અસમમાં પૂરનો પ્રકોપ: ૨૪ કલાકમાં ૨૧ના મોત; ૫.૬૪ લાખથી વધુ પ્રભાવિત

ગૌહાટી: અસમમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ વિકટ બની છે. છેલ્લા ૨૪ કલાકમાં પૂરના કારણે વધુ ૨૧ લોકોના મોત નીપજ્યા છે, જેની સાથે આ વર્ષે પૂરથી જીવ ગુમાવનારાઓનો કુલ આંકડો ૩૧ પર પહોંચી ગયો છે. રાજ્યમાં ૫.૬૪ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ચાર દિવસ માટે અસમમાં ગાજવીજ અને ભારે વરસાદ માટે ‘યલો એલર્ટ’ જારી કર્યું છે.

શિવસાગર જિલ્લામાં સૌથી વધુ તારાજી

અસમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના અહેવાલ મુજબ, શિવસાગર, ચરાઈદેવ, ધેમાજી, દિબ્રુગઢ, ગોલાઘાટ, જોરહાટ, કામરૂપ, કમરૂપ મેટ્રોપોલિટન, કાર્બી આંગલોંગ, નાગાંવ અને તિનસુકિયા જેવા જિલ્લાઓ પૂરની ચપેટમાં આવ્યા છે.

  • મૃત્યુઆંક: ૨૪ કલાકમાં નોંધાયેલા ૨૧ મોતોમાંથી સૌથી વધુ ૧૩ મોત શિવસાગરમાં થયા છે, જેમાં ૪ મહિલાઓ અને ૨ બાળકો સામેલ છે. આ સિવાય ચરાઈદેવમાં ૫, ગોલાઘાટમાં ૨ અને જોરહાટમાં ૧ મહિલાનું મોત થયું છે.

  • સૌથી વધુ અસરગ્રસ્ત: શિવસાગર જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાં ૩.૬ લાખ લોકો પૂરની ચપેટમાં છે. જોરહાટમાં ૮૮,૦૦૦ અને ચરાઈદેવમાં ૭૨,૫૦૦થી વધુ લોકો પ્રભાવિત થયા છે.

મુખ્ય નદીઓ ભયજનક સપાટી વટાવી ગઈ

બ્રહ્મપુત્ર નદી નેમાતીઘાટ ખાતે ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. તે સિવાય બુરીદિહિંગ, ધનસિરી, દિકહૌ અને દિસંગ નદીઓ પણ ભયજનક અને સર્વોચ્ચ પૂર સપાટીથી ઉપર વહી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે.

રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં:

  • રાહત કેમ્પો: ૧૦ જિલ્લામાં ૨૭૩ રાહત કેમ્પો અને વિતરણ કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે, જ્યાં હાલ ૧૨,૨૮૪ વિસ્થાપિત લોકોને આશ્રય આપવામાં આવ્યો છે.

  • રેસ્ક્યૂ ઓપરેશન: આર્મી, NDRF, SDRF, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોએ અત્યાર સુધીમાં ૬,૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.

  • રાહત સામગ્રી: સત્તાવાળાઓ દ્વારા પૂર પીડિતોને ૫,૦૧૧ કવિંતલ ચોખા, ૯૫૬ કવિંતલ દાળ, ૨૬૫ કવિંતલ મીઠું અને ૨૦,૧૧૫ લીટર સરસવનું તેલ વિતરિત કરવામાં આવ્યું છે.

માળખાકીય અને ખેતીને નુકસાન

રાજ્યના ૮૭૨થી વધુ ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ૨૪,૨૧૦ હેક્ટરથી વધુ પાકને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત ૧.૮૫ લાખથી વધુ પશુઓ પૂરથી પ્રભાવિત થયા છે તેમજ અનેક પુલો, રસ્તાઓ અને બંધોને ભારે નુકસાન પહોંચ્યું છે.