મુંબઈઃ નવી દિલ્હીસ્થિત ભારતની મલ્ટીનેશનલ મોટરસાઈકલ અને સ્કૂટર ઉત્પાદક કંપની હીરો મોટોકોર્પ લિમિટેડે ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી એથર એનર્જી કંપનીમાં રૂ. 140 કરોડના ખર્ચે અધિક 3 ટકા હિસ્સો ખરીદ્યો છે. એથર એનર્જી કર્ણાટકના બેંગલુરુસ્થિત ટુ-વ્હીલર ઈલેક્ટ્રિક ઉત્પાદક કંપની છે. તેની સ્થાપના તરુણ મહેતા અને સ્વપ્નીલ જૈને 2013માં કરી હતી.
વધુ 3 ટકા હિસ્સો ખરીદવા સાથે એથર એનર્જીમાં હીરો મોટોકોર્પનો કુલ હિસ્સો વધીને 39.7 ટકા થયો છે.
જોહાનિસબર્ગઃ ભારતે દક્ષિણ આફ્રિકા (SA) પર જીત હાંસલ કરીને સિરીઝ 1-1થી બરાબરી કરી છે. આ પહેલાં ટીમ ઇન્ડિયાએ ગયા વર્ષે SAને રાજકોટમાં 82 રનથી શિકસ્ત આપી હતી. ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે સાત ફોર અને આઠ સિક્સની મદદથી T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં SA ચોથી સદી ફટકારી હતી. મિ. 360એ 56 બોલમાં સદી ફટકારી હતી, જેથી તેણ હિટમેન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયન ઓલ આઉન્ડર ગ્લેન મેક્સવેલના T20Iના રેકોર્ડની બરોબરી કરી હતી.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને મેક્સવેલે T20Iમાં ચાર સદી ફટકારી છે. જોકે સૂર્યકુમારે આ રેકોર્ડ માત્ર 57 ઇનિંગ્સમાં બનાવ્યો હતો અને એ સૌથી ઝડપી પ્લેયર છે. તેણે આ સદી માત્ર બે વર્ષમાં બનાવી છે.તેણે આ સદી ઇંગ્લેન્ડ, ન્યુ ઝીલેન્ડ, ભારત અને હવે દક્ષિણ આફ્રિકામાં બનાવી છે.આ સાથે T20Iની MRF ટાયર્સ ICC મેન્સ રેન્કિંગમાં તે નંબર વન બેટર બન્યો હતો. આ સાથે તેણે વિરાટ કોહલીને T20 સિક્સને મામલે પાછળ છોડ્યો હતો. વિરાટ કોહલીએ T20Iમાં અત્યાર સુધી 117 સિક્સ ફટકારી છે, જ્યારે સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં 123 સિક્સ ફટકારી છે.
A fifer on birthday 👌 Series-levelling win 👍 Equalling @ImRo45's record of T20I tons 💯
આ સાથે દક્ષિણ આફ્રિકા ગઈ કાલની મેચમાં 755 રનના સ્કોરે અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા છેલ્લે 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે પછીની મેચ બંને દેશો વચ્ચે 17 ડિસેમ્બરે રમાવાની છે.
નવી દિલ્હી: દિલ્હીમાં પ્રત્યેક વિધાનસભ્યને એમના સંબંધિત મતવિસ્તારમાં વિકાસકાર્યો હાથ ધરવા માટે MLA લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ (MLALAD) રૂપે આપવામાં આવતી રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હાલ આ રકમ ચાર કરોડ રૂપિયા છે, તે વધારીને રૂ. સાત કરોડ કરવામાં આવી છે.
દિલ્હીના શહેરી વિકાસ ખાતાના પ્રધાન સૌરભ ભારદ્વાજે આજે દિલ્હી વિધાનસભામાં આ જાહેરાત કરી હતી.
સુરતઃ શહેરમાં આજે સ્વચ્છતાને અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સુરતની જુદી-જુદી સ્કૂલના 25,000થી વધુ વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા હતા. જેમાં 15 કિલોમીટરથી વધુ લાંબી વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી હતી. આ કાર્યક્રમ સુરત પોલીસ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલેક્ટર વિભાગના સંયુક્ત ઉપક્રમે કરાયો હતો.
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવવાના હોવાથી સ્વચ્છતાના ભાગરૂપે “માનવ સાંકળ” કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સ્વચ્છતાની નાનપણથી જ આદત પડશે તો પ્રધાન મંત્રીએ શરૂ કરેલી ઝુંબેશ ખરા અર્થમાં સફળ થશે. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી મુકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયા પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, સુરત શહેરના પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પરેશભાઈ પટેલ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ માનવ સાંકળ ટ્રાય કલર બેન્ડ બાંધી ગ્રીન સિટી, ક્લીન સિટી અને સેફ સિટીનો મેસેજ આપશે. સુરત શહેર પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત રૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડા પ્રધાનના આગમન પહેલા સ્વચ્છતા સહિત મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંક્શન અને વાયજંક્શનથી ચોસઠ જોગણી મંદિર સુધી ‘માનવ સાંકળ’ રચવામાં આવશે. 15 કિમીની ‘માનવ સાંકળ’ 30 બ્લોકમાં રચવામાં આવશે.
વિસાવદરઃ દેશભરમાં ગુજરાત ભાજપની પ્રયોગશાળા તરીકે જાણીતું છે તો સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ ગણાય છે. ભાજપને વર્ષ ૧૯૯૫માં ગાંધીનગરની ગાદી સુધી પહોંચાડવામાં સૌરાષ્ટ્રની મહત્વની ભૂમિકા રહેલી છે. આ સૌરાષ્ટ્રની વિસાવદર વિધાનસભા બેઠક પણ દાયકાઓથી કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહી છે. ૧૩ ડિસેમ્બર, ૨૦૨૩એ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ભૂપતભાઈ ભાયાણીએ ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દેતાં વિસાવદરની બેઠક ફરી એક વાર ચર્ચામાં આવી છે.
વિસાવદરથી જીતી કેશુભાઈ મુખ્ય મંત્રી બન્યા
ભાજપે ૧૯૯૫માં ગુજરાતમાં સંપૂર્ણ બહુમતી સાથે પ્રથમ વખત સત્તા મેળવી ત્યારે મુખ્ય મંત્રીપદે કેશુભાઈ પટેલે સુકાન સંભાળ્યું હતું તેઓ પણ વિસાવદર બેઠક ઉપરથી ચૂંટાયા હતા. જૂનાગઢ જિલ્લામાં આવેલી આ બેઠક ઉપરથી કેશુભાઈ પટેલ ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ૧૯૯૮માં ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડ્યા પણ વર્ષ ૨૦૦૧માં રાજકીય સમીકરણો બદલાયા અને કેશુભાઈએ ભાજપ સામે બળવો કરીને ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી ( જીપીપી). વર્ષ ૨૦૧૨માં કેશુભાઈ વિસાવદરથી ફરી લડ્યા અને ભાજપને હંફાવી નવી પાર્ટીમાંથી ધારાસભાની ચૂંટણી જીત્યા ત્યારે પણ આ બેઠકે ચર્ચા જગાવી હતી.
વિસાવદર બેઠક પર કોણ ક્યારે જીત્યું ?
૧૯૯૫ કેશુભાઈ પટેલ ( ભાજપ )
૧૯૯૮ કેશુભાઈ પટેલ ( ભાજપ )
૨૦૦૨ કનુભાઈ ભાલાળા ( ભાજપ )
૨૦૦૭ કનુભાઈ ભાલાળા ( ભાજપ )
૨૦૧૨ કેશુભાઈ પટેલ ( જીપીપી )
૨૦૧૪ હર્ષદ રિબડીયા ( કોંગ્રેસ )
૨૦૧૭ હર્ષદ રિબડીયા ( કોંગ્રેસ )
૨૦૨૨ ભૂપત ભાયાણી ( આપ )
કોંગ્રેસના ઉમેદવારનો મેન્ડેડ ફાડ્યો
વર્ષ ૨૦૧૨ની આ ચૂંટણીમાં એક એવી ઘટના બની જે હજુ લોકો ભૂલ્યા નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસે સ્થાનિક આગેવાન હર્ષદ રિબડિયાને બદલે અન્યને ટિકિટ આપતાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવારનો મેન્ડેડ ફાડી નાખવાની ઘટનાએ માત્ર કોંગ્રેસમાં નહીં ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી હતી. સ્થિતિ એવી સર્જાઇ કે કોંગ્રેસનો ઉમેદવાર મેદાનમાં જ ન રહ્યો અને કેશુભાઈ પટેલ ( જીપીપી ) ભાજપને હરાવી આ બેઠક જીતી ગયા હતા. જોકે સૌરાષ્ટ્રમાં કેશુભાઈ પટેલ પછી વિઠ્ઠલભાઈ રાદડિયા બાદ હર્ષદ રિબડિયા લેઉવા પટેલના એક નેતા તરીકે ઊપસી રહ્યા હતા, પણ તેમણે કોંગ્રેસ છોડી પછી સમીકરણો બદલાઈ ગયાં. પૂર્વ ધારાસભ્ય રિબડિયા ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે “હું કોઈ પણ રાજકીય પક્ષમાં હોઉં હોદો હોય કે નહીં, પણ હમેંશાં ખેડૂતોના મુદે લડતો આવ્યો છે મારા માટે સ્થાનિક લોકો અને ખેડૂતોની સમસ્યા હાલ કરવાના પ્રયત્નો એ પ્રાથમિકતા છે“
કેશુભાઈના પુત્ર ભરત પટેલ હાર્યા
લગભગ બે વર્ષ બાદ કેશુભાઈએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી સાથે જ વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણી યોજાઈ. હવે આ ચૂંટણીમાં કેશુભાઈના પુત્ર ભરત પટેલ ભાજપમાંથી ચૂંટણી લડ્યા પણ તેઓ કોંગ્રેસના હર્ષદ રિબડિયા સામે હારી ગયા. આ એ સમય હતો જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર ભાજપમાંથી ચૂંટણી હારી જતાં આ બેઠકના પરિણામે ખાસ્સી ચર્ચા જગાવી હતી. ભરત પટેલ ચિત્રલેખા. કોમ સાથેની વાતચીતમાં કહે છે “નરેન્દ્રભાઈ મોદી એ જ મને વિસાવદરથી ચૂંટણી લડવા કહ્યું હતું, પરંતુ કેટલાક લોકોના કુપ્રચારને કારણે હું ચૂંટણી હારી ગયો હતો. જોકે આ મતવિસ્તારમાં કેશુભાઈએ ખૂબ કામ કર્યું હોવાથી લોકોમાં આદર છે. પક્ષ છોડ્યા બાદ એક માત્ર કેશુભાઈ એવા હતા કે લોકોએ તેમને ૨૦૧૨માં ચૂંટયા હતા. વિસાવદર બેઠકની રાજકીય તાસીર રહી છે કે પક્ષ પલટુને સ્વીકારતા નથી તેમાં કેશુભાઈ અપવાદ હતા. હર્ષદ રિબડિયા કોંગ્રેસ છોડી ભાજપમાંથી ૨૦૨૨માં ચૂંટણી લડ્યા તો હારી ગયા. “
એક દાયકા બાદ ફરી લોકસભા સાથે પેટાચૂંટણી આવશે
વિસાવદરની બેઠક ઉપર લેઉવા પટેલ સમાજનું વર્ચસ્વ છે. છેલ્લા ચાર દાયકાનો ઇતિહાસ જોઈએ તો લેઉવા પટેલના આગેવાન જ ચૂંટાયા છે. આશરે ૨.૭૦ લાખ મતદારોમાં ૫૦ ટકાથી વધુ લેઉવા પટેલ છે. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાનાં ૧૭૦થી વધુ ગામો આ મત વિસ્તારમાં આવે છે. છેલ્લા એક દાયકામાં ત્રણ ધારાસભ્યો કેશુભાઈ, હર્ષદ રિબડીયા અને ભૂપત ભાયાણીએ ચાલુ ટર્મ દરમિયાન રાજીનામું આપ્યું છે. હવે વર્ષ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી વખતે વિસાવદરની પણ પેટા ચૂંટણી આવશે આમ એક દાયકા બાદ યોગાનુયોગ ફરી લોકસભાની સાથે આ બેઠકની ચૂંટણીનું પુનરાવર્તન થશે.
આજના માગશર સુદ ત્રીજ ને શુક્રવારના મંગળ પ્રભાતે કૉફીના કપમાં વસંત જેવા સમાચાર વાંચવા મળે છે કે મેઘના ગુલઝારની ‘સૅમ બહાદુર’ એક-દો-એક, એક-દો-એક કરતી 100 કરોડ રૂપિયાના બિઝનેસ તરફ કૂચ કરી રહી છે. હવે, આ ફિલ્મની પોતાની મુશ્કેલી છે, પણ જેમને કશુંક સારું, સ્તરીય જોવું છે એ લોકો ‘સૅમ બહાદુર’ જોવા જાય છે એ પણ હકીકત છે. ગુડ.
વસ્તુ એવી છે કે આ ફિલ્મ ફિલ્ડ માર્શલ સૅમ માણેકશૉના જીવન, એમનાં શૌર્ય, એમની યુદ્ધનીતિ, ઈન્ડિયન મિલિટરીમાં એમનાં કાર્યો પર આધારિત છે, અને એમાં ભારત-ચીન અને ભારત-પાકિસ્તાનની વૉરનો ઉલ્લેખ છે.
હાલ જેમની જન્મશતાબ્દી ઊજવાઈ રહી છે એ દેવ આનંદની, 1970માં આવેલી ફિલ્મ ‘પ્રેમ પૂજારી’માં પણ આ લડાઈનો ઉલ્લેખ હતો. ફિલ્મમાં દેવઆનંદે અહિંસાપ્રેમી ફૌજી લેફ્ટનન્ટ રામદેવ બક્ષીની ભૂમિકા ભજવેલી. રામદેવના પિતા વૉર હીરો હતા. પિતાના કહેવાથી એ ફૌજમાં ભરતી તો થાય છે, પણ પ્રકૃતિપ્રેમી રામદેવને હિંસા ગમતી નથી. યુદ્ધમાં લડવાને બદલે એ પ્રેમિકા સુમન મેહરા (વહીદા રહેમાન) સાથે સંસાર માંડવાનાં સપનાં જોતો હોય છે ત્યાં એને પત્ર મળે છેઃ તાબડતોબ ઈન્ડિયા-ચાઈના બોર્ડર પર પહોંચો. સરહદ પર હાજર થવાના ફરમાનને રામદેવ તાબે તો થાય છે, પરંતુ લડવાની ના પાડી દે છે. આ માટે એને બે વર્ષની સજા સંભળાવવામાં આવે છે, પણ કોર્ટમાર્શલથી બચવા રામદેવ સૈન્ય છોડીને ભાગી જાય છે. વાટમાં એને ચીની જાસૂસ રાની (ઝાહીદા) મળે છે. રાનીને રામદેવ ગમી જાય છે, પણ દેશ માટે એણે ફરજ પણ બજાવવાની છે. (ટાઈગર અને ઝોયા જેવો સીન).
દિગ્દર્શક તરીકે દેવસાહેબની આ પહેલી ફિલ્મ હતી, જે દેશભક્તિની વાત તો માંડે છે, પણ એ બીજી ટિપિકલ ફિલ્મો જેવી બલિદાન અને દેશભક્ત શૂરવીર સિપાહીની ફિલ્મ નહોતી. એક મચ્છર મારતાં પણ જેનો જીવ ન ચાલે એવો રામદેવ ફિલ્મના પૂર્વાર્ધમાં નિરર્થક હિંસાનો શું અર્થ છે? જેને આપણે ઓળખતા સુધ્ધાં નથી એવા લોકોના જીવ શું કામ લેવાના? એવી સુફિયાણી વાતો કર્યા કરે છે. આગળ જતાં એ દેશ માટે જાસૂસી કરે છે અને 1965ની ઈન્ડિયા-પાકિસ્તાન વૉરનો હીરો બની જાય છે. આમ એન્ટી-વૉર તરીકે શરૂ થયેલી ફિલ્મ પ્રો-વૉર એટલે લડાઈ જરૂરી છે એવા મુદ્દા પર આવે છે.
કમનસીબે ફિલ્મ ચાલી નહોતી. યુદ્ધ અને દેશભક્તિના જુવાળ વચ્ચે આવેલી ફિલ્મ લોકોને પસંદ પડી નહીં. યુદ્ધની નિરર્થકતા વિશે બોલતો હીરો દેશવાસીઓને એન્ટી-નૅશનલ લાગ્યો. કોલકાતામાં નક્સલવાદીઓએ ‘પ્રેમ પુજારી’ બતાવતાં થિએટરો પર હુમલા કરેલા. ડરીને થિએટરમાલિકોએ લગભગ આખા પૂર્વ ભારતમાંથી ફિલ્મ ઉતારી લીધી. એમાંય, પહેલી વાર ડિરેક્ટ કરી રહેલા દેવસાહેબે ફિલ્મને લાંબી કરી નાખી. તો કથા-પટકથા વૉર અને લવસ્ટોરી વચ્ચે ગૂંચવાઈ ગઈ. આ બધાં કારણસર ફિલ્મ ફ્લૉપ થઈ.
સ્વિત્ઝરલેન્ડમાં શૂટ થયેલી ‘પ્રેમ પુજારી’નું થોડુંક શૂટિંગ શિરડી નજીકના એક ગામમાં થયેલું. એમાં વહિદા રેહમાન ઉપરાંત ઝાહીદાની અસરદાર ભૂમિકા હતી. શત્રુઘ્ન સિંહા પણ એક નાનકડી, પરંતુ મહત્વની ભૂમિકામાં હતા. એક લેબનીઝ ઍક્ટ્રેસ નાદિયા ગમાલનો કમાલનો બેલી ડાન્સ હતો. અમરીશ પુરીએ પણ એકાદ દૃશ્ય પૂરતી હાજરી આપી હતી. આ બધું ધોવાઈ ગયું.
-પણ ‘પ્રેમ પુજારી’ યાદ રહેશે એનાં ગીત-સંગીત માટે. દેવઆનંદની જેમ, સાહિત્યકાર ગોપાલદાસ ‘નીરજ’ સાહેબે પહેલી વાર ફિલ્મગીતો લખ્યાં. શુદ્ધ, નિર્ભેળ હિંદી અને ઉર્દૂમિશ્રિત આ કાવ્યો સમાં ગીતનાં સચીન દેવ બર્મને, ઓહોહોહો કેવાં સ્વરાંકન રચ્યાં?“ફૂલો કે રંગ સે”, “રંગીલા રે”, “શોખિયોં મેં ઘોલા જાયે”, “તાકત વતન કી હમસે હૈ”, વગેરે. અને શીર્ષકગીત?“…કહાં રે હિમાલય જૈસા, કહાં ઐસા પાની, યહી વો જમીન જિસકી દુનિયા દીવાની… સુંદરી ન કોઈ જૈસે હૈ ધરતી હમારી, પ્રેમ કે પુજારી હમ હૈ”…
તો, આજ પ્રભાતે ‘સૅમ બહાદુર’ની સફળતા વિશે વાંચી આ અફસાનો રચી બેઠા. એ કેવો છે એ તો તમે જ કહી શકો.
વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. વેદ , પુરાણો, ઉપનીશદો અને અનેક સંહિતાઓ ઉપરાંત વિવધ ગ્રંથોમાં એના મૂળ સચવાયેલા છે. આ સંસ્કૃતિમાં દરેક જીવને સન્માન આપવા ઉપરાંત કુદરતના તત્વોની સાધનાની વાત હતી. જ્ઞાનને સર્વોપરી માનવામાં આવતું અને જ્ઞાનીજનો પૂજાતા. આજે આપણે એક એવા યુગમાં જીવીએ છીએ જ્યાં શિક્ષણને વેપાર અને શિક્ષકને પગારદાર સમજવામાં આવે છે ત્યારે જ્ઞાન શબ્દનો અપભ્રંશ થાય તે સ્વાભાવિક છે. કદાચ તેથી જ આપણા નિયમો વિષે નવી પેઢીને શંકાઓ જાગી રહી છે. પશ્ચિમ તરફની આંધળી દોટમાં ક્યાંક સંસ્કૃતિના મૂળ ખવાઈ ન જાય એ આપણે સભાનતા પૂર્વક વિચારવાનો સમય આવી ગયો છે. વળી જે વિચારધારા પરથી વિશ્વાસ જતો રહે ત્યાં નવી વિચારધારા તરફ પ્રયાણ કરવાની ઈચ્છા પણ થવાની. આપણી સમૃદ્ધ સંસ્કૃતિ આપણી ધરોહર છે. એને સાચવવી એ આપણા સહુની નૈતિક ફરજ છે.
સવાલ: હું તમને ફોલો કરું છું. તમે સર્વ ગુણ સંપન્ન અને મહા જ્ઞાની છો. એ વાતને પડકાર આપે એવો એક સવાલ મારી પાસે છે. મને ખાતરી છે કે મારો સવાલ તમને ગૂંચવી દેશે. આ સવાલ મેં ઘણા બધા લોકોને પૂછીને ચુપ કરી દીધા છે. સવાલ જ એવો છે જે ભલ ભલા ગૂંચવાઈ જાય.
આપણે ત્યાં વિધાતાના લેખની વાત કરી છે કે જે લખાયું હોય એ જ થાય છે. તો પછી કર્મ કરવાની જરૂર જ ક્યાં છે? જે આપણે કરીએ છીએ એ તો વિધાતા કરાવે છે. જો વિધાતા નથી અને માત્ર કર્મ છે તો પછી જ્યોતિષ, વાસ્તુ એ બધા વિષયોની ક્યાં જરૂર છે? જો ઉર્જાનું વિજ્ઞાન કામ કરે છે તો પછી સરસ મકાન બનાવી અને એની ઉર્જાથી કોઈ પણ કામ કરી અને એની સજા માફ થઇ જાય એવું જીવન મળવું જોઈએ. અને આ બધા ઉપરાંત ઈશ્વરની પણ વાત છે. જો ઉર્જા કામ કરે છે તો ઈશ્વરની ભક્તિનું સ્થાન ક્યાં છે? જો ઈશ્વર છે તો એ ખોટું કરનારને રોકતા કેમ નથી? જો ઈશ્વર સંચાલન કરે છે તો કોર્ટની ક્યાં જરૂર છે? આવા તો ઘણા સવાલો મારી પાસે છે. પણ માત્ર આનો જવાબ મળશે તો પણ હું માની જઈશ.
જવાબ: જયારે કશુક સમજવાની ઈચ્છા હોય ત્યારે જ સવાલ ઉદ્ભવે. સવાલ ઉદ્ભવવા જ જોઈએ. તોજ સાચી વાત સુધી પહોંચી શકાય. મોટા ભાગે આપણે સ્વીકારી લઈએ છીએ. મેં ક્યારેય સર્વગુણ સંપન્ન કે અતિ જ્ઞાની હોવાનો દાવો નથી કર્યો. એ માત્ર આપની સમજણ હોઈ શકે.
આપણે ત્યાં સંચિત કર્મની વાત કરવામાં આવી છે. પૂર્વજન્મમાં વ્યક્તિ એ જે કાઈ કર્યું છે એના આધારે વિધાતા એના જીવન વિશેની રૂપરેખા તૈયાર કરે છે. ત્યાર બાદ વ્યક્તિ જે કર્મ કરે છે એના આધારે એની દિશા નક્કી થાય છે. એ હવે પછીના જીવન માટે પણ પોતાના કર્મ ભેગા કરે છે. જ્યોતિષ શાસ્ત્ર યોગ દર્શાવે છે. ઉદાહરણ સ્વરૂપે બંધન યોગ હોય તો જેલમાં પણ જવાય અને બાથરૂમમાં પણ પૂરી દેવાય. વ્યક્તિ સારી ઉર્જામાં રહેતી હોય ત્યારે એને સકારાત્મક વિચારો આવે છે. અને એ સત્કર્મ કરવા પ્રેરાય છે. તમારા મનમાં ઈશ્વર માટેની સમજણ શું છે એ મને નથી ખબર પણ ઈશ્વર જગતના કણ કણ માં છે. એ વ્યક્તિનું આત્મબળ વધારવામાં મદદ કરે છે. આપણે તેને બ્રહ્માંડની ઉર્જાનો સ્ત્રોત પણ કહી શકીએ. જયારે વ્યક્તિ પોતાના આત્મા સુધી પહોંચે ત્યારે તેને ઈશ્વરની અનુભૂતિ થઇ શકે છે. પ્રયત્ન કરી જુઓ. વાસ્તુ આધારિત મકાનમાં તમને સુખ ચોક્કસ મળશે. ઈશ્વરની સાધના મનને બળ આપશે જ. તમે દર્શાવેલા બધાજ પરિબળો જીવનની ઉર્જા અને ગતિ સાથે જોડાયેલા છે. માત્ર એની રજૂઆત અલગ રીતે થઇ છે એટલે સવાલો થઇ શકે. ભારતમાં ન્યાયની વ્યવસ્થા અલગ હતી. જેની સમજણ ફરી ક્યારેક લઈશું. આ સવાલના જવાબ માટે એક પુસ્તક પણ લખી શકાય. અહી પ્રાથમિક સમજણ આપી છે.
સુચન: ભારતીય વિચારધારામાં દરેક જીવો સાથે સંતુલનની વાત છે. એવું કરવાથી પણ સકારાત્મકતા વધે છે.
નવી દિલ્હીઃ સંસદની સુરક્ષામાં ચૂક મામલે મુખ્ય આરોપી લલિત ઝાએ ગુરુવારે સરન્ડર કરી દીધી હતી. આ પહેલાં સંસદની અંદર અને બહાર સ્મોક કેનથી ધુમાડો ઉડાડનારા ચાર આરોપીઓની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. સંસદ પરના હુમલામાં ચાર સહયોગીઓની ધરપકડ કર્યાના એક દિવસ પછી કાવતરાખોર લલિત મોહન ઝા (32)એ પકડાઈ જતાં પહેલાં ગુરુવારે સવારે મોબાઇલ ફોન સહિત બધા ટેક્નિકલ પુરાવા નષ્ટ કરી દીધા હતા.
બુધવારે ચારો આરોપીઓ-મનોરંજન ડી, સાગર શર્મા, નીલમ વર્મા અને અમોલ શિંદે સંસદની અંદર અને બહાર પકડાઈ ગયા પછી લલિત તેના ID કાર્ડ અને મોબાઇલ ફોનની સાથે ભાગવામાં સફળ રહ્યો હતો. રાત્રે 11.30 કલાકે તે બસથી કુચામન સિટી પહોંચ્યો હતો, જ્યાં તેની મુલાકાત સહયોગી મહેશ સાથે થઈ હતી. તેને પણ ગ્રુપમાં સામેલ થવું હતું, પણ તેની માએ તેની અટકાવતાં તે આમાં સામેલ નહોતો થઈ શક્યો. મહેશ ભગત સિંહ ફેન પેજ નામના એક ફેસબુક ગ્રુપના માધ્યથી ઝા અને અન્ય લોકોથી સંકળાયેલો હતો.
તપાસમાં માલૂમ પડ્યું હતું કે મહેશ તેના કઝિન ભાઈ કૈલાશની સાથે લલિત ઝાને એક ઢાબા પર લઈ ગયો હતો અને માલિકથી એક રૂમ માટે વિનંતી હતી. ઢાબાનો માલિક મહેશને ઓળખતો હતો, જેથી તેણે તેને એક રૂમ આપી દીધી હતી. ગુરુવારે સવારે ઝાએ તેની મદદથી ફોન નષ્ટ કરી દીધો હતો. ત્યાર બાદ મહેશ ને ઝા કૈલાશને એ કહીને ચાલ્યો ગયો હતો કે તે સંસદની સામે આત્મ સમર્પણ કરવા જઈ રહ્યો છે.
બની ગયેલ ઘટનાને જેટલી જલ્દી મનમાંથી કાઢી નાખીશું તેટલો સુખ-શાંતિનો અનુભવ કરીશું. સાધન અને સગવડોના આ યુગમાં શારીરિક શ્રમ કરવોએ એ શરમની વાત થતી જાય છે. મનુષ્ય પોતાનો જરૂરી સામાન ઉઠાવવા માટે કોઈ સાથી કે મજુર ઓ આધાર લે છે, પરંતુ બિનજરૂરી ભાર તે એકલો જ મન રૂપી પીઠ પર રાખી રહ્યો છે. આ બિનજરૂરી ભારને ઉઠાવવા વાળો કોઈપણ સાથી તેને દેખાઈ નથી રહ્યો. આજે મનુષ્યને એ કડવો અનુભવ છે કે જે પણ વ્યક્તિ પર મનને હલકું કરવા માટે આશા રાખી તેણે તેના મનના ભારને, ચિંતાઓને વધારી દીધી પરંતુ ઓછી ન કરી.
ધારો કે એક વસ્તુનું વજન 15 ગ્રામ છે. તો તેને ઊંચકવામાં કોઈ તકલીફ અનુભવ નહીં થાય. પરંતુ જો કોઈ વ્યક્તિ આજ 15 ગ્રામ વજનની વસ્તુને મુઠ્ઠીમાં પકડી રાખે કે હથેળી પર રાખે, તો આ 15 ગ્રામ વજન તેના માટે ખુબ વજનદાર બની જશે. તે વ્યક્તિ સતત 15 ગ્રામની તે વસ્તુને હાથમાં પકડી રાખવાના કારણે પોતાને કેદી સમજવા લાગશે તથા તે બેચેન રહેશે. આવી જ સ્થિતિ મનુષ્યના મનની છે. વાત ભલે નાની હોય કે મોટી પરંતુ મનુષ્ય જ્યારે તેને પોતાના મનની અદ્રશ્ય મુઠ્ઠીમાં પકડી લે છે ત્યારે તે ભારે બની જાય છે. વાત વાસ્તવમાં નાની હોય છે પરંતુ સતત તેને મનમાં રાખવાથી તે નાની વાત પણ વજનદાર અનુભવ થાય છે. વ્યક્તિની માનસિક સ્થિતિ ડામાડોળ બની જાય છે. મન તથા બુદ્ધિમાં લાંબા સમય સુધી રાખેલ વાત ના કારણે બીજી કલ્યાણકારી વાત બુદ્ધિમાં ટકી શકતી નથી. સ્વચ્છ વસ્તુ હલકી હોય છે પરંતુ મેલ લાગવાના કારણે તેનું વજન વધી જાય છે. મનુષ્યનું મન પણ મેલું થવાના કારણે તે ભારે બની જાય છે.
માનવીનું મન જો શુદ્ધ સંકલ્પો થી ભરેલું હોય તો તે ફરિસ્તાની જેમ ઉડવાનો અનુભવ કરી શકે છે અને જો તે અશુદ્ધ સંકલ્પથી ભરેલુ હોય તો કાદવમાં ખૂંપવાનો અનુભવ કરે છે. ઘણીવાર સારી વાતને પણ અલગ રીતે જોવામાં આવે તો મનમાં નફરત ઉભી થાય છે. એક ગુરુ પોતાના શિષ્યની સાથે નદીના સામા કિનારે જઈ રહ્યા હતા તે સમયે નદીમાં ડૂબતી એક યુવતી પર તેમની નજર પડી. તેમણે તરત તે યુવતીનો હાથ પકડી લીધો અને ટેકો આપીને કિનારા પર તેને છોડી દીધી. તે યુવતી ત્યાંથી જતી રહી તથા ગુરુ શિષ્યની સાથે આગળની યાત્રા પર નીકળી પડ્યા. બે દિવસ બાદ તેમનો પડાવ આવ્યો. બંને ત્યાં બેઠા. ગુરુએ જોયું કે શિષ્યના ચહેરા ઉપર શંકા, નફરત તથા નકારાત્મક વિચારોની છાયા હતી.
કારણ પૂછવા પર એણે કે એક સન્યાસી હોવાના કારણે તમારા માટે એક સ્ત્રીને સ્પર્શ કરવો પણ અયોગ્ય છે જ્યારે તમે તો તેનો હાથજ પકડી લીધો. સન્યાસીએ હસતા હસતા કહ્યું કે યુવતીનો હાથ તો તેં પકડ્યો છે. મેં તો એક ડૂબતાને બચાવવાનો, પ્રાણી માત્ર ઉપર દયા કરવાનો ધર્મ નિભાવ્યો છે. તારા મને તેને અયોગ્ય સમજ્યું છે, તથા બે દિવસથી તે બોજાને મનમાં સંગ્રહ હોવાથી તારું મન ભારે બની ગયું છે. આ છે મનનો બોજો. બની ગયેલી ઘટનાને જેટલા સમય સુધી મનમાં રાખીશું એટલો સમય સુખ-શાંતિનો અનુભવ નથી થઈ શકે. તથા જેટલું જલ્દી તેને મનમાંથી કાઢી નાખીશું તેટલા હલકા બની જઇશું.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 312 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,04,142 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,310 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,69,536 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 200 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1296 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,206,778,764 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 153 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.