કૈલાશ ખેર પર ‘અલ્લાહ કે બંદે’ ની કૃપા

ગાયક બનવા કૈલાશ ખેર સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે ‘અલ્લાહ કે બંદે’ મળ્યું હતું. આ ગીતથી  એમના પર જાણે ભગવાનની કૃપા થઈ અને કારકિર્દી બની ગઈ હતી. આ ગીત એમની કારકિર્દી માટે પાયાનો પથ્થર બન્યું હતું. ‘અલ્લાહ કે બંદે’ પહેલાં સંગીતની દુનિયામાં એ કંઇ જ ન હતા. તે એક પ્રાઈવેટ આલબમ બનાવવાની ઈચ્છા સાથે બે-ત્રણ વર્ષથી મુંબઈમાં ફરી રહ્યા હતા. કૈલાશ મુંબઈમાં કારકિર્દી બનાવવા આવ્યા ત્યારે જાહેરાતો માટે જિંગલ્સ ગાઈને પોતાના ખર્ચને પૂરો કરતા હતા. એમાં થોડું નામ જરૂર થયું હતું. જિંગલ્સની ચર્ચા વધી ત્યારે એક દિવસ કૈલાશ પર ફોન આવ્યો કે,‘હું વિશાલ બોલું છું. તમે કૈલાશ ખેર બોલો છો?’ ત્યારે કૈલાશે નવાઈ પામી પૂછ્યું કે,‘હા, તમે વિશાલ ભારદ્વાજ બોલો છો?’ એમણે કહ્યું કે,‘હું વિશાલ-શેખરવાળો વિશાલ બોલી રહ્યો છું.’

અજાણ્યા કૈલાશે પૂછ્યું કે તમારું આખું નામ વિશાલ શેખર છે? એમણે માહિતી આપી કે તેઓ બે માણસ છે. તેમની એક જ ફિલ્મ આવી છે અને હજુ શરૂઆત કરી છે. એમણે ફિલ્મ માટે ગીત ગાવાની વાત કરી એટલે પ્રયોગ માટે કૈલાશ એમને મળવા ગયા. વિશાલ- શેખરે એક સીડી પર ગીતની ધૂન આપી તૈયારી કરવા કહ્યું. કૈલાશ પાસે સીડી પ્લેયર ન હતું એટલે મિત્રને ત્યાં જઇ રિહર્સલ કરી લીધું. ચાર દિવસ પછી જ્યારે રેકોર્ડિંગ માટે ગયા ત્યારે સ્ટુડિયો એકદમ નાનો જોઈ કૈલાશને શંકા ગઈ કે ખરેખર ગીત રેકોર્ડ કરવાના હશે કે મસ્તી કરી રહ્યા હશે? કૈલાશને થયું કે એમની પાસ કોઈ બજેટ નથી અને ગીતમાં કોઈ સંગીત નથી! એમાં એક ગિટાર વગાડી છે. આજ સુધી માત્ર ગિટાર સાથે કોઈ ફિલ્મનું ગીત તૈયાર થયું નથી. વધારે શંકા ફિલ્મનું નામ જાણ્યા પછી થતી હતી. જ્યારે પણ પૂછે ત્યારે ‘વૈસા ભી હોતા હૈ 2’ (૨૦૦૩) ફિલ્મ માટે હોવાનું રટણ કરતા હતા.

કૈલાશના મનમાં એ વાતની નવાઈ હતી કે ફિલ્મનો પહેલો ભાગ આવ્યો નથી. સીધો બીજો ભાગ કેવી રીતે આવી શકે? ખરેખર એવું જ હતું પણ કૈલાશની હિંમત ન હતી કે એમની સાથે વધારે ચર્ચા કરે કે પૂછપરછ કરે. એમણે ચૂપચાપ દિલથી ગીત ગાઈ આપ્યું. ગીત તૈયાર થયા પછી વિશાલનો ફોન આવ્યો કે,’કેટલી ફી લેશો?’ કૈલાશથી કહેવાઈ ગયું કે,’પચાસ હજાર રૂપિયા!’ ત્યારે એમણે સામો સવાલ કર્યો કે,‘ક્યારેય ફિલ્મ ગીત ગાયું છે?’ કૈલાશે કહ્યું,‘ના, અગાઉ ફિલ્મ ગીત તો ગાયું નથી પણ આટલા થતા હશે!’ ત્યારે વિશાલે કહ્યું કે આટલા ના થાય. કૈલાશે પોતાને ખબર ન હોવાથી એમને જ ભાવ નક્કી કરવા કહ્યું. વિશાલે કહ્યું કે ‘એ’ ગ્રેડના ઉદિત નારાયણ, કુમાર સાનૂ વગેરે માત્ર દસ હજાર રૂપિયા લે છે. કૈલાશે કહ્યું કે તો પછી એટલા જ આપી દો! અને વિશાલે ખરેખર કૈલાશને એટલા આપ્યા. ‘અલ્લાહ કે બંદે’ ગીત રેકોર્ડ થયા પછી બજારમાં આવતા એક વર્ષ લાગ્યું પણ આવતાની સાથે જ કૈલાશ ખેર છવાઈ ગયા. એ પછી એવા જ અલગ પ્રકારના યૂંહી ચલા ચલ (સ્વદેશ), ચાંદ સિફારીશ (ફના), જય જયકારા (બાહુબલી) વગેરે ગીતો મળતા રહ્યા.