Home Blog Page 158

હોર્મુઝ પછી હવે લાલ સમુદ્રનો માર્ગ પણ બંધ કરશે ઈરાન

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલુ યુદ્ધ વચ્ચે ઈરાને વધુ એક મોટી ચેતવણી આપી છે. ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે જો તેના દક્ષિણનાં દ્વીપો પર જમીની હુમલા થશે તો તે હોર્મુઝ જળમાર્ગ પછી હવે બાબ-અલ-મંદેબ જળમાર્ગ પર પણ નિયંત્રણ સ્થાપિત કરી શકે છે. ઈરાનનું કહેવું છે કે યમનનું હૂતી સંગઠન (અન્સારુલ્લા) તેના સંકેત પર બાબ-અલ-મંદેબ જળમાર્ગ પર કબજો જમાવી શકે છે. જો આવું થાય તો વિશ્વભરના ઓઇલ અને ગેસ સપ્લાય પર મોટો પ્રભાવ પડી શકે છે અને અનેક દેશો માટે ઊર્જા સંકટ ઊભું થઈ શકે છે.

આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે વ્હાઇટ હાઉસે કહ્યું છે કે જો ઈરાન યુદ્ધવિરામની શરતો સ્વીકારશે નહીં, તો અમેરિકા તેની સામે સૈન્ય કાર્યવાહી વધુ તેજ કરી શકે છે. બીજી તરફ, ઈરાનની ઇસ્લામિક રેવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (IRGC) એ પણ અમેરિકા અને ઇઝરાઇલને ઈરાનની જમીન પર કોઈ પણ સંભવિત જમીની કાર્યવાહી સામે ચેતવણી આપી છે.

હોર્મુઝ પછી બીજું મોટું જોખમ

યુદ્ધ શરૂ થયા પછીથી ઈરાન હોર્મુઝ જળમાર્ગ પર પહેલેથી જ ચાંપતી નજર રાખી રહ્યું છે. તેને કારણે વિશ્વભરમાં ઓઇલ અને ગેસ સપ્લાય પર અસર પડી છે. હોર્મુઝ સમુદ્રી માર્ગથી દુનિયાનું લગભગ 20 ટકા ક્રૂડ ઓઇલ અને ગેસ પસાર થાય છે. ભારત સહિત ઘણા દેશોની ઊર્જા જરૂરિયાતો આ માર્ગ પર આધારિત છે. હવે ઈરાને બાબ-અલ-મંદેબ સમુદ્રી માર્ગને પણ અવરોધવાની ચેતવણી આપી છે, જેને કારણે ટેન્શન વધુ વધી ગયું છે.

 બાબ-અલ-મંદેબનું મહત્વ

બાબ-અલ-મંદેબ જળમાર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંનો એક છે. આ સંકુચિત દરિયાઈ માર્ગ લાલ સમુદ્રને એડન ખાડી અને અરબી સમુદ્ર સાથે જોડે છે. તે યમન અને આફ્રિકાના હોર્ન ક્ષેત્ર (જિબુતી અને ઇરિટ્રિયા) વચ્ચે આવેલો છે. વૈશ્વિક વેપાર, ખાસ કરીને તેલ સપ્લાય માટે આ માર્ગ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વિશ્વના કુલ સમુદ્રી વેપારમાંથી લગભગ 12 ટકા ઓઇલ અને ગેસ આ માર્ગથી પસાર થાય છે. સ્વેઝ કેનાલ સુધી પહોંચતાં જહાજો માટે આ માર્ગ જીવનરેખા સમાન છે. જો હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ બંને માર્ગો પ્રભાવિત થાય, તો વિશ્વની લગભગ 30 ટકા ઊર્જા સપ્લાય પર અસર પડી શકે છે.

બોલિવૂડ સેલિબ્રિટીઓએ ફેન્સને પાઠવી રામ નવમીની શુભકામનાઓ

આજે 26 માર્ચ, 2026 ના રોજ રામ નવમી ઉજવવામાં આવી રહી છે. આ શુભ અવસર પર ઘણા બોલિવૂડ સેલિબ્રિટીઓએ તેમના ચાહકોને શુભકામનાઓ પાઠવી છે.

આજે, રામ નવમીના શુભ અવસર પર ઘણા સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર તેમના ચાહકોને શુભેચ્છા પાઠવી. સોનમ કપૂર, આર. માધવન અને જેકી શ્રોફ સહિત અન્ય લોકોએ અભિનંદન પોસ્ટ શેર કરી.

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરે તેના બધા ચાહકોને રામ નવમીની શુભકામનાઓ પાઠવી. તેણીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ભગવાન રામની તસવીર સાથે એક સુંદર પોસ્ટર શેર કર્યું. તેણીએ તેના કેપ્શનમાં લખ્યું, “હેપ્પી રામ નવમી.”

આર. માધવન હાલમાં તેમની ફિલ્મ “ધુરંધર ધ રીવેન્જ” માટે સમાચારમાં છે. રામ નવમીના શુભ અવસર પર, માધવને તેમના ચાહકોને શુભેચ્છા પાઠવી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર રામ દરબારનો એક ખાસ ફોટો શેર કર્યો. તેમણે કેપ્શન આપ્યું, “જય સિયા રામ.”

જેકી શ્રોફ
જેકી શ્રોફે પણ તેના બધા ચાહકોને રામ નવમીની શુભકામનાઓ પાઠવી. તેણે ઇન્સ્ટાગ્રામ પર ભગવાન રામનો એક સુંદર ફોટો શેર કર્યો. ભગવાન રામના આ ખાસ ફોટા સાથે, જેકીએ કેપ્શનમાં લખ્યું, “રામ નવમીની શુભકામનાઓ.”

ગિફ્ટ સિટીએ મહિલાઓ માટે વિમેન ઇન ફિનટેક એક્સિલરેટર લોન્ચ કર્યું

ગાંધીનગરઃ દેશની ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) ઇકોસિસ્ટમમાં મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ્સની ભાગીદારીને મજબૂત બનાવવા માટે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)એ ગુરુવારે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇનોવેશન હબ (GIFT IFIH) હેઠળ ‘વિમેન ઇન ફિનટેક એક્સિલરેટર’ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.

આ પહેલ મહિલાઓ દ્વારા સંચાલિત ફિનટેક વેન્ચર્સને સંસ્થાગત મૂડી સુધી વધુ સરળતાથી પહોંચ મેળવવામાં અને તેમની કામગીરીને વિસ્તારવામાં મદદરૂપ થવા માટે ઇન્વેસ્ટમેન્ટ રેડિનેસ પ્રોગ્રામ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્રોગ્રામ રોકાણકાર નેટવર્ક સુધી મર્યાદિત પહોંચ, ફંડ એકત્રિત કરવાની તૈયારીમાં ખામીઓ અને પરંપરાગત ફંડિંગ ઇકોસિસ્ટમમાં રહેલા માળખાકીય અવરોધો જેવા મુખ્ય પડકારોને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

GIFT IFIH દ્વારા સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામ્સ અને ઇકોસિસ્ટમ ભાગીદારી મારફતે ફિનટેક ઇનોવેશનને સક્રિય રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગયા એક વર્ષ દરમિયાન તેણે ડિજિટલ બેંકિંગ, રેગટેક, ઇન્સ્યોરટેક અને ક્રોસ-બોર્ડર ફાઇનાન્શિયલ સર્વિસિસ સહિતના વિવિધ સેગમેન્ટમાં 37 સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કર્યો છે, જેને કારણે ગિફ્ટ સિટીમાં ઉચ્ચ વૃદ્ધિ ક્ષમતા ધરાવતા વેન્ચર્સની મજબૂત પાઇપલાઇન તૈયાર થઈ છે.

આ લોન્ચિંગ અંગે ગિફ્ટ સિટીના MD અને ગ્રુપ CEO સંજય કૌલે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી વૈશ્વિક સ્તરે એવી સ્પર્ધાત્મક ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ વિકસાવવા પ્રતિબદ્ધ છે, જે નવીનતા, સમાવેશ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરે. ‘વિમેન ઇન ફિનટેક એક્સિલરેટર’ જેવી પહેલ દ્વારા અમે ઉચ્ચ ક્ષમતા ધરાવતા મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ્સને સંસ્થાગત મૂડી સાથે જોડવા અને ટકાઉ રીતે વિસ્તરણ કરવા માટે જરૂરી ક્ષમતા અને એક્સેસ પૂરી પાડવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ.

એક્સિલરેટર હાઇબ્રિડ ફોર્મેટમાં અમલમાં મૂકવામાં આવશે, જેમાં શરૂઆતમાં ગિફ્ટ સિટીમાં ઇન-પર્સન ઇમર્શન યોજાશે, જે ઇન્વેસ્ટમેન્ટ રેડિનેસ પર કેન્દ્રિત રહેશે. ત્યાર બાદ ક્યુરેટેડ ઇન્વેસ્ટર એન્ગેજમેન્ટ્સ સાથે વર્ચ્યુઅલ તબક્કો રહેશે. ભાગ લેનાર સ્ટાર્ટઅપ્સને સ્ટ્રક્ચર્ડ મેન્ટરશિપ, રોકાણકારો સાથે મેચમેકિંગ તકો અને જેતે મૂડી આપનારાઓ સાથે વ્યક્તિગતપણે ચર્ચા કરવાની તક આપવામાં આવશે.આ કાર્યક્રમ સ્થાપકો અને રોકાણકારો વચ્ચે મજબૂત જોડાણો વિકસાવીને વધુ વૈવિધ્યસભર અને મજબૂત ફિનટેક ઇકોસિસ્ટમ બનાવવામાં યોગદાન આપશે. એ સાથે જ ગિફ્ટ સિટીમાંથી ઉભરતા ઇન્વેસ્ટમેન્ટ-રેડી સ્ટાર્ટઅપ્સની ગુણવત્તામાં પણ સુધારો થશે. આ લોન્ચ સાથે ગિફ્ટ સિટી ઇનોવેશન આધારિત વૃદ્ધિ પર પોતાનું ધ્યાન વધુ મજબૂત બનાવી રહી છે અને ભારતના વિકસતા ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્ષેત્રમાં ગ્લોબલ ફિનટેક હબ તથા સમાવેશક ઉદ્યોગસાહસિકતા માટેના પ્લેટફોર્મ તરીકે પોતાની ભૂમિકા વધુ મજબૂત કરી રહી છે.

ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસતંત્ર એલર્ટ

અમદાવાદ: છેલ્લા કેટલાક મહિનાઓથી ઈમેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવાનો સિલસિલો યથાવત્ છે. હવે ગુજસેલના ડાયરેક્ટરને ઈમેલ કરીને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. જેમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે, ‘ગુજસેલ બ્લાસ્ટ ઈદ કા તોફા મોદી એન્ડ શાહ. મેરા ભાઈ સૌરભ વિશ્વાસ કો રિહા કરો…’ હાલ આ અંગે જાણ કરતા પોલીસ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, 25મી માર્ચના રોજ ગુજસેલના ડાયરેક્ટરના ઇમેઇલ પર bhavesh4518@gmail.com પરથી સવારે 8 વાગ્યે મેઈલ આવ્યો હતો. જેમાં લખેલું હતું કે, ‘ગુજસેલ બ્લાસ્ટ ઈદ કા તોફા મોદી એન્ડ શાહ. આઈ વિલ કીલ યુ ઇન બોમ્બ બ્લાસ્ટ ઓલ સ્કૂલ, મેરા ભાઈ સૌરભ વિશ્વાસ કો રિહા કરો…’ આ અંગે ઉપરી અધિકારીઓ અને સિક્યોરિટી ઓફિસરના જાણ કરવામાં આવી હતી. જે બાદ આ થ્રેટ મેઈલ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ આ અંગે ફરિયાદ નોંધી ઇમેઇલ ક્યાંથી અને કોને કર્યો છે તેની તપાસ હાથ ધરી છે.

કેટલાક સમયથી રાજ્યમાં મહત્ત્વની સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી રહી છે. અગાઉ પણ અનેક જિલ્લાઓની પોસ્ટ ઓફિસો, પાસપોર્ટ ઓફિસો અને શૈક્ષણિક સંસ્થાઓને આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા.

નાયરા એનર્જી દ્વારા લિટરદીઠ પેટ્રોલમાં પાંચ, ડીઝલમાં ત્રણ રૂપિયાનો વધારો

નવી દિલ્હીઃ નાયરા એનર્જીએ  ગુરુવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર પાંચ રૂપિયા અને ડીઝલમાં ત્રણ રૂપિયાનો વધારો કર્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ બાદ વૈશ્વિક તેલના ભાવોમાં થયેલા તાજેતરના ભારે વધારાનો એક ભાગ ગ્રાહકો પર મૂકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતમાં ઇંધણ માર્કેટિંગ કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે, કારણ કે 28 ફેબ્રુઆરીથી (જ્યારે અમેરિકા અને ઇઝરાયલે ઇરાન સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરી અને તહેરાન તરફથી આકરી જવાબી કાર્યવાહી થઈ) આંતરરાષ્ટ્રીય તેલના ભાવોમાં લગભગ 50 ટકા વધારો થયો હોવા છતાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા. કંપની (જે ભારતના કુલ 1,02,075 પેટ્રોલ પંપમાંથી 6967 પંપ સંચાલિત કરે છે) એ ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાનો એક ભાગ ગ્રાહકો પર મૂકવાનો નિર્ણય લીધો છે કંપનીના પ્રવક્તાએ આ અંગે તરત કોઈ ટિપ્પણી કરી નથી.

બીજી તરફ, રિલાયન્સ અને BP PLCએ પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ભારે નુકસાન સહન કરવા છતાં હજુ સુધી ભાવોમાં વધારો કર્યો નથી. સરકારી માલિકીની ઇંધણ રિટેલ કંપનીઓ, જેઓ બજારમાં લગભગ 90 ટકા હિસ્સો ધરાવે છે, તે કંપનીઓએ પણ હાલ ભાવ સ્થિર રાખ્યા છે.

કંપનીનો આ વધારામાં  સ્થાનિક કર (જેમ કે VAT) ની અસરને કારણે અલગ-અલગ રાજ્યોમાં ભાવવધારો અલગ હોઈ શકે છે. કેટલાંક સ્થળોએ પેટ્રોલનો વધારો પ્રતિ લીટર 5.30 રૂપિયા સુધી પહોંચ્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે ભારતમાં ખાનગી ઇંધણ રિટેલરોને ભાવ વધારો રોકવાથી થતા નુકસાન માટે સરકાર તરફથી કોઈ વળતર મળતું નથી; જ્યારે સરકારી કંપનીઓને “સારા કોર્પોરેટ નાગરિક” તરીકે કાર્ય કરવા માટે સરકારનું સમર્થન મળે છે. વધતા નુકસાનને કારણે હવે રિટેલ ભાવ વધારવા સિવાય તેમના પાસે અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.

સરકારે દવાઓના ભાવ વધારવાની આપી મંજૂરી

નવી દિલ્હીઃ દેશમાં દવાઓના ભાવ વધશે. સરકારે દવાઓની કિંમતોમાં લગભગ 0.65 ટકા સુધીનો વધારો કરવાની મંજૂરી આપી છે. વર્ષ 2025 માટેના હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) ના આધારે દવાઓના ભાવ વધારવાની છૂટ આપવામાં આવી છે. આ આદેશ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

જે મુજબ દવા કંપનીઓ હવે નક્કી કરાયેલી ફોર્મ્યુલા મુજબ દવાઓની MRP વધારી શકશે અને તેના માટે તેમને સરકાર પાસેથી અલગથી મંજૂરી લેવાની જરૂર નહીં રહે. સરળ શબ્દોમાં કહીએ તો હવે કેટલીક જરૂરી દવાઓ થોડીઘણી મોંઘી થઈ શકે છે, કારણ કે કંપનીઓને દર વર્ષે મોંઘવારી મુજબ ભાવ વધારવાની છૂટ આપવામાં આવી છે.

દવાઓના ભાવ કેમ વધારવામાં આવી રહ્યા છે?

ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) ના ચેરમેન બ્રિજેશ ગોયલે અગાઉ જણાવ્યું હતું કે જો યુદ્ધની પરિસ્થિતિ ચાલુ રહેશે તો દિલ્હીનો વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં લગભગ 5000 કરોડ રૂપિયાના વેપાર અસરગ્રસ્ત થઈ શકે છે. ભાગીરથ પેલેસના મેડિકલ સર્જિકલ સામાનના હોલસેલર મુકેશ ભસીનના જણાવ્યા મુજબ પ્લાસ્ટિકના કાચા માલના ભાવ વધતા પેકેજિંગ ખર્ચ વધી ગયો છે, જેને કારણે મેડિકલ ઉપકરણો પણ મોંઘાં થયાં છે.

કાચા માલ અને પેકેજિંગનો ખર્ચ વધ્યો

ઘણા જરૂરી કાચા માલ, કેમિકલ ઘટકો, પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમના ભાવમાં વધારો થયો છે, જેને કારણે દવા કંપનીઓની ઉત્પાદન કિંમત વધી રહી છે. ટેબ્લેટ અને સિરપના ઉત્પાદન ઉપરાંત તેમની પેકેજિંગમાં પણ પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.

 કઈ દવાઓના ભાવ કેટલા વધશે?

તાજેતરમાં સામાન્ય ઉપયોગમાં આવતી દવાઓના કાચા માલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં

પેરાસિટામોલના કાચા માલના ભાવમાં લગભગ 47 ટકાનો વધારો

પેઇનકિલર ડાયક્લોફેનેકમાં 54 ટકાનો વધારો

ડાયક્લોફેનેક પોટેશિયમમાં 33 ટકાનો વધારો

એમોક્સિસિલિન ટ્રાઇહાઇડ્રેટમાં 45 ટકાનો વધારો

સિપ્લોફ્લોક્સાસિનમાં લગભગ 60 ટકા સુધીનો વધારો

આ ઉપરાંત રોજિંદા ઉપયોગના મેડિકલ સાધનો જેમ કે સિરિંજ અને થર્મોમીટરના ભાવમાં પણ વધારો નોંધાયો છે. સ્પષ્ટ છે કે દવાઓના ભાવ વધવાથી સામાન્ય લોકોના ખર્ચ પર સીધી અસર પડશે.

પોલીસ બેડામાં ફેરફાર, 254 PSIને પ્રમોશન સાથે બદલી

ગાંધીનગર: રાજ્ય પોલીસ વિભાગમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે 254 બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વર્ગ-2 ના સંવર્ગમાં બઢતી આપીને તેમના નવા નિમણૂક સ્થળોએ બદલીના હુકમો કરવામાં આવ્યા છે.સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા રાજય પોલીસ વડાએ બદલીના આદેશ કર્યા છે. ઘણા સમયથી પોલીસ ખાતામાં બદલી માટે પ્રમોશન મેળવેલ અધિકારીઓ રાહ જોઈ રહ્યાં હતા તેમને જે તે જિલ્લામાં બદલી કરવામાં આવી છે.. જોકે આ તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ.આઇ.માંથી પીઆઇ તરીકે પ્રમોશન મેળવી ચૂક્યા છે અને તેમને જે તે જગ્યા પર જ પ્રમોશન આપીને રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે પોસ્ટિંગ આપી દેવામાં આવી છે.

જીવનમાં અગત્યનું શું છે?

ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યામાં થયો. આજના એટલે કે રામનવમીના દિવસે જ, ૩ એપ્રિલ ૧૭૮૧ (ચૈત્ર સુદ નોમ) ના રોજ અયોધ્યાથી માંડ પચ્ચીસ કિલોમીટર દૂર આવેલા છપૈયા નામના ખોબલા જેવડા ગામમાં ધર્મદેવ અને ભક્તિમાતાને ત્યાં જન્મેલા ભગવાન સ્વામિનારાયણના સામાજિક અને સાંસ્કૃતિક કાર્યોની નોંધ ભારતીય અને બ્રિટિશ ઇતિહાસકારોના દસ્તાવેજોમાં પણ લેવામાં આવી છે.

સામાજિક અને ધાર્મિક અશાંતિના એ કાળમાં એમણે હિંદુ ધર્મનાં નૈતિક મૂલ્યોને પુનર્જીવિત કર્યા હતા. એ સમય એવો હતો, જ્યારે ધાર્મિક નિયમોનું એટલું ખોટું અર્થઘટન કરવામાં આવતું હતું કે હિંસા, વ્યભિચાર, નશાખોરી અને અંધશ્રદ્ધાને પણ સ્વીકારી લેવામાં આવતાં હતાં. ભગવાન સ્વામિનારાયણ અને એમના પરમહંસોએ આધ્યાત્મિકતાને પુનઃ જાગૃત કરી, લોકોનાં જીવન પરિવર્તિત કર્યા, નારીશક્તિને સશક્ત બનાવી, નિઃસ્વાર્થ સેવાને પ્રોત્સાહન આપ્યું અને વિવિધ જ્ઞાતિ, સંપ્રદાય તથા ધર્મો વચ્ચે સમાનતા સ્થાપી.

ભગવાન શ્રી રામ અને ભગવાન સ્વામિનારાયણના એક જ દિવસે ઉજવાતા જન્મોત્સવ આપણને અધર્મ સામે ધર્મના વિજયની યાદ અપાવે છે. રામરાજ્યનો આદર્શ એટલે માત્ર સત્તા નહીં, પરંતુ ન્યાય અને શાંતિ. આજે જ્યારે મધ્ય એશિયામાં યુદ્ધનાં વાદળો ઘેરાં થયા છે ત્યારે વિશ્વને રામચંદ્રજીના સંયમ અને સર્વજન હિતાયના માર્ગની જરૂર છે. સાચું સામર્થ્ય સંઘર્ષમાં નહીં, પરંતુ શાંતિ સ્થાપવામાં રહેલું છે.

અહીં ફિલોસોફર, રાજકારણી અને મુત્સદ્દી, સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું વિધાન યાદ આવે છેઃ “મૅન હૅઝ લર્ન્ટ ટુ સ્વિમ લાઈક અ ફિશ ઈન વૉટર, હી હૅઝ લર્ન્ટ ટુ ફ્લાય ઈન સ્કાય ઍઝ અ બર્ડ, બટ હી ડિડન્ટ લર્ન ટુ વૉક લાઈક અ હ્યુમન બીઈંગ… ધિઝ ઈઝ ધી એજ ઑફ ગાઈડેડ મિઝાઈલ્સ ઍન્ડ મિસગાઈડેડ મૅન.”

અર્થાત્ અવનવી શોધખોળ અને સુવિધાસજ્જ માળખાં રચીને માણસ નામ-દામ તો ખૂબ કમાયો, જંગી સ્ટીમરમાં બેસીને દરિયા ઓળંગતો થયો, વિરાટ વિમાનમાં બેસીને ગગનગામી થયો, પરંતુ પોતે જ શોધેલાં સાધનોને કેવી રીતે વાપરવા એની માર્ગદર્શિકા વાંચવાનું ભૂલી ગયો.

બોમ્બ, મિસાઈલ્સ, ડ્રોન જેવા આધુનિક શસ્ત્રો બનાવનારા કંઈ અશિક્ષિત નથી. એમણે વિશ્વનાં શ્રેષ્ઠ કહેવાતા વિદ્યાધામોમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોય છે, પરંતુ માહિતી અને જ્ઞાનને સત્કાર્યમાં વાપરવાને બદલે માત્ર પોતાની કીર્તિ કમાવા પાછળ જ ખર્ચે તો એ વિનાશ નોતરી શકે. આવું ન બને તે માટે રોજ સવારે ઊઠીને એક વિચાર કરવો: ખરેખર અગત્યનું શું છે?

દરરોજ સવારે ઊઠીને ખાવું-પીવું, બેસવું-ચાલવું, વૉટ્સઍપ ચેક કરવું, ફૉરવર્ડ કરવું, કામધંધો કરવો, સંબંધ વધારવા — એટલું જ જો માણસને કરવાનું હોય તો એ એનિમલ લાઇફ બની જાય. સત્તા-સંપત્તિ અને ભોગવિલાસથી સમૃદ્ધ બનવું એ આપણી સાચી ઓળખ નથી.

પ્રાયઃ નામના મેળવ્યા બાદ માણસ સ્વચ્છંદ સ્વાભિમાન અને સ્વમહત્ત્વાકાંક્ષામાં રાચે છે, તેથી પોતાના કાર્ય પ્રત્યેની કર્તવ્યનિષ્ઠામાં આકસ્મિક રીતે ઘટાડો નોંધાય છે, કારણ કે હવે તેણે સ્વમાં જ પૂર્ણ સંતોષ માની લીધો છે, જે તેની પ્રગતિ પર રોક લગાવે છે. માણસને પ્રસિદ્ધિના નશામાંથી બહાર લાવવા ઈશ્વર તેના કાર્યમાં નિષ્ફળતાનાં બમ્પર મૂકે છે, જે ખૂબ જ જરૂરી હોય છે. આનાથી એ પોતાના કાર્યમાં સાચી સમજણ શીખે છે.

અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, “કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન.” અર્જુને કર્મફળપ્રદાતા ઈશ્વરને માનીને પોતાનું કર્તવ્ય દઢપણે બજાવ્યું, તેથી આજે ભગવાન શ્રીકૃષ્ણની સાથે અર્જુનને કરોડો લોકો પૂજે છે.

મહાપુરુષોનાં જીવનમાંથી એક નિષ્કર્ષ ચોક્કસ નીકળે છે કે એમણે નામ-દામને ગૌણ ગણીને ઈમાનદારીથી થતા અથાગ પરિશ્રમને મહત્વ આપ્યું.

અમેરિકાના લોકપ્રિય અને પ્રથમ રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન એક વાર પોતાની ઓફિસમાં એક બહુ મોટા પદ માટે લાયક વ્યક્તિની નિમણૂક કરવા માટે ઉમેદવારોનાં નામનું લિસ્ટ વાંચતા હતા. લિસ્ટમાં એમના એક ખાસ મિત્રનું નામ આવ્યું. બધાને લાગ્યું કે સાહેબ એને જ પસંદ કરશે, પરંતુ લિસ્ટમાં બીજી એક વ્યક્તિનું નામ આવ્યું. આ એ વ્યક્તિ હતી, જેણે જ્યોર્જ વોશિંગ્ટનનો વિરોધ કરવાની એક પણ તક જતી કરી નહોતી. આમ છતાં એ વાત પર ધ્યાન ન આપતાં એમણે એ વિરોધીની કર્તવ્યનિષ્ઠા પર નજર રાખીને એની જ પસંદગી કરી.

આવા જ એક અન્ય અમેરિકન રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રેગનના કહેવા પ્રમાણે: “કાર્યનો જશ કોને મળશે? એનો જો માણસ વિચાર ન કરે તો તેની પ્રગતિની સીમા નથી.”

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

શ્રેષ્ઠીઓએ આપેલી આ ધરોહર સમારકામ ઝંખે છે

હેરિટેજ સિટી અમદાવાદમાં સખાવત કરી ગયેલા શ્રેષ્ઠીઓના નામે અનેક શૈક્ષણિક સંસ્થાઓ, દવાખાના-હોસ્પિટલો, નાટ્ય ગૃહ, ઇમારતો બન્યા છે, જેમાના ઘણાં હાલ ખંડેર અને જર્જરિત હાલતમાં છે.

એમાંનો એક એટલે એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલો શેઠ મંગળદાસ ગિરધરદાસ મેમોરિઅલ હોલ. આઝાદી પહેલાં અમદાવાદના કોટની રાંગની બહાર અને સાબરમતીના એલિસબ્રિજની પેલે પાર નાગરિકો દ્વારા આપવામાં આવેલા દાનથી આ હોલનું નિર્માણ 1930માં કરવામાં આવ્યું. એ પછી 1960માં બી.વી. દોશીની આગેવાનીમાં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. એ પછી શ્રેષ્ઠી કમલ મંગલ દાસની આગેવાનીમાં 1997-98માં મોટા પાયે નવીનીકરણ કરવામાં આવ્યું હતું.

આ ટાઉનહોલ શ્રેષ્ઠ આર્કિટેક્ચરનું ઉદાહરણ છે. એનું બાંધકામ એકમેકથી 45 ડીગ્રી પર ગોઠવેલા બે ચોરસનો ઉપયોગ કરીને તારા આકારમાં તૈયાર કરવામાં આવી હતી. વચ્ચે બનતા અષ્ટકોણ ભાગમાં દર્શકો માટેની બેઠકો ગોઠવવામાં આવી છે. બે લંબચોરસ આ વચ્ચેના ચોરસના આગળ અને પાછળના ભાગમાં ઉમેરવામાં આવ્યા હતા, જે ઓસરી અને રંગમંચના રૂપમાં તૈયાર થયા હતા. તારા આકારની આ ઇમારતને અષ્ટકોણિય ક્રોંક્રિટ ગુંબજ દ્વારા ઢાંકવામાં આવી હતી.

લગભગ 95 વર્ષ પહેલાં બનેલા ટાઉનહોલ બે વાર સમારકામ કરી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો, પણ ફરીથી જર્જરિત થઇ જતાં આ ટાઉનહોલને સમારકામ અને નવીનીકરણ માટે છેલ્લા ઘણાં સમયથી બંધ કરી દેવામાં આવ્યો છે. અંગ્રેજોના વખતમાં શ્રેષ્ઠ સ્થાપકો દ્વારા લોકો માટે તૈયાર કરાયેલી ઇમારાત હાલ સમારકામનું કામ શરૂ થવાની રાહ જોઇ રહી છે.

પ્રજ્ઞેશ વ્યાસ

આંધ્રપ્રદેશમાં ગોઝારો બસ અકસ્માત, 13 લોકો બળીને રાખ

આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાના રાયવરમ નજીક ગુરુવારે એક મોટો રોડ અકસ્માત થયો. સ્લેબ ખાણો પાસે એક ટ્રાવેલ બસ ડમ્પર સાથે અથડાઈ. ટક્કરને કારણે જોરદાર વિસ્ફોટ થયો અને બંને વાહનોમાં આગ લાગી. ઘટનાસ્થળે જ દસ લોકો બળીને ખાખ થઈ ગયા. 20 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એક મોટો અકસ્માત સર્જાયો. રાયવરમ નજીક માર્કપુરમ મંડલમાં એક ખાનગી બસ અને કાંકરી ભરેલો ટ્રક સામસામે અથડાયા, જેમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા. આ ટક્કરને કારણે ભીષણ આગ લાગી હતી અને થોડીવારમાં જ બંને વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. આગમાં 13 મુસાફરોના મોત થયા છે, જ્યારે લગભગ 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

માહિતી મળતાં પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી. અગ્નિશામકોએ આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી અને ઘણી મહેનત પછી પરિસ્થિતિને કાબુમાં લીધી. અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે બસ તેલંગાણાના જગતિયાલથી પ્રકાશમ જિલ્લાના પોડિલી જઈ રહી હતી.

દાઝી ગયેલા લોકો માર્કપુર હોસ્પિટલમાં દાખલ

અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને વિગતવાર તપાસ ચાલી રહી છે. અધિકારીઓ બચાવ અને ઓળખના પ્રયાસો ચાલુ રાખી રહ્યા છે, તેથી વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. ઘાયલોને સારવાર માટે માર્કપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે.

આ અકસ્માત પ્રકાશમ જિલ્લાના રાયવરમ નજીક થયો હતો. માર્કપુરના ડીએસપી હર્ષવર્ધન રાજુએ જણાવ્યું હતું કે બસ જાગિત્યાલાથી કાલીગિરી જઈ રહી હતી. ટક્કર બાદ, જોરદાર અવાજ સંભળાયો અને બસમાં આગ લાગી ગઈ. બંને વાહનોમાં આગ લાગી ગઈ અને તે સંપૂર્ણપણે નાશ પામ્યા.