કહાં રે હિમાલય જૈસા, કહાં ઐસા પાની…

જના માગશર સુદ ત્રીજ ને શુક્રવારના મંગળ પ્રભાતે કૉફીના કપમાં વસંત જેવા સમાચાર વાંચવા મળે છે કે મેઘના ગુલઝારની સૅમ બહાદુર એક-દો-એક, એક-દો-એક કરતી 100 કરોડ રૂપિયાના બિઝનેસ તરફ કૂચ કરી રહી છે. હવે, આ ફિલ્મની પોતાની મુશ્કેલી છે, પણ જેમને કશુંક સારું, સ્તરીય જોવું છે એ લોકો સૅમ બહાદુર જોવા જાય છે એ પણ હકીકત છે. ગુડ.

વસ્તુ એવી છે કે આ ફિલ્મ ફિલ્ડ માર્શલ સૅમ માણેકશૉના જીવન, એમનાં શૌર્ય, એમની યુદ્ધનીતિ, ઈન્ડિયન મિલિટરીમાં એમનાં કાર્યો પર આધારિત છે, અને એમાં ભારત-ચીન અને ભારત-પાકિસ્તાનની વૉરનો ઉલ્લેખ છે.  

હાલ જેમની જન્મશતાબ્દી ઊજવાઈ રહી છે એ દેવ આનંદની, 1970માં આવેલી ફિલ્મ પ્રેમ પૂજારીમાં પણ આ લડાઈનો ઉલ્લેખ હતો. ફિલ્મમાં દેવઆનંદે અહિંસાપ્રેમી ફૌજી લેફ્ટનન્ટ રામદેવ બક્ષીની ભૂમિકા ભજવેલી. રામદેવના પિતા વૉર હીરો હતા. પિતાના કહેવાથી એ ફૌજમાં ભરતી તો થાય છે, પણ પ્રકૃતિપ્રેમી રામદેવને હિંસા ગમતી નથી. યુદ્ધમાં લડવાને બદલે એ પ્રેમિકા સુમન મેહરા (વહીદા રહેમાન) સાથે સંસાર માંડવાનાં સપનાં જોતો હોય છે ત્યાં એને પત્ર મળે છેઃ તાબડતોબ ઈન્ડિયા-ચાઈના બોર્ડર પર પહોંચો. સરહદ પર હાજર થવાના ફરમાનને રામદેવ તાબે તો થાય છેપરંતુ લડવાની ના પાડી દે છે. આ માટે એને બે વર્ષની સજા સંભળાવવામાં આવે છે, પણ કોર્ટમાર્શલથી બચવા રામદેવ સૈન્ય છોડીને ભાગી જાય છે. વાટમાં એને ચીની જાસૂસ રાની (ઝાહીદા) મળે છે. રાનીને રામદેવ ગમી જાય છે, પણ દેશ માટે એણે ફરજ પણ બજાવવાની છે. (ટાઈગર અને ઝોયા જેવો સીન).

દિગ્દર્શક તરીકે દેવસાહેબની આ પહેલી ફિલ્મ હતી, જે દેશભક્તિની વાત તો માંડે છે, પણ એ બીજી ટિપિકલ ફિલ્મો જેવી બલિદાન અને દેશભક્ત શૂરવીર સિપાહીની ફિલ્મ નહોતી. એક મચ્છર મારતાં પણ જેનો જીવ ન ચાલે એવો રામદેવ ફિલ્મના પૂર્વાર્ધમાં નિરર્થક હિંસાનો શું અર્થ છે? જેને આપણે ઓળખતા સુધ્ધાં નથી એવા લોકોના જીવ શું કામ લેવાના? એવી સુફિયાણી વાતો કર્યા કરે છે. આગળ જતાં એ દેશ માટે જાસૂસી કરે છે અને 1965ની ઈન્ડિયા-પાકિસ્તાન વૉરનો હીરો બની જાય છે. આમ એન્ટી-વૉર તરીકે શરૂ થયેલી ફિલ્મ પ્રો-વૉર એટલે લડાઈ જરૂરી છે એવા મુદ્દા પર આવે છે.

કમનસીબે ફિલ્મ ચાલી નહોતી. યુદ્ધ અને દેશભક્તિના જુવાળ વચ્ચે આવેલી ફિલ્મ લોકોને પસંદ પડી નહીં. યુદ્ધની નિરર્થકતા વિશે બોલતો હીરો દેશવાસીઓને એન્ટી-નૅશનલ લાગ્યો. કોલકાતામાં નક્સલવાદીઓએ પ્રેમ પુજારી’  બતાવતાં થિએટરો પર હુમલા કરેલા. ડરીને થિએટરમાલિકોએ લગભગ આખા પૂર્વ ભારતમાંથી ફિલ્મ ઉતારી લીધી. એમાંય, પહેલી વાર ડિરેક્ટ કરી રહેલા દેવસાહેબે ફિલ્મને લાંબી કરી નાખી. તો કથા-પટકથા વૉર અને લવસ્ટોરી વચ્ચે ગૂંચવાઈ ગઈ. આ બધાં કારણસર ફિલ્મ ફ્લૉપ થઈ.

સ્વિત્ઝરલેન્ડમાં શૂટ થયેલી પ્રેમ પુજારીનું થોડુંક શૂટિંગ શિરડી નજીકના એક ગામમાં થયેલું. એમાં વહિદા રેહમાન ઉપરાંત ઝાહીદાની અસરદાર ભૂમિકા હતી. શત્રુઘ્ન સિંહા પણ એક નાનકડી, પરંતુ મહત્વની ભૂમિકામાં હતા. એક લેબનીઝ ઍક્ટ્રેસ નાદિયા ગમાલનો કમાલનો બેલી ડાન્સ હતો. અમરીશ પુરીએ પણ એકાદ દૃશ્ય પૂરતી હાજરી આપી હતી. આ બધું ધોવાઈ ગયું.

-પણ પ્રેમ પુજારી યાદ રહેશે એનાં ગીત-સંગીત માટે. દેવઆનંદની જેમ, સાહિત્યકાર ગોપાલદાસ નીરજ સાહેબે પહેલી વાર ફિલ્મગીતો લખ્યાં. શુદ્ધ, નિર્ભેળ હિંદી અને ઉર્દૂમિશ્રિત આ કાવ્યો સમાં ગીતનાં સચીન દેવ બર્મને, ઓહોહોહો કેવાં સ્વરાંકન રચ્યાં? ફૂલો કે રંગ સેરંગીલા રેશોખિયોં મેં ઘોલા જાયેતાકત વતન કી હમસે હૈ, વગેરે. અને શીર્ષકગીત? “…કહાં રે હિમાલય જૈસા, કહાં ઐસા પાની, યહી વો જમીન જિસકી દુનિયા દીવાની… સુંદરી ન કોઈ જૈસે હૈ ધરતી હમારી, પ્રેમ કે પુજારી હમ હૈ

તો, આજ પ્રભાતે સૅમ બહાદુરની સફળતા વિશે વાંચી આ અફસાનો રચી બેઠા. એ કેવો છે એ તો તમે જ કહી શકો.