



અમદાવાદઃ સપ્તાહના અંતિમ દિને સ્થાનિક શેરબજારોમાં સાર્વત્રિક લેવાલીએ તેજીની આગેકૂચ થઈ હતી.અમેરિકા ફેડના નિર્ણય પછી શેરબજારમાં તેજીની હેટટ્રિક થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તરે બંધ થયા હતા. નિફ્ટી બેન્ક પણ રેકોર્ડ ઊંચાઈએ બંધ થયો હતો.
BSE સેન્સેક્સ સૌપ્રથમ વાર 71,600ને પાર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટીએ પહેલી વાર 21,492ની સપાટી સર કરી હતી. નિફ્ટી બેન્કે 48,219નો રેકોર્ડ બનાવ્યો હતો. રિયલ્ટી, FMCG, ફાર્મા, ઓટો ઇન્ડેક્સ ઘટીને બંધ થયા હતા. સેન્સેક્સ 970 પોઇન્ટ ઊછળીને 71,484 અને નિફ્ટી 274 પોઇન્ટ ઊછળીને 21,457ના મથાળે બંધ આવ્યા હતા. મિડકેપ 52 પોઇન્ટ વધીને 45,587ના સ્તરે બંધ આવ્યો હતો.સેન્સેક્સના 30માંથી 22 શેરોમાં તેજી રહી હતી, જ્યારે નિફ્ટીના 50માંથી 39 શેરોમાં તેજી થઈ હતી, જ્યારે નિફ્ટી બેન્કના 12માંથી નવ શેરો વધીને બંધ રહ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. ત્રણ લાખ કરોડનો વધારો થયો હતો.
છેલ્લા ત્રણ વર્ષમાં સૌપ્રથમ વાર એવું થયું છે કે ભારતીય બજારોમાં સતત સાત સપ્તાહ સુધી તેજી જોવા મળી હોય. બધા સેક્ટરોમાં આ સપ્તાહે રેકોર્ડ તેજી રહી છે. IT, મેટલ અને PSU, બેન્કોમાં સૌથી વધુ તેજી જોવા મળી છે.
શેરબજારોમાં રોકાણકારો માટે ડિસેમ્બર અત્યાર સુધીનો શાનદાર મહિનો રહ્યો છે. રોકાણકારોએ ડિમ્બરમાં અત્યાર સુધી આશરે રૂ. 22 લાખ કરોડથી વધુની કમાણી કરી છે. ભાજપે ત્રણ રાજ્યોમાં જીત મેળવી અને ક્રૂડની કિંમતોમાં નરમાઈ અને યુએસ ફેડરલે વ્યાજદરોમાં ઘટાડાના સંકેતો આપતાં શેરોમાં લાલચોળ તેજી થઈ રહી છે.
ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૧૫ ડિસેમ્બર, ૨૦૨૩
મુંબઈઃ બોલીવુડ અભિનેતા સની દેઓલનું કહેવું છે કે, ‘‘એનિમલ’ ફિલ્મમાં એના નાના ભાઈ બોબી દેઓલે કરેલા અભિનયની ઘણી પ્રશંસા થઈ છે. મને એનાથી ઘણો આનંદ થયો છે. પરંતુ, આ ફિલ્મમાં અમુક બાબતો મને ગમી નથી.’ પોતાને કઈ બાબતો નથી ગમી એ વિશે જોકે સની દેઓલે સ્પષ્ટતા કરી નથી.
સની દેઓલે કહ્યું કે, ‘કોઈ પણ ફિલ્મ ખામી વગરની હોતી નથી અને દરેક દિગ્દર્શકનો ફિલ્મ માટે કોઈક દ્રષ્ટિકોણ હોય છે. હર ફિલ્મ મેં અપની ખામિયાં હોતી હૈ. મેં એનિમલ ફિલ્મ જોઈ. મને એ ગમી છે. ફિલ્મ સરસ છે. પણ અમુક બાબતો છે જે મને ગમી નથી, જે મને મારી પોતાની ફિલ્મ સહિત બીજી ઘણી ફિલ્મોમાં પણ ગમી નહોતી.’
ઉલ્લેખનીય છે કે, ઘણા લોકોને ‘એનિમલ’ ફિલ્મ ગમી નથી. એમની ફરિયાદ છે કે ફિલ્મમાં હિંસાનો અતિરેક બતાવાયો છે અને સ્ત્રી પાત્રો સાથે બરાબર વ્યવહાર કરાયો નથી.
સંદીપ રેડ્ડી-વાંગા દિગ્દર્શિત ક્રાઈમ વિષય પર આધારિત ‘એનિમલ’ ફિલ્મમાં રણબીર કપૂર, રશ્મિકા મંદાના, અનિલ કપૂરની પણ મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મ પિતા-પુત્રના મુશ્કેલીભર્યા સંબંધની વાર્તા છે. બોબી દેઓલે ફિલ્મમાં હીરો રણબીર કપૂરના પાત્ર રણવિજય સિંહના કટ્ટર દુશ્મનની ભૂમિકા ભજવી છે. જોકે બોબીની એક્ટિંગની ચાહકો અને સમીક્ષકો, બંને પ્રકારનાં લોકોએ પ્રશંસા કરી છે.
‘એનિમલ’માં બોબીના ખલનાયક પાત્ર વિશે પૂછતાં સનીએ કહ્યું, ‘બોબીએ ઘાયલ, બોર્ડર, હીરો, ગદરમાં હીરોની ભૂમિકા ભજવી હતી એટલે આ રોલ રૂપેરી પડદા પર એની છાપ કરતાં વિપરીત છે.’
મુંબઈઃ એશિયા નામની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત EMDR (Eye Movement Desensitization and Reprocessing) સંસ્થા દર વર્ષે મનોચિકિત્સકોનું સંમેલન યોજે છે. આ વર્ષે કમ્બોડિયાના સીમ રીપ શહેરમાં 17 ડિસેમ્બરે સંસ્થાનું પાંચમું સંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં મુંબઈના કાંદિવલીનિવાસી યુવતી સંસ્કૃતિ અખિલ જોશી પોતાનો અભ્યાસ-લેખ રજૂ કરવાનાં છે.
સંસ્કૃતિ વ્યવસાયે કાઉન્સેલિંગ સાઇકોલોજિસ્ટ છે. સંસ્કૃતિએ આ અભ્યાસ-લેખ એમના માર્ગદર્શક અને કો-ઓથર સિનિયર મનોચિકિત્સક ચિંતન નાઇકના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો છે. EMDR એશિયાના આ સંમેલનમાં સંસ્કૃતિ EMDR-ઇન્ડિયાનાં પ્રતિનિધિ તરીકે હાજરી આપવાનાં છે અને પોતાનું પેપર રજૂ કરવાનાં છે. ચિંતન નાઇક પણ પેપરની રજૂઆતમાં એમના સહભાગી થશે. કોઈ માનવીય કે કુદરતી ઘટના કે દુર્ઘટના બને ત્યારે સંબંધિત વ્યક્તિઓને આઘાત લાગતો હોય છે. ખાસ કરીને સગીર વયનાં લોકોનાં મન પર એની ઊંડી અસર પડતી હોય છે. એવી સ્થિતિમાંથી પસાર થયેલાં તરુણ વયનાં કિશોર-કિશોરીઓને આઘાત (ટ્રોમા)માંથી બહાર લાવવા માટે મનોચિકિત્સાની મદદ લેવી પડે છે. EMDR વિશે જાણકારી આપતાં સંસ્કૃતિ કહે છે કે ઘણી વખત દુર્ઘટના વખતે ટ્રોમાનો અનુભવ કરતી વ્યક્તિ માટે EMDR ઉપયોગમાં લેવાય છે. તેને ‘EMDR ટ્રોમા ઈનફોર્મ થેરપી અપ્રોચ’ કહેવાય છે.
આ વર્ષના માર્ચ મહિનામાં મુંબઈના મલાડ (પૂર્વ) ઉપનગરના કુરાર વિલેજ વિસ્તારના અપ્પાપાડા મોહલ્લામાં રાંધણગેસના લગભગ 50 સિલિન્ડરો ફાટ્યાં હતાં જેને કારણે 2000 જેટલા ઝૂંપડાં નાશ પામ્યાં હતાં. આ મોહલ્લામાં નીચલા વર્ગના લોકો રહે છે. સિલિન્ડર દુર્ઘટનાને કારણે આસપાસ રહેતા ટીનેજર્સ-વિદ્યાર્થીઓની માનસિક હાલત વિશે સંસ્કૃતિએ સંશોધન કર્યું. વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે ભણવામાં એમનું ધ્યાન રહેતું નથી, એકાગ્રતા કેળવી શકતા નથી, માર્ક્સ ઓછા આવવા લાગ્યા છે, નાના-મોટા અવાજથી પણ તેઓ ગભરાઈ જાય છે, તેમને ખરાબ સપનાં પણ સતાવે છે. સંસ્કૃતિએ એમાંથી અમુક યુવાનો પર EMDR થેરપીનો ઉપયોગ કર્યો હતો. વિદ્યાર્થીઓની ચિંતા, તાણ અને એમનાં મન પર થયેલી અસર ટેસ્ટ દ્વારા માપી હતી. તેઓ સ્ટ્રેસ-લેવલ જાતે સંભાળી શકે એ માટે એમને અમુક ટેક્નિક અને કસરત શીખવી હતી. ચોથા સત્રમાં માલૂમ પડ્યું હતું કે વિદ્યાર્થીઓની તાણ અને ચિંતાના સ્તરમાં ઘટાડો થયો હતો.
આ પ્રોજેક્ટ સંસ્કૃતિએ એના મેન્ટોર, મનોચિકિત્સક ચિંતન નાઇકના માર્ગદર્શન હેઠળ પાર પાડ્યો હતો. સંસ્કૃતિએ નવી પેઢીની માનસિકતા પર કરેલો આ સંશોધન-અભ્યાસ અને વર્તમાન ચિકિત્સા પદ્ધતિમાં વધારે અસરકારક રીતે શું થઈ શકે એનો અભ્યાસ-લેખ સૂચિત સંમેલનમાં મોકલાવ્યો હતો. જેને આંતરરાષ્ટ્રીય બોર્ડે મંજૂર કર્યો છે અને હવે 17 ડિસેમ્બરે કમ્બોડિયામાં યોજાનાર સંમેલનમાં તે રજૂ કરવામાં આવશે. સંસ્કૃતિ વરિષ્ઠ ગુજરાતી સાહિત્યકાર દિનકર જોશીનાં પૌત્રી છે.
ફેઈરા ડી સેન્ટાના (બ્રાઝિલ): બ્રાઝિલના વિખ્યાત 30 વર્ષીય ગોસ્પેલ ગાયક પેડ્રો હેનરિકનું એક લાઈવ કાર્યક્રમ વખતે સ્ટેજ પર હાર્ટ એટેક આવતાં નિધન થયું છે. અહીં ગયા બુધવારે રાતે એક કોન્સર્ટ હોલમાં એક ધાર્મિક સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પેડ્રો હેનરિક સ્ટેજ પર ગીત ગાઈ રહ્યા હતા. એ કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું હતું. અચાનક જ પેડ્રો સ્ટેજ પર પડી ગયા હતા. પેડ્રોના રેકર્ડ લેબલ ‘ટોડાહ મ્યુઝિક’ તરફથી રેડિયો 93 ચેનલને જણાવવામાં આવ્યું હતું કે પેડ્રો હેનરિકને પ્રચંડ હાર્ટ એટેક આવ્યો હતો.
કાર્યક્રમમાં પેડ્રો એમના સંગીત બેન્ડના તાલ પર ગીત ગાઈ રહ્યા હતા. વચ્ચે વચ્ચે તેઓ સ્ટેજની નજીક ઊભેલા દર્શકો સાથે હાથ પણ મિલાવતા હતા. અચાનક તેઓ સંતુલન ગુમાવી બેઠા હતા અને સ્ટેજ પર ચત્તાપાટ પડી ગયા હતા. તે દ્રશ્ય અનેક જણના મોબાઈલ ફોનમાં ઝડપાઈ ગયું હતું અને ઈન્ટરનેટ પર, સોશિયલ મીડિયા પર વાઈરલ થયું છે.
પેડ્રોને ફસડાઈ પડતા જોઈને એમના બેન્ડના સાથીઓ ગભરાઈ ગયા હતા. કાર્યક્રમના સહાયકો તરત જ પેડ્રોની મદદે દોડી ગયા હતા. દર્શકો સ્તબ્ધ થઈને એ દ્રશ્ય જોતા રહ્યા હતા. પેડ્રોને તરત જ નજીકના એક ક્લિનિકમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ એમને મૃત ઘોષિત કર્યા હતા. ડોક્ટરોએ સમર્થન આપ્યું હતું કે પેડ્રોને હૃદયરોગનો પ્રચંડ હુમલો આવ્યો હતો.
પેડ્રો હેનરિકને બ્રાઝિલના એક ઉભરતા ગાયક તરીકે ગણવામાં આવતા હતા. ‘ટોડાહ મ્યુઝિક’ તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ‘પેડ્રોનું નિધન હૃદયરોગના હુમલો આવવાને કારણે થયાનું જણાવવામાં આવ્યું છે. પેડ્રો હેનરિક ખૂબ જ આનંદી સ્વભાવના યુવક, જવાબદાર પતિ અને પિતા તેમજ અમારા સહુના ઉમદા મિત્ર હતા. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે.’
30-year-old singer Pedro Henrique just collapsed and died on stage.
The new normal is not normal.
— End Wokeness (@EndWokeness) December 14, 2023
નવી દિલ્હીઃ મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદ વિવાદને લઈને મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટે આંચકો આપ્યો છે. કોર્ટે અલાહાબાદ હાઇકોર્ટના 14 ડિસેમ્બરના આદેશ પર સ્ટે આપવાથી ઇનકાર કરી દીધો છે, જેમાં ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિથી અડીને આવેલી શાહી ઇદગાહ મસ્જિદમાં ત્રણ સભ્યોની ટીમ દ્વારા પ્રાથમિક સર્વેનો આદેશ આપ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટમાં નવ જાન્યુઆરીએ આગામી સુનાવણી કરશે.
અલાહાબાદ હાઇકોર્ટે શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ વિવાદ મામલે ચુકાદો આપ્યો હતો. કોર્ટે શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં વિવાદિત વિસ્તારમાં સર્વે કરાવવાનો આદેશ આપ્યો હતો. એ આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આજે થયેલી સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે અરજીકર્તાઓ રજાઓ દરમ્યાન પણ સુપ્રીમ કોર્ટમાં અરજી આપી શકે છે.
એ અરજી ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન છે, ત્યાં સાત અન્ય લોકો દ્વારા એડવોકેટ હરિશંકર જૈન, વિષ્ણુશંકર જૈન, પ્રભાષ પાંડેય અને દેવકી નંદન દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થળ એ મસ્જિદની નીચે છે અને એવા કેટલાય પુરાવા છે, જે એ સાબિત કરે છે કે એ મસ્જિદ એક હિન્દુ મંદિર છે.જસ્ટિસ મયંકકુમાર જૈનની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટમાં શ્રીકૃષ્ણ વિરાજમાન છે- એને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં એડવોક્ટ કમિશનર દ્વારા સર્વે કરાવવાની માગ કરાવવામાં આવી હતી.આ અરજી પર સુનાવણી થયા પછી જસ્ટિસ મયંકકુમાર જૈને 16 નવેમ્બરે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
મુંબઈઃ નવી દિલ્હીસ્થિત ભારતની મલ્ટીનેશનલ મોટરસાઈકલ અને સ્કૂટર ઉત્પાદક કંપની હીરો મોટોકોર્પ લિમિટેડે ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી એથર એનર્જી કંપનીમાં રૂ. 140 કરોડના ખર્ચે અધિક 3 ટકા હિસ્સો ખરીદ્યો છે. એથર એનર્જી કર્ણાટકના બેંગલુરુસ્થિત ટુ-વ્હીલર ઈલેક્ટ્રિક ઉત્પાદક કંપની છે. તેની સ્થાપના તરુણ મહેતા અને સ્વપ્નીલ જૈને 2013માં કરી હતી.
વધુ 3 ટકા હિસ્સો ખરીદવા સાથે એથર એનર્જીમાં હીરો મોટોકોર્પનો કુલ હિસ્સો વધીને 39.7 ટકા થયો છે.
જોહાનિસબર્ગઃ ભારતે દક્ષિણ આફ્રિકા (SA) પર જીત હાંસલ કરીને સિરીઝ 1-1થી બરાબરી કરી છે. આ પહેલાં ટીમ ઇન્ડિયાએ ગયા વર્ષે SAને રાજકોટમાં 82 રનથી શિકસ્ત આપી હતી. ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે સાત ફોર અને આઠ સિક્સની મદદથી T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં SA ચોથી સદી ફટકારી હતી. મિ. 360એ 56 બોલમાં સદી ફટકારી હતી, જેથી તેણ હિટમેન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયન ઓલ આઉન્ડર ગ્લેન મેક્સવેલના T20Iના રેકોર્ડની બરોબરી કરી હતી.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને મેક્સવેલે T20Iમાં ચાર સદી ફટકારી છે. જોકે સૂર્યકુમારે આ રેકોર્ડ માત્ર 57 ઇનિંગ્સમાં બનાવ્યો હતો અને એ સૌથી ઝડપી પ્લેયર છે. તેણે આ સદી માત્ર બે વર્ષમાં બનાવી છે.તેણે આ સદી ઇંગ્લેન્ડ, ન્યુ ઝીલેન્ડ, ભારત અને હવે દક્ષિણ આફ્રિકામાં બનાવી છે.આ સાથે T20Iની MRF ટાયર્સ ICC મેન્સ રેન્કિંગમાં તે નંબર વન બેટર બન્યો હતો. આ સાથે તેણે વિરાટ કોહલીને T20 સિક્સને મામલે પાછળ છોડ્યો હતો. વિરાટ કોહલીએ T20Iમાં અત્યાર સુધી 117 સિક્સ ફટકારી છે, જ્યારે સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં 123 સિક્સ ફટકારી છે.
A fifer on birthday 👌
Series-levelling win 👍
Equalling @ImRo45's record of T20I tons 💯𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦: Post-win chat with #TeamIndia captain @surya_14kumar & @imkuldeep18 👏 👏 – By @RajalArora
Full Interview 🎥 🔽 #SAvIND
— BCCI (@BCCI) December 15, 2023
આ સાથે દક્ષિણ આફ્રિકા ગઈ કાલની મેચમાં 755 રનના સ્કોરે અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા છેલ્લે 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે પછીની મેચ બંને દેશો વચ્ચે 17 ડિસેમ્બરે રમાવાની છે.