાર્જીલિંગમાં મહિલાઓ માટે પર્વતારોહણની બેઝીક તાલીમનો આ પહેલો કેમ્પ હતો. ત્યારબાદ મનાલીમાં એડવાન્સ કોર્સ કર્યો અને ‘નોર્બુ’ પીક સર કર્યું. થોડા સમય બાદ ઇડરમાં રોક-ક્લાઇમ્બિન્ગ માટે તાલીમી આયોજન કર્યું. સહાધ્યાયી અને  મિત્ર સ્વાતિ દેસાઈના કઝિન પરેશભાઈ ઠાકોર સાથે લગ્ન કર્યા. અમદાવાદમાં સ્થાયી થઈ AMC School Board માં 28 વર્ષ કામ કર્યું.

નિવૃત્તિની પ્રવૃત્તિ :
તેમની શુભ-સવાર પડે ઓન-લાઈન ગીતા-ક્લાસથી! પછી પ્રાણાયામ કરે. નાહી-ધોઈને પૂજાપાઠ કરે. 10:30 વાગે થોડા ફ્રી થાય ત્યારે વાંચન, ક્રાફ્ટ વગેરે કરે. દીકરો-વહુ અને બે પૌત્રીઓ સાથે રહે છે જેઓ તેમનું બહુ ધ્યાન રાખે છે. દીકરી-જમાઈ-દોહિત્રી પણ ખૂબ સાચવે છે. જમીને થોડો આરામ કરે. બપોરે ઊઠીને ચા-પાણી કરી 40 મિનિટ ઘરમાં ચાલે. વાહનોને લીધે રસ્તા પર ચાલવાનું ફાવતું નથી. ત્રિકાળ-સંધ્યા અચૂક કરે. રાત્રે મોડેથી ટીવી જુએ. કેબીસી તેમની ફેવરિટ સીરીયલ છે.
શોખના વિષયો :

બહુમુખી પ્રતિભા છે! રસોઈ કરવાથી માંડી પર્વતારોહણ સુધીના અનેક શોખ છે! ફરવાનું ગમે. આખા દેશમાં ફરી વળ્યાં છે. ચિત્રકામ અને ક્રાફટ કરે. બાટીક કરવું બહુ ગમે. શાસ્ત્રીય સંગીતનો પણ શોખ છે. વડોદરાની મ્યુઝિક-કોલેજમાંથી સીતાર તથા કથ્થક ડાન્સ શીખ્યાં છે. રસોઈ કરવી ગમે છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

તબિયત દુખાવા સાથે સારી છે! ઉંમર પ્રમાણે બીપી, થાઈરોડ વગેરે તકલીફો છે. ઓસ્ટોપોરોસીસની તકલીફ પણ છે. ઘરમાં દીકરો-વહુ અને પૌત્રીઓ સાથે છે તેથી બીજી કોઈ તકલીફ નથી.
યાદગાર પ્રસંગ:

પર્વતારોહણ સમયના અનેક પ્રસંગ યાદ છે. ‘નોર્બુ’ પિક સર કરી તે વખતના પ્રસંગને હસતાં-હસતાં યાદ કરે છે: ચા-ખાંડ-ચોખા ભેગાં થઈ ગયાં હતાં, રસોઈ કેવી રીતે કરવી? એકવાર મદદ માટે કાયમના માણસોની બદલીમાં તળેટીના માણસો આવ્યા હતા. ભયંકર વરસાદમાં વીજળી થાય એટલે આકાશમાં માણસોનાં આકારનાં કાળાં વાદળોને ફરતે રૂપેરી બોર્ડર તેમને ‘યતિ’ જેવું રૂપ આપે. પેલા મજૂરો વાદળોને જોઈને ગભરાઈ ગયા અને ‘યતિ, યતિ’ બૂમો પાડતા ભાગી ગયા! નદી ક્રોસ કરતી વખતે બનાવેલ કામ-ચલાઉ રોપ-વેમાં ગેરસમજને કારણે હાથ દોરડામાં ફસાઈ ગયો હતો અને આખો પંજો છોલાઈ ગયો હતો અને સેપ્ટિક થઈ ગયું હતું. હાથમાં આજે પણ તે નિશાન દેખાય છે! 18000 ફૂટની ઉંચાઈથી આખા-ને-આખા રસ્તા અતિવેગમાં નીચે ધસી જતા હોય તેવો ભયંકર હિમ-પ્રપાત જોયેલો તે કેમ ભૂલાય?

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:

સવારની શરૂઆત ટેકનોલોજીની મદદથી ચાલતા ગીતા-ક્લાસથી થાય. મોબાઈલનો સારો ઉપયોગ કરી લે છે. પૌત્રીઓની મદદથી FACEBOOK પર થોડું સોશિયલાઈઝ કર્યું પણ “ત્યાં તો પંચાત જ વધુ છે!” તેમ લાગતા હવે FACEBOOK પર સક્રિય નથી.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

જીવન ઘણું બદલાઈ ગયું છે. વિચારવાનો કોન્સેપ્ટ બદલાઈ ગયો છે. પહેલા કુટુંબ-મિત્રો-સમાજ સાથે વ્યવહાર અને સંબંધ જાળવવાનું અગત્યનું હતું. લોકો સારા-માઠા પ્રસંગે એકબીજાને મળવાં જતાં, જે હવે ઓછું થઈ ગયું છે. બાળકોને કહીએ તો કરે, પણ જાતે કરે નહીં. ફોકસ બદલાઈ ગયું છે. આપણે જે કરવું હોય તે કરવા માટે ગમે તેટલી તકલીફ પડે તે સહન કરી લેતાં જ્યારે હવે તકલીફ વગર જે થઈ શકે તે કરવું એમ તેઓ માને!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?

ઘરનાં અને સગા-વ્હાલાંનાં બાળકો તથા તેમનાં મિત્રો સાથે એકદમ તાલમેલ છે. પૌત્રીનાં મિત્રો પ્રોજેક્ટસ-અસાઇનમેન્ટ કરાવવા તેમની પાસે આવે છે!

સંદેશો :

આજના યુવાનો માટે ઇઝી-અટ્રેક્શન ઘણાં છે. તેમણે સમજવું જોઈએ કે કુદરતી આકર્ષણો પણ એટલાં જ સુંદર છે. કુદરત પાસે જશો, તેને જાણશો અને માણશો, તો બીજા દુષણોથી દૂર રહી શકશો.

તમારે કયા દ્રષ્ટિકોણ અનુસાર જીવવું છે?

દરેક જીવીત પ્રાણી ખુશ રહેવા ઈચ્છે છે. કેટલાક લોકો દુખને પણ માણે છે કારણ કે તેનાથી તેમને ખુશી મળે છે! ખુશ થવા માટે આપણે કંઈક મેળવવા ઈચ્છતા હોઈએ છીએ.પરંતુ એ મેળવ્યા પછી પણ આપણે ખુશ નથી હોતા. વ્યક્તિનું સમસ્ત જીવન ભવિષ્યમાં કોઈક દિવસે ખુશ થઈ શકાય તેની તૈયારીમાં વીતી જાય છે. આ જાણે આખી રાત પથારી તૈયાર કરવામાં વીતી જાય અને સૂવાનો સમય ના મળે એના જેવું છે. આપણે જીવનની કેટલી મીનીટ,કલાક અને દિવસો ખરેખર ખુશ થઈને ગાળ્યા છે?તમે એટલી જ ક્ષણો ખરેખર જીવ્યા છો.

જીવનને જોવાના બે દ્રષ્ટિકોણ છે. એક છે એવું વિચારવું કે,”હું અમુક લક્ષ્ય પ્રાપ્ત કરીને ખુશ થઈશ.”બીજું છે એવું માનવું કે,”ગમે તે થાય હું ખુશ છું!” તમારે કયા દ્રષ્ટિકોણ અનુસાર જીવવું છે?”

આપણું જીવન એક નદી સમાન છે. નદીને વહેવા માટે બે કાંઠા જોઈએ. પૂર અને વહેતી નદી વચ્ચે એ તફાવત છે કે નદીમાં પાણી એક નિયંત્રિત દિશામાં વહે છે. જ્યારે પૂરમાં પાણી ડહોળું અને દિશાવિહીન હોય છે. એ જ રીતે આપણા જીવનમાં ઊર્જાને વહેવા માટે કોઈ દિશા જોઈએ. જો તમે એ દિશા આપતા નથી તો ગુંચવણો ઊભી થાય છે. આજે મોટા ભાગના લોકો ગુંચવાતા હોય છે કારણ કે તેમનું જીવન દિશાવિહીન હોય છે. જ્યારે તમે ખુશ હોવ છો ત્યારે તમારામાં પુષ્કળ જીવન ઊર્જા હોય છે; પરંતુ જો આ ઊર્જાને ક્યાં જવું, કેવી રીતે જવું એની જાણ નથી હોતી તો તે સ્થગિત થઈ જાય છે. જ્યારે તે અટકી ગયેલી હોય છે ત્યારે તે સડવા માંડે છે! જેવી રીતે પાણી વહેતું રહેવું જોઈએ એ જ રીતે જીવન પણ ચાલતું રહેવું જોઈએ.

જીવન ઊર્જાને યોગ્ય દિશામાં વાળવા માટે પ્રતિબધ્ધતા જરૂરી છે. જીવન પ્રતિબધ્ધતાને લીધે યોગ્ય દિશામાં આગળ ધપે છે. જો તમે જીવનની દરેક નાની કે મોટી બાબત જોશો તો તે કોઈક પ્રતિબધ્ધતાને કારણે થયેલી જોવા મળશે. એક વિદ્યાર્થી શાળા કે કોલેજમાં કોઈ ચોક્કસ પ્રતિબધ્ધતાની સાથે પ્રવેશ લે છે. તમે ડોક્ટર પાસે એક પ્રતિબધ્ધતા સાથે જાવ છો કે તમે ડોક્ટર જે દવા આપશે તે લેશો અથવા ડોક્ટર જે કંઈ કહેશે તે સાંભળશો? બેંકો પ્રતિબધ્ધતાથી ચાલે છે. સરકાર પ્રતિબધ્ધતાથી ચાલે છે. પરિવાર પ્રતિબધ્ધતાથી ચાલે છે: મા બાળક પ્રત્યે સંકલ્પબધ્ધ હોય છે,બાળક માતા-પિતા પ્રત્યે સંકલ્પબધ્ધ હોય છે, પતિ પત્ની પ્રત્યે સંકલ્પબધ્ધ હોય છે અને પત્ની પતિ પ્રત્યે. પ્રેમ, વેપાર, મિત્રતા, નોકરીની જગ્યા કે જીવનનું કોઈ પણ ક્ષેત્ર જોશો તો જણાશે કે ત્યાં પ્રતિબધ્ધતા હોય છે.

જો કોઈ વ્યક્તિ પ્રતિબધ્ધ થવા તૈયાર ના હોય તો તમે એને સહન નથી કરી શકતા. પરંતુ તમે એ જુઓ કે તમે તમારા જીવનમાં કેટલા સંકલ્પબધ્ધ રહ્યા છો? અલબત્ત,આપણી પ્રતિબધ્ધતા આપણી પાસે શું છે, સત્તા, ક્ષમતા વિ., તેને સપ્રમાણ હોય છે. જો તમે તમારા પરિવારની સંભાળ લેવા કટીબધ્ધ છો તો તમે તેટલી ક્ષમતા મેળવો છો. જો તમારી કટીબધ્ધતા સમાજ પ્રત્યે છે તો તમે તેટલી ઊર્જા, આનંદ અને ક્ષમતા મેળવશો. તમારી પાસે જે છે તેનો યોગ્ય ઉપયોગ કરશો તો જ તમને વધારે આપવામાં આવશે! કુદરતમાં આ કાનૂન છે. જો તમે તમારા લઘુ મનમાં અટકેલા રહો છો તો કુદરત શા માટે તમને વધારે આપે?

તમારામાં વધારે મેળવવાની વૃત્તિ હોય છે; તમારે તેને માત્ર એક વળાંક આપવાનો છે. “મને હજી વધારે શું મળી શકે” એવું પુછવાને બદલે એમ પુછો કે “હું હજી વધારે શું કરી શકું છું?” તો તમને જણાશે કે આનંદ મળે છે. તમે જેટલી વધારે જવાબદારી લેશો તેટલી વધારે ઊર્જા મળે છે.

તમે જેટલો મોટો સંકલ્પ લેશો, તો તે સંકલ્પને ફળીભૂત કરવા તમને એટલી ક્ષમતા પણ વધારે મળશે. જેટલો સંકલ્પ મોટો, તેટલી વધારે સરળતા રહે છે. નાનો સંકલ્પ તમને ગુંગળાવે છે, કારણ કે તમારામાં ક્ષમતા વધારે છે અને તમે નાના છીદ્રમાં ફસાયેલા છો!

જો તમે માત્ર બેસીને વિચાર્યા કરશો કે,”મારું શું, મારું શું થશે?” તો તમે સંપૂર્ણપણે હતાશ થશો. વ્યક્તિગત ચેતનામાંથી વૈશ્વિક ચેતનામાં વિસ્તરવાનો ઉપાય એ છે કે બીજાના દુખ અને આનંદ વહેંચવા. તમારો જેમ જેમ વિકાસ થાય તેમ તેમ તમારી ચેતના પણ વિસ્તૃત થવી જોઈએ. સમય જતાં જો તમારા શાણપણમાં વૃધ્ધિ થાય છે તો હતાશા આવવી શક્ય નથી. પોતાના વ્યક્તિગત દુખથી ઉપર ઉઠવાનો ઉપાય એ છે કે વૈશ્વિક દુખને વહેંચવું! પોતાના વ્યક્તિગત આનંદને વિસ્તૃત કરવાનો ઉપાય એ છે કે વૈશ્વિક આનંદને વહેંચવો. “હું આ દુનિયામાંથી શું પામી શકું છું” એવું વિચારવાને બદલે “હું દુનિયા માટે શું કરી શકું છું?” એવું વિચારો.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

રાશિ ભવિષ્ય 06/12/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં  જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજી ના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ 06/12/2023