Home Blog Page 2258

ખજૂરભાઈ તરીકે જાણીતા નીતિન જાનીએ પ્રભુતામાં પગલા પાડ્યા

ખજૂર ભાઈ સેલીબ્રિટીની જેમ લગ્ન કરવા માંગતા ન હતા જેથી સાદગીથી લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.  નીતિન જાનીના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ત્યારે લોકો તેમના પર શુભેચ્છાનો વરસાદ કરી રહ્યા છે.  ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે રીતી રિવાજ મુજબ 8 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા છે. પહેલા લોકોના હાસ્યનું મનોરંજન બનેલા નીતિન જાનીએ હવે પોતાના સેવા કાર્યોથી લોકપ્રિયતા મેળવી છે.

 

ખજૂરભાઈની સગાઈ થઈ ગયા બાદ બધા તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ગઈ કાલે ખજૂર ભાઈ મીનાક્ષી દવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.આજથી ઘણા સમય પહેલા ખજૂર ભાઈની સગાઈ મીનાક્ષી દવે સાથે થઈ હતી. જ્યારે તેમની સગાઈ થઈ ત્યારે તેમના સગાઈના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. અને આ જોડીને લોકો ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે.

સુખદેવ ગોગામેડી હત્યા કેસ : શૂટર્સના મદદગાર રામવીર જાટની ધરપકડ

ગોગામેડી હત્યા કેસમાં રાજસ્થાન પોલીસે હરિયાણાના એક યુવકની ધરપકડ કરી છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. જયપુર પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું કે ગોગામેડી હત્યા કેસના કાવતરાખોરો પૈકીના એક આરોપી રામવીર જાટની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. તે હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના સુરેતી પિલાનિયા ગામનો રહેવાસી છે.

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી મંગળવારે શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત રાઠોડ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર રામવીરે જયપુરમાં નીતિન ફૌજી માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. તેણે જણાવ્યું કે બંને મિત્રો છે. નીતિન અને રામવીર 12મા ધોરણ સુધી સાથે ભણ્યા હતા. ઘટના બાદ રામવીર આરોપી નીતિન અને રોહિતને મોટરસાઈકલ પર લઈને બગરુ ટોલ પ્લાઝાથી આગળ ગયો અને રાજસ્થાન રોડવેઝની બસમાં બેસાડી દીધો. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં રામવીર અને અન્ય એક શંકાસ્પદ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

શાબાશઃ ખેડૂતને એક રૂપિયો ભરવા કોર્ટે ફટકારી નોટિસ

અમરેલીઃ નાના કુંકાવાવ ગામના ખેડૂત સાથે એક અજીબોગરીબ કિસ્સો બન્યો છે. એક ખેડૂતને માત્ર એક રૂપિયા માટે કોર્ટનાં ચક્કર લગાવવા પડ્યાં છે. PGVCLએ ખેડૂતને કોર્ટ દ્વારા એક રૂપિયાની ભરપાઈ કરવા માટે નોટિસ મોકલાવી છે. સાત વર્ષ પહેલાં ખેડૂતે જે વીજ કનેકશન રદ કરાવ્યું હતું, એ માટે  વીજ કંપનીએ ખેડૂતને એક રૂપિયાની બાકી રકમ ભરવા માટે નોટિસ પાઠવી છે. મજેદાર વાત તો એ છે કે એક રૂપિયાની ભરપાઇ માટે કોર્ટે પાંચ રૂપિયાની ટિકિટ લગાવીને નોટિસ પાઠવવામાં આવી છે.

હવે આ મામલે ખુદ PGVCL કોર્ટ મારફતે કુંકાવાવના ખેડૂતને એક રૂપિયાની કાયદેસરની કોર્ટ નોટિસ અપાવી છે, પાંચ રૂપિયાની ટિકિટ લગાડીને ખેડૂત પાસે એક રૂપિયાની નોટિસ આપવામાં આવી છે. હવે ખેડૂતે ખેતીકામ છોડીને કોર્ટમાં જવુ પડશે.

એટલું જ નહીં PGVCLના બુદ્ધિજીવી એન્જિનિયરોએ એક રૂપિયાની ઉઘરાણી માટે કોર્ટ મારફતે ખેડૂતને જે નોટિસ મોકલાવી છે તે નોટિસ જે ટપાલ મારફતે ખેડૂત સુધી પહોંચી એ ટપાલ પર 5 રૂપિયાની તો ટિકિટ લગાવી છે.

ગુજરાતની 25થી વધારે નગરપાલિકાઓનાં કરોડો રૂપિયાનાં બિલ બાકી છે તેની સામે વીજ કંપની પાંચ વર્ષથી લઈને 15 વર્ષ સુધી એક હરફ સુધ્ધાં ઉચ્ચારતી નથી. અને ખેડૂતનો માત્ર એક રૂપિયો બાકી છે તો બહાદુરીનું કામ હોય એ રીતે ખેડૂતને તેઓ કોર્ટમાં ઢસડી ગયા છે. ધન્ય છે વીજ કંપનીને.

 

 

 

BSP સાંસદ દાનિશ અલીને માયાવતીએ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

બસપા સુપ્રીમોએ સાંસદ દાનિશ અલી વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. બસપા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં તેમણે કહ્યું કે, તેમને ઘણી વખત મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું કે પાર્ટીની નીતિઓ, વિચારધારા અને અનુશાસન વિરુદ્ધ કોઈ નિવેદન ન આપો. પરંતુ તેમ છતાં તેઓ સતત પાર્ટી વિરુદ્ધ આવી વાતો કરી રહ્યા છે.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2018માં દાનિશ અલી કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી દેવગૌડાની જનતા પાર્ટીના સભ્ય તરીકે કામ કરી રહ્યા હતા. 2018ની કર્ણાટક સામાન્ય ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી અને જનતા પાર્ટીએ ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં દેવેગૌડાની પાર્ટી વતી દાનિશ અલી ખૂબ જ સક્રિય હતા. તે સમયે કર્ણાટક ચૂંટણીના પરિણામો પછી એચડી દેવગૌડાની વિનંતી પર દાનિશ અલીને અમરોહાથી બીએસપીના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

ગંભીર સાથેની લડાઈ બાદ શ્રીસંત મુશ્કેલીમાં મુકાયો

6 ડિસેમ્બરે લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ગુજરાત જાયન્ટ્સ અને ઇન્ડિયા કેપિટલ્સ વચ્ચેની મેચ વિવાદોથી ભરેલી હતી. આ મેચ દરમિયાન ગુજરાતની ટીમ તરફથી રમતા ગૌતમ ગંભીર અને પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. ત્યારબાદ તેમની લડાઈ સોશિયલ મીડિયા પર પણ પહોંચી હતી. શ્રીસંતે એક પછી એક અનેક વીડિયો શેર કરીને ગંભીર પર નિશાન સાધ્યું હતું. આ મામલે લીગ કમિશનર એસ. શ્રીસંતને કાનૂની નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તેણે કોન્ટ્રાક્ટની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. નોટિસમાં એવી માહિતી પણ આપવામાં આવી હતી કે શ્રીસંત સાથે વાતચીત ત્યારે જ થશે જ્યારે તે ગૌતમ ગંભીરની ટીકા કરતો વીડિયો હટાવશે. હવે એલએલસી તરફ શ્રીસંત સામે કાર્યવાહી કરવાની તૈયારીઓ પણ ચાલી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by SREE SANTH (@sreesanthnair36)

શ્રીસંતે સોશિયલ મીડિયા પર નિવેદન આપ્યું હતું

શ્રીસંતે તે મેચ પછી સોશિયલ મીડિયા પર ગંભીર વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા, જેને લેજેન્ડ્સ લીગ ક્રિકેટની આચાર સંહિતા અને કરારનું ઉલ્લંઘન માનવામાં આવતું હતું. એલએલસીની આચાર સંહિતા અનુસાર આ લીગમાં ભાગ લેનાર કોઈપણ ખેલાડી મેચ અધિકારીઓ, પ્રતિનિધિઓ, કર્મચારીઓ, લીગના માલિકો, ફ્રેન્ચાઈઝીના સન્માનકર્તાઓ અથવા લીગમાં ભાગ લેતા અન્ય કોઈપણ ખેલાડીની જાહેરમાં ટીકા કરી શકે નહીં.

FCI વધુ 25 લાખ ટન ઘઉં બજારમાં ઠાલવશે 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર જાન્યુઆરીથી માર્ચ, 2024 દરમિયાન ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) હેઠળ બલ્ક વપરાશકારોને વધારાના 25 લાખ ટન FCI ગોદામોમાંથી ઘઉં આપવા તૈયાર છે. જેનો હેતુ સ્થાનિક પુરવઠો વધારવાનો અને ભાવ વધારાને અંકુશમાં રાખવાનો હોવાનું કેન્દ્રના અન્ન સચિવ સંજીવ ચોપડાએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે વીકલી ઈ-લિલામીના માધ્યમથી (FCI) અત્યાર સુધી 44.6 લાખ ઘઉં જ્થ્થાબંધ ઉપભોકતાઓને વેચી ચૂકી છે. જેથી ખુલિલા બજારમાં ઓછા ભાવે ઘઉંના જથ્થામાં વધારો થયો છે, જેથી દેશમાં સામાન્ય ઉપભોક્તાઓને લાભ થયો છે.

આ વર્ષના મેમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) જે ધાન્યની પ્રાપ્તિ અને વિતરણ માટેની નોડલ એજન્સી છે તેણે OMSS હેઠળ ઈ-લિલામ મારફત બલ્ક વપરાશકારોને સેન્ટ્રલ પુલમાંથી ઘઉં વેચવાનો આદેશ આપ્યો હતો. ઘઉં ઉગાડતાં રાજ્યોમાં પ્રાપ્તિ સમય સિવાયના વર્ષ આખામાં આ વેચાણ કરવાનું હતું.

ખુલ્લા બજારમાં પુરવઠો વધારવાના હેતુથી FCI દ્વારા ઈ-લિલામ મારફત સાપ્તાહિક જથ્થો ત્રણ લાખ ટનથી વધારી તાત્કાલિક અમલથી ચાર લાખ ટન કરાશે. `ભારત આટા’ બ્રાન્ડ હેઠળ ઘઉંના આટાનું સબ્સિડાઇઝ ભાવે વેચાણ કરવામાં આવે છે. તેનો જથ્થો જાન્યુઆરી આખર 2024 સુધી 2.5 લાખ ટનથી વધારી ચાર લાખ ટન કરાશે.

FCI ઘઉં સેન્ટ્રલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન જેવા કે નાફેડ, NCCF અને કેન્દ્રીય ભંડારને આટો બનાવવા વેચે છે. તેઓ `ભારત આટા’ બ્રાન્ડ હેઠળ કિલોદીઠ રૂા. 27.50ના વાજબી ભાવે મોબાઇલ આઉટલેટ મારફત વેચે છે. ખુલ્લા બજારમાં FCI સ્ટોક છૂટો કરવા ઉપરાંત સરકારે સ્થાનિક પુરવઠો વધારવા અને ભાવવધારાને રોકવા અન્ય પગલાં પણ લીધાં છે. ઘઉંના વેપારીઓ માટે સ્ટૉક મર્યાદા કડક બનાવવામાં આવી છે અને મે, 2022થી નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

 

 

 

 

 

 

હેલ્ધી મેથી પૂડલા

શિયાળો શરૂ થઈ ગયો છે અને લીલી મેથીની ભાજી પણ સરસ મળી રહી છે. તો બાળકોના નાસ્તા માટે હેલ્ધી સ્વાદિષ્ટ નાસ્તો બનાવી લો!

સામગ્રીઃ

  • બટેટું 1
  • કાંદો 1
  • ગાજર 1
  • બારીક રવો 1 કપ
  • લીલી મેથીના પાન અથવા પાલકના પાન 1 કપ
  • ચણાનો લોટ ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચપટી હીંગ
  • લાલ મરચાં 2-3
  • કોથમીર ધોઈને સમારેલી ½ કપ
  • લીંબુનો રસ અથવા દહીં 2 ટે.સ્પૂન
  • સફેદ તલ 2 ટે.સ્પૂન
  • તેલ સાંતડવા માટે

વઘારઃ

  • તેલ 2 ટે.સ્પૂન
  • જીરુ 1 ટી.સ્પૂન
  • કળીપત્તાના પાન 7-8

રીતઃ કાંદો, કોથમીર તેમજ લીલી મેથીના પાન ઝીણાં સમારી લેવા, કાંદો તેમજ ગાજર ખમણી લો.

એક બાઉલમાં ખમણેલાં કાંદા, ગાજર, બટેટું, લીલી મેથીના પાન, સ્વાદ મુજબ મીઠું, હીંગ, ચણાનો લોટ, રવો, સુધારેલી કોથમીર લઈ તેમાં લીંબુનો રસ મેળવી પહેલાં એક ચમચી વડે મેળવી લો. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરો અને રવો ભીંજવી દો. 10 મિનિટ માટે ઢાંકી રાખો. ત્યારબાદ જો ખીરું ઘટ્ટ થયું હોય તો થોડું પાણી ઉમેરીને સહેજ ખીરું ઢીલું કરી દો.

એક વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં જીરુનો વઘાર કરી કળીપત્તાના પાન ઉમેરીને આ વઘાર ખીરામાં રેડી દો.

એક નોનસ્ટીક પેનમાં 1 ટી.સ્પૂન જેટલું તેલ ગરમ કરી તેમાં થોડાં તલ પાથરીને 1 કળછી ખીરું તેમાં રેડીને ફેલાવી દો. ગેસની આંચ મધ્યમ રાખવી. 2 મિનિટ માટે તેની ઉપર ઢાંકણ ઢાંકીને પૂડલા થવા દો. 2 મિનિટ બાદ ઢાંકણ કાઢીને પૂડલો ઉથલાવીને ફરતે થોડું તેલ રેડી દો. ફરીથી પૂડલાને 2-3 મિનિટ થવા દો. ગોલ્ડન રંગ આવે એટલે ઉતારી લો.

આ પૂડલા ટોમેટો કેચઅપ અથવા લીલી ચટણી સાથે પીરસો.

US કોન્સ્યુલેટ જનરલે વિઝિટર વિસાના વેઇટિંગ સમયમાં ઘટાડો કર્યો

મુંબઈઃ US કોન્સ્યુલેટ જનરલ-મુંબઈએ આ વર્ષ રેકોર્ડ તોડનારું વર્ષ ઊજવ્યું અને 2023 અરજીકર્તાઓ માટે ખાસ શનિવારે વિઝિટર વિઝા માટેના ઇન્ટરવ્યુના વેઇટિંગ સમયમાં ઘટાડો કર્યો હતો. દેશમાં આ સંખ્યા વિસાની પ્રક્રિયા માટે ઐતિહાસિક વર્ષ તરીકે યાદ રાખશે. કોન્સ્યુલેટે અમેરિકી વિસા માટેની માગ માટે ખાસ શનિવારે વધારાના ઇન્ટરવ્યુનું આયોજન કર્યું હતું.

કોન્સલ જનરલ માઇક હેન્કીએ ટીમના વીકએન્ડના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું હતું કે અમે બંને દેશોની વચ્ચે સ્થાયી સંબંધોને મહત્ત્વ આપીએ છીએ અને અમેરિકા અને ભારતની વચ્ચે સમૃદ્ધિ, સમાવેશી અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે ખંતથી કામ કરીએ છીએ. આજે ખાસ શનિવારે આવનારા વર્ષમાં વિઝિટર વિસાના પ્રતિક્ષા સમયને ઓછો કરવા માટે નવા પ્રયાસો માટે અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

વર્ષ 2023માં અત્યાર સુધી ભારતમાં અમેરિકી મિશને 1.20 કરોડથી વધુ નોન-ઇમિગ્રેશન વિસાની પ્રક્રિયા કરી છે, જેમાં US કોન્સ્યુલેટ જનરલ મુંબઈએ ચાર લાખથી વધુ વિસાની પ્રક્રિયા હાથ ધરી હતી, જે એક રેકોર્ડ છે.

આ સિવાય આ ઉનાળાની સીઝનમાં ભારતમાં અમેરિકાએ રેકોર્ડ સંખ્યામાં આશરે 90,000 વિદ્યાર્થીઓના વિસા જારી કર્યા હતા. વર્ષ 2023-23ના શૈક્ષણિક વર્ષમાં અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 35 ટકા વધીને 2.68 લાખથી વધુના ઓલ ટાઇમ ઊંચા સ્તરે પહોંચી છે.

 

 

રણબીરની ફિલ્મે રૂ. 600 કરોડનો આંકડો પાર કર્યો

અમદાવાદઃ બોલીવૂડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ ભારતમાં જ નહીં, વિશ્વભરમાં સારો દેખાવ કરી રહી છે. એક્શન ફિલ્મે એક વધુ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. આ ફિલ્મે રૂ. 600 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. ‘એનિમલે’ ઉત્તર અમેરિકી બજારમાં આઠ દિવસોમાં 10 મિલિયન ડોલરની કમાણી કરી છે.

ફિલ્મ વિશ્લેષક રમેશ બાલાએ ટ્વીટ કર્યું હતું કે ‘એનિમલે’ હવે ઉત્તર અમેરિકામાં ટોચની સાત સૌથી વધુ કમાણી કરતી ભારત ફિલ્મોમાંની એક છે. તેમણે X પર લખ્યું હતું કે ઇતિહાસ બની ગયો. ‘એનિમલે’ 10 મિલિયન ડોલરને પાર કરી લીધા છે અને હવે ભારતીય ફિલ્મો માટે ઉત્તરી અમેરિકામાં ટોચની સાત કમાણી કરતી ફિલ્મોમાં સામેલ છે.

નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ કેપ્શનની સાથે ‘એનિમલ’ના વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ કલેક્શન વિશે એક અપડેટ જારી કર્યું હતું. બ્લોકબસ્ટરની જીત જારી છે. T- સિરીઝે ફિલ્મથી રણબીર કપૂરનું એક પોસ્ટર જારી કર્યું છે, જેમાં લખ્યું છે કે વિશ્વમાં આઠ દિવસમાં રૂ. 600.67 કરોડની કમાણી.

‘એનિમલ’ને T-સિરીઝ હેઠળ ભૂષણ કુમાર અને કૃષ્ણકુમાર, મુરાદ ખેતાનીના સિને1 સ્ટુડિયો અને પ્રણય રેડ્ડી વાંગાની ભદ્રકાળી પિકચર્સનું સમર્થન છે. બોક્સ ઓફિસ પર એની ટક્કર વિક્કી કૌશલની ‘સેમ બહાદુર’થી છે અને એ વિજેતા બનીને ઊભરી છે. રણબીર કપૂરની રિવેન્જ ડ્રામા પહેલી ડિસેમ્બરે વિશ્વના થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ‘એનિમલ’માં રણબીરની સાથે બોબી દેઓલ, અનિલ કપૂર અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકાઓમાં છે.

 

 

 

 

 

 

 

ISISના ષડયંત્ર વિરુદ્ધ NIAના 41 જગ્યાએ દરોડાઃ 13ની ધરપકડ

મુંબઈઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ISIS આતંકવાદી ષડયંત્રના કેસમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 40થી વધુ સ્થળો પર દરોડા પાડી રહી છે. NIA દ્વારા શનિવાર સવારથી અત્યાર સુધીમાં કુલ 41 સ્થાનોમાંથી એજન્સીના અધિકારીઓએ કર્ણાટકમાં 1, પુણેમાં 2, થાણે ગ્રામીણમાં 31, થાણે શહેરમાં નવ અને ભાયંદરમાં એક સ્થળની તપાસ કરી છે. અત્યાર સુધીમાં આ દરોડામાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આતંકવાદી વિરોધી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના અધિકારીઓએ આતંકવાદી સંગઠન ISISના ષડયંત્ર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં દેશભરમાં મુંબઈ અને કર્ણાટકના પોલીસ દળોની સાથે અલગ-અલગ 40થી વધુ સ્થળો પર એકસાથે મોટા દરોડા પાડ્યા છે. આ મામલો આરોપી વ્યક્તિઓ અને તેમના સહયોગીઓ દ્વારા રચવામાં આવેલા એક ગુનાઇત કાવતરા સંબંધિત છે, જેમણે અલ- કાયદા અને ISIS સહિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની હિંસક ચરમપંથી વિચારધારાની પ્રતિજ્ઞા લીધી હતી અને એક આતંકવાદી ગેન્ગ બનાવી હતી.આતંકવાદી સંગઠનોએ ભારતમાં ઇસ્લામી શાસન સ્થાપિત કરવા માટે હિંસક જેહાદ છેડી છે અને એના માટે ધાર્મિક શિક્ષણ ચલાવવા સહિત સમાન વિચારધારાવાળા યુવાઓને પોતાની સાથે સામેલ કર્યા હતા. 

NIAના દરોડા દરમિયાન આતંકવાદીઓના આંતરરાષ્ટ્રીય જોડાણો અને વિદેશી-આધારિત ISIS હેન્ડલર્સની સંડોવણી સાથેના મોટા ષડયંત્રનો પણ પર્દાફાશ કર્યો છે. NIAના આ સર્ચ ઓપરેશનમાં ભારતમાં ISISની આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરવા માટે પ્રતિબદ્ધ લોકોના જટિલ નેટવર્કનો પણ ખુલાસો થયો છે. આ નેટવર્કે ISISના સ્વ-ઘોષિત નેતા પ્રત્યે વફાદારી લીધી હતી અને નેટવર્ક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IEDs) પણ તૈયાર કરી રહ્યું હતું. આ સંગઠનનો ઉદ્દેશ તેના સાગરીતો દ્વારા ભારતમાં આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનો હતો.