સુવિચાર – ૧૮ એપ્રિલ, ૨૦૨૪
સુવિચાર – ૧૮ એપ્રિલ, ૨૦૨૪
ઓળખી લો, ગુજરાતની આ વૈશ્વિક ધરોહરોને…
અમદાવાદ: વિશ્વ ધરોહર દિવસ, જે સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને જાળવણીને પ્રોત્સાહન આપે છે. આ દિવસ રિમાઈન્ડર છે, જે લોકોને યાદ અપાવે છે કે સાંસ્કૃતિક વારસો એ માત્ર ભૂતકાળની વસ્તુ નથી પરંતુ એવી મૂલ્યવાન ભેટ છે આજે પણ સુસંગત છે અને ભવિષ્યને આકાર આપવાનું ચાલું રાખશે. દર વર્ષે 18 એપ્રિલના રોજ વિશ્વ ધરોહર દિવસ (World Heritage Day)ઉજવવામાં આવે છે. સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક સ્મારકો અને પુરાતત્વીય સ્થળોનું જતન કરવાના ઉદ્દેશ સાથે આ દિવસ મનાવવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી એક ખાસ થીમ સાથે થતી હોય છે. આ વર્ષની થીમ “ડિસ્કવર એન્ડ એક્સપિરિયન્સ ડાયવર્સિટી (Discover and experience diversity)છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં ભારતના 42 સ્થળોને સ્થાન મળ્યુ છે. સૌપ્રથમ વખત 1983 આગ્રા ફોર્ટ (આગ્રાનો લાલ કિલ્લો)ને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં દરજ્જો મળ્યો હતો. છેલ્લે 2023માં પશ્ચિમ બંગાળના શાંતિનિકેતને આ યાદીમાં સ્થાન મળ્યુ છે. ગુજરાતમાં કુલ ચાર વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. જેમાં ચાંપાનેર, અમદાવાદ શહેર, ધોળાવીરા અને રાણકી વાવનો સમાવેશ થાય છે. વર્લ્ડ હેરિટેજ ડે પર આપણે ગુજરાતની આ ચાર વર્લ્ડ હેરિટેજ સાઈટ વિશે જાણીએ…

1. ચાંપાનેર- પાવાગઢ (2004)

(તસવીર સૌજન્ય: યુનેસ્કો વેબસાઈટ/ગુજરાત ટુરિઝમ)
ચાંપાનેર પાવાગઢની તળેટીમાં આવેલું બહુ પ્રાચીન સ્થળ હોવાનુ મનાય છે. 8મી સદીમાં વનરાજ ચાવડા દ્વારા વસાવવામાં આવ્યું હતું. ચાંપાનેર નામ તેમના મિત્ર સેનાપતિ ચાંપા (જે પાછળથી ચાંપારાજ તરીકે ઓળખાયા) પરથી પાડવામાં આવ્યું. ગુજરાતનું પ્રથમ અને ભારતનું 26મુ વર્લ્ડ હેરિટેજ સ્થળ છે. ટોચ પર પાવાગઢનું મંદિર અને તળેટીમાં હાલમાં ત્યજી દેવાયેલી જામા મસ્જિદ છે. વિવિધ યુગો, રાજાઓ અને ધર્મોની હેરિટેજ ઈમારતોનું મિશ્રણ હોવાનું કહેવાય છે. પાંચ મનોહર પ્રવેશદ્વારો સુશોભિત કોતરણીથી ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે. જુમ્મા મસ્જિદને કેન્દ્રમાં રાખીને નગરનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં હિન્દુ, જૈન અને મુસ્લિમોનાં સ્થાપત્ય આવેલાં છે. ચાંપાનેરની કલાવારસાને ધ્યાને રાખી યુનેસ્કો દ્વારા 2004માં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો અને તેને ‘ચાંપાનેર-પાવાગઢ આર્કિયોલોજિકલ પાર્ક’ એવું નામ આપવામાં આવ્યું.
2. રાણકી વાવ/ રાણીની વાવ (2014)

(તસવીર સૌજન્ય: યુનેસ્કો વેબસાઈટ/ગુજરાત ટુરિઝમ)
પાટણમાં આવેલી રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક ઐતિહાસિક વાવ છે. સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમની પત્ની રાણી ઉદયમતી દ્વારા વાવ બાંધવામાં આવી હતી. 11મી સદીમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થાના હેતુ સાથે વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. આ વાવ જયા પ્રકારની વાવ છે. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ઇ.સ.1986માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં જોવા મળી હતી. દિવાલો પર વિવિધ ધાર્મિક કલાકૃતિઓ અને શિલ્પની અદ્ભૂત કોતરણીઓ છે. તેમજ વાવમાં દેવીદેવતાઓની સાથે અપ્સરા અને નાગકન્યાઓની મૂર્તિઓ કંડારવામાં આવી છે. અહીંયા એક નાનો દરવાજો છે, જે સિદ્ધપુર જતા 30 કિમી એક બોગદામાં ખુલે છે. આરબીઆઈએ 2018માં બહાર પાડેલી જાંબલી રગંની 100 રૂપિયાની ચલણી નોટમાં પાછળના ભાગ પર રાણકી વાવ દર્શાવવામાં આવી છે.
3. અમદાવાદ શહેર (2017)
(તસવીર સૌજન્ય: પ્રજ્ઞેશ વ્યાસ)
ઈ.સ 1411માં અહમદશાહે શહેરનો પાયો નાખ્યો હતો. તેણે પોતાના નામ પરથી અહમદાબાદ નામ રાખ્યું હતું, જે બાદમાં અમદાવાદ તરીકે ઓળખાયું. અમદાવાદ દેશનું પ્રથમ હેરિટેજ શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર પહેલા નાની પોળમાં જ સીમીત હતું જે હવે મોટુ મહાનગર બની ગયું છે. અત્યારના અમદાવાદમાં સાંસ્કૃતિક, ધાર્મિક અને આધુનિકતાનો સમન્વય જોવા મળે છે. હેરિટેજ મકાનો, પ્રાચીન ઈમારતો, તળાવ, કુવા, આશ્રમ, કિલ્લો અને ત્રણ દરવાજા તથા ઐતિહાસિક આર્કિટેક્ચરના નમૂના અમદાવાદમાં છે. આ ઉપરાંત પોળમાં હેરિટેજ વોક, રોબોટિક ગેલેરી, સાયન્સ સીટી, માણેક ચોકમાં ગુજરાતી ભોજનની મજા અને ફરવા લાયક સ્થળોનો આનંદ માણવા માટે દેશ વિદેશથી લોકો અહીં આવે છે. એંગ્રેજો માટે ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતં હતું. 2017માં અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.
4. ધોળાવીરા (2021)

(તસવીર સૌજન્ય: યુનેસ્કો વેબસાઈટ/ગુજરાત ટુરિઝમ)
કચ્છના ભચાઉમાં આવેલું ધોળાવીરા પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતું નગર છે. તે સમયે લગભગ પચાસ હજાર લોકો આ નગરમાં રહેતા હોવાનુ અનુમાન છે. મોહેં-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલુંછે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા કહે છે. કોઈ પણ સામાન્ય ગામ જેવું જ લાગતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ ધરબીને બેઠું છે. નગરમાં પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના અને લોકોની જીવનશૈલીને આજે પણ આર્દશ માનવામાં આવે છે. શહેરના અવશેષો 100 હેક્ટરમાં ફેલાયેલા છે. ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનું એક સમૃદ્ધ કેન્દ્ર છે. યુનેસ્કો દ્વારા 2021માં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.
ઐતિહાસિક વારસો અને સંસ્કૃતિની ઓળખ સમા આ સ્થળોને માણવા અને જાણવાની સાથે જાળવવા એ એક જવાબદારી છે.
(નિરાલી કાલાણી)
૧૮ એપ્રિલ, ૨૦૨૪
૧૮ એપ્રિલ, ૨૦૨૪
રાશિ ભવિષ્ય 18/04/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.
ચૂંટણીના સટિક અનુમાન, ભવિષ્યવાણી માટે મશહૂર ફલોદી સટ્ટા માર્કેટ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીઓને લઈને પણ સટ્ટાબજાર સજ્જ થઈ ગયું છે. પહેલા તબક્કાનું મતદાન જલદી થવાનું છે. આ પહેલાં રાજકીય ગરમાવો છે. એક બાજુ મોદીની ગેરંટી છે તો બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનના ચૂંટણીવચનોની રેવડી.
લોકસભાની ચૂંટણીમાં સૌનું ધ્યાન ઉત્તર પ્રદેશ પર છે. ભાજપે આ વખતે UPમાં મિશન-80નું સૂત્ર આપ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન પણ જીતનો દાવો કરી રહ્યું છે.

રાજસ્થાનનું ફલોદી એશિયાનું સૌથી મોટું સટ્ટાબજાર છે. આ સટ્ટાબજાર સટિકતા અને ભવિષ્યવાણી માટે દેશ-વિદેશમાં મશહૂર છે. અહીં નાનીથી મોટી દરેક વાત પર સટ્ટો લાગે છે. ફલોદી સટ્ટાબજારનું અનુમાન છે કે ભાજપને UPમાં 68 70 સીટો મળવાનો અંદાજ છે. અહીં કરોડો રૂપિયાનો સટ્ટો લાગે છે.
સટ્ટાનું કામ કરતા લોકો અહીં બુકી અને દલાલો દ્વારા આ કામ કરે છે. સટ્ટા માર્કેટ દેશભરમાં એકલા ભાજપની 315થી 355 સીટો આવવાનો દાવો કરી રહ્યા છે. રાજસ્થાનમાં 22થી 23 અને કોંગ્રેસની બેથી ત્રણ સીટ આવવાનો દાવો કરી રહ્યું છે. કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકારની જીત પાક્કી હોવાનું અનુમાન સટ્ટાબજારથી પણ આવી રહ્યું છે. રાજ્યમાં સાત મે સહિત કુલ સાત તબક્કામાં મતદાન થવાનું છે. ત્યાર પછી ચોથી જૂને મતગણતરી થાય તે પહેલાં ચૂંટણી સટ્ટામાં IPLથી વધુ રકમની ઊથલપાથલ થવાનું સટ્ટા બજારનું અનુમાન છે.
સોનું નવા શિખરો પર, કોણે આપ્યો તેજીને સપોર્ટ?
સોનું પાછલાં કેટલા સમયથી નવા દિવસે નવા શિખરો બનાવતું જાય છે. એક બાજુ લગ્ન સિઝન અને બીજી બાજુ સોનાની વણથંભી તેજી. સોનાએ પાછલા એક વર્ષમાં રોકાણકોરાને તો હાશકારો આપ્યો છે. ત્યારે લગ્નના તાતણે બંધાનારાઓ માટે સોનાની ખરીદી એક પડકાર રૂપ બની છે. સોનાની આંધણી દોડથી લોકોના બજેટ પર તો જાણે પાટુ પડ્યું હોય. વધતા સોનાના ભાવથી સોનીઓની હાલત કફોડી બની છે. લોકો લોભામણી યોજનાઓથી પણ સોનાની ખરીદી કરવા માટે આવી રહ્યા નથી. જ્યારે વાત થાય વૈશ્વિક બજારની તો વૈશ્વિક બજારમાં પણ સોનાની કિંમતો રોજ નવા શિખરો પર સર કરે છે. બીજી તરફ સોનાના પગલે ચાંદીમાં પણ તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આથી લોકો સોના સાથે ચાંદીની ખરીદીને ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ વણથંભી તેજીના કારણો જાણવા માટે ચિત્રલેખા.કોમે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન રવિ દિયોરાએ તેજીના કારણો જણાવતા કહ્યું કે, હાલ દુનિયામાં ભૌગોલિક તણાવ ચાલી રહ્યા છે. એકતરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. તેમાં હવે ઈરાને પણ ઈઝરાયેલ સામે યુદ્ધ શરૂ કર્યું છે. આ જ ભૌગોલિક તણાવ સોનાની કિંમતોને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે ચીનની સેન્ટ્રલ બેન્કની ખરીદી પણ સોનાની કિંમતોને સપોર્ટ આપતી જોવા મળી રહી છે.

આ ઉપરાંત ગોલ્ડ ETFs ફ્લૉ પણ હવે પોઝિટિવમાં આવી રહ્યો છે. છેલ્લાં બાવીસ મહિનાથી ગોલ્ડ ETFs ફ્લૉ વીસ મહિના સુધી નેગેટિવમાં રહ્યો હતો. જે હાલ પોઝિટિવ થતો જોવા મળી રહ્યો. લોકસભા ચૂંટણીને લઈ રવિ દિયોરાએ જણાવ્યું કે સોનાની કિંમતો પર ચૂંટણીની વધુ અસર જોવા નહીં મળે. સાથે જ વધતા ડૉલર ઈન્ડેક્સથી સોનાની કિંમતો પર મામૂલી અસર જોવા મળી શકે છે.
ઉમેદવારોની પસંદગીઃ કોંગ્રેસ મેદાનમાં છે?
આ ચૂંટણીમાં ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી રૂપાલા વિરુધ્ધ ક્ષત્રિયોના પ્રકરણના કારણે બાકીની 25 બેઠક પર શું ચાલી રહ્યું છે એના તરફ કોઇનું જાણે ધ્યાન જ નથી! નથી બીજા કોઇ મુદ્દે ક્યાંય ચર્ચા થતી.
એટલી હદ સુધી કે ભાજપ માટે એકતરફી મનાતા આ મુકાબલામાં, જો રૂપાલાજીએ આ વિધાન ન ઉચ્ચાર્યું હોત તો કોણ, ક્યાં ચૂંટણી લડે છે એની ય કોઇને ખબર ન પડેત આ તો ભલું થજો, ભાજપના અસંતુષ્ટોનું કે એમણે વડોદરા, સાબરકાંઠા, વલસાડ, સુરેન્દ્રનગર એમ અમુક અમુક સ્થળોએ પક્ષે પસંદ કરેલા ઉમેદવારો સામે નારાજગી વ્યક્ત કરી અને બધાનું ધ્યાન ગયું!

આ હાલતમાં કોંગ્રેસના ઉમેદવારોની તો વાત જ શું કરવાની?
છેક હમણાં સુધી મનાતું હતં કે, ગુજરાતમાં કોંગ્રેસની કથળેલી હાલત જોતાં પક્ષને છવ્વીસ બેઠક પર ઉમેદવારો શોધવામાં ફાંફા પડશે. અમુક અંશે વાત સાચી ય હતી. મોદી-શાહના જુવાળમાં કોંગ્રેસના આગેવાનો જ ભાજપમાં જોડાવા દોટ મૂકતા હોય એવા માહોલમાં ચૂંટણી લડવાનું જોખમ લેવા કોઇ તૈયાર ન થાય, પરંતુ ઉમેદવારોની યાદી જોયા પછી કોંગ્રેસ રહી રહીને ચૂંટણી મેદાનમાં પાછી ફરી હોય એવું ચિત્ર ઉપસે છે. યાદ રહે, ભરુચ અને ભાવનગર એ બે બેઠક પર ગઠબંધન વતી આમ આદમી પાર્ટીની ઉમેદવારો લડે છે એટલે કોંગ્રેસના ચોવીસ ઉમેદવારો આ વખતે મેદાનમાં છે.

ભાજપ માટે ગુજરાતમાં જંગ આસાન હોવા છતાં કોંગ્રેસ સાવ વોક ઓવર આપી દેશે એવી અગાઉની માન્યતા બદલાતી હોય એવું લાગે છે. એમાંય, ક્ષત્રિય સમાજના આંદોલન પછી ગુજરાતમાં કોંગ્રેસ ક્ષત્રિય, ઠાકોર, ઓબીસી, મુસ્લિમ, દલિત અને આદિવાસી મતો પર મદાર રાખીને બેઠી છે.

કોંગ્રેસનો આ આશાવાદ ખાસ કરીને, બનાસકાંઠા, પાટણ, વલસાડ, સાબરકાંઠા, દાહોદ, અમરેલી, સુરેન્દ્રનગર અને આણંદ જેવી બેઠકો પર વધારે છે. બનાસકાંઠામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર વ્યક્તિગત રીતે મજબૂત ઉમેદવાર છે અને એમણે ચૂંટણી લડવા લોકો પાસે સ્વૈચ્છિક ફાળો માગવાની અપીલ કરી એ પછી એમની ઝોળી છલકાઇ રહી છે. ચૂંટણીમાં આ પ્રકારે ક્રાઉડ ફન્ડીંગનો ઉપયોગ કરીને ગેનીબહેને બધાનું ધ્યાન ખેંચ્યું છે. રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિય આંદોલનના હજુ મંડાણ થતાં હતા ત્યાં જ ગેનીબહેને અઢારેય વર્ણ મારું મામેરું ભરશે એ પ્રકારની અપીલ કરીને ભાજપને પડકાર ફેંક્યો છે.

એવી જ રીતે, સાંબરકાંઠામાં કોંગ્રેસ ડો. તુષાર ચૌધરીની વ્યક્તિગત સરળ છાપ અને અમરસિંહ ચૌધરી માટે સ્થાનિક લોકોના લગાવ ઉપરાંત ભાજપના ઉમેદવાર શોભનાબહેન બારૈયા સામે ભાજપમાં જ અસંતોષના મુદ્દા પર લાભ લેવાની ગણતરી રાખે છે. તુષાર ચૌધરી જેવી જ વ્યક્તિગત રીતે સારી ઇમેજ ધરાવતાં દાહોદના ડો. પ્રભા તાવિયાડને પણ આ ઇમેજનો ફાયદો થશે એવું કોંગ્રેસના નેતાઓ માને છે. વલસાડમાં અનંત પટેલની વ્યક્તિગત તાકાત ઉપરાંત દાહોદથી વલસાડ સુધીના પટ્ટામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો લાભ મળશે એવો પ્રદેશ નેતાગિરીને વિશ્વાસ છે.

કોંગ્રેસની આ વખતની રણનીતિ જે તે બેઠક પર ઉમેદવારની સામે ઉમેદવારને આગળ ધરીને લજવાની છે. ઉદાહરણ તરીકે, અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનું નામ ખુદ ભાજપના જ વર્તુળોમાં નવાઇ પમાડે એવું હતું એની સામે કોંગ્રેસે પરદેશથી ઉચ્ચ શિક્ષણ મેળવીને આવેલાં પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની ઠુમ્મરને મતદારો સમક્ષ મૂક્યા છે. જેનીબહેનને પિતા વીરજી ઠુમ્મરના રાજકીય અનુભવ ઉપરાંત પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાત જેવા અગ્રણીઓના ટેકા પર આશા છે. પોતાની કાવ્યાત્મક ટ્વિટ માટે હમણાંથી ખૂબ ચર્ચામાં રહેતા પરેશ ધાનાણી રાજકોટ જતાં પહેલાં જેનીબહેન માટે આખાય વિસ્તારનો આંટો મારી ચૂક્યા છે. આ બેઠકોની સાથે રાજકોટ બેઠક પર ય રૂપાલા વિરુધ્ધ ધાનાણીના જંગ પર બધાની નજર છે, પણ એનું કારણ ક્ષત્રિય આંદોલન વધારે છે.

તો, આણંદમાં ભરત સોલંકીનો ગઢ પાછો લેવા કોંગ્રેસે એ જ પરિવારના અમિત ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. અમિતભાઇ અહીં રૂપાલા વિરુધ્ધ ક્ષત્રિય ફેક્ટરનો લાભ લેવા પહેલા દિવસથી જ ક્ષત્રિયોના સ્વાભિમાનનો મુદ્દો લઇને લડી રહ્યા છે.

જો કે, ફક્ત આટલા કારણસર કોંગ્રેસ માટે આ લડત આસાન હોવાનું માની શકાય એમ નથી. ચૂંટણી લડવા જરૂરી બૂથ મેનેજમેન્ટ અને રણનીતિમાં એ હજુ ભાજપ કરતાં ક્યાંય પાછળ છે. વળી, છેલ્લાં કેટલાંક સમયથી જે રીતે પક્ષના તાલુકા-જિલ્લા કક્ષાના કાર્યકરો ભાજપમાં જોડાઇ ચૂક્યા છે એ જોતાં કોંગ્રેસ માટે ગામડાઓમાં બૂથ લેવલે પાયાના કાર્યકરોની ફોજનો અભાવ એ સૌથી મોટો પડકાર બની શકે એમ છે.

હાલ તો, ગુજરાતમાં આ ચૂંટણીમાં બે પડકાર ઉભરીને સામે આવી રહ્યા છેઃ ભાજપ માટે ક્ષત્રિયોનું આંદોલન અને કોંગ્રેસ માટે લડતના મેદાનમાં ટકી રહેવાનો પડકાર. જેમ જેમ પ્રચારમાં રંગ જામશે એમ નવા મુદ્દાઓ પણ ઉમેરાશે.
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)
એપ્રિલમાં દુબઈમાં પૂરઃ ઓમાનમાં 18 લોકોનાં મોત
દુબઈઃ સંયુક્ત આરબ અમિરાત (UAE)માં છેલ્લા સાત દાયકાઓમાં સૌથી ખરાબ વરસાદ પડ્યો છે. UAEના મુખ્ય શહેર દુબઈની સ્થિતિ ભયાવહ થઈ ગઈ છે. દુબઈના રસ્તા, ઘર મોલ અને એરપોર્ટમાં જળભરાવો થયો છે. વરસાદને કારણે રણનું શહેર ડૂબી ગયું છે. જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ટ્રાફિક સંપૂર્ણ રીતે પ્રભાવિત થયો છે.
UAEમાં પડેલા ભારે વરસાદને કારણે કેટલાય લોકો લાપતા થયા છે. દુબઈ સિવાય ઓમાનમાં પણ ભારે વરસાદનો કહેર જારી છે. ઓમાનમાં 18 લોકોનાં મોત થયાં છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બે વર્ષનો વરસાદ માત્ર 24 કલાકમાં થવાને કારણે મંગળવારે શહેરમાં પૂર આવ્યું હતું. સોમવારે રાત્ર 10 કલાકથી 24 કલાકની અંદર સવા છ ઇંચ વરસાદ નોંધાયો છે.
સામાન્ય રીતે રણ વિસ્તારમાં વાર્ષિક 3.12 ઇંચ વરસાદ થયા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર દુબઈમાં એપ્રિલમાં માત્ર 0.13 ઇંચ વરસાદ થાય છે. જોકે મંગળવારે રાત સુધી 75 વર્ષોમાં સૌથી ભારે વરસાદ જોવા મળ્યો હતો. દુબઈમાં શોપિંગ મોલ, રસ્તા, મેટ્રો સ્ટેશન એરપોર્ટ અને રહેઠાણ વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં.શહેરમાં લોકો ઘેર પહોંચવા માટે ઉતાવળા થયા હતા. વરસાદને કારણે દુબઈ ઇન્ટરનેશનલ એકપોર્ટની 25 મિનિટ સુધી કામગીરી બંધ કરવી પડી હતી. મેટ્રો ટ્રેનોની સ્થિતિ પણ ખરાબ થઈ હતી. વીજ કનેક્શનને ઘણું નુકસાન થયું હોવાથી મેટ્રોની કેટલીય ટ્રેનો હંગામી ધોરણે બંધ કરવામાં આવી હતી. સ્કૂલોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. દુબઈના દુબઈ મોલ અને મોલ ઓફ એમિરેટ્સ- બંનેએ પૂરનો સામનો કરવો પડ્યો હતો.
TMC એ લોકસભા ચૂંટણી 2024 માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો
મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે બુધવારે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો. ટીએમસીએ તેના ઢંઢેરામાં વચન આપ્યું છે કે જો કેન્દ્રમાં સરકાર રચાશે, તો તે CCA (નાગરિકતા સુધારો કાયદો) રદ કરશે. સાથે જ NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન)ની પ્રક્રિયા પણ બંધ થઈ જશે. તૃણમૂલ કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ નહીં કરવાનું વચન આપ્યું છે. TMCએ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆતના બે દિવસ પહેલા પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. તમને જણાવી દઈએ કે પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળના કૂચ બિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડીમાં 19 એપ્રિલે મતદાન થશે.

ટીએમસીના ઢંઢેરામાં કરવામાં આવેલા વચનો
1. 25 વર્ષ સુધીના તમામ સ્નાતક અને ડિપ્લોમા ધરાવતા યુવાનોને માસિક સ્ટાઈપેન્ડ સાથે 1 વર્ષની એપ્રેન્ટિસશીપ (કોઈપણ ક્ષેત્રમાં તાલીમ) આપવામાં આવશે.
2. ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓને 10 લાખ રૂપિયા સુધીનું સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.
3. ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા SC, ST અને OBC વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની રકમ ત્રણ ગણી કરવામાં આવશે.
4. પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરના ભાવ એટલી મર્યાદામાં નક્કી કરવામાં આવશે કે સામાન્ય નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ભાવની વધઘટને રોકવા માટે ‘પ્રાઈસ સ્ટેબિલાઈઝેશન ફંડ’ની સ્થાપના કરવામાં આવશે.
5. સ્વામીનાથન કમિશનની ભલામણો મુજબ, ભારતના ખેડૂતોને MSP ની કાનૂની ગેરંટી આપવામાં આવશે, જે તમામ પાકોના ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50% વધુ હશે.
6. મનરેગા હેઠળ, તમામ જોબ કાર્ડ ધારકોને 100 દિવસનું કામ આપવામાં આવશે અને તમામ કામદારોને દરરોજનું લઘુત્તમ વેતન ₹400 મળશે.
7. દેશભરના દરેક ગરીબ પરિવારને પ્રતિષ્ઠિત આવાસ સુનિશ્ચિત કરવામાં આવશે, જેનાથી બધા માટે કાયમી અને સલામત મકાનો સુનિશ્ચિત થશે.


