ગિફ્ટ સિટીએ મહિલાઓ માટે વિમેન ઇન ફિનટેક એક્સિલરેટર લોન્ચ કર્યું

ગાંધીનગરઃ દેશની ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) ઇકોસિસ્ટમમાં મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ્સની ભાગીદારીને મજબૂત બનાવવા માટે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)એ ગુરુવારે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇનોવેશન હબ (GIFT IFIH) હેઠળ ‘વિમેન ઇન ફિનટેક એક્સિલરેટર’ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.

આ પહેલ મહિલાઓ દ્વારા સંચાલિત ફિનટેક વેન્ચર્સને સંસ્થાગત મૂડી સુધી વધુ સરળતાથી પહોંચ મેળવવામાં અને તેમની કામગીરીને વિસ્તારવામાં મદદરૂપ થવા માટે ઇન્વેસ્ટમેન્ટ રેડિનેસ પ્રોગ્રામ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્રોગ્રામ રોકાણકાર નેટવર્ક સુધી મર્યાદિત પહોંચ, ફંડ એકત્રિત કરવાની તૈયારીમાં ખામીઓ અને પરંપરાગત ફંડિંગ ઇકોસિસ્ટમમાં રહેલા માળખાકીય અવરોધો જેવા મુખ્ય પડકારોને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

GIFT IFIH દ્વારા સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામ્સ અને ઇકોસિસ્ટમ ભાગીદારી મારફતે ફિનટેક ઇનોવેશનને સક્રિય રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગયા એક વર્ષ દરમિયાન તેણે ડિજિટલ બેંકિંગ, રેગટેક, ઇન્સ્યોરટેક અને ક્રોસ-બોર્ડર ફાઇનાન્શિયલ સર્વિસિસ સહિતના વિવિધ સેગમેન્ટમાં 37 સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કર્યો છે, જેને કારણે ગિફ્ટ સિટીમાં ઉચ્ચ વૃદ્ધિ ક્ષમતા ધરાવતા વેન્ચર્સની મજબૂત પાઇપલાઇન તૈયાર થઈ છે.

આ લોન્ચિંગ અંગે ગિફ્ટ સિટીના MD અને ગ્રુપ CEO સંજય કૌલે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી વૈશ્વિક સ્તરે એવી સ્પર્ધાત્મક ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ વિકસાવવા પ્રતિબદ્ધ છે, જે નવીનતા, સમાવેશ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરે. ‘વિમેન ઇન ફિનટેક એક્સિલરેટર’ જેવી પહેલ દ્વારા અમે ઉચ્ચ ક્ષમતા ધરાવતા મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ્સને સંસ્થાગત મૂડી સાથે જોડવા અને ટકાઉ રીતે વિસ્તરણ કરવા માટે જરૂરી ક્ષમતા અને એક્સેસ પૂરી પાડવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ.

એક્સિલરેટર હાઇબ્રિડ ફોર્મેટમાં અમલમાં મૂકવામાં આવશે, જેમાં શરૂઆતમાં ગિફ્ટ સિટીમાં ઇન-પર્સન ઇમર્શન યોજાશે, જે ઇન્વેસ્ટમેન્ટ રેડિનેસ પર કેન્દ્રિત રહેશે. ત્યાર બાદ ક્યુરેટેડ ઇન્વેસ્ટર એન્ગેજમેન્ટ્સ સાથે વર્ચ્યુઅલ તબક્કો રહેશે. ભાગ લેનાર સ્ટાર્ટઅપ્સને સ્ટ્રક્ચર્ડ મેન્ટરશિપ, રોકાણકારો સાથે મેચમેકિંગ તકો અને જેતે મૂડી આપનારાઓ સાથે વ્યક્તિગતપણે ચર્ચા કરવાની તક આપવામાં આવશે.આ કાર્યક્રમ સ્થાપકો અને રોકાણકારો વચ્ચે મજબૂત જોડાણો વિકસાવીને વધુ વૈવિધ્યસભર અને મજબૂત ફિનટેક ઇકોસિસ્ટમ બનાવવામાં યોગદાન આપશે. એ સાથે જ ગિફ્ટ સિટીમાંથી ઉભરતા ઇન્વેસ્ટમેન્ટ-રેડી સ્ટાર્ટઅપ્સની ગુણવત્તામાં પણ સુધારો થશે. આ લોન્ચ સાથે ગિફ્ટ સિટી ઇનોવેશન આધારિત વૃદ્ધિ પર પોતાનું ધ્યાન વધુ મજબૂત બનાવી રહી છે અને ભારતના વિકસતા ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્ષેત્રમાં ગ્લોબલ ફિનટેક હબ તથા સમાવેશક ઉદ્યોગસાહસિકતા માટેના પ્લેટફોર્મ તરીકે પોતાની ભૂમિકા વધુ મજબૂત કરી રહી છે.