Home Blog Page 157

અમેરિકા-ઈરાન યુદ્ધની અનિશ્ચિતતાએ સેન્સેક્સ 1700 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજારોમાં મળેલા નબળા સંકેતોને પગલે ભારતીય શેરબજાર સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત યુદ્ધવિરામ અંગેની અનિશ્ચિતતાને કારણે રોકાણકારોએ સાવચેત વલણ અપનાવ્યું હતું. ઈન્ડેક્સ હેવીવેઇટ HDFC બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં વેચવાલીએ પણ બજારને નીચે ખેંચ્યું હતું આ ઉપરાંત ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ડોલર સામે રૂપિયાની ભારે નબળાઈએ બજારના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર નાખી હતી.

BSE સેન્સેક્સ 500થી વધુ પોઇન્ટના ઘટાડા સાથે 74,883.79 પર ખૂલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 73,534 સુધી સરક્યો હતો. અંતે 1,690.23 પોઇન્ટના ઘટાડા સાથે 73,583.22 પર બંધ થયો હતો. એ જ રીતે નિફ્ટી-50 486.85 પોઇન્ટના ઘટાડા સાથે 22,819 પર બંધ રહ્યો હતો.

પ્રોફિટ બુકિંગની અસર

બજારના. નિષ્ણાતોના ક રોકાણકારોએ નફારૂપી વેચવાલી કરી હતી. આ સાથે વધતા બોન્ડ યીલ્ડ, પશ્ચિમી બજારોમાંથી નકારાત્મક સંકેતો અને એશિયાઈ બજારોના મિશ્ર પ્રદર્શન વચ્ચે ઉતાર-ચઢાવભર્યા વેપાર બાદ ભારતીય બજાર ઘટાડા સાથે બંધ થયું હતું, એમ તેમણે જણાવ્યું હતું. વીકએન્ડ પહેલાં રોકાણકારો વધુ સાવચેત રહ્યા હતા. બજારમાં બેંકિંગ, કેમિકલ, રિયલ્ટી અને ઓટો શેરોમાં સૌથી વધુ નબળાઈ જોવા મળી હતી.

ક્રૂડ ઓઇલના ભાવ 107 ડોલર નજીક

આ સાથે વૈશ્વિક બજારમાં ક્રૂડ 107 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યું હતું.

વિદેશી રોકાણકારોની વેચવાલી

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની ભારે વેચવાલીએ માર્ચ, 2026ને ઐતિહાસિક બનાવ્યો છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)એ આ મહિને આશરે 11 અબજ ડોલર (લગભગ રૂ. 1,03,400 કરોડ)ના શેરો વેચ્યા હતા નાખ્યા, જે અત્યાર સુધીનો સૌથી મોટો આઉટફ્લો છે.

આ પહેલાં ઓક્ટોબર, 2024માં તેમણે 10.9 અબજ ડોલરનું વેચાણ રેકોર્ડ હતું, જ્યારે જાન્યુઆરી, 2025 અને માર્ચ, 2020માં પણ લગભગ 8.4 અબજ ડોલરનો આઉટફ્લો નોંધાયો હતો, પરંતુ આ વખતની વેચવાલીએ બધા જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.

VIXમાં 7.5 ટકાનોનો ઉછાળો

બજારની અસ્થિરતા દર્શાવતો ઇન્ડિયા VIX 7.5 ટકા વધીને 26.53ના સ્તરે પહોંચ્યો, જે સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં બજારમાં વેચવાલીનું દબાણ વધી શકે છે.

USએ ઈરાનના એનર્જી પ્લાન્ટ્સ પર હુમલા 10 દિવસ માટે અટકાવ્યા

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ ઈરાનના એનર્જી પ્લાન્ટ્સ પર થતા હુમલાઓને વધુ 10 દિવસ માટે રોકી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ આ નિર્ણય ઈરાની સરકારની વિનંતી પર લેવામાં આવ્યો છે અને ઈરાન સાથે ચાલી રહેલી વાતચીત ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટમાં લખ્યું હતું કે ઈરાની સરકારની વિનંતી મુજબ હું એનર્જી પ્લાન્ટ્સને નષ્ટ કરવાની કાર્યવાહી 10 દિવસ માટે, એટલે કે સોમવાર 6 એપ્રિલ 2026 રાત્રે 8 વાગ્યા (ઈસ્ટર્ન ટાઈમ) સુધી સ્થગિત કરી રહ્યો છું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વાતચીત ચાલુ છે અને ફેક ન્યૂઝ મિડિયા તથા અન્ય લોકો દ્વારા કરવામાં આવતા વિપરીત દાવાઓ છતાં ચર્ચા ખૂબ સારી રીતે ચાલી રહી છે. ટ્રમ્પે કહ્યું હતું  કે મેં તેમને 10 દિવસનો સમય આપ્યો છે. તેમણે સાત દિવસ માગ્યા હતા. તેમણે એ પણ દાવો કર્યો કે અમેરિકાએ આ યુદ્ધમાં પહેલેથી જ જીત મેળવી લીધી છે. ટ્રમ્પના કહેવા મુજબ ઈરાને હવે કોઈ સમજૂતી કરવી પડશે, નહીં તો તેને સતત હુમલાઓનો સામનો કરવો પડશે.

આ પહેલા 23 માર્ચે ટ્રમ્પે ઈરાનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાઓને લઈને પાંચ દિવસનું વિરામ જાહેર કર્યું હતું, જે શનિવારે પૂર્ણ થવાનું હતું.

10 તેલ ટેન્કરોને હોર્મુઝ જળસંધિમાંથી પસાર થવાની મંજૂરી

આ પહેલાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાને સદભાવના રૂપે 10 તેલના ટેન્કરોને હોર્મુઝ જળસંધિમાંથી પસાર થવા દીધા હતા. આમાંથી કેટલાંક ટેન્કરો પાકિસ્તાનના ધ્વજવાળા હોવાનું જણાવાયું હતું. ટ્રમ્પના મુજબ આ પગલું દર્શાવે છે કે ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા માટે ચર્ચા અંગે ગંભીર છે.

દેશમાં લોકડાઉન લાગવાની અફવાઓને સરકારે ફગાવી

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એવી અફવાઓ ફેલાઈ રહી છે કે દેશમાં ફરી લોકડાઉન લાગવાનું છે. જોકે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે સરકારની આવી કોઈ યોજના નથી. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ X પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે વૈશ્વિક પરિસ્થિતિ હજુ અનિશ્ચિત છે અને ઊર્જા, સપ્લાય ચેઇન તથા આવશ્યક વસ્તુઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દેશભરમાં ઈંધણ, ઊર્જા અને અન્ય જરૂરી વસ્તુઓના સપ્લાયમાં કોઈ અવરોધ ન આવે તેની ખાતરી કરી રહી છે.

આ પોસ્ટમાં જણાવાયું હતું કે દરેક સંભવિત પડકારનો સામનો કરવા માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતે અગાઉ પણ પોતાની મજબૂતી સાબિત કરી છે અને આગળ પણ સમયસર સક્રિય તથા સંકલિત પગલાં લેવામાં આવશે. લોકડાઉન અંગે ફેલાતી અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે. હું સ્પષ્ટ કરું છું કે સરકારના સ્તરે એવો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી. આવી પરિસ્થિતિમાં શાંતિ, જવાબદારી અને એકતા જાળવવી જરૂરી છે. અફવા ફેલાવવી અને અનાવશ્યક ભયનું વાતાવરણ બનાવવું ગેરજવાબદાર અને હાનિકારક છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને પણ લોકડાઉન અંગેની ખબરને અફવા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે હું લોકોને વિશ્વાસ અપાવું છું કે કોઈ લોકડાઉન લાગવાનું નથી. કેટલાક નેતાઓ લોકડાઉન લાગશે અને ઈંધણની અછત પડશે એવી વાતો કરી રહ્યા છે, જે સંપૂર્ણપણે બિનઆધારિત છે. રાજકીય ક્ષેત્રના લોકો દ્વારા આવી ટિપ્પણીઓ ચિંતાજનક છે. કોરોના દરમિયાન જેવો લોકડાઉન લાગ્યું હતું, એવું કોઈ લોકડાઉન નહીં લાગે.

આ દરમિયાન પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ દેશમાં સંભવિત લોકડાઉન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ચૂંટણીના માહોલ વચ્ચે તેમણે જણાવ્યું હતું કે સંભવિત લોકડાઉનનો ભય તેમને અથવા તેમની પાર્ટીને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે લડવાથી રોકી શકશે નહીં. તેમના નિવેદન બાદ સોશિયલ મિડિયા પર લોકડાઉન સંબંધિત અફવાઓ ઝડપથી ફેલાઈ હતી અને સામાન્ય લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. જોકે કેન્દ્ર સરકારે હવે સ્પષ્ટ કરી દીધું છે કે આવું કંઈ પણ કરવામાં આવવાનું નથી.

ISIS અને અલ-કાયદા સાથે જોડાયેલા 12 શંકાસ્પદોની ધરપકડ

નવી દિલ્હીઃ દેશમાં અલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) અને ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા (ISIS) જેવી પ્રતિબંધિત આતંકી સંસ્થાઓ સાથે જોડાણ હોવાના શંકા હેઠળ 12 લોકોની બહુ-રાજ્યીય અભિયાન બાદ ધરપકડ કરવામાં આવી છે. આંધ્ર પ્રદેશ અને દિલ્હી પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા સંયુક્ત ઓપરેશન પછી આંધ્ર પ્રદેશના મોહમ્મદ રહમતુલ્લાહ શરીફ, મિર્ઝા સોહેલ બેગ અને મહંમદ દાનિશ, બિહારના શાદમાન દિલખુશ અને અજમાનુલ્લા ખાન, દિલ્હીના રોહિણી વિસ્તારના લકી અહમદ, પશ્ચિમ બંગાળના મીર આસિફ અલી, રાજસ્થાનના ઝિશાન, કર્ણાટકના અબ્દુલ સલામ, મહારાષ્ટ્રના શાહરુખ ખાન અને શિયાજ ઉર રહમાન તેમ જ તેલંગાણાની સૈદા બેગમની ધરપકડ કરવામાં આવી છે.

આ તપાસ મુજબ તમામ લોકોએ એક ગેમિંગ એપ દ્વારા AQIS અને ISISના વિદેશી સંચાલકો સાથે સંપર્ક સાધ્યો હતો અને બાદમાં તેમની સાથે જોડાઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમના ISIS સાથે જોડાયેલા “Benex Com” નામના જૂથ સાથે સંબંધ હતા.

તેમની પર આરોપ છે કે તેમણે સોશિયલ મિડિયા પોસ્ટોમાં ભારતના રાષ્ટ્રીય ધ્વજની જગ્યાએ ISISનો ધ્વજ મૂક્યો હતો. તેમણે રાષ્ટ્રીય ધ્વજ સળગાવ્યો, ISISની પ્રશંસા કરી અને ભારતને ઇસ્લામિક સ્ટેટમાં બદલવાની વકીલાત કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ તેમણે રાષ્ટ્રગાનની પણ મજાક ઉડાવી હતી.

આ તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે તેઓ એક મહિનાની અંદર તાલીમ લેવા માટે પાકિસ્તાન જવાની યોજના બનાવી રહ્યા હતા. તેઓ અન્ય યુવાનોને પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તાલીમ લેવા માટે પ્રેરિત કરી રહ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે તેઓ કથિત રીતે “ગઝવા-એ-હિંદ” (ભારત સામેના યુદ્ધ)ની વિચારધારા પર કામ કરી રહ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં સક્રિય કાર્યકરો સાથે સંકલન કરીને અનેક રાજ્યોમાં પોતાનું નેટવર્ક ફેલાવી ચૂક્યા હતા. તેમણે પોતાને મુજાહિદીન તરીકે રજૂ કરતાં વિડિયો પોસ્ટ કર્યા હતા, અલ-કાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનના વિડિયો જોયા હતા અને કટ્ટરપંથી પ્રચાર કરતી વખતે તેમની નકલ પણ કરી હતી.

સરકારે પેટ્રોલ-ડીઝલ પર 10 રૂપિયા ઘટાડી એક્સાઈઝ ડ્યુટી

નવી દિલ્હીઃ મોદી સરકારે મોટો નિર્ણય લેતાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 10 રૂપિયા ઘટાડો કર્યો છે. આ નિર્ણય પછી પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટીને પ્રતિ લિટર ત્રણ રૂપિયા રહી ગઈ છે, જ્યારે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી શૂન્ય થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની પેનિક બાયિંગ જોવા મળ્યું  હતું, એ વચ્ચે સરકારે આ પગલું લીધું છે. સરકારના આ નિર્ણયથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ સીધો ફેરફાર જોવા મળશે નહીં. આ પગલું ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ને રાહત આપવા માટે લેવામાં આવ્યું છે. સરકાર ઈચ્છે છે કે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતનો દબાણ નિયંત્રિત કરી શકાય.

આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે નાયરા એનર્જીએ ગુરુવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર પાંચ રૂપિયા અને ડીઝલમાં ત્રણ રૂપિયાનો વધારો કર્યો હતો. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ બાદ વૈશ્વિક કાચા તેલના ભાવમાં થયેલા ભારે વધારાનો ભાગ ગ્રાહકો પર મૂકવા માટે કંપનીએ આ વધારો કર્યો હતો.

દેશમાં ફ્યુઅલ માર્કેટિંગ કંપનીઓ પર દબાણ વધ્યું છે, કારણ કે 28 ફેબ્રુઆરીથી આંતરરાષ્ટ્રીય ઓઇલના ભાવમાં લગભગ 50 ટકા વધારો થયો હોવા છતાં રિટેલ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓને રાહત આપવા માટે એક્સાઈઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે.

રાહતની વાત એ છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને BP PLCએ પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર ભારે નુકસાન સહન કરવા છતાં અત્યાર સુધી ભાવમાં વધારો કર્યો નથી. સરકારી માલિકીની ઇંધણ રિટેલર કંપનીઓ, જેઓ બજારમાં લગભગ 90 ટકા હિસ્સો ધરાવે છે, હજુ પણ ભાવ સ્થિર રાખી રહી છે.

નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ એક્સાઈઝ ડ્યુટીમાં આ ઘટાડો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે કાચા તેલનો સપ્લાય અસરગ્રસ્ત થયો છે, જેને કારણે તેલ મોંઘું બન્યું છે. મોંઘા કાચા તેલને કારણે દેશની ફ્યુઅલ કંપનીઓ પર દબાણ વધ્યું છે. છતાં, સરકારી ઓઈલ માર્કેટ કંપનીઓએ સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ વધારો કર્યો નથી, જોકે પ્રીમિયમ અને ઔદ્યોગિક કેટેગરીમાં કેટલાક ભાવ વધારવામાં આવ્યા છે.

આલિયા-સિદ્ધાર્થની રીલ કેમિસ્ટ્રી પાછળ છુપાયો હતો દાદુનો રિયલ ગુસ્સો…

રિંગ સેરેમનીમાં, વરઘોડામાં, લગ્નની ડીજે નાઈટમાં કે બેચલર્સ પાર્ટીમાં એ સોંગ વાગે વાગે ને વાગે જ. અને વાગે ત્યારે પગ જ નહીં, આખું શરીર થિરકવા માંડે. એ સોંગઃ “લડકી બ્યુટિફુલ, કર ગઈ ચૂલ…” રાઈટ છુંને હું? અગ્રી કરો છો?

શકુન બત્રાના ડિરેક્શનમાં બનેલી ‘કપૂર એન્ડ સન્સ’નું આ ગીત જ નહીં આખેઆખી ફિલ્મ મજેદાર હતી. કપૂર અટકધારી પંજાબીપરિવારની વાર્તા. એવું કુટુંબ, જે ઉપરથી વેરવિખેર લાગે, પણ અંદરથી સૌને એકમેક માટે બહુબધી લાગણી છે. ધર્મા પ્રોડક્શન્સની આ ફિલ્મે ભારતમાં હોમોસેક્સ્યુઆલિટી (સમલૈંગિકતા) અને ઘરના ઝઘડાને જે રીતે પરદા પર ઉતાર્યાં એ વખાણવા લાયક હતાં. બૉક્સ ઑફિસ પર પણ પિક્ચરે સારી કમાણી કરી હતી.

-પણ ઓ હેલ્લો, પરદા પાછળની કહાણી કંઈ અલગ જ હતી!

ગયા અઠવાડિયે આ ફિલ્મની રિલીઝને 10મું વર્ષ બેઠું. તે સાથે મને આપણા વહાલા સ્વ. રિશી કપૂર (ચિન્ટુજી) અને એમનો જૂનો ઈન્ટરવ્યુ યાદ આવે. જાણીને નવાઈ લાગશે કે ફિલ્મમાં ‘દાદુ’નો ક્યુટ રોલ રિશીજીએ કર્યો છે એના શૂટિંગ વખતે એ જરાય ખુશ નહોતા. બલકે બે વાર એમણે ફિલ્મ છોડી દેવાની ધમકી પણ આપી હતી.

ઈન્ટરવ્યુમાં રિશીએ જણાવ્યું હતું કે: “મને શકુન બત્રા સાથે કામ કરવાની જરાયે મજા નહોતી આવી. 30-32 દિવસનું શૂટિંગ હતું અને એક પણ દિવસ એવો નહોતો ગયો, જ્યારે અમારે ડખો થયો ન હોય. જો કે કોઈ ક્રિએટિવ ડખા નહોતા, પણ મને એની કામ કરવાની સ્ટાઈલ સામે વાંધો હતો.”

ઍક્ચ્યુઅલી, રિશીજી 1970ના દાયકાના ઍક્ટર. એમને એક વાર સીન કરી લીધા પછી એ જ એક્સપ્રેશન વારંવાર આપવા ગમતા નહીં. એમણે કહ્યું હતું કે શકુનને એક જ સીન ઘણા બધા, અલગ અલગ એન્ગલથી શૂટ કરવાની ટેવ હતી. પછી જે બેસ્ટ લાગે એ રાખે. રિશીજીનું કહેવું હતું કે, “હું કાંઈ મૅથડ એક્ટર નથી. એક વાર શૂટ થયા પછી બીજી વાર ચહેરા પર સેમ-ટુ-સેમ ઈમોશન્સ લાવતાં ન ફાવે. ડિજિટલ યુગમાં હવે બધું એડિટ થઈ શકે છે, પણ ડિરેક્ટર્સ ઍક્ટર્સને રોબો સમજી બેઠા છે!”

મને એ વિચાર આવે છે કે જે દાદુને જોઈને આપણને હસવું આવતું હતું, એ કૅમેરા પાછળ કેટલા ગુસ્સે હશે.

રિશીજી માટે આ રોલ બહુ અઘરો હતો. 90 વર્ષના દેખાવા માટે એમણે રોજ 13-13 કલાક પ્રોસ્થેટિક મેકઅપ પહેરવો પડતો, આંખોમાં ભારે કૉન્ટેક્ટ લેન્સ નાખવા પડતા. આટલી મહેનત પછી જ્યારે ડિરેક્ટર એક જ શૉટ વારંવાર લેવાનું કહે, ત્યારે રિશીજીનો પારો સાતમા આસમાને પહોંચી જતો.

એમણે તો પ્રોડ્યુસર કરણ જોહરને ફોન કરીને કહી દીધું હતું કે, “જો ભાઈ, હું ફિલ્મ છોડી રહ્યો છું, મારાથી નહીં થાય!”

-પણ દર વખતે કરણ જોહર એમને મનાવી લેતા. જો આમ ન થયું હોત તો આપણને બોલિવૂડના યાદગાર ‘દાદુ’ ન મળત.

ઈ જે હોય ઈ, પણ શકુને ફિલ્મ શાનદાર બનાવેલી. 2012માં ઈમરાન ખાન-કરીના કપૂરને ચમકાવતી ‘એક મૈં ઔર એક તૂ’ ફિલ્મની નિષ્ફળતાનાં ચાર વર્ષ બાદ આવેલી આ ફિલ્મે શકુનને સફળતા અપાવી. 2022માં એણે દીપિકા પદુકોણ-સિદ્ધાર્થ ચતુર્વેદી-અનન્યા પાંડે-નસીરુદ્દીન શાહને લઈને ‘ગેહરાઈયાઁ’ બનાવી, જે પ્રાઈમ વિડિયો પર રિલીઝ થઈ…

કપૂર એન્ડ સન્સનું શૂટિંગ હિલ સ્ટેશન ઊટી નજીક આવેલા કુનૂરના લીલી ચાદર ઓઢીને ઊભેલા ખૂબસૂરત પહાડોની વચ્ચે થયું હતું. કુનૂર વેલીનો નજારો આપતું કપૂરપરિવારનું રેસિડન્સ એ ખરેખર તો ‘180 McIver’ નામની બુટિક હોટેલ છે.

શરૂઆતમાં આપણે ‘લડકી બ્યુટીફુલ’ સોંગની વાત કરી. જે એક રેસ્ટોબારમાં શૂટ થયેલું, જેમાં અર્જુન (સિદ્ધાર્થ મલ્હોત્રા) અને ટિયા (આલિયા ભટ્ટ)એ ગીત-સંગીત અને નૃત્યની મસ્ત મહેફિલ જમાવેલી. બધાને એમ કે આ કુનૂરનો જ કોઈ ફેમસ રેસ્ટોબાર હશે, પણ જ્યારે મુંબઈમાં દરિયાકિનારે આવેલા શિવાજી પાર્ક વિસ્તારના રહેવાસીઓ પિક્ચર જોવા ગયા ત્યારે લડકી બ્યુટિફુલ સોંગ જોઈને ઊછળી પડ્યાઃ ધત્તેરિકી! આ તો આપણા એરિયાની ફેમસ ‘ચાઈનીઝ ગાર્ડન’ રેસ્ટોરાં!

41 વર્ષ જૂની આ રેસ્ટોરાં એના જૂના જમાનાના ઈન્ડો-ચાઈનીઝ ડેકોર માટે જાણીતી છે. અને પિક્ચરમાં ભલે દારૂની નદી વહેતી દેખાડી હોય, પણ વાસ્તવમાં અહીં આલ્કોહોલ સર્વ નથી થતો. રેસ્ટોરાંમાં બિલિંગ કાઉન્ટર પાસેની જગ્યાને ડાન્સ ફ્લોર બનાવી દેવામાં આવેલો. હવે મુંબઈમાં હોવ ને ત્યાં જાઓ તો ચેક કરજો, કદાચ આલિયાના ડાન્સના વાઈબ્સ મળી જાય.

જો તમારે જૂની યાદો તાજી કરવી હોય તો કપૂર ઍન્ડ સન્સ નેટફ્લિક્સ, પ્રાઈમ, એપલપ્લસ એમ ત્રણેક પ્લેટફોર્મ પર જોઈ શકાય છે. જોઈ નાખો.

Chitralekha Gujarati – 06 April, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 27/03/2026

૨૭ માર્ચ ૨૦૨૬

મહાદેવ બેટિંગ એપઃ EDએ રૂ. 1700 કરોડની સંપત્તિઓ કરી જપ્ત

નવી દિલ્હીઃ EDએ હજારો કરોડ રૂપિયાના મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં અત્યાર સુધીની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય કાર્યવાહી કરી છે. EDની તપાસ હવે દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા સુધી પહોંચી ગઈ છે. તપાસ એજન્સીએ સટ્ટાબાજી નેટવર્કના મુખ્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકરની દુબઈમાં આવેલી અંદાજે રૂ. 1700 કરોડની વૈભવી સંપત્તિઓ જપ્ત કરી છે.

દુબઈના ‘પોશ’ વિસ્તારોમાં ફેલાયેલું સામ્રાજ્ય

EDએ દુબઈના એવા વિસ્તારોમાં સંપત્તિઓ સીલ કરી છે, જ્યાં રહેવું અમીરોનું સપનું માનવામાં આવે છે. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં બુર્જ ખલીફામાં આવેલો લક્ઝરી ફ્લેટ, હિલ્સ વ્યુ, ફેરવે રેસિડેન્સી અને સિદ્રા જેવા VIP વિસ્તારોમાં આવેલા એપાર્ટમેન્ટ્સ, બિઝનેસ હબમાં આવેલી હાઈ-એન્ડ યુનિટ્સ તેમ જ SLS હોટેલ એન્ડ રેસિડેન્સમાં આવેલા ફ્લેટ્સનો સમાવેશ થાય છે. ED મુજબ આ તમામ સંપત્તિઓ સટ્ટાબાજીથી થયેલી ગેરકાયદે કમાણીથી ખરીદવામાં આવી હતી અને વિકાસ છાપરિયા, અતુલ અરોરા અને નીતિન ટિબ્રેવાલ જેવા નજીકના સાથીદારો મારફતે તેનું નિયંત્રણ રાખવામાં આવતું હતું.

શું છે મહાદેવ બેટિંગ એપ કૌભાંડ?

આ માત્ર એક બેટિંગ એપ નહોતીં, પરંતુ એક વિશાળ સટ્ટાબાજી નેટવર્ક હતું, જેને છત્તીસગઢના ભિલાઈના રહેવાસી સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દુબઈમાંથી ચલાવતા હતા. આ પ્લેટફોર્મ પર પોકર, કાર્ડ ગેમ્સ, ક્રિકેટ, બેડમિન્ટન અને અહીં સુધી કે ભારતમાં યોજાતી ચૂંટણી પર પણ સટ્ટો લગાડવામાં આવતો હતો. હજારો નકલી બેંક ખાતાઓ અને શેલ કંપનીઓ મારફતે પૈસાની હેરફેર કરવામાં આવી હતી. પ્રમોટરો નફાનો લગભગ 70–75 ટકા હિસ્સો પોતે રાખતા હતા, જ્યારે બાકીનો ભાગ પેનલ ઓપરેટરોને આપવામાં આવતો હતો. અત્યાર સુધી રૂ. 5000 કરોડથી વધુ ગેરકાયદે કમાણી હવાલા મારફતે વિદેશ મોકલવાના આરોપો છે.

અત્યાર સુધીની કાર્યવાહી

આ કેસમાં ED અત્યાર સુધી દેશભરમાં 175થી વધુ સ્થળોએ દરોડા પાડી ચૂકી છે. કેસમાં અત્યાર સુધી 13 લોકોની ધરપકડ થઈ છે અને રાયપુરની અદાલતમાં 74 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કુલ મળીને અંદાજે રૂ. 4336 કરોડની ચલ-અચલ સંપત્તિઓ જપ્ત અથવા ફ્રીઝ કરવામાં આવી છે. ડિસેમ્બર, 2023માં મુખ્ય આરોપી રવિ ઉપ્પલ દુબઈમાં પકડાયો હતો, પરંતુ તે ત્યાંથી ફરાર થઈ ગયો. માનવામાં આવે છે કે તેણે વાનુઆતુ દેશની નાગરિકતા મેળવી લીધી છે. સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ અપનાવી EDને તેને શોધવાનો નિર્દેશ આપ્યો છે.