સાત આધ્યાત્મિક સિધ્ધાંતો: શ્રી શ્રી રવિશંકરજી

પહેલો સિધ્ધાંત: જે ચેતના તમારા જીવનને ચલાવી રહી છે તે પવિત્ર છે; આ જીવન ઊર્જાનું સન્માન કરો. જો તમે તેને સન્માન આપો છો તો કુદરતી રીતે અન્ય સદ્ગુણો વિના પ્રયત્ને તમારી અભિવ્યક્તિ બની જશે. તમે ઉદાર બનો છો, તમારામાં આત્મીયતા હોય છે અને તમને દરેક વ્યકિત અને વસ્તુ સાથે પોતીકાપણું લાગે છે.

બીજો સિધ્ધાંત: અન્યોને અથવા પોતાને દોષારોપણ કરવાનું બંધ કરો અને અન્યો તથા પોતાની પ્રશંસા કરવાનું શરુ કરી દો. આનો અર્થ એ નથી કે જ્યારે જરુર હોય ત્યારે પણ તમારે આલોચના ના કરવી જોઈએ. તમે આલોચના કરી શકો છો, પરંતુ ટીકા તમારા હ્રદયમાંથી ના નીકળવી જોઈએ;તે માત્ર વાણી થકી હોવી જોઈએ.

ત્રીજો સિધ્ધાંત: ભૂલ તરફ આંગળી ચીંધો પરંતુ ઉકેલ પણ બતાવો. તમે કોઈ સમસ્યાની રજૂઆત કરો પણ તેનો ઉકેલ ના સુચવો તો અધૂરું કહેવાય. જો તમને તાત્કાલિક ઉપાય નથી મળતો તો ઉપાય શોધવા સહિયારા પ્રયાસોમાં જોડાવ.

ચોથો સિધ્ધાંત: કોઈ વ્યકિતનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી હોતું. દરેક વ્યકિતગત મન વૈશ્વિક મન સાથે સંકળાયેલું હોય છે. દરેક ઘટના વૈશ્વિક સમય-સ્થળની યોજના અનુસાર ઘટે છે. સમય બદલાય છે અને મિત્રો શત્રુ બની જાય છે અથવા વિપરીત થાય છે. આત્મામાં, પોતાનામાં અને જીવનમાં ઊંડી શ્રધ્ધા રાખો.

પાંચમો સિધ્ધાંત: પોતાની જાત માટે થોડો સમય ફાળવો. થોડા સમય માટે એકલા રહો. વર્ષમાં થોડા દિવસો અને દિવસમાં થોડી ક્ષણો માટે.આમ કરવાથી તમે જે ઊર્જા છો, ચૈતન્ય છો, તે સુદ્રઢ થાય છે.

છઠ્ઠો સિધ્ધાંત: સમજો કે બધું ક્ષણિક છે, બધું પરિવર્તનશીલ છે. તમે જે કંઈને “આ” તરીકે સંબોધો કરો છો, તે બદલાઈ જાય છે. “આ” તરીકે જે સંબોધન કરે છે તે નથી બદલાતું. અનુભવ અસ્પર્ષ્ય રહે છે, બદલાતો નથી. “હું ખુશ છું”, એમાં “હું” શું છે?;ત્યાર બાદ “હું” નથી રહેતું,પણ “હું છું” બોધનાવસ્થા રહે છે. જ્યારે આ મર્યાદિત “હું છું” બોધનાવસ્થાનો લોપ થાય છે ત્યારે તે “છે” પણું બને છે. દરેક વસ્તુ “છે”;પર્વતો છે,વૃક્ષો છે,હું છું.”હું” માત્ર એક પરપોટો છે, તે અદ્રશ્ય થઈ જાય છે. એ અવસ્થા છે “સમાધિ”; એ ધ્યાન છે.

 

સાતમો સિધ્ધાંત: તમારા ધ્યાનને લીધે થતા આનંદ કે ખુશીને સમર્પણ કરો. જતું કરો, શાંતિને પણ પકડી ના રાખો; જ્યારે તમે શાંતિને પકડી રાખો છો ત્યારે તમને માત્ર ખલેલ મળે છે. જો તમે આનંદને પકડી રાખો છો તો જે મળે છે તે છે માત્ર દુખ. તમને જો આનંદની પડી નથી તો દુખ તમને સ્પર્શી નહીં શકે. જો તમને શાંતિની પડી નથી તો કંઈ પણ તમને વ્યગ્ર નહીં કરી શકે. બધું જીવનના ભાગ તરીકે છે,આથી જીવનની દરેક પરિસ્થિતિનો વિકાસના સોપાન તરીકે ઉપયોગ કરો. દરેક વસ્તુને જીવનના ભાગ તરીકે સ્વીકારો અને અપનાવો. આ ધૈર્ય આધ્યાત્મિકતાનો સાતમો સિધ્ધાંત છે. જ્યારે તમે ઈચ્છાને વળગીને નથી રહેતા ત્યારે તમે મુક્ત થાવ છો અને જ્યારે તમે સ્વતંત્રતાને વળગીને નથી રહેતા ત્યારે તમે જીવન ઉપલબ્ધ કરો છો.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)