તમારે કયા દ્રષ્ટિકોણ અનુસાર જીવવું છે?

દરેક જીવીત પ્રાણી ખુશ રહેવા ઈચ્છે છે. કેટલાક લોકો દુખને પણ માણે છે કારણ કે તેનાથી તેમને ખુશી મળે છે! ખુશ થવા માટે આપણે કંઈક મેળવવા ઈચ્છતા હોઈએ છીએ.પરંતુ એ મેળવ્યા પછી પણ આપણે ખુશ નથી હોતા. વ્યક્તિનું સમસ્ત જીવન ભવિષ્યમાં કોઈક દિવસે ખુશ થઈ શકાય તેની તૈયારીમાં વીતી જાય છે. આ જાણે આખી રાત પથારી તૈયાર કરવામાં વીતી જાય અને સૂવાનો સમય ના મળે એના જેવું છે. આપણે જીવનની કેટલી મીનીટ,કલાક અને દિવસો ખરેખર ખુશ થઈને ગાળ્યા છે?તમે એટલી જ ક્ષણો ખરેખર જીવ્યા છો.

જીવનને જોવાના બે દ્રષ્ટિકોણ છે. એક છે એવું વિચારવું કે,”હું અમુક લક્ષ્ય પ્રાપ્ત કરીને ખુશ થઈશ.”બીજું છે એવું માનવું કે,”ગમે તે થાય હું ખુશ છું!” તમારે કયા દ્રષ્ટિકોણ અનુસાર જીવવું છે?”

આપણું જીવન એક નદી સમાન છે. નદીને વહેવા માટે બે કાંઠા જોઈએ. પૂર અને વહેતી નદી વચ્ચે એ તફાવત છે કે નદીમાં પાણી એક નિયંત્રિત દિશામાં વહે છે. જ્યારે પૂરમાં પાણી ડહોળું અને દિશાવિહીન હોય છે. એ જ રીતે આપણા જીવનમાં ઊર્જાને વહેવા માટે કોઈ દિશા જોઈએ. જો તમે એ દિશા આપતા નથી તો ગુંચવણો ઊભી થાય છે. આજે મોટા ભાગના લોકો ગુંચવાતા હોય છે કારણ કે તેમનું જીવન દિશાવિહીન હોય છે. જ્યારે તમે ખુશ હોવ છો ત્યારે તમારામાં પુષ્કળ જીવન ઊર્જા હોય છે; પરંતુ જો આ ઊર્જાને ક્યાં જવું, કેવી રીતે જવું એની જાણ નથી હોતી તો તે સ્થગિત થઈ જાય છે. જ્યારે તે અટકી ગયેલી હોય છે ત્યારે તે સડવા માંડે છે! જેવી રીતે પાણી વહેતું રહેવું જોઈએ એ જ રીતે જીવન પણ ચાલતું રહેવું જોઈએ.

જીવન ઊર્જાને યોગ્ય દિશામાં વાળવા માટે પ્રતિબધ્ધતા જરૂરી છે. જીવન પ્રતિબધ્ધતાને લીધે યોગ્ય દિશામાં આગળ ધપે છે. જો તમે જીવનની દરેક નાની કે મોટી બાબત જોશો તો તે કોઈક પ્રતિબધ્ધતાને કારણે થયેલી જોવા મળશે. એક વિદ્યાર્થી શાળા કે કોલેજમાં કોઈ ચોક્કસ પ્રતિબધ્ધતાની સાથે પ્રવેશ લે છે. તમે ડોક્ટર પાસે એક પ્રતિબધ્ધતા સાથે જાવ છો કે તમે ડોક્ટર જે દવા આપશે તે લેશો અથવા ડોક્ટર જે કંઈ કહેશે તે સાંભળશો? બેંકો પ્રતિબધ્ધતાથી ચાલે છે. સરકાર પ્રતિબધ્ધતાથી ચાલે છે. પરિવાર પ્રતિબધ્ધતાથી ચાલે છે: મા બાળક પ્રત્યે સંકલ્પબધ્ધ હોય છે,બાળક માતા-પિતા પ્રત્યે સંકલ્પબધ્ધ હોય છે, પતિ પત્ની પ્રત્યે સંકલ્પબધ્ધ હોય છે અને પત્ની પતિ પ્રત્યે. પ્રેમ, વેપાર, મિત્રતા, નોકરીની જગ્યા કે જીવનનું કોઈ પણ ક્ષેત્ર જોશો તો જણાશે કે ત્યાં પ્રતિબધ્ધતા હોય છે.

જો કોઈ વ્યક્તિ પ્રતિબધ્ધ થવા તૈયાર ના હોય તો તમે એને સહન નથી કરી શકતા. પરંતુ તમે એ જુઓ કે તમે તમારા જીવનમાં કેટલા સંકલ્પબધ્ધ રહ્યા છો? અલબત્ત,આપણી પ્રતિબધ્ધતા આપણી પાસે શું છે, સત્તા, ક્ષમતા વિ., તેને સપ્રમાણ હોય છે. જો તમે તમારા પરિવારની સંભાળ લેવા કટીબધ્ધ છો તો તમે તેટલી ક્ષમતા મેળવો છો. જો તમારી કટીબધ્ધતા સમાજ પ્રત્યે છે તો તમે તેટલી ઊર્જા, આનંદ અને ક્ષમતા મેળવશો. તમારી પાસે જે છે તેનો યોગ્ય ઉપયોગ કરશો તો જ તમને વધારે આપવામાં આવશે! કુદરતમાં આ કાનૂન છે. જો તમે તમારા લઘુ મનમાં અટકેલા રહો છો તો કુદરત શા માટે તમને વધારે આપે?

તમારામાં વધારે મેળવવાની વૃત્તિ હોય છે; તમારે તેને માત્ર એક વળાંક આપવાનો છે. “મને હજી વધારે શું મળી શકે” એવું પુછવાને બદલે એમ પુછો કે “હું હજી વધારે શું કરી શકું છું?” તો તમને જણાશે કે આનંદ મળે છે. તમે જેટલી વધારે જવાબદારી લેશો તેટલી વધારે ઊર્જા મળે છે.

તમે જેટલો મોટો સંકલ્પ લેશો, તો તે સંકલ્પને ફળીભૂત કરવા તમને એટલી ક્ષમતા પણ વધારે મળશે. જેટલો સંકલ્પ મોટો, તેટલી વધારે સરળતા રહે છે. નાનો સંકલ્પ તમને ગુંગળાવે છે, કારણ કે તમારામાં ક્ષમતા વધારે છે અને તમે નાના છીદ્રમાં ફસાયેલા છો!

જો તમે માત્ર બેસીને વિચાર્યા કરશો કે,”મારું શું, મારું શું થશે?” તો તમે સંપૂર્ણપણે હતાશ થશો. વ્યક્તિગત ચેતનામાંથી વૈશ્વિક ચેતનામાં વિસ્તરવાનો ઉપાય એ છે કે બીજાના દુખ અને આનંદ વહેંચવા. તમારો જેમ જેમ વિકાસ થાય તેમ તેમ તમારી ચેતના પણ વિસ્તૃત થવી જોઈએ. સમય જતાં જો તમારા શાણપણમાં વૃધ્ધિ થાય છે તો હતાશા આવવી શક્ય નથી. પોતાના વ્યક્તિગત દુખથી ઉપર ઉઠવાનો ઉપાય એ છે કે વૈશ્વિક દુખને વહેંચવું! પોતાના વ્યક્તિગત આનંદને વિસ્તૃત કરવાનો ઉપાય એ છે કે વૈશ્વિક આનંદને વહેંચવો. “હું આ દુનિયામાંથી શું પામી શકું છું” એવું વિચારવાને બદલે “હું દુનિયા માટે શું કરી શકું છું?” એવું વિચારો.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)