અમદાવાદ: 10 થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગર ખાતે યોજાનાર 11મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ના પૂર્વસંધ્યાએ ગુજરાત સરકારે વૈશ્વિક સ્તરે રોકાણ આકર્ષવા માટે મજબૂત પગલાં ભર્યા છે. રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વ હેઠળના એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે 19 થી 26 ઓક્ટોબર 2026 દરમિયાન સિંગાપોર અને દક્ષિણ કોરિયાનો સફળ 8-દિવસીય પ્રવાસ પૂર્ણ કર્યો હતો.
આ પ્રતિનિધિ મંડળમાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ પી. ભારતી (IAS), પ્લાનિંગ વિભાગના સચિવ આદ્રા અગ્રવાલ (IAS), DSTના જોઈન્ટ ડાયરેક્ટર વસીમ મન્સુરી, GIFT સિટીના AVP નિસર્ગ આચાર્ય તેમજ GSEM, FICCI અને KPMGના પ્રતિનિધિઓ સામેલ હતા.
સિંગાપોર પ્રવાસના મુખ્ય આકર્ષણો: પ્રતિનિધિમંડળે સિંગાપોરમાં કુલ 20 બેઠકો (9 વન-ટુ-વન, 2 G2G, 5 રાઉન્ડટેબલ અને 4 સાઇટ મુલાકાત) યોજી હતી.
-
ગ્લોબલ ટેક સોલ્યુશન્સ: ધોલેરા ખાતે ઇક્વિપમેન્ટ રિફર્બિશમેન્ટ અને ક્વાર્ટઝ મેન્યુફેક્ચરિંગમાં રસ દર્શાવ્યો.
-
ભારત સેમિટેક: સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ માટે ઉત્સુકતા દર્શાવી.
-
માઇક્રોન & ASMPT: એસેમ્બલી, ટેસ્ટિંગ અને પેકેજિંગ ઇકોસિસ્ટમના વિસ્તરણ પર ચર્ચા કરી.
-
ઓટોડેસ્ક (AutoDesk): GIFT સિટીમાં નવી ઓફિસ શરૂ કરવા તૈયારી દર્શાવી.
-
રેડવુડ ઇન્ટિરિયર: પોરબંદરમાં ફર્નિચર ઉત્પાદન પ્લાન્ટ માટે રસ દાખવ્યો.
-
કેપેલ ઈન્ફ્રાસ્ટ્રકચર: ડેટા સેન્ટર અને સેમિકન્ડક્ટર્સ માટે સસ્ટેનેબલ સોલ્યુશન્સ આપવા તૈયારી બતાવી.

આ ઉપરાંત, ASEAN પ્રદેશ માટે સિંગાપોરમાં એક ‘ગુજરાત સપોર્ટ ઓફિસ’ અથવા GIFT સિટી કાર્યાલય શરૂ કરવા મહત્વનું સૂચન મેળવ્યું હતું.
દક્ષિણ કોરિયા પ્રવાસની સિદ્ધિઓ: દક્ષિણ કોરિયામાં પ્રતિનિધિમંડળે 25 કાર્યક્રમો (15 વન-ટુ-વન બેઠકો, 3 રાઉન્ડટેબલ અને 7 સાઇટ વિઝિટ) કર્યા હતા.
-
GnBS Eco: ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ માટે 12 એકર જમીનની માંગ કરી.
-
સિલિકોન ડિસ્પ્લે: 12-ઈંચ TFT ફિંગરપ્રિન્ટ-સેન્સર સેમિકન્ડક્ટર ફેબ સ્થાપવામાં રસ દર્શાવ્યો.
-
NOVA Data Centers: ઈનફિક્સઝોન અને ફ્યુચરોટેક સાથે મળીને ગુજરાતમાં હાઇપરસકેલ ડેટા સેન્ટર વિકસાવશે.
-
HJ હેવી ઇન્ડસ્ટ્રીઝ: પોરબંદરમાં કોસ્ટલ ટુરિઝમ, હોસ્પિટાલિટી અને ઇન્ટરનેશનલ રિસોર્ટ પ્રોજેક્ટ્સ માટે ઉત્સુકતા બતાવી.
-
હાનવા & દાસુન શિપબિલ્ડિંગ: પીપાવાવ ખાતે શિપબિલ્ડિંગ ક્ષેત્રે સ્થાનિક ભાગીદારી કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

દક્ષિણ કોરિયાની SOFTPV સાથેની બેઠકમાં રોકાણકારોની સુવિધા માટે ગુજરાત સરકાર દ્વારા એક સિંગલ પોઇન્ટ ઓફ કોન્ટેક્ટ (SPOC) નિયુક્ત કરવાનું પણ નક્કી કરાયું છે.
સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, શિપબિલ્ડિંગ અને AI ક્ષેત્રે થયેલી આ ફળદાયી ચર્ચાઓ વાઇબ્રન્ટ ગુજરાત 2027માં કરોડો રૂપિયાનું રોકાણ લાવી રાજ્યના આર્થિક વિકાસને નવી ઊંચાઈ પર લઈ જશે.






