‘તિસરી મુંબઈ’ નામના નવા શહેરના નિર્માણ માટે મહારાષ્ટ્ર સરકારની મંજૂરી

મુંબઈઃ મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR)માં વસ્તી ઝડપથી વધી રહી છે. તેથી લોકોને વધારે સારી આવાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક ટ્રાન્સપોર્ટ સુવિધાઓ પૂરી પાડવાના હેતુ સાથે મહારાષ્ટ્ર સરકારે ‘થર્ડ મુંબઈ’ (તિસરી મુંબઈ) નામના એક ત્રીજા શહેરનું નિર્માણ કરવાનું નક્કી કર્યું છે. એ માટેના પ્રસ્તાવને તેણે મંજૂરી પણ આપી દીધી છે. મૂળ મુંબઈ શહેરની પૂર્વ-દક્ષિણ બાજુએ નવી મુંબઈ શહેરની રચના કરવામાં આવેલી જ છે. હવે એની બાજુમાં એક બીજું શહેર વસાવવાની સરકારે યોજના ઘડી છે.

આ સૂચિત શહેર નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની આસપાસ બનાવવામાં આવશે, જેને પડોશના મુંબઈ શહેર સાથે જોડવામાં આવશે. ત્રીજા મુંબઈને મૂળ મુંબઈ સાથે ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના નામવાળા ‘શિવડી-ન્હાવા શેવા અટલ સેતૂ’ વડે જોડવામાં આવશે. આ સેતૂને મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક તરીકે પણ ઓળખવામાં આવે છે.

એમએમઆરનો વિસ્તાર વધારવા માટેની મંજૂરી મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ને મળી જશે. આ માટે ન્યૂ ટાઉન ડેવલપમેન્ટ ઓથોરિટી (એનટીડીએ) નામે નવી સંસ્થાની રચના પણ કરવામાં આવી છે. ‘થર્ડ મુંબઈ’માં ઉલવે, પનવેલ, ઉરણ, કર્જત તથા તેની આસપાસના વિસ્તારોને સમાવવામાં આવશે. તિસરી મુંબઈ 323 સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં હશે. તેમાં 200 ગામ હશે. હાલ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ હેઠળ આવતા 80-90 ગામોને થર્ડ મુંબઈમાં આવરી લેવામાં આવશે. મુંબઈ શહેરનો વિસ્તાર આશરે 600 સ્ક્વેર કિલોમીટરનો છે અને નવી મુંબઈનો 344 સ્ક્વેર કિલોમીટર છે.

તિસરી મુંબઈમાં વ્યાપારી સંકુલો, ડેટા સેન્ટર્સ, મલ્ટીનેશનલ કંપનીઓ, બેન્ક્સ અને પાયાગત સુવિધાઓ હશે. મુંબઈના બાન્દ્રાસ્થિત BKC ટાઈપનું આધુનિક સુવિધાઓથી સંપન્ન બિઝનેસ સંકુલ ખારઘર ઉપનગરમાં બનાવવાની પણ સરકારની યોજના છે.