Home Blog Page 2222

કોરોનાના કેસ વધતા ભારત સરકાર એલર્ટ, તમામ રાજ્યોને આપી સૂચના

ભારતમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારા અને JN.1 વેરિઅન્ટના પ્રથમ કેસની શોધને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ તાજેતરમાં રાજ્યોને એક એડવાઇઝરી જારી કરી છે. રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા વિનંતી કરવામાં આવી હતી. રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવી પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે. રાજ્યોને મોટી સંખ્યામાં RT-PCR પરીક્ષણો સહિત પર્યાપ્ત પરીક્ષણ સુનિશ્ચિત કરવા સલાહ આપવામાં આવી હતી. ઉપરાંત જીનોમ સિક્વન્સિંગ માટે INSACOG લેબોરેટરીમાં પોઝિટવ સેમ્પલ મોકલવાની સલાહ આપવામાં આવી હતી.

સોમવારના રોજ અપડેટ કરાયેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના ચેપના 260 નવા કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય કેસ વધીને 1,828 થઈ ગયા છે. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5,33,317 નોંધાઈ છે.

દેશમાં કોવિડ કેસની સંખ્યા 4.50 કરોડ (4,50,05,076) છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,44,69,931 થઈ ગઈ છે અને રાષ્ટ્રીય સાજા થવાનો દર 98.81 ટકા છે. કોરોનામાં મૃત્યુ દર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશમાં કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

 લિકર કૌભાંડમાં કેજરીવાલને EDએ ફરી મોકલ્યા સમન્સ

નવી દિલ્હીઃ દિલ્હીના લિકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને ફરી સમન્સ મોકલ્યા છે. EDએ તેમને નોટિસ મોકલીને 21 ડિસેમ્બરે હાજર થવા નિર્દેશ આપ્યા છે. લિકર કૌભાંડમાં કેજરીવાલને આ EDએ આ બીજા સમન્સ મોકલ્યા છે. આ પહેલાં કેજરીવાલને પૂછપરછ માટે EDએ બે ડિસેમ્બરે નોટિસ મોકલી હતી, પણ કેજરીવાલે એ નોટિસ ગેરકાયદે ગણાવીને નોટિસ પરત લેવાની માગ કરી હતી. તેઓ ED સમક્ષ હાજર નહોતા થયા.

દિલ્હીની લિકર  કૌભાંડ મામલે ઇડીએ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલીને 21 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. તેમણે EDની નોટિસને રાજકીય રીતે પ્રેરિત અને ગેરકાયદે ગણાવી હતી. વાસ્તવમાં ED લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગ સંબંધિત કેસની તપાસ કરી રહી છે. ચર્ચા છે કે કેજરીવાલને સમન્સ મોકલતા પહેલા તપાસ એજન્સીએ પુરાવા એકત્ર કરી લીધા છે. આ કેસમાં તપાસ એજન્સીએ પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરી છે.

આ પહેલાં ED દ્વારા 30 ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલા સમન્સમાં 2 નવેમ્બરે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તે હાજર થયા ન હતા ,જેથી  તપાસ એજન્સીએ તેમને બીજા સમન્સ પાઠવ્યા છે. જો એવામાં હવે બીજી વખત પણ કેજરીવાલ અવગણના કરે છે તો ED ત્રીજી વખત તેમના વિરુધ સમન્સ જાહેર કરી શકે છે અને ત્રીજી વખત બાદ તપાસ એજન્સી બિનજામીન વોરંટની માગ કરી શકે છે જે બાદ નક્કી કરેલા સમય પર કેજરીવાલને હાજર થવું અનિવાર્ય છે. જો તે આ વોરંટને પણ અવગણે છે તો તેમની ધરપકડ થઇ શકે છે.

 

 

 

 

 

વિશ્વમાં ફરી હાહાકાર મચાવી રહ્યો છે CORONA, WHO એ આપી ચેતવણી

સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં કોવિડ-19ના વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી છે. સિંગાપોરમાં બે અઠવાડિયામાં નોંધાયેલા 56 હજાર કેસોએ ફરી એકવાર લોકોમાં માસ્કની જરૂરિયાત વધારી દીધી છે. સિંગાપોરમાં બે અઠવાડિયામાં 56,043 કોવિડ-19 કેસ નોંધાયા છે, જ્યારે ગયા સપ્તાહે 32,035 કેસ નોંધાયા હતા. વિવિધ દેશોમાં કોરોનાએ ફરી માથું ઉંચકવાનું શરૂ કર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ અંગે ચેતવણી જાહેર કરી છે. WHO પહેલાથી જ વિવિધ દેશોને આ બાબતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી ચૂક્યું છે. આ દિવસોમાં કોરોનાનું નવું સબ-વેરિઅન્ટ JN.1 લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે, અમેરિકા અને ચીનમાં લોકો આ નવા વેરિઅન્ટથી વધુ પ્રભાવિત છે. ભારતમાં આ પ્રકારનો પ્રથમ કેસ કેરળમાં જોવા મળ્યો હતો.

ચીનમાં કોરોનાનો નવો ખતરો

સિંગાપોરમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા ત્યાંના સ્વાસ્થ્ય મંત્રાલયે લોકો માટે એડવાઈઝરી જારી કરી છે. મંત્રાલયે લોકોને ભીડવાળી જગ્યાઓ ટાળવા અને બજારો, એરપોર્ટ અને અન્ય જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની સલાહ આપી છે. અહેવાલ મુજબ લગભગ એક મહિનામાં કોવિડ -19 ના સબવેરિયન્ટ JN.1 ના સાત કેસ ચીનમાં મળી આવ્યા છે. 10 ડિસેમ્બર સુધીમાં આ સબવેરિયન્ટ ઓછામાં ઓછા 40 અન્ય દેશોમાં નોંધવામાં આવ્યું હતું.

અમેરિકામાં કોરોનાના કેસમાં 200 ટકાનો વધારો થયો

અમેરિકામાં પણ કોવિડ-19ના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. ન્યૂઝના રિપોર્ટ અનુસાર અમેરિકામાં છેલ્લા ચાર અઠવાડિયામાં કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા વધીને 23,432 થઈ ગઈ છે. યુએસમાં ગયા મહિને કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં 200 ટકા અને ફ્લૂ માટે 51 ટકાનો વધારો થયો છે. કોરોનાનો JN.1 કેસ હાલમાં અમેરિકા અને ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ભારતમાં પણ કોરોના ફેલાઈ રહ્યો છે

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 335 નવા કેસ નોંધાયા છે. આ બીમારીને કારણે પાંચ લોકોના મોત થયા છે. હાલમાં ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 1,701 છે. કેરળમાં કોરોનાના નવા પ્રકાર, JN.1ના આગમન સાથે, દેશના તમામ રાજ્યોએ આરોગ્ય સંબંધિત સુરક્ષામાં વધારો કર્યો છે. કેરળમાં કોરોનાનો સૌથી ઘાતક પ્રકાર જોવા મળ્યો છે. તેમાંથી બોધપાઠ લઈને કર્ણાટક સરકારે એડવાઈઝરી જારી કરી છે. આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવે રાજ્યના તમામ વરિષ્ઠ નાગરિકો અને અન્ય રોગોથી પીડિત લોકો માટે માસ્ક પહેરવાની સલાહ આપી છે.

અમિતાભ બચ્ચને ‘ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ’ સ્પર્ધામાં ખરીદી ‘ટીમ મુંબઈ’

મુંબઈઃ ભારતમાં હવે ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (આઈએસપીએલ) સ્પર્ધા શરૂ થવાની છે. આ સ્પર્ધાની મેચ ટેનિસ બોલથી રમાશે અને T10 ટુર્નામેન્ટ – ટીમ દીઠ 10 ઓવરવાળી હશે. ભારતમાં આ પ્રકારની તે પહેલી જ સ્પર્ધા હશે. બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચને આ સ્પર્ધામાં ટીમ મુંબઈને ખરીદી છે.

ISPL સ્ટેડિયમની અંદર રમાશે. પ્રારંભિક સ્પર્ધા આવતા વર્ષની 2-9 માર્ચ દરમિયાન મુંબઈમાં રમાશે. સ્પર્ધામાં 6 ટીમ વચ્ચે કુલ 19 મેચો રમાશે. છ ટીમ હશેઃ મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા અને શ્રીનગર.

81 વર્ષના અમિતાભનું કહેવું છે કે ‘આ સ્પર્ધા રોમાંચક અને ઉમદા કોન્સેપ્ટ છે. શેરીઓમાં, ગલીઓમાં અને કામચલાઉ હોમ-મેડ પિચ પર રમવાની ક્ષમતા ખેલાડીઓ આ સ્પર્ધામાં બતાવી શકશે.’

ટીમ શ્રીનગરની માલિકી અન્ય બોલીવુડ એક્ટર અક્ષયકુમારે ખરીદી છે. હૃતિક રોશને ટીમ બેંગલુરુ ખરીદી છે.

અમદાવાદ સૌથી વધુ ઠંડીઃ રાજ્યમાં અચાનક વધશે ઠંડીનું જોર

અમદાવાદઃ રાજ્યમાં ધીમે-ધીમે શિયાળો જામતો જાય છે.ગુલાબી ઠંડીએ હવે કાતિલ ઠંડીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. અમદાવાદમાં સીઝનનું અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. એક જ દિવસમાં તાપમાનનો પારો 5.7 ડિગ્રી સુધી ગગડી ગયો છે.

હવામાન વિભાગે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. જે મુજબ ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઓછું 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવે એક સપ્તાહ સુધી અમદાવાદમાં 13-14 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાઈપ્રેસર સિસ્ટમ બગડવાની સાથે ઠંડા પવન ફૂંકાવાના શરૂ થયા છે. બે દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે દિવસ સુધી તાપમાન યથાવત રહેશે અને ત્યાર બાદ એકથી બે ડિગ્રી તાપમાન વધશે. ચાર દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે મહિનાના અંતમાં વધુ ઠંડીનો અહેસાસ થશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પ્રમાણે મહિનાના અંતમાં સાચી ઠંડીનો અહેસાસ થશે. હાલના તાપમાનની વાત કરવામાં આવે તો. હાલ ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 13.5 નોંધાયું છે તો બીજી તરફ અમદાવાદમાં 17.7 ડિગ્રી નોંધાયું છે અને ગાંધીનગરમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહ્યું હતું.

 

 

 

 

 

લોકસભા બાદ હવે રાજ્યસભાના 34 સાંસદો પણ સસ્પેન્ડ

સંસદના શિયાળુ સત્રમાં સોમવારે પણ બંને ગૃહોમાં વિપક્ષી સાંસદોએ ભારે હંગામો કર્યો હતો. સંસદની સુરક્ષામાં ભંગના મુદ્દે હંગામો મચાવવા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પાસેથી જવાબ માંગવા બદલ અત્યાર સુધીમાં કુલ 81 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શુક્રવારે બંને ગૃહોમાંથી કુલ 14 સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ આજે એટલે કે સોમવારે સ્પીકરે લોકસભામાંથી વધુ 33 સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. બીજી તરફ રાજ્યસભામાં હંગામો મચાવતા અધ્યક્ષે 34 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. જો આ રીતે જોઈએ તો અત્યાર સુધીમાં 81 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનું નામ પણ લોકસભામાં સ્પીકરે સસ્પેન્ડ કરેલા સાંસદોમાં સામેલ છે. આ સાથે કોંગ્રેસ અને ટીએમસી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના સાંસદો સામેલ છે. દયાનિધિ મારન અને સૌગતા રોયને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘણા સસ્પેન્ડેડ સાંસદોના નામ પણ આજે સામે આવ્યા છે.

 

સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું લિસ્ટ

સંસદની સુરક્ષામાં ભંગનો વિરોધ

વાસ્તવમાં સત્ર શરૂ થયા બાદ વિપક્ષી સાંસદો સંસદની સુરક્ષામાં ભંગનો વિરોધ કરી રહ્યા હતા. પ્લેકાર્ડ સાથે વિરોધ કરવા માટે ઘણા સાંસદો આવ્યા હતા. આ તમામ સાંસદોને ગૃહની બાકીની મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા સાંસદો અબ્દુલ ખાલિક, વિજય વસંત અને કે જયકુમારના સસ્પેન્શનનો મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો છે. વિપક્ષના સાંસદો એ વાત પર અડગ છે કે દેશના ગૃહમંત્રી અમિત શાહે સંસદની સુરક્ષામાં થયેલા ભંગ અંગે ગૃહમાં નિવેદન આપવું જોઈએ.

દેશની GDPમાં વધારો કરી શકે છે હાઉસવાઇફઃ સર્વે

નવી દિલ્હીઃ દેશના GDPમાં હંમેશાં એ લોકોને ગણવામાં આવે છે, જેની કમાણી થાય છે, પરંતુ હાલમાં એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, જે અનુસાર ઘર સંભાળતી મહિલાઓ દેશની GDPમાં વધારો કરી શકે છે. વિશ્વના દેશોની તુલનામાં ભારતમાં મહિલાઓની બહારનાં કામોમાં ઓછી ભાગીદારી છે. કેટલીય મહિલો ઘર સંભાળવાની સાથે નોકરી કરે છે.

જોકે હાલ હજી પણ મોટા ભાગની મહિલો ઘરની, બાળકોની અને વડીલોને સંભાળવાનું કામ કરે છે. વિશ્વમાં કામકાજ કરતી મહિલાઓની સરેરાશ 47 ટકા છે, જ્યારે ભારતમાં એ માત્ર 37 ટકા મહિલાઓ જ કામકાજ કરે છે. જો ઘરેલુ મહિલાઓનાં કામને પૈસામાં આંકવામાં આવે તો એનું પલડું નોકરી કરવાવાળા પુરુષોથી વધુ હશે.

દેશનાં પાંચ મોટાં શહેરોમાં સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં દિલ્હી, કોલકાતા, બેંગલુરુ અને ચેન્નઇ સામેલ છે. આ સર્વેમાં 25થી 39 વર્ષની મહિલાઓ મોટા ભાગે કામકાજ કરતી હતી. સર્વેની 74 ટકા મહિલાઓનું કહેવું હતું કે તેમના માટે સુરક્ષિત ટ્રાવેલ બહુ જરૂરી છે, જ્યારે 64 ટકા મહિલાઓ મોંઘા ટ્રાવેલ ખર્ચને કારણે બહાર નથી જઈ શકતી.

અહેવાલ અનુસાર 10માંથી સાત મહિલાઓ ઘરની જવાબદારી સંભાળે છે. જો માત્ર ઘર સંભાળતી મહિલાઓને તેમના કામ અનુસાર ચુકવણી કરવામાં આવે તો તેમની આવકની GDP  પર સકારાત્મક અસર પડશે.  એનાથી દેશની GDPમાં વધારો થશે. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશને 140 દેશોમાં સર્વે કર્યો હતો, જેમાં વર્ષ 2021માં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં 56 ટકા મહિલાઓ યૌન શોષણનો શિકાર થઈ હતી.

 

 

 

 

 

 

બળાત્કારના આરોપને ઉદ્યોગપતિ સજ્જન જિંદલે નકાર્યો

મુંબઈઃ અહીંની એક મહિલા ડોક્ટરે મૂકેલા બળાત્કારના આરોપને સ્ટીલ ઉદ્યોગના મહારથી સજ્જન જિંદલે નકારી કાઢ્યા છે. મહિલા ડોક્ટરનાં આરોપને કારણે કોર્પોરેટ અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. સજ્જન જિંદલે તેમના હસ્તાક્ષરમાં એક નિવેદન બહાર પાડ્યું છે. એમાં તેણે કહ્યું છે કે એમની સામેનો આરોપ ખોટો અને પાયાવિહોણો છે. પોતે આ કેસમાં સંપૂર્ણ તપાસમાં સહકાર આપશે. હવે જ્યારે આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે અમે વધુ કોઈ પણ ટીકાટિપ્પણ નહીં કરીએ. અમારી આપને વિનંતી છે કે તમે અમારા પરિવારની ગોપનીયતાનો આદર કરશો.

30 વર્ષીય મહિલા ડોક્ટરે અહીંના બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશનમાં જિંદલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 64 વર્ષના જિંદલ જેએસડબલ્યૂ ગ્રુપના ચેરમેન-કમ-મેનેજિંગ ડાઈરેક્ટર છે.

જમ્મુ-કાશ્મીરમાં 5.5 તીવ્રતાના ભૂકંપના આંચકા, લોકોમાં અફરા તફરી

સોમવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. આ ભૂકંપ જમીનથી 10 કિલોમીટર નીચે આવ્યો હતો.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કારગીલમાં 10 કિલોમીટર ભૂગર્ભમાં હતું. તેના આંચકા કાશ્મીરમાં પણ અનુભવાયા હતા. આ પછી આફ્ટરશોક પણ અનુભવાયા હતા. લદ્દાખમાં સાંજે 4:01 વાગ્યે તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. આ પહેલા પાકિસ્તાનમાં સવારે 11.38 કલાકે 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

સારા સમાચાર : સોનાના ભાવમાં થયો ઘટાડો

સોમવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ વધીને 61,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. અગાઉ સોનાનો ભાવ 62,367 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જો આ રીતે જોવામાં આવે તો અગાઉના ટ્રેડિંગ સેશનની સરખામણીમાં સોનું 497 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. ચાંદીની કિંમત 74,000 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે.

22, 20,18 અને 14 કેરેટનો દર શું છે?

IBJA અનુસાર 22 કેરેટ સોનાનો દર 60,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 20 કેરેટ સોનાની કિંમત 55,070 રૂપિયા, 18 કેરેટ સોનાની કિંમત 50,120 રૂપિયા અને 14 કેરેટ સોનાની કિંમત 39,910 રૂપિયા પ્રતિ ગ્રામ છે. તમને જણાવી દઈએ કે, તાજેતરના સમયમાં લગ્નની સિઝન અને સોનાની વૈશ્વિક માંગને કારણે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 64,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી ગયો હતો.

આંતરરાષ્ટ્રીય સોનાની કિંમત

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનું નજીવા વધારા સાથે $2,037 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે અને ચાંદી પણ નજીવા વધારા સાથે $24.317 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, યુએસ ફેડએ વ્યાજ દરોમાં નરમાઈનો સંકેત આપ્યો છે, ત્યારબાદ સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને સોનું સતત પ્રતિ ઔંસ $2,000ના સ્તરે ટકી રહ્યું છે.

વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ

વાયદા બજારમાં સોનામાં મામૂલી ઘટાડા સાથે અને ચાંદીમાં મામૂલી વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. 5 ફેબ્રુઆરી, 2024 માટે 24 કેરેટ સોનાનો કોન્ટ્રાક્ટ 0.18 ટકા ઘટીને રૂ. 62,080 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 5 માર્ચ, 2024 માટે ચાંદીનો કોન્ટ્રાક્ટ 0.27 ટકાના વધારા સાથે 74,724 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર યથાવત છે.