અમદાવાદઃ બોલીવૂડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ ભારતમાં જ નહીં, વિશ્વભરમાં સારો દેખાવ કરી રહી છે. એક્શન ફિલ્મે એક વધુ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. આ ફિલ્મે રૂ. 600 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. ‘એનિમલે’ ઉત્તર અમેરિકી બજારમાં આઠ દિવસોમાં 10 મિલિયન ડોલરની કમાણી કરી છે.
ફિલ્મ વિશ્લેષક રમેશ બાલાએ ટ્વીટ કર્યું હતું કે ‘એનિમલે’ હવે ઉત્તર અમેરિકામાં ટોચની સાત સૌથી વધુ કમાણી કરતી ભારત ફિલ્મોમાંની એક છે. તેમણે X પર લખ્યું હતું કે ઇતિહાસ બની ગયો. ‘એનિમલે’ 10 મિલિયન ડોલરને પાર કરી લીધા છે અને હવે ભારતીય ફિલ્મો માટે ઉત્તરી અમેરિકામાં ટોચની સાત કમાણી કરતી ફિલ્મોમાં સામેલ છે.
નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ કેપ્શનની સાથે ‘એનિમલ’ના વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ કલેક્શન વિશે એક અપડેટ જારી કર્યું હતું. બ્લોકબસ્ટરની જીત જારી છે. T- સિરીઝે ફિલ્મથી રણબીર કપૂરનું એક પોસ્ટર જારી કર્યું છે, જેમાં લખ્યું છે કે વિશ્વમાં આઠ દિવસમાં રૂ. 600.67 કરોડની કમાણી.
HISTORY IS MADE!!#Animal breached a major milestone today. It crossed $10 Million and is now in top 7 grossers of all time in North America for Indian films.
‘એનિમલ’ને T-સિરીઝ હેઠળ ભૂષણ કુમાર અને કૃષ્ણકુમાર, મુરાદ ખેતાનીના સિને1 સ્ટુડિયો અને પ્રણય રેડ્ડી વાંગાની ભદ્રકાળી પિકચર્સનું સમર્થન છે. બોક્સ ઓફિસ પર એની ટક્કર વિક્કી કૌશલની ‘સેમ બહાદુર’થી છે અને એ વિજેતા બનીને ઊભરી છે. રણબીર કપૂરની રિવેન્જ ડ્રામા પહેલી ડિસેમ્બરે વિશ્વના થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ‘એનિમલ’માં રણબીરની સાથે બોબી દેઓલ, અનિલ કપૂર અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકાઓમાં છે.
મુંબઈઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ISIS આતંકવાદી ષડયંત્રના કેસમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 40થી વધુ સ્થળો પર દરોડા પાડી રહી છે. NIA દ્વારા શનિવાર સવારથી અત્યાર સુધીમાં કુલ 41 સ્થાનોમાંથી એજન્સીના અધિકારીઓએ કર્ણાટકમાં 1, પુણેમાં 2, થાણે ગ્રામીણમાં 31, થાણે શહેરમાં નવ અને ભાયંદરમાં એક સ્થળની તપાસ કરી છે. અત્યાર સુધીમાં આ દરોડામાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આતંકવાદી વિરોધી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના અધિકારીઓએ આતંકવાદી સંગઠન ISISના ષડયંત્ર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં દેશભરમાં મુંબઈ અને કર્ણાટકના પોલીસ દળોની સાથે અલગ-અલગ 40થી વધુ સ્થળો પર એકસાથે મોટા દરોડા પાડ્યા છે. આ મામલો આરોપી વ્યક્તિઓ અને તેમના સહયોગીઓ દ્વારા રચવામાં આવેલા એક ગુનાઇત કાવતરા સંબંધિત છે, જેમણે અલ- કાયદા અને ISIS સહિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની હિંસક ચરમપંથી વિચારધારાની પ્રતિજ્ઞા લીધી હતી અને એક આતંકવાદી ગેન્ગ બનાવી હતી.આતંકવાદી સંગઠનોએ ભારતમાં ઇસ્લામી શાસન સ્થાપિત કરવા માટે હિંસક જેહાદ છેડી છે અને એના માટે ધાર્મિક શિક્ષણ ચલાવવા સહિત સમાન વિચારધારાવાળા યુવાઓને પોતાની સાથે સામેલ કર્યા હતા.
NIAના દરોડા દરમિયાન આતંકવાદીઓના આંતરરાષ્ટ્રીય જોડાણો અને વિદેશી-આધારિત ISIS હેન્ડલર્સની સંડોવણી સાથેના મોટા ષડયંત્રનો પણ પર્દાફાશ કર્યો છે. NIAના આ સર્ચ ઓપરેશનમાં ભારતમાં ISISની આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરવા માટે પ્રતિબદ્ધ લોકોના જટિલ નેટવર્કનો પણ ખુલાસો થયો છે. આ નેટવર્કે ISISના સ્વ-ઘોષિત નેતા પ્રત્યે વફાદારી લીધી હતી અને નેટવર્ક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IEDs) પણ તૈયાર કરી રહ્યું હતું. આ સંગઠનનો ઉદ્દેશ તેના સાગરીતો દ્વારા ભારતમાં આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનો હતો.
નવી દિલ્હીઃ નોર્ધન ઇરાકના સોરનમાં એક મોટી દુર્ઘટના બની છે. ઉત્તરીય શહેર એર્બિલ નજીક સોરન યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભીષણ આગ લાગવાથી 14 વિદ્યાર્થીનાં મોત થયાં હતાં અને અન્ય 18 ઘાયલ થયા હતા. આ દુર્ઘટના શુક્રવારે રાત્રે આઠ કલાકે બની હતી.
સ્થાનિક આરોગ્ય નિર્દેશાલયના વડાએ જણાવ્યું હતું કે આ ઘટના એર્બિલના સોરાન શહેરમાં બની હતી. સરકારી મિડિયાએ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. સ્થાનિક મિડિયાના જણાવ્યા અનુસાર શુક્રવાર રાત સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આ ઘટના કેમ અને કેવી રીતે બની, એ જાણી નથી શકાયું.
#Soran City in Iraqi #Kurdistan Gripped by Tragedy: 14 Lives Lost in Devastating Fire, Investigation Underway
સોરનના આરોગ્ય મંત્રાલયના પ્રમુખ કામરામ મુલ્લા મોહમ્મદે જાણકારી આપતાં જણાવ્યું કે એરબિલના પૂર્વમાં એક નાના શહેર સોરાનમાં એક ઇમારતમાં આગ લાગી હતી, જેમાં 14 લોકોનાં મોત થયાં છે અને 18 જણ ઇજાગ્રસ્ત થયા હતા. યુનિવર્સિટીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ દુર્ઘટનાથી વ્યથિત છે.
મિડિયા અહેવાલ અનુસાર પ્રારંભિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સરકિટ જણાવવામાં આવ્યું હતું. આ વિસ્તાર કુર્દિસ્તાન પ્રાંતમાં આવે છે. ઇરાકના વડા પ્રધાન મસરૌર બરજાનીએ આ દુર્ઘટનાની તપાસ કરવા એક તપાસ સમિતિને રચના કરી છે. તેમણે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
ઇરાકમાં આગ લાગવાની ઘટનાઓ વારંવાર થતી રહે છે. અહીં સુરક્ષાના નિયમોને નેવે મૂકીને બાંધકામ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એ સિવાય ટ્રાન્સપોર્ટ ક્ષેત્રોમાં ઘણી બેદરકારી દાખવવામાં આવે છે.
રાયપુરઃ ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘરે આવકવેરા વિભાગે પાડેદા દરોડામાં અબજોની સંપત્તિ મળી છે. શુક્રવારથી જારી દરોડામાં અત્યાર સુધીમાં 220 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. આવકવેરા વિભાગના દરોડામાં હજુ પણ રોકડ જપ્ત કરવામાં આવી રહી છે. સુદપરા પાસેના એક ઘરમાં દરોડા દરમિયાન બંટી સાહુના ઘરેથી 19 કરોડ રૂપિયા પણ મળી આવ્યા હતા. નોટો ગણવા માટે 30થી વધુ મશીનો લગાવવામાં આવ્યા છે. નોટોની ગણતરી હજુ ચાલુ છે. ધીરજ સાહુની પાસેથી રિકવર કરાયેલી રોકડમાંથી રૂ. 200 કરોડ માત્ર ઓડિશાના બોલાંગીર જિલ્લામાં ડિસ્ટિલરી ગ્રૂપના પરિસરમાંથી જ મળી આવ્યા હતા. આ ઉપરાંત અન્ય ઘણી જગ્યાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
આવકવેરા વિભાગે ધીરજ સાહુના અનેક સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા છે. જેમાં ઓડિશાના બોલાંગીર જિલ્લાના સુદાપાડામાં સૌથી વધુ રોકડ મળી આવી હતી. આ સિવાય ઓડિશાના સંબલપુર અને સુંદરગઢ, ઝારખંડના બોકારો અને રાંચી અને કોલકાતામાં પણ દરોડા પાડવામાં આવ્યા છે જ્યાંથી મોટી માત્રામાં રોકડ મળી આવી છે. ઝારખંડના ટિટિલાગઢ, બૌધ, સુંદરગઢ, રાઉરકેલા અને ભુવનેશ્વર અને રાંચી અને બોકારોમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
વર્ષ 2018માં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ધીરજ સાહુએ ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાં પોતાની કુલ સંપત્તિ 34 કરોડ રૂપિયા જાહેર કરી હતી. એટલું જ નહીં, તેણે એવું પણ કહ્યું હતું કે તેના પર લગભગ 2.40 કરોડ રૂપિયાનું દેવું છે. અગાઉ 2016-17માં તેણે પોતાની આવક માત્ર એક કરોડ રૂપિયા જાહેર કરી હતી.
देशवासी इन नोटों के ढेर को देखें और फिर इनके नेताओं के ईमानदारी के ‘भाषणों’ को सुनें… 😂😂😂
जनता से जो लूटा है, उसकी पाई-पाई लौटानी पड़ेगी, यह मोदी की गारंटी है।
ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડીને જંગી સંપત્તિ શોધી કાઢ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ધીરજ સાહુ પર નિશાન સાધ્યું છે. “દેશવાસીઓએ ચલણી નોટોના આ ઢગલા જોવું જોઈએ અને પછી તેના (કોંગ્રેસ) નેતાઓના પ્રામાણિક ભાષણો સાંભળવા જોઈએ. લોકો પાસેથી લૂંટવામાં આવેલો એક-એક પૈસો પાછો મેળવવો પડશે. આ મોદીની ગેરંટી છે,” તેમણે એક પોસ્ટમાં જણાવ્યું હતું.
કોણ છે ધીરજ સાહુ?
ધીરજ સાહુ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ છે. તેઓ ત્રીજી વખત રાજ્યસભા પહોંચ્યા છે. આ સિવાય તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચતરા લોકસભા બેઠક પરથી પણ ચૂંટણી લડ્યા છે, જોકે તેઓ જીતી શક્યા ન હતા. ધીરજ પ્રસાદ સાહુનો પરિવાર દારૂના વ્યવસાય સાથે જોડાયેલો છે. તેની પાસે ઝારખંડના લોહરદગા જિલ્લામાં બલદેવ સાહુ અને ગ્રુપ ઓફ કંપનીઝ છે.
ઋગ્વેદમાં લક્ષ્મીજીની સ્તુતિ કરતું શ્રીસૂક્તમ્ ઘણું જ પ્રસિદ્ધ છે. તેનો બીજો શ્લોક અહીં અપાયો છે. તેમાં કહેવામાં આવ્યું છેઃ હે અગ્નિદેવ (સૂર્યદેવ, ભગવાન), મને છોડીને જાય નહીં એવી અર્થાત્ સ્થિર લક્ષ્મીને બોલાવો (કે મોકલો) એવી હું પ્રાર્થના કરું છું. એ લક્ષ્મી એવી હોય જેના આવતાં જ મને સુવર્ણ (ધન), ગાય, પૃથ્વી, ઘોડા, પુત્ર-પૌત્ર, મિત્ર, વગેરે મળી જાય.
ટૂંકમાં, આ મંત્રમાં અનપગામિની અર્થાત્ સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટેની યાચના કરવામાં આવી છે. લક્ષ્મી ચંચળ છે એવું બધા જ કહે છે અને માને છે તેથી લક્ષ્મી સ્થિર રહે એવી જ સૌની ઈચ્છા હોય એ સ્વાભાવિક છે. લક્ષ્મીજી કેવી રીતે સ્થિર થાય એના વિશે આપણે આ કટારમાં અગાઉ અનેક વાતો કરી છે. આજે અનપગામિની લક્ષ્મીની વાત નીકળી છે તો જણાવી દઉં કે લક્ષ્મીજીનો સ્વભાવ ચંચળ નથી, સ્થિરતા જ તેમને ગમે છે, પરંતુ જ્યારે લક્ષ્મીજીની પ્રાપ્તિ કરનાર તેમનું માન જાળવી શકતો નથી ત્યારે તેઓ ગુપચુપ ચાલ્યાં જાય છે.
હવે બીજી એક અગત્યની વાત. લક્ષ્મીજીને આપણે ભગવાન વિષ્ણુના સહધર્મચારિણી માન્યાં છે. જો લક્ષ્મીજી એકલાં જ આપણા ઘરે આવે તો મહેમાનની જેમ થોડા દિવસ રહીને પછી રજા લઈ લેશે. તેનું કારણ એ કે પરિણીત મહિલા જો પતિની સાથે ન હોય તો ક્યાંય લાંબું રોકાણ કરતી નથી. જો લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના સંગાથે આવશે તો કાયમ રહેશે. ભગવાન વિષ્ણુ એટલે બીજું કંઈ નહીં, પણ નીતિમૂલ્યોના દેવતા. બીજા શબ્દોમાં કહીએ તો, નૈતિક રીતે પ્રાપ્ત કરેલું ધન જ લાંબો સમય ટકે છે.
બીજું, ધન-સંપત્તિ તપ કરીને જ પ્રાપ્ત કરવાં જોઈએ. સોનું તપીને જ શુદ્ધ થાય છે એમ મનુષ્ય પણ તપ કરે તો જ મૂલ્ય પામી શકે છે. આમ, ધન પ્રાપ્ત કરવા માટે તપ એટલે કે સખત મહેનત કરવાની જરૂર હોય છે. એ મહેનત પણ અગાઉ કહ્યા પ્રમાણે નીતિપૂર્વકની હોવી જોઈએ.
જો સંપત્તિ ઝડપથી આવશે તો જશે પણ ઝડપથી. જરાપણ મહેનત વગર ટૂંકા સમયમાં નાણાં બમણાં કરવાની કે ભરપૂર વળતર પ્રાપ્ત કરવાની લાલચમાં ફસાઈને લોકો પોન્ઝી સ્કીમના શિકાર બને છે. આ જ રીતે સમાજ, દેશ કે કુદરતનો કાયદો તોડીને પણ જો ધન પ્રાપ્ત કરવામાં આવે તો એ ઝાઝું ટકતું નથી.
જો દેશનો કાયદો તોડવામાં આવે તો વહેલી-મોડી સજા થયા વગર રહેતી નથી. સમાજના કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે તો માનહાનિ થાય અથવા તો માનસિક શાંતિ હણાઈ જાય. જો કુદરતના કાયદાનો ભંગ કરવામાં આવે, એટલે કે કુદરતી સ્રોતોનો વ્યય કરવામાં આવે અથવા તો પર્યાવરણને નુકસાન થાય એવું કરાય તો કુદરતી આફતોના સ્વરૂપે પરિણામ ભોગવવું પડે છે. તેને પગલે અનેક રીતે હાનિ-નુકસાન થાય છે. આથી, આ ત્રણે કાયદાઓનો ભંગ કરીને સંપત્તિ રળવી જોઈએ નહીં. શોર્ટ કટથી મેળવેલી વસ્તુ શોર્ટ ટર્મ માટે એટલે કે ટૂંકા ગાળા માટે જ ટકે છે.
તમે જોયું જ હશે કે અનૈતિક રીતે ધન પ્રાપ્ત કર્યું હોય એના કરતાં મહેનત કરીને પેટિયું રળનાર વ્યક્તિને વધુ સારી ઊંઘ આવે છે અને વધારે સુખી હોય છે. કરવેરાના કાયદાની છટકબારી શોધીને, મિત્રો-પરિવારજનોને છેતરીને, કુદરતનું નુકસાન કરીને ધન-સંપત્તિ પ્રાપ્ત કરવામાં આવે તો આખરે એ માનસિક પરિતાપ અને શારીરિક હાનિમાં પરિણમે છે.
ઉક્ત શ્લોકને યાદ કરીને એક વાત ખાસ કહેવાની કે હવે પછી જ્યારે પણ ધન મેળવવા માટે યાચના કરો ત્યારે ફક્ત પૈસા નહીં માગવા, અનપગામિની લક્ષ્મીજીને આવાહન કરવું.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
‘ઉમરાવ જાન’ (૧૯૮૧) અને ‘બાઝાર’ (૧૯૮૨) જેવી ફિલ્મોમાં ગઝલ ગાઈને વધુ જાણીતા રહેલા તલત અઝીઝ પર જાણીતા ગઝલ ગાયકોના આશીર્વાદ રહ્યા હતા. તલતને નાનપણથી જ સંગીતનો શોખ હતો. ગાયક તરીકે કારકિર્દી બનાવવાનું ચોક્કસ આયોજન ન હતું. ૧૯૭૫ માં તલત હૈદરાબાદ હતા. ત્યાં ગઝલ ગાયક જગજીત સિંહ અને એમના પત્ની ચિત્રા સિંહનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. એમાં તલતના પિતા અઝીમભાઇને આમંત્રણ મળ્યું હતું. એ પુત્ર તલતને સાથે લઈને ગયા ત્યારે રિહર્સલ ચાલી રહ્યું હતું. આયોજકે અઝીમભાઇની ઓળખાણ આપી અને એમનો પુત્ર તલત ગાતો હોવાનું જણાવ્યું.
જગજીત સિંહે કહ્યું કે આજે સાંજે તું પણ મારી સાથે ગાવા સ્ટેજ પર આવજે! ત્યારે તલતે કહ્યું કે નહીં પહેલાં તમે મારો અવાજ સાંભળજો. એ માટે ઘરે આવો. અઝીમભાઇએ પણ જમવા બોલાવ્યા. જગજીત એમને ત્યાં જમવા ગયા ત્યારે તલતે એક હાર્મોનિયમ લઈ સંભળાવવાનું ગોઠવ્યું. એમને ત્યાં માઇક હતું એ પણ કાઢ્યું. પરંતુ માઇકનું સ્ટેન્ડ મળતું ન હતું. જગજીતે કહ્યું કે હું માઇક પકડું છું તું ગા! અને તલતે આંખ મીંચીને મહેંદી હસનની ગઝલ ગાવાનું શરૂ કર્યું. એનો અવાજ સાંભળીને જગજીતે મુંબઇ આવી મળવા માટે કહ્યું. પરંતુ બે વર્ષ સુધી તલત અમેરિકા અને કેનેડા કામથી આવતા- જતાં રહ્યા. કેનેડામાં તલતને એક સંબંધીને ત્યાં મહેંદી હસન સાથે મુલાકાત થઈ અને એમની સામે ગાયું ત્યારે કોઈ પ્રતિભાવ ના આપ્યો. ત્રણ દિવસ પછી મહેંદી હસનના કાર્યક્રમમાં વિરામ હતો ત્યારે એમણે તલતને બોલાવ્યો અને કહ્યું કે તારો અવાજ સારો છે પણ બીજું ઘણું શીખવાની જરૂર છે. તું મારો શિષ્ય બની જા. ત્યારે તલતના ગુરુ બીજા હતા. એમની પરવાનગી લેવી પડે એમ હતી.
હસને કહ્યું કે હું એક વર્ષ પછી મુંબઇ આવું ત્યારે તું મળજે. તલત એ પછી લંડન ગયા હતા ત્યારે ગાયક ગુલામ અલી સાથે પણ મુલાકાત થઈ હતી. ૧૯૭૭ માં ફરી મુંબઇ આવીને ગાયક તરીકે કારકિર્દી બનાવવા પ્રયત્ન શરૂ કર્યા. સંગીતકારો ઉપરાંત એચ.એમ.વી. કંપનીમાં એક વર્ષ સુધી ચંપલ ઘસ્યા. ક્યારેક ઓડિશન આપવાની તક મળી પણ મેળ ના પડ્યો. ત્યારે ભારતમાં મહેંદી હસનનો કાર્યક્રમ હતો અને એ આવ્યા ત્યારે તલતને બોલાવી હાથમાં દોરો બાંધી શિષ્ય બનાવી દીધો. એ તાલીમ આપવા સાથે પોતાના જે શહેરમાં કાર્યક્રમ થાય ત્યાં હાજર રાખતા હતા. તલતે પાછળથી એમના કાર્યક્રમોમાં ગાવાનું પણ શરૂ કરી દીધું હતું. દરમ્યાનમાં દૂરદર્શન પર આવતા ‘આરોહી’ કાર્યક્રમમાં સારંગી વગાડતા ઇકબાલભાઈએ નિર્માતાને વાત કરીને પોતાના ઓળખીતા તલતને ગઝલો ગાવાની તક અપાવી દીધી.
એ સાંભળી થોડા દિવસો પછી ‘પોલીડોર’ સંગીત કંપનીમાંથી તલતને ફોન આવ્યો. એ મળવા ગયા ત્યારે કહ્યું કે એ નવા ગાયકોને પ્રોત્સાહન આપે છે. તમારું આલબમ બહાર પડશે. તલતે ત્યાંથી કંપનીના માણસોને વાત કરી જગજીત સિંહને ફોન કર્યો કે આ કંપનીનું આલબમ બની રહ્યું છે એમાં તમે સંગીત આપશો? જગજીતે હા પાડી દીધી. અને એ આલબમનું નામ ‘જગજીત સિંહ પ્રસ્તુત કરતે હૈં તલત અઝીઝ’ રાખી બહાર પાડવામાં આવ્યું. આલબમ લોકપ્રિય થયું એ પછી ખૈયામે એક ગીતના રેકોર્ડિંગ માટે તલતને બોલાવ્યા. એમણે નિર્દેશક મુઝફ્ફર અલીની ફિલ્મ ‘ઉમરાવ જાન’ માટે શહરયારની ગઝલ ‘જિંદગી જબ ભી’ ગાવા આપી. અસલમાં મુઝફ્ફર અલીએ આ ગઝલ ખાસ કિસ્સામાં મુકાવી હોવાનું તલતને કહ્યું હતું. ફિલ્મમાં બધી જ ગઝલો મહિલા સ્વરમાં હતી. ફારૂક શેખ નવાબ બન્યા હતા અને એ શાયર હોવાથી ઉમરાવ જાન એમના પર ફીદા થઈ હતી એટલે એક ગઝલ એમના પર રાખવી જરૂરી હતી. તલતે એ ગઝલ એવી ગાઈ કે ક્લાસિક બની ગઈ. ખૈયામે ફિલ્મ ‘બાઝાર’ માં તલત પાસે ગવડાવેલી ‘ફીર છીડી રાત બાત’ ગઝલ પણ બહુ લોકપ્રિય રહી છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 180 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,02,741 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,306 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,775 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 68 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 808 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,78,339 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 92 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.
આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.
આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.
આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.
આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.
આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.
આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.
આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.