દિલ્હી-NCRમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટની લાલઘૂમ

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે પ્રદૂષણનાં અલગ-અલગ કારણો અને તેના નિવારણ માટેનાં પગલાં અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન પરાળી સળગાવવા, ખેડૂતોને મશીનો ઉપલબ્ધ કરાવવા અને વાહનોમાંથી ફેલાતા પ્રદૂષણનો મુદ્દો પણ ઊઠ્યો હતો.

આ સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે કહ્યું હતું કે આશા છે કે તમે બધા દિલ્હીનું હવામાન માણી રહ્યા હશો. તેના જવાબમાં આ કેસમાં એમિકસ ક્યુરી (ન્યાય મિત્ર) વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહે જણાવ્યું હતું કે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીની આસપાસ યથાવત્ છે. હવે તો લોકોના અવાજ પર પણ તેની અસર થવા લાગી છે. એવું લાગી રહ્યું છે કે જાણે આપણે દરરોજ 30 સિગારેટ પી રહ્યા હોઈએ.

અપરાજિતા સિંહે જણાવ્યું હતું કે 5 નવેમ્બરે દિલ્હીના પ્રદૂષણમાં પરાળી સળગાવવાનો હિસ્સો 14 ટકા હતો. તેમણે કહ્યું હતું કે દિલ્હી પહેલેથી જ પ્રદૂષિત છે અને પરાળી સળગાવવાથી સ્થિતિ વધુ ખરાબ બને છે. તેમને મતે પરિવહન પ્રદૂષણની સૌથી મોટી સમસ્યાઓમાંની એક છે. આ ઉપરાંત NCRમાં ઊર્જા, કચરો સળગાવવા અને સ્થાનિક પ્રદૂષણનાં અન્ય કારણો પર પણ કામ કરવાની જરૂર છે. આ અંગે CJI સૂર્યકાંતે કહ્યું હતું કે આ ખેડૂતો માટે આગામી પાકની વાવણી કરવાનો સમય છે. આશા છે કે હવે પરાળી સળગાવવાની સમસ્યા અટકી ગઈ હશે.

ખેડૂતોને મશીનો આપવા અને પરાળી ખરીદવા અંગે ચર્ચાઆ સુનાવણી દરમિયાન અપરાજિતા સિંહે કહ્યું હતું કે ખેડૂતોને પરાળી વ્યવસ્થાપન માટેનાં મશીનો ઉપલબ્ધ કરાવવા છતાં અનેક સમસ્યાઓ છે. ખેડૂતો પાસે મશીનો ચલાવવા માટે પૂરતું ઇંધણ હોતું નથી. આ ઉપરાંત નાનાં ખેતરોમાં આ મશીનો યોગ્ય રીતે કામ પણ કરી શકતાં નથી. આ અંગે જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ કહ્યું હતું કે અધિકારીઓએ નિશ્ચિત દરે પરાળી ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બીજી તરફ એડિશનલ સોલિસિટર જનરલ (ASG)એ કોર્ટને જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ દિશામાં અનેક મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યાં છે.