શાબાશઃ ખેડૂતને એક રૂપિયો ભરવા કોર્ટે ફટકારી નોટિસ

અમરેલીઃ નાના કુંકાવાવ ગામના ખેડૂત સાથે એક અજીબોગરીબ કિસ્સો બન્યો છે. એક ખેડૂતને માત્ર એક રૂપિયા માટે કોર્ટનાં ચક્કર લગાવવા પડ્યાં છે. PGVCLએ ખેડૂતને કોર્ટ દ્વારા એક રૂપિયાની ભરપાઈ કરવા માટે નોટિસ મોકલાવી છે. સાત વર્ષ પહેલાં ખેડૂતે જે વીજ કનેકશન રદ કરાવ્યું હતું, એ માટે  વીજ કંપનીએ ખેડૂતને એક રૂપિયાની બાકી રકમ ભરવા માટે નોટિસ પાઠવી છે. મજેદાર વાત તો એ છે કે એક રૂપિયાની ભરપાઇ માટે કોર્ટે પાંચ રૂપિયાની ટિકિટ લગાવીને નોટિસ પાઠવવામાં આવી છે.

હવે આ મામલે ખુદ PGVCL કોર્ટ મારફતે કુંકાવાવના ખેડૂતને એક રૂપિયાની કાયદેસરની કોર્ટ નોટિસ અપાવી છે, પાંચ રૂપિયાની ટિકિટ લગાડીને ખેડૂત પાસે એક રૂપિયાની નોટિસ આપવામાં આવી છે. હવે ખેડૂતે ખેતીકામ છોડીને કોર્ટમાં જવુ પડશે.

એટલું જ નહીં PGVCLના બુદ્ધિજીવી એન્જિનિયરોએ એક રૂપિયાની ઉઘરાણી માટે કોર્ટ મારફતે ખેડૂતને જે નોટિસ મોકલાવી છે તે નોટિસ જે ટપાલ મારફતે ખેડૂત સુધી પહોંચી એ ટપાલ પર 5 રૂપિયાની તો ટિકિટ લગાવી છે.

ગુજરાતની 25થી વધારે નગરપાલિકાઓનાં કરોડો રૂપિયાનાં બિલ બાકી છે તેની સામે વીજ કંપની પાંચ વર્ષથી લઈને 15 વર્ષ સુધી એક હરફ સુધ્ધાં ઉચ્ચારતી નથી. અને ખેડૂતનો માત્ર એક રૂપિયો બાકી છે તો બહાદુરીનું કામ હોય એ રીતે ખેડૂતને તેઓ કોર્ટમાં ઢસડી ગયા છે. ધન્ય છે વીજ કંપનીને.