બોબીની વાહ-વાહથી ખુશ છું, પણ ‘એનિમલ’ની અમુક બાબતો ગમી નથી: સની દેઓલ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સની દેઓલનું કહેવું છે કે, ‘‘એનિમલ’ ફિલ્મમાં એના નાના ભાઈ બોબી દેઓલે કરેલા અભિનયની ઘણી પ્રશંસા થઈ છે. મને એનાથી ઘણો આનંદ થયો છે. પરંતુ, આ ફિલ્મમાં અમુક બાબતો મને ગમી નથી.’ પોતાને કઈ બાબતો નથી ગમી એ વિશે જોકે સની દેઓલે સ્પષ્ટતા કરી નથી.

સની દેઓલે કહ્યું કે, ‘કોઈ પણ ફિલ્મ ખામી વગરની હોતી નથી અને દરેક દિગ્દર્શકનો ફિલ્મ માટે કોઈક દ્રષ્ટિકોણ હોય છે. હર ફિલ્મ મેં અપની ખામિયાં હોતી હૈ. મેં એનિમલ ફિલ્મ જોઈ. મને એ ગમી છે. ફિલ્મ સરસ છે. પણ અમુક બાબતો છે જે મને ગમી નથી, જે મને મારી પોતાની ફિલ્મ સહિત બીજી ઘણી ફિલ્મોમાં પણ ગમી નહોતી.’

ઉલ્લેખનીય છે કે, ઘણા લોકોને ‘એનિમલ’ ફિલ્મ ગમી નથી. એમની ફરિયાદ છે કે ફિલ્મમાં હિંસાનો અતિરેક બતાવાયો છે અને સ્ત્રી પાત્રો સાથે બરાબર વ્યવહાર કરાયો નથી.

સંદીપ રેડ્ડી-વાંગા દિગ્દર્શિત ક્રાઈમ વિષય પર આધારિત ‘એનિમલ’ ફિલ્મમાં રણબીર કપૂર, રશ્મિકા મંદાના, અનિલ કપૂરની પણ મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મ પિતા-પુત્રના મુશ્કેલીભર્યા સંબંધની વાર્તા છે. બોબી દેઓલે ફિલ્મમાં હીરો રણબીર કપૂરના પાત્ર રણવિજય સિંહના કટ્ટર દુશ્મનની ભૂમિકા ભજવી છે. જોકે બોબીની એક્ટિંગની ચાહકો અને સમીક્ષકો, બંને પ્રકારનાં લોકોએ પ્રશંસા કરી છે.

‘એનિમલ’માં બોબીના ખલનાયક પાત્ર વિશે પૂછતાં સનીએ કહ્યું, ‘બોબીએ ઘાયલ, બોર્ડર, હીરો, ગદરમાં હીરોની ભૂમિકા ભજવી હતી એટલે આ રોલ રૂપેરી પડદા પર એની છાપ કરતાં વિપરીત છે.’