ઇરાકની સોરન યુનિવર્સિટીની હોસ્ટેલમાં આગઃ 14 વિદ્યાર્થીઓનાં મોત

નવી દિલ્હીઃ નોર્ધન ઇરાકના સોરનમાં એક મોટી દુર્ઘટના બની છે.  ઉત્તરીય શહેર એર્બિલ નજીક સોરન  યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભીષણ આગ લાગવાથી 14 વિદ્યાર્થીનાં મોત થયાં હતાં અને અન્ય 18 ઘાયલ થયા હતા. આ દુર્ઘટના શુક્રવારે રાત્રે આઠ કલાકે બની હતી.

સ્થાનિક આરોગ્ય નિર્દેશાલયના વડાએ જણાવ્યું હતું કે આ ઘટના એર્બિલના સોરાન શહેરમાં બની હતી. સરકારી મિડિયાએ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. સ્થાનિક મિડિયાના જણાવ્યા અનુસાર શુક્રવાર રાત સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આ ઘટના કેમ અને કેવી રીતે બની, એ જાણી નથી શકાયું.

સોરનના આરોગ્ય મંત્રાલયના પ્રમુખ કામરામ મુલ્લા મોહમ્મદે જાણકારી આપતાં જણાવ્યું કે એરબિલના પૂર્વમાં એક નાના શહેર સોરાનમાં એક ઇમારતમાં આગ લાગી હતી, જેમાં 14 લોકોનાં મોત થયાં છે અને 18 જણ ઇજાગ્રસ્ત થયા હતા. યુનિવર્સિટીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ દુર્ઘટનાથી વ્યથિત છે.

મિડિયા અહેવાલ અનુસાર પ્રારંભિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સરકિટ જણાવવામાં આવ્યું હતું. આ વિસ્તાર કુર્દિસ્તાન પ્રાંતમાં આવે છે. ઇરાકના વડા પ્રધાન મસરૌર બરજાનીએ આ દુર્ઘટનાની તપાસ કરવા એક તપાસ સમિતિને રચના કરી છે. તેમણે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.

ઇરાકમાં આગ લાગવાની ઘટનાઓ વારંવાર થતી રહે છે. અહીં સુરક્ષાના નિયમોને નેવે મૂકીને બાંધકામ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એ સિવાય ટ્રાન્સપોર્ટ ક્ષેત્રોમાં ઘણી બેદરકારી દાખવવામાં આવે છે.