રાજ કુન્દ્રા અને પોર્નોગ્રાફી કૌભાંડ વચ્ચે સીધો સંબંધ નથી: ED એજન્સી

મુંબઈઃ 2022ના મે મહિનામાં બહાર આવેલા પોર્નોગ્રાફી કૌભાંડમાં આરોપી તરીકે મુંબઈ પોલીસે ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાનું નામ આપ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ઈડી)એ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ કુન્દ્રા સામે મની લોન્ડરિંગ મામલામાં તપાસ શરૂ કરી હતી. પરંતુ હવે ઈડી એજન્સીને કુન્દ્રા અને પોર્નોગ્રાફી કૌભાંડ વચ્ચે કોઈ સીધો સંબંધ ન હોવાનું માલૂમ પડ્યું છે એવું સત્તાવાર સૂત્રોનું કહેવું છે.

કેન્દ્રીય એજન્સીએ હવે આ કૌભાંડમાં મની લોન્ડરિંગ મામલા પર તેનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બ્રિટનસ્થિત કેનરિન નામની કંપનીના અનેક બેન્ક સોદાઓના પૈસા ક્યાંથી આવ્યા એની અમલદારો તપાસ કરી રહ્યા છે. ઉક્ત કંપની ભારતમાં મની લોન્ડરિંગ કૌભાંડમાં સંડોવાયેલી અનેક બેનામી કંપનીઓ સાથે સંકળાયેલી છે. ઈડીના અમલદારોના માલૂમ પડ્યું છે કે કેનરિન કંપની પ્રદીપ બક્ષીની માલિકીની છે, જેઓ રાજ કુન્દ્રાની હોટસ્પોટ એપના સત્તાવાર પ્રમોટર છે અને કુન્દ્રાના બનેવી છે.

રાજ કુન્દ્રાએ 2019માં હોટસ્પોટ એપ બનાવી હતી. બાદમાં તેમણે આ એપ કેનરિનને 25,000 ડોલરમાં વેચી દીધી હતી. પરંતુ એપની જાળવણી માટે કુન્દ્રાની કંપની ‘વિઆન ઈન્ડસ્ટ્રીઝ’એ કેનરિન સાથે સહયોગ ચાલુ રાખ્યો હતો. તેથી ઈડી અમલદારો હવે આ કંપનીઓના અને કુન્દ્રાના બેન્ક એકાઉન્ટના સોદાઓ અને એમાંના પૈસાનું મૂળ શોધી રહ્યા છે.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેની ચાર્જશીટમાં કુન્દ્રા પર આરોપ મૂક્યો હતો કે તેઓ મુંબઈ નજીકની ફાઈવ સ્ટાર હોટેલોમાં પોર્નોગ્રાફિક ફિલ્મ્સ નિર્માણમાં સંડોવાયેલા છે. તેઓ બાદમાં એવી ફિલ્મો OTT પ્લેટફોર્મ્સને વેચી દેતા હતા. કુન્દ્રાએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી છે. કુન્દ્રાએ તપાસ એજન્સીને કહ્યું હતું કે એમને પોર્નોગ્રાફી કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે.