તલત હતા ગઝલ ગાયકોના અઝીઝ

‘ઉમરાવ જાન’ (૧૯૮૧) અને ‘બાઝાર’ (૧૯૮૨) જેવી ફિલ્મોમાં ગઝલ ગાઈને વધુ જાણીતા રહેલા તલત અઝીઝ પર જાણીતા ગઝલ ગાયકોના આશીર્વાદ રહ્યા હતા. તલતને નાનપણથી જ સંગીતનો શોખ હતો. ગાયક તરીકે કારકિર્દી બનાવવાનું ચોક્કસ આયોજન ન હતું. ૧૯૭૫ માં તલત હૈદરાબાદ હતા. ત્યાં ગઝલ ગાયક જગજીત સિંહ અને એમના પત્ની ચિત્રા સિંહનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. એમાં તલતના પિતા અઝીમભાઇને આમંત્રણ મળ્યું હતું. એ પુત્ર તલતને સાથે લઈને ગયા ત્યારે રિહર્સલ ચાલી રહ્યું હતું. આયોજકે અઝીમભાઇની ઓળખાણ આપી અને એમનો પુત્ર તલત ગાતો હોવાનું જણાવ્યું.

જગજીત સિંહે કહ્યું કે આજે સાંજે તું પણ મારી સાથે ગાવા સ્ટેજ પર આવજે! ત્યારે તલતે કહ્યું કે નહીં પહેલાં તમે મારો અવાજ સાંભળજો. એ માટે ઘરે આવો. અઝીમભાઇએ પણ જમવા બોલાવ્યા. જગજીત એમને ત્યાં જમવા ગયા ત્યારે તલતે એક હાર્મોનિયમ લઈ સંભળાવવાનું ગોઠવ્યું. એમને ત્યાં માઇક હતું એ પણ કાઢ્યું. પરંતુ માઇકનું સ્ટેન્ડ મળતું ન હતું. જગજીતે કહ્યું કે હું માઇક પકડું છું તું ગા! અને તલતે આંખ મીંચીને મહેંદી હસનની ગઝલ ગાવાનું શરૂ કર્યું. એનો અવાજ સાંભળીને જગજીતે મુંબઇ આવી મળવા માટે કહ્યું. પરંતુ બે વર્ષ સુધી તલત અમેરિકા અને કેનેડા કામથી આવતા- જતાં રહ્યા. કેનેડામાં તલતને એક સંબંધીને ત્યાં મહેંદી હસન સાથે મુલાકાત થઈ અને એમની સામે ગાયું ત્યારે કોઈ પ્રતિભાવ ના આપ્યો. ત્રણ દિવસ પછી મહેંદી હસનના કાર્યક્રમમાં વિરામ હતો ત્યારે એમણે તલતને બોલાવ્યો અને કહ્યું કે તારો અવાજ સારો છે પણ બીજું ઘણું શીખવાની જરૂર છે. તું મારો શિષ્ય બની જા. ત્યારે તલતના ગુરુ બીજા હતા. એમની પરવાનગી લેવી પડે એમ હતી.

હસને કહ્યું કે હું એક વર્ષ પછી મુંબઇ આવું ત્યારે તું મળજે. તલત એ પછી લંડન ગયા હતા ત્યારે ગાયક ગુલામ અલી સાથે પણ મુલાકાત થઈ હતી. ૧૯૭૭ માં ફરી મુંબઇ આવીને ગાયક તરીકે કારકિર્દી બનાવવા પ્રયત્ન શરૂ કર્યા. સંગીતકારો ઉપરાંત એચ.એમ.વી. કંપનીમાં એક વર્ષ સુધી ચંપલ ઘસ્યા. ક્યારેક ઓડિશન આપવાની તક મળી પણ મેળ ના પડ્યો. ત્યારે ભારતમાં મહેંદી હસનનો કાર્યક્રમ હતો અને એ આવ્યા ત્યારે તલતને બોલાવી હાથમાં દોરો બાંધી શિષ્ય બનાવી દીધો. એ તાલીમ આપવા સાથે પોતાના જે શહેરમાં કાર્યક્રમ થાય ત્યાં હાજર રાખતા હતા. તલતે પાછળથી એમના કાર્યક્રમોમાં ગાવાનું પણ શરૂ કરી દીધું હતું. દરમ્યાનમાં દૂરદર્શન પર આવતા ‘આરોહી’ કાર્યક્રમમાં સારંગી વગાડતા ઇકબાલભાઈએ નિર્માતાને વાત કરીને પોતાના ઓળખીતા તલતને ગઝલો ગાવાની તક અપાવી દીધી.

એ સાંભળી થોડા દિવસો પછી ‘પોલીડોર’ સંગીત કંપનીમાંથી તલતને ફોન આવ્યો. એ મળવા ગયા ત્યારે કહ્યું કે એ નવા ગાયકોને પ્રોત્સાહન આપે છે. તમારું આલબમ બહાર પડશે. તલતે ત્યાંથી કંપનીના માણસોને વાત કરી જગજીત સિંહને ફોન કર્યો કે આ કંપનીનું આલબમ બની રહ્યું છે એમાં તમે સંગીત આપશો? જગજીતે હા પાડી દીધી. અને એ આલબમનું નામ ‘જગજીત સિંહ પ્રસ્તુત કરતે હૈં તલત અઝીઝ’ રાખી બહાર પાડવામાં આવ્યું. આલબમ લોકપ્રિય થયું એ પછી ખૈયામે એક ગીતના રેકોર્ડિંગ માટે તલતને બોલાવ્યા. એમણે નિર્દેશક મુઝફ્ફર અલીની ફિલ્મ ‘ઉમરાવ જાન’ માટે શહરયારની ગઝલ ‘જિંદગી જબ ભી’ ગાવા આપી. અસલમાં મુઝફ્ફર અલીએ આ ગઝલ ખાસ કિસ્સામાં મુકાવી હોવાનું તલતને કહ્યું હતું. ફિલ્મમાં બધી જ ગઝલો મહિલા સ્વરમાં હતી. ફારૂક શેખ નવાબ બન્યા હતા અને એ શાયર હોવાથી ઉમરાવ જાન એમના પર ફીદા થઈ હતી એટલે એક ગઝલ એમના પર રાખવી જરૂરી હતી. તલતે એ ગઝલ એવી ગાઈ કે ક્લાસિક બની ગઈ. ખૈયામે ફિલ્મ ‘બાઝાર’ માં તલત પાસે ગવડાવેલી ‘ફીર છીડી રાત બાત’ ગઝલ પણ બહુ લોકપ્રિય રહી છે.