Home Blog Page 2223

જમ્મુ-કાશ્મીરમાં 5.5 તીવ્રતાના ભૂકંપના આંચકા, લોકોમાં અફરા તફરી

સોમવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. આ ભૂકંપ જમીનથી 10 કિલોમીટર નીચે આવ્યો હતો.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કારગીલમાં 10 કિલોમીટર ભૂગર્ભમાં હતું. તેના આંચકા કાશ્મીરમાં પણ અનુભવાયા હતા. આ પછી આફ્ટરશોક પણ અનુભવાયા હતા. લદ્દાખમાં સાંજે 4:01 વાગ્યે તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. આ પહેલા પાકિસ્તાનમાં સવારે 11.38 કલાકે 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

સારા સમાચાર : સોનાના ભાવમાં થયો ઘટાડો

સોમવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ વધીને 61,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. અગાઉ સોનાનો ભાવ 62,367 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જો આ રીતે જોવામાં આવે તો અગાઉના ટ્રેડિંગ સેશનની સરખામણીમાં સોનું 497 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. ચાંદીની કિંમત 74,000 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે.

22, 20,18 અને 14 કેરેટનો દર શું છે?

IBJA અનુસાર 22 કેરેટ સોનાનો દર 60,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 20 કેરેટ સોનાની કિંમત 55,070 રૂપિયા, 18 કેરેટ સોનાની કિંમત 50,120 રૂપિયા અને 14 કેરેટ સોનાની કિંમત 39,910 રૂપિયા પ્રતિ ગ્રામ છે. તમને જણાવી દઈએ કે, તાજેતરના સમયમાં લગ્નની સિઝન અને સોનાની વૈશ્વિક માંગને કારણે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 64,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી ગયો હતો.

આંતરરાષ્ટ્રીય સોનાની કિંમત

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનું નજીવા વધારા સાથે $2,037 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે અને ચાંદી પણ નજીવા વધારા સાથે $24.317 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, યુએસ ફેડએ વ્યાજ દરોમાં નરમાઈનો સંકેત આપ્યો છે, ત્યારબાદ સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને સોનું સતત પ્રતિ ઔંસ $2,000ના સ્તરે ટકી રહ્યું છે.

વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ

વાયદા બજારમાં સોનામાં મામૂલી ઘટાડા સાથે અને ચાંદીમાં મામૂલી વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. 5 ફેબ્રુઆરી, 2024 માટે 24 કેરેટ સોનાનો કોન્ટ્રાક્ટ 0.18 ટકા ઘટીને રૂ. 62,080 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 5 માર્ચ, 2024 માટે ચાંદીનો કોન્ટ્રાક્ટ 0.27 ટકાના વધારા સાથે 74,724 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર યથાવત છે.

ગૃહની કાર્યવાહી ખોરવીઃ 33 વિપક્ષી સભ્યો લોકસભાના શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ

નવી દિલ્હીઃ લોકસભા ગૃહની કાર્યવાહી ખોરવી નાખવા બદલ ગૃહમાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી સહિત 33 વિપક્ષી સભ્યોને લોકસભાના બાકી રહેલા શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આમાં ડીએમકેના સાંસદો ટી.આર. બાલુ અને દયાનિધિ મારન અને તૃણમુલ કોંગ્રેસના સૌગત રોયનો પણ સમાવેશ થાય છે.

આમાંના 30 સભ્યોને શિયાળુ સત્રના બાકીના હિસ્સા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જ્યારે ત્રણ સભ્યોના સસ્પેન્શનનો નિર્ણય વિશેષાધિકાર સમિતિનો અહેવાલ મળે તે પછી લેવાશે. આ ત્રણ સભ્યો છેઃ કે. જયકુમાર, વિજય વસંત અને અબ્દુલ ખાલિક. આ ત્રણ સભ્યો નારા લગાવતા સ્પીકરની બેઠક પર ચડી ગયા હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ આ સભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેનો મૌખિક મતદાન દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. એ પછી ગૃહની કામગીરી દિવસ માટે મુલતવી રાખી દેવામાં આવી હતી.

ગૃહમાં ગેરવર્તન કરવા બદલ અને અધ્યક્ષની સૂચનાઓની અવગણના કરવા બદલ અત્યાર સુધીમાં કુલ 47 વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવી દેવામાં આવ્યા છે. ગઈ 14 ડિસેમ્બરે સંસદ સુરક્ષા ભંગ મામલે ગૃહમાં ધાંધલ કરવા બદલ લોકસભાના 13 અને રાજ્યસભામાં એક – એમ કુલ 14 વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

હું આનો સ્વીકાર નહીં કરું, આ બકવાસ છેઃ શોન પોલોક

જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકા ભારત સામે ત્રણ  ODI સિરીઝની મેચમાં માત્ર 27.3 ઓવર્સમાં 116 રન જ બનાવી શક્યું હતું અને ટીમ આઠ વિકેટે હારી ગઈ હતી. જેથી પ્રારંભની મેચમાં દક્ષિણ આફ્રિકાના ખરાબ દેખાવની ભૂતપૂર્વ કેપ્ટન શોન પોલોકે ટીકા કરી હતી. તેણે સવાલ કરતાં કહ્યું હતું કે ટીમ નિયમિત અંતરાલ પર વિકેટ ગુમાવી રહી હતી એ બકવાસ છે અને સ્વીકાર્ય નથી. તેણે ડેવિડ મિલરનો દાખલો આપતાં કહ્યું હતું કે તેણે હાલમાં વર્લ્ડ કપમાં સદી ફટકારી હતી, પણ તેણે કમસે કમ 10 ઓવર સુધી ક્રીઝ પર ટકી શકતો હતો, છતાં તેણ જલદી વિકેટ ગુમાવી હતી. તેણે કહ્યું હતું કે આ બાબત અસ્વીકાર્ય છે. હાલનો પ્લેયર  હકારાત્મક અભિગમથી રમે છે. મિલર ત્યારે આઉટ થઈ ગયો હતો, જ્યારે ટીમને તેની જરૂર હતી.

અમે જૂના ક્રિકેટર છીએ, અમે સકારાત્મક નહોતા રમી શકતા, પણ આજના મોર્ડર્ન જમાનામાં હવેના ક્રિકેટરો તો સકારાત્મક રીતે રમી શકે છે.

પોલોકના જવાબમાં ગાવસકરે પણ સૂર પુરાવતાં કહ્યું હતું કે આજના ક્રિકેટરોને T20 લીગોમાં રમવાની અનેક તકો મળે છે તો તેમણે સારી રીતે રમવું જોઈએ.  ભારતની ટીમમાં રવીન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરા, મોહમ્મદ શમી જેવા ખેલાડીઓ ના હોવા છતાં ભારતે દક્ષિણ આફ્રિકાસામે ભવ્ય જીત મેળવી હતી. આ મેચમાં અર્શદીપ સિંહે પાંચ વિકેટ અને અવેશ ખાને ચાર વિકેટની મદદથી દક્ષિણ આફ્રિકાને 116 રનમાં ઓલઆઉટ કર્યું હતું.

 

 

 

‘તિસરી મુંબઈ’ નામના નવા શહેરના નિર્માણ માટે મહારાષ્ટ્ર સરકારની મંજૂરી

મુંબઈઃ મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR)માં વસ્તી ઝડપથી વધી રહી છે. તેથી લોકોને વધારે સારી આવાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક ટ્રાન્સપોર્ટ સુવિધાઓ પૂરી પાડવાના હેતુ સાથે મહારાષ્ટ્ર સરકારે ‘થર્ડ મુંબઈ’ (તિસરી મુંબઈ) નામના એક ત્રીજા શહેરનું નિર્માણ કરવાનું નક્કી કર્યું છે. એ માટેના પ્રસ્તાવને તેણે મંજૂરી પણ આપી દીધી છે. મૂળ મુંબઈ શહેરની પૂર્વ-દક્ષિણ બાજુએ નવી મુંબઈ શહેરની રચના કરવામાં આવેલી જ છે. હવે એની બાજુમાં એક બીજું શહેર વસાવવાની સરકારે યોજના ઘડી છે.

આ સૂચિત શહેર નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની આસપાસ બનાવવામાં આવશે, જેને પડોશના મુંબઈ શહેર સાથે જોડવામાં આવશે. ત્રીજા મુંબઈને મૂળ મુંબઈ સાથે ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના નામવાળા ‘શિવડી-ન્હાવા શેવા અટલ સેતૂ’ વડે જોડવામાં આવશે. આ સેતૂને મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક તરીકે પણ ઓળખવામાં આવે છે.

એમએમઆરનો વિસ્તાર વધારવા માટેની મંજૂરી મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ને મળી જશે. આ માટે ન્યૂ ટાઉન ડેવલપમેન્ટ ઓથોરિટી (એનટીડીએ) નામે નવી સંસ્થાની રચના પણ કરવામાં આવી છે. ‘થર્ડ મુંબઈ’માં ઉલવે, પનવેલ, ઉરણ, કર્જત તથા તેની આસપાસના વિસ્તારોને સમાવવામાં આવશે. તિસરી મુંબઈ 323 સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં હશે. તેમાં 200 ગામ હશે. હાલ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ હેઠળ આવતા 80-90 ગામોને થર્ડ મુંબઈમાં આવરી લેવામાં આવશે. મુંબઈ શહેરનો વિસ્તાર આશરે 600 સ્ક્વેર કિલોમીટરનો છે અને નવી મુંબઈનો 344 સ્ક્વેર કિલોમીટર છે.

તિસરી મુંબઈમાં વ્યાપારી સંકુલો, ડેટા સેન્ટર્સ, મલ્ટીનેશનલ કંપનીઓ, બેન્ક્સ અને પાયાગત સુવિધાઓ હશે. મુંબઈના બાન્દ્રાસ્થિત BKC ટાઈપનું આધુનિક સુવિધાઓથી સંપન્ન બિઝનેસ સંકુલ ખારઘર ઉપનગરમાં બનાવવાની પણ સરકારની યોજના છે.

બજેટમાં એક કરોડ સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત થશે

નવી દિલ્હીઃ વર્ષ 2023ની જેમ નવું વર્ષ 2024 પણ કેન્દ્રીય ક્રર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગિફ્ટ લઈને આવવાનું છે. અહેવાલો મુજબ નવા વર્ષમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં અને પેન્શનર્સને મોંઘવારીમાં રાહતમાં ચાર ટકાનો વધારો થવાની શક્યતા છે, જેથી પગાર અને પેન્શનમાં બમ્પર વધારો થવાની શક્યતા છે. નવા વર્ષમાં સરકાર DA વધારવાનું એલાન બજેટમાં કરે એવી શક્યતા છે.

કેન્દ્રીય કર્મચારીઓને 46 ટકા DAનો લાભ મળે છે. એ જુલાઈથી ડિસેમ્બર, 2023 સુધી લાગુ કરવામાં આવ્યું હતું. DAમાં આગામી વધારો જાન્યુઆરી, 2024માં થશે. AICPI ઇન્ડેક્સના અર્ધવાર્ષિક આંકડાને આધારે કર્મચારીઓ-પેન્શનર્સના DA અને DRના દરો જાન્યુઆરી અને જુલાઈમાં રિવાઇઝ કરવામાં આવે છે.  2023માં જાન્યુઆરી અને જુલાઈનું મળીને કુલ આઠ ટકા DA વધારવામાં આવ્યું હતું અને હવે આગામી DA 2024માં રિવાઇઝ કરવામાં આવશે, જે જુલાઈથી ડિસેમ્બર, 2023ના AICPI ઇન્ડેક્સ ડેટા પર નિર્ભર કરશે.

 નવા વર્ષમાં DAમાં ચાર કે પાંચ ટકાનો વધારો થવાની શક્યતા છે. જોકે નવેમ્બર અને ડિસેમ્બરના આંકડામાં વધારા પછી DA સ્કોર 50 ટકા અથવા તેનાથી વધુનો વધારો હોઈ શકે. DAનો સ્કોર ચાર ટકા વધ્યા પછી 50 ટકા થઈ જશે. આવી સ્થિતિમાં કર્મચારીઓની સેલેરીમાં રિવિઝન કરવામાં આવશે.કર્મચારીઓ માટે DAના આગામી દરોનું એલાન બજેટના સમયે થવાની શક્યતા છે, કેમ કે આગામી વર્ષે એપ્રિલથી મેમાં લોકસભાની ચૂંટણીની તારીખોના એલાન પછી આચારસંહિતા પણ લાગુ થઈ જશે. DA વધારાનો લાભ 48 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનર્સને મળશે.

 

 

 

 

 

નેહા ધુપિયા પહેલી જ વાર ચમકશે ઈન્ટરનેશનલ ફિલ્મમાં

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી નેહા ધુપિયા-બેદી આંતરરાષ્ટ્રીય અભિનય ક્ષેત્રે પદાર્પણ કરી રહી છે. તે ઈજિપ્તના જાણીતા દિગ્દર્શક અલી અલ અરબીની આગામી ફીચર ફિલ્મ ‘બ્લૂ 52’માં ચમકશે. ફિલ્મ નિર્માતાઓએ જ આજે આની જાહેરાત કરી છે. આ ફિલ્મ કોચી, ભારત અને કતરની પશ્ચાદભૂમિમાં બનાવવામાં આવી રહી છે.

‘Blue 52’ ફિલ્મમાં આશિષ નામના એક છોકરાની વાર્તા છે જે એના ફૂટબોલ આદર્શ લિયોનેલ મેસ્સીને મળવા માટે ઘર છોડે છે. નેહા ધુપિયાએ આશિષ પાત્રની માતાનો રોલ કર્યો છે. નેહા બોલીવુડમાં ‘ચૂપ ચૂપ કે’, ‘સિંઘ ઈઝ કિંગ’, ‘અ થર્સડે’, ‘ફંસ ગયા રે ઓબામા’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

FPIએ 2023માં અત્યાર સુધી ભારતીય શેરબજારમાં 1.5 લાખ કરોડ ઠાલવ્યા

નવી દિલ્હીઃ વિદેશી રોકાણની દ્રષ્ટિએ આ વર્ષ ઘણું સારું રહ્યું છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)નો ભારતીય બજારો પર વિશ્વાસ વધ્યો છે. FPIએ વર્ષ 2023માં ભારતીય શેરબજારમાં આશરે રૂ. 1.5 લાખ કરોડ ઠાલવ્યા છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓની વચ્ચે દેશના અર્થતંત્રને લઈને વિદેશી રોકાણકારો માટે આકર્ષણ વધ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે FPIનું આ સકારાત્મક વલણ આગામી વર્ષ 2024માં પણ જારી રહેવાની અપેક્ષા છે.

મધ્યસ્થ બેન્કે ફેડ રેટે વ્યાજદરમાં વધારો કર્યા પછી ત્રણ વાર વ્યાજદર વધાર્યા છતાં વર્ષ 2022માં FPIનો ચોખ્ખો ઇનફ્લો રૂ. 1.21 લાખ કરોડ રહ્યો હતો.

આવતા વર્ષે સામાન્ય ચૂંટણીની વચ્ચે રાજકીય સ્થિરતા અને આર્થિક વિકાસ FPI માટે મુખ્ય મુદ્દા રહેશે. આ સિવાય વૈશ્વિક સ્તરે મોંઘવારી અને વ્યાજદર ભારતીય શેરબજારોમાં વિદેશી પ્રવાહની દિશા નક્કી કરશે, એમ મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાના એસોસિયેટ ડિરેક્ટર-મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. વળી, દેશની મજબૂત આર્થિક વૃદ્ધિતરની સાથે ભારત FPIનું આકર્ષનું કેન્દ્ર બન્યું રહેશે, એમ તેમણે કહ્યું હતું.

ડિપોઝિટરીના ડેટા મુજબ આ વર્ષે FPIએ અત્યાર સુધી રૂ. ડેટ અને બોન્ડ બજારમાં પણ આશરે રૂ. 60,000 કરોડનું મૂડીરોકાણ કર્યું હતું. તેમનું આ વર્ષે કુલ મળીને મૂડીરોકાણ રૂ. બે લાખ કરોડથી વધુનું રહ્યું છે.

ત્રણ રાજ્યોમાં હાલની ચૂંટણીમાં ભાજપને જીત મળ્યા પછી રાજકીય સ્થિરતા થવાથી FPIએ ડિસેમ્બરના પહેલા બે સપ્તાહમાં રૂ. 43,000 કરોડ ઠાલવ્યા હતા. FPIએ વર્ષ 2021માં શેરોમાં રૂ. 25,752 કરોડ, 2020માં રૂ. 1.7 લાખ કરોડ અને 2019માં રૂ. 1.01 લાખ કરોડ ઠાલવ્યા હતા.

 

 

 

 

 

વિકસિત અમેરિકામાં ઘરવિહોણા લોકોની સંખ્યામાં રેકોર્ડ ઉછાળો

વોશિંગ્ટનઃ અમેરિકામાં ઘરવિહોણા લોકોની સંખ્યા 12 ટકા વધીને રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગઈ છે, એમ એક નવો સરકારી અહેવાલ કહે છે. જાન્યુઆરીમાં દેશમાંથી આશરે 6,53,000 લોકો ઘરવિહોણા થઈ ગયા હતા. એ એક વર્ષ પહેલાંની તુલનામાં 70,650થી વધુ છે અને 2007માં સર્વેક્ષણ શરૂ થયા પછીની સૌથી વધુ સંખ્યા છે, એમ ચીનની સમાચાર એજન્સી શિન્હુઆએ આવાસ અને શહેરી વિકાસ વિભાગ તરફથી જારી અહેવાલમાં જણાવ્યું હતું. અમેરિકામાં કુલ આફ્રિકી-અમેરિકીની વસતિ 13 ટકા છે, પરંતુ કુલ ઘરવિહોણાની 37 ટકા છે, એમાં હિસ્પેનિક લોકોની સંખ્યા સૌથી વધુ છે, જે વર્ષ 2022થી 2023 સુધી 28 ટકા હતી.

અમેરિકામાં પરિવારથી ઘરવિહોણા થયેલા લોકોમાં 10 ટકા વધારો નોંધાયો હતો, જે 2021 પછી વધુ છે. અમેરિકામાં ઘરવિહોણા થવાનું સંકટ ઘરના વધતા ભાડાં અને કોરોના રોગચાળાની સહાયતામાં ઘટાડો મુખ્ય કારણોમાંનું એક છે. અમેરિકા વિશ્વનો સૌથી વધુ વિકસિત દેશ છે, તેમ છતાં અહીં ઘરવિહોણાની સંખ્યામાં રેકોર્ડ ઉછાળો ચિંતાનો વિષય છે.  

હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ (HUD)ના સચિવ માર્સિયા એલ. ફઝે એક નિવેદનમાં કહ્યું હતું કે ઘરવિહોણાની સમસ્યાનું સમાધાન સંભવ છે.

HUDએ અહેવાલમાં જણાવ્યું હતું કે વર્ષ 2021થી 2022ની વચ્ચે નવા ઘરવિહોણા થનારા લોકોની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો હતો. અમેરિકામાં નાણાકીય વર્ષ 2022 સપ્ટેમ્બર, 2022માં પૂરું થઈ ગયું છે. અમેરિકામાં ઘરવિહોણા લોકોની સંખ્યા 2010માં આશરે 6,37,000થી ઘટીને વર્ષ 2017માં આશરે 5,54,000 થઈ ગઈ હતી.

 

 

 

 

 

 

કોરાનાના 335 નવા કેસો, ત્રણનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 335 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,04,142 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,317 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,69,931 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 132 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1828 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,206,779,049 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 45 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.