હમાસ પર ફરી ઈઝરાયેલનો ખતરનાક હુમલો

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. ફરી ઈઝરાયેલ દ્વારા હમાસ પર હુમલા કરવામાં આવી રહ્યાછે. દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેરમાં શનિવાર રાતથી ભારે લડાઈ ચાલી રહી છે. ઉત્તરી ગાઝામાં ઇઝરાયેલની સેના સતત ભારે વિરોધનો સામનો કરી રહી છે. ગાઝામાં હુમલાઓ એવા સમયે વધી ગયા છે જ્યારે યુ.એસ. દ્વારા લડાઈ રોકવાના તાજેતરના આંતરરાષ્ટ્રીય પ્રયત્નોને અવરોધિત કર્યા પછી અને તેના નજીકના સાથીઓને વધુ યુદ્ધ સામગ્રી મોકલ્યા પછી ઇઝરાયેલે તેની ઝુંબેશમાં વધારો કર્યો છે. હજારો પેલેસ્ટિનિયન નાગરિકોની હત્યા અને ગાઝાની લગભગ 85 ટકા વસ્તીના વિસ્થાપન પછી ઇઝરાયેલ વધતા આંતરરાષ્ટ્રીય ગુસ્સા અને યુદ્ધવિરામ માટે દબાણનો સામનો કરી રહ્યું છે.

અમેરિકાએ તાજેતરના સમયમાં યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં લડાઈ સમાપ્ત કરવાના ઠરાવ પર તેની ‘વીટો’ શક્તિનો ઉપયોગ કરીને ઇઝરાયેલના અભિયાનને નોંધપાત્ર સમર્થન આપ્યું છે. તેણે ઈઝરાયેલને $100 મિલિયનથી વધુના શસ્ત્રો વેચ્યા છે. હમાસને ખતમ કરવાના અને 7 ઓક્ટોબર જેવા હુમલાનું પુનરાવર્તન ટાળવાના ઇઝરાયલના ધ્યેયને અમેરિકાએ અતૂટ સમર્થન વ્યક્ત કર્યું છે. ઇઝરાયેલી સેના ઉત્તર ગાઝામાં ભારે વિરોધનો સામનો કરી રહી છે જ્યાં હવાઈ હુમલામાં તમામ ઇમારતો નાશ પામી છે.

આ મહિનાની શરૂઆતમાં ઈઝરાયલી દળોએ ખાન યુનિસમાં પ્રવેશ કર્યો હતો. ખાન યુનિસના રહેવાસીઓએ જણાવ્યું કે તેઓએ આખી રાત સતત ગોળીબાર અને વિસ્ફોટના અવાજો સાંભળ્યા. તેણે કહ્યું કે ફાઈટર પ્લેન્સે ગાઝાના બીજા સૌથી મોટા શહેર અને તેની આસપાસ બોમ્બમારો કર્યો. હમાસ-નિયંત્રિત વિસ્તારમાં આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે ગાઝામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 17,700ને પાર કરી ગઈ છે, જેમાં લગભગ બે તૃતીયાંશ મહિલાઓ અને બાળકો છે.