Home Blog Page 1527

શનિવારે ટોરેન્ટ ગ્રૂપ સાથે AMA ફાઉન્ડેશન દિવસની ઉજવણી

અમદાવાદ: શનિવારે “એએમએના (અટીરા કેમ્પસ) ફાઉન્ડેશન ડેના સેલિબ્રેશન”ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ઓગસ્ટ ૩૧, ૨૦૨૪ના રોજ સાંજે ૬:૦૦થી ૮:૦૦ વાગ્યા સુધી યોજાવાનો છે. એ.એમ.એ. મેનેજમેન્ટ કોમ્પ્લેક્સના સ્થાપનાની ગૌરવપૂર્ણ ક્ષણોની યાદમાં અને સ્વ. યુ. એન. મહેતાના ઉદાર યોગદાન માટે સન્માનિત કરવા માટે એએમએ દ્રારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ટોરેન્ટ પાવર લિ.ના ડાયરેક્ટર વરુણ મહેતા મુખ્ય અતિથિ તરીકે સમારોહમાં જોડાશે. આ પ્રસંગે ટોરેન્ટ ગ્રૂપના સ્થાપક અને ચેરમેન સ્વ. યુ.એન. મહેતાના જીવન અને વારસાને દર્શાવતા ડોક્યુડ્રામાને દર્શાવવામાં આવશે. આ ફિલ્મ તેમની નોંધપાત્ર સફર અને ઉદ્યોગો  પર કાયમી અસરની પ્રેરણાદાયી ઝલક આપે છે.

આ કાર્યક્રમ ઓપન ફોર ઓલ છે. તેમાં જોડાવા દરેક વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યુંછે. વધુ વિગતો માટે તેમે એ.એમ.એની વેબસાઇટ www.amaindia.orgની મુલાકાત લઈ શકો છો.

PMના કાર્યક્રમને લઈ અમદાવાદ-મુંબઇ હાઇવે પર 10 KM સુધી ચક્કાજામ

મુંબઈ અમદાવાદ હાઈવે પર ફરી એક વખત ટ્રાફિક જામના દ્રષ્યો સર્જાયા છે. મહારાષ્ટ્રના પાલઘરમાં દેશના વડાપ્રધાનના કાર્યક્રમને લઇ ગઇકાલથી અમદાવાદ-મુંબઇ હાઇવે પર આજે રાત્રે 8 વાગ્યા સુધી ભારે વાહનોના આવાગમન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આજે વાપી-ભિલાડ હાઇવે પર લગભગ 10 કિ.મી. સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઇ હતી. જિલ્લા પોલીસે ટ્રાફિકના નિયમન માટે હાઇવે પર આવેલી હોટલના પાર્કિંગ અને ખુલ્લી જગ્યામાં વાહનો પાર્ક કરાવ્યા હતા. નાના વાહનની અવરજવર ચાલુ રહી હતી.

હાઈવે પર લગભગ 10 કિ.મી. સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. લાંબા ટ્રાફિક જામના પગલે પોલીસ વિભાગ પણ દોડતું થયું હતું. પોલીસે હાઇવે પરથી ભારે વાહનોને હોટલના પાર્કિંગ તથા અન્ય ખુલ્લી જગ્યામાં પાર્ક કરાવ્યા હતા. જો કે નાના વાહનોની અવરજવર ચાલું રહી હતી. પોલીસ કર્મચારીઓએ ટ્રાફિકજામમાં ફસાયેલા ચાલક અને કલીનરોને ફુડ પેકેટ અને પાણીનું વિતરણ પણ કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે આ ટ્રાફિકજામ મુંબઈના પાલઘરમાં PM મોદીના કાર્યક્રમને લઈ થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ મહારાષ્ટ્રના પાલઘરમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે મને વડાપ્રધાનનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે પહેલા હું રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજના ત્યાં ગયો હતો. થોડા દિવસો પહેલા સિંધુદુર્ગમાં જે કંઈ પણ થયું, શિવાજી માત્ર એક નામ નથી, તે માત્ર એક રાજા નથી, શિવાજી આપણા માટે આરાધ્ય છે. હું શિવજીના ચરણોમાં નમન કરું છું અને માફી માંગુ છું.”

અદાણી પોર્ટ્સે એસ્ટ્રો ઓફ્ફોશોરમાં 80 ટકા હિસ્સો હસ્તગત કર્યો

અમદાવાદઃ અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) ગ્લોબલ ઓફ્ફશોર સપોર્ટ વેસેલ (OSV) ઓપરેટર એસ્ટ્રોમાં 80 ટકા હિસ્સો ખરીદ્યો છે. જ્યારે હાલના પ્રમોટરોનો એમાં 20 ટકા હિસ્સો રહેશે. કંપનીએ આ સોદો 18.5 કરોડ ડોલરમાં કર્યો છે. જોકે એસ્ટ્રો હસ્તાંતરણ 23.5 કરોડ ડોલરની એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર થયો છે. કંપનીનું કહેવું છે કે આ સોદાથી પહેલા વર્ષથી જ એ મૂલ્યવૃદ્ધિ કરનારો સાબિત થાય એવી શક્યતા છે. 30 એપ્રિલ, 2024એ પૂરા થતા નાણાકીય વર્ષ માટે એસ્ટ્રોએ 95 મિલિયન ડોલરની આવક અને 41 મિલિયન ડોલરનો EBITDA નોંધાવ્યો હતો.

એસ્ટ્રો વર્ષ 2009માં શરૂ થઈ હતી, જે મધ્ય-પૂર્વ, ભારત, ઇસ્ટ એશિયા અને આફ્રિકામાં એક અગ્રણી વૈશ્વિક OSV ઓપરેટર છે. કંપની પાસે 26 OSVની વેસલ છે, જેમાં એન્કર હેન્ડલિંગ ટગ્સ (AHT), ફ્લેટ ટોપ બાર્જ, મલ્ટિપર્પઝ સપોર્ટ વેસલ્સ (MPSV) અને વર્કબોટ સામેલ છે અને એ વેસેલ મેનેજમેન્ટ અને કોમ્પ્લિમેન્ટરી સર્વિસિસ આપે છે.

APSEZના સંપૂર્ણ સમયના ડિરેક્ટર અને CEO અશ્વિની ગુપ્તાએ જણાવ્યું હતું કે એસ્ટ્રોના હસ્તગતથી વિશ્વના સૌથી મોટા સમુદ્રી ઓપરેટર્સમાંથી એક બનવાનો અમારા રોડમેપનો ભાગ છે. એસ્ટ્રો અમારા 142 ટગ અને ડ્રેજરના હાલની વેસલ્સમાં 26 OSV ઉમેરી દેશે, જેનાથી એની સંખ્યા 168એ પહોંચશે. આ હસ્તાંતરણ અમને આરબની ખાડી, ભારતીય મહાદ્વીપ અને પૂર્વ એશિયામાં અમને મજબૂત કરતાં ટિયર-1 ગ્રાહકોની એક અસરકારક યાદી સુધી પહોંચ આપશે.

એસ્ટ્રોના મોટા ગ્રાહકોમાં NMDC, મેકડરમોટ, COOEC, લાર્સન એન્ડ ટુબ્રો અને સેપેમ સામેલ છે. કંપની ઓફ્ફશોર ફેબ્રિકેશન અને કન્સ્ટ્રક્શનમાં  અને ઓફ્ફશોર ટ્રાન્સપોર્ટેશન માર્કેટ્સમાં એક મોટી ખેલાડી છે.

 

પેરા ઓલિમ્પિકમાં ભારતનું દમદાર પ્રદર્શન, દેશને મળ્યું ચોથું મેડલ

પેરિસ પેરાલિમ્પિક્સ 2024નો આજે બીજો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. દેશને ચોથો મેડલ મળ્યો છે. મનીષ નરવાલે 10 મીટર મેન્સ એર પિસ્તોલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. અગાઉ આ જ ઈવેન્ટની મહિલા ઈવેન્ટમાં ભારતની અવની લેખારાએ ગોલ્ડ અને મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પહેલા અવની લખેરાએ શૂટિંગમાં ગોલ્ડ અને મોના અગ્રવાલે બ્રોન્ઝ જીત્યા બાદ, પ્રીતિ પાલે ટ્રેક ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતની અવની લેખારાએ વિમેન્સ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અવનીએ ફાઈનલમાં 249.7નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. એના સિવાય ભારતની મોના અગ્રવાલે આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. અવનીની આ જીત એટલા માટે પણ ઐતિહાસિક છે કારણ કે એણે નવો પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો છે.

અવની લેખરા અને દક્ષિણ કોરિયાની યુનરી લી વચ્ચે છેલ્લા શોટ સુધી ખૂબ જ ટક્કર હતી. ભારતની અવની છેલ્લા શોટ સુધી સિલ્વર મેડલની સ્થિતિમાં રહી હતી, પરંતુ તેના છેલ્લા શોટ પર ભારતીય શૂટરે 10.5નો સ્કોર કર્યો હતો. તે જ સમયે, કોરિયન શૂટર છેલ્લો શોટ ચૂકી અને છેલ્લા શોટ પરનો સ્કોર માત્ર 6.8 હતો. જેના કારણે કોરિયન શૂટરનો ફાઈનલ સ્કોર 246.8 રહ્યો હતો.

અવની લેખરા માત્ર 19 વર્ષની ઉંમરે ટોક્યો પેરાલિમ્પિકમાં ભાગ લેવા આવી હતી. ત્યાં એણે ફાઈનલમાં 249.6નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો અને નવો પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. હવે પેરિસ પેરાલિમ્પિકમાં અવનીએ 249.7નો સ્કોર કરીને પોતાનો જ રેકોર્ડ તોડીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.

જયારે પ્રીતિ પાલ પણ મહિલાઓની 100 મીટર (T35) રેસમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ સિવાય મનીષ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1 ઈવેન્ટની ફાઈનલ મેચમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

મનીષે સતત બીજી પેરાલિમ્પિકમાં મેડલ જીત્યો છે. ગત પેરાલિમ્પિક્સમાં મનીષે 50 મીટર એર પિસ્તોલ SH1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટની ફાઇનલમાં કોરિયાનો જેઓંગડુ પ્રથમ રહ્યા. એમણે 237.4નો સ્કોર કર્યો. જ્યારે, નરવાલ 234.9ના સ્કોર સાથે બીજા ક્રમે રહ્યાં, આ સિવાય ચીનની યાંગ ચાઓએ 214.3ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો.

શાળામાંથી બાળકોને નહીં મળે સવારનો નાસ્તો..

મધ્યામિક શાળામાં બાળકો મળતા મધ્યાહન ભોજનને લઈ માઠા સમાચાર સામે આવી રહ્યો છે. ગુજરાતમાં લગભગ 43 લાખ બાળકો શાળામાં મધ્યાહન ભોજનનો લાભ ઉઠાવે છે. ત્યારે રાજ્ય સરકારે બાળકોને ઉપલબ્ધ કરાવાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો. નવા પરિપત્ર મુજબ તેમને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે. વર્ષ 2017ના પરિપત્ર મુજબ તેમને અઠવાડિક નાસ્તો તથા ભોજન આપવા મેનુ નક્કી કરાયું હતું. નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મધ્યાહન ભોજનના નિયમોમાં ફેર ફાર કરવામ માટે મુખ્ય કારણે બાળકો સારુ ભોજન આપવાનો છે. ઉલ્લેખનીય છે કે બે સમયના જમવા બદલે એક સમય બાળકો સારું અને વધુ પોષ્ટિક જમે તો બાળકોની તંદુરસ્તી જળવાય રહે છે. આ ઉપરાંત સૂત્રો પાસેથી મળતી આંકાડાકિય માહિતી પ્રમાણે આદિજાતિ વિસ્તારના 11.50 લાખ બાળકને સવારે દૂધ પણ આપવામાં આવે છે. બાળકો એક ટાઇમ વધારે સારું જમી શકે, સંચાલકો તથા હેલ્પરનાં કામના કલાકો પણ જળવાઈ શકે એ માટે આ નિર્ણય લેવાયો છે. ટૂંકમાં, નાસ્તો અને જમવાની જે અલગ અલગ કેલરી હતી એને મર્જ કરી હવે બપોરના જમવામાં જ તમામ કેલરીયુક્ત ખોરાક આપવામાં આવશે.

શિક્ષણ વિભાગના ઠરાવમાં જણાવ્યા મુજબ, તા.01/09/2024થી નવા મેનુનો અમલ કરવા તથા બાલવાટિકાથી ધોરણ 5 અને ધોરણ 6થી 8ના વિદ્યાર્થી માટે નિયત થયેલા દૈનિક જથ્થાનો અને સુપોષિત ગુજરાત મિશન હેઠળની વધારાની રકમ સહિતની ગુજરાત સરકારે નિયત કરેલ મટીરિયલ કોસ્ટનો ઉપયોગ કરી શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત બપોરનું ભોજન મળે એ સુનિશ્ચિત કરવાની તમામ જિલ્લા કલેક્ટરોને વિનંતી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના વર્ષ-1984માં શરૂ થઈ છે. મધ્યાહન ભોજન યોજનામાં રાજ્ય સરકારનો 25% તથા કેન્દ્ર સરકારનો 75% હિસ્સો છે. સરકારી તેમજ સરકારી સહાયતા મેળવતી, સ્થાનિક પંચાયતી સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રથમિક શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મધ્યાહન ભોજન આપવાની જોગવાઇ છે.

વિકી કૌશલ અને કૅટરિના કૈફ વચ્ચે આ મુદ્દે થાય છે ઝઘડો

મુંબઈ: વિકી કૌશલ અને કૅટરિના કૈફ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. આ બંને એક-બીજા સાથે ઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન પણ ખૂબ જ સારી બોન્ડિંગ શેર કરે છે. આ દિવસોમાં વિકી કૌશલ તેની આગામી ફિલ્મ ‘છાવા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સાથે તે તેના તાજેતરના ઈન્ટરવ્યુ માટે પણ ચર્ચામાં છે. હાલમાં જ વિકીએ ખુલાસો કર્યો છે કે તે કૅટરિના સાથે કયા મુદ્દે લડતો રહે છે. આ ફની સ્ટોરી વિશે જાણીને તમે પણ હસવા લાગશો.

આ કારણથી થાય છે વિકી-કૅટરિનાની લડાઈ

‘છાવા’ અભિનેતા વિકી કૌશલે 2022માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કરણ જોહરની સામે સૌથી લોકપ્રિય ચેટ શો ‘કોફી વિથ કરણ’ દરમિયાન કેટરિના કૈફ સાથેની તેની લડાઈ વિશે એક રમુજી ટુચકો શેર કર્યો હતો. રેપિડ-ફાયર રાઉન્ડ રમતી વખતે જ્યારે વિકી કૌશલને પૂછવામાં આવ્યું કે તે અને તેની પત્ની કૅટરિના કૈફ વચ્ચે લડાઈ થાય છે? ત્યારે વિકી હસ્યો અને કહ્યું, ‘વૉર્ડરોબમાં જગ્યા માટે.’ આ દરમિયાન હોસ્ટ કરણે પણ હસીને ખુલાસો કર્યો હતો કે તે એક વખત વિકી કૌશલના ઘરે ગયો હતો અને તેણે જોયું હતું કે અભિનેતા પાસે કપડાં રાખવા માટે જગ્યા નથી. ફિલ્મ નિર્માતા વધુમાં કહે છે, ‘તે એક અભિનેત્રી છે અને તેના માટે બે કબાટમાં જગ્યા હોવી જરૂરી છે.’ આ સાંભળીને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હસવા લાગે છે.

વિકી-કેટરિનાનું અંગત જીવન

વિકી કૌશલ અને કેટરિના કૈફે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ 9 ડિસેમ્બર, 2021ના રોજ લગ્ન કર્યા હતા. વિકી કૌશલ અને કેટરીના કૈફ ચાહકોમાં ‘વિકેટ’ તરીકે પ્રખ્યાત છે. જોકે તેઓએ ક્યારેય સાથે સ્ક્રીન શેર કરી નથી. થોડા મહિના પહેલા કેટરિના કૈફની પ્રેગ્નન્સીના સમાચાર પર પ્રતિક્રિયા આપતા વિક્કીએ અફવાઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે એવું કંઈ નથી.

વિકી-કેટરિનાની આગામી ફિલ્મ

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, વિકી કૌશલ છેલ્લે ‘બેડ ન્યૂઝ’માં જોવા મળ્યો હતો, જેમાં તેની સાથે તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક પણ હતા. આ પછી વિકી 6 ડિસેમ્બરે પીરિયડ વોર એક્શન-ડ્રામા ‘છાવા’માં જોવા મળશે. આ ફિલ્મ મરાઠા યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજના બહાદુર જીવનની વાર્તા પર આધારિત છે. બીજી તરફ કેટરીના કૈફ છેલ્લે ‘મેરી ક્રિસમસ’ અને ‘ટાઈગર 3’માં જોવા મળી હતી. તેની પાસે ફરહાન અખ્તર સાથે ‘જી લે ઝરા’ સહિતના અનેક પ્રોજેક્ટ છે, પરંતુ તેણે હજુ સુધી કોઈ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું નથી.

‘હું માથું નમાવી મારા ભગવાન છત્રપતિ શિવાજી મહારાજની માફી માંગું છું’

આજે PM મોદીએ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થવા બદલ માફી માંગી છે. આ ઘટના પર પીએમ મોદીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ અમારા માટે માત્ર એક નામ નથી, તેઓ અમારી આરાધ્ય છે.

નોંધનીય છે કે સોમવારે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લામાં મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા ધરાશાયી થઈ હતી.

અમે સાવરકરને ગાળો આપનારા જેવા નથી

પીએમ મોદીએ કહ્યું કે,”આજે હું માથું નમાવી મારા ભગવાન છત્રપતિ શિવાજી મહારાજની માફી માંગું છું. અમારા મૂલ્યો અલગ છે, અમે એવા લોકો નથી જેઓ ભારત માતાના મહાન સપૂત, આ ભૂમિના સપૂત વીર સાવરકરનું અપમાન કરતા રહે છે. તેઓ માફી માંગવા તૈયાર નથી, તેઓ કોર્ટમાં જઈને લડવા તૈયાર છે.”

શિવાજી મહારાજ આપણા પૂજનીય દેવતા છેઃ મોદી

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે આ કાર્યક્રમ વિશે વાત કરતા પહેલા હું મારા દિલની લાગણીઓ વ્યક્ત કરવા માંગુ છું. 2013માં જ્યારે ભાજપે મને વડાપ્રધાન પદનો ઉમેદવાર જાહેર કર્યો ત્યારે મેં સૌથી પહેલું કામ રાયગઢના કિલ્લા પર જઈને છત્રપતિ શિવાજી મહારાજની સમાધિની સામે બેસીને પ્રાર્થના કરી અને તેમના આશીર્વાદ લેવાનું કર્યું. સિંધુદુર્ગમાં તાજેતરમાં જે કંઈ પણ થયું, મારા માટે અને મારા બધા સાથીદારો માટે છત્રપતિ શિવાજી મહારાજ માત્ર એક નામ નથી, અમારા માટે છત્રપતિ શિવાજી મહારાજ આપણા પૂજનીય દેવતા છે. આજે હું મારા પ્રિય ભગવાનના ચરણોમાં માથું નમાવીને ક્ષમા માંગું છું.

વાધવન બંદરનો શિલાન્યાસ કર્યો
વાધવન પોર્ટનો શિલાન્યાસ કરતી વખતે પીએમ મોદીએ આ બધી વાતો કહી. પીએમએ આજે ​​પાલઘરમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કર્યું હતું.

પીએમએ કહ્યું કે મહારાષ્ટ્ર પાસે વિકાસ માટે સંભવિત અને જરૂરી સંસાધનો છે. અહીં દરિયા કિનારો પણ છે અને આ કિનારાઓથી આંતરરાષ્ટ્રીય વેપારનો સદીઓ જૂનો ઈતિહાસ છે. અહીં ભવિષ્ય માટે પણ અપાર સંભાવનાઓ છે. મોદીએ કહ્યું કે મહારાષ્ટ્ર અને દેશને આ તકોનો પૂરો લાભ મળે તે માટે આજે વાધવન પોર્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ દેશનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ હશે. આ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી ઊંડા બંદરોમાંનું એક મહત્વનું બંદર હશે.

હવામાન વિભાગની આગાહી, મેઘતાંડવ માટે સપ્ટેમ્બરમાં પણ રહેજો તૈયાર

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સમગ્ર ગુજરાતના જુદા-જુદા શહેરોમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતી નિમાર્ણ થઈ છે.  ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

31 ઓગસ્ટ દરમિયાન વરસાદી સિસ્ટમ બની શકે છે, ત્યારે આજે એટલે કે 30 ઓગસ્ટે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને મોરબી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ તાલુકામાં મુસળધાર વરસાદ

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં મુસળધાર વરસાદ પડ્યો છે. જેમાં કચ્છના માંડવીમાં 388 મિ.મી., મુંદ્રામાં 217 મિ.મી., અબડાસામાં 162 મિ.મી., અંજારમાં 80 મિ.મી., ગાંધીધામમાં 65 મિ.મી., ભુજમાં 62 મિ.મી., લખપતમાં 53 મિ.મી., નખત્રાણામાં 43 મિ.મી. અને ભચાઉમાં 42 મિ.મી., દેવભૂમિ દ્વારકામાં 186 મિ.મી., જૂનાગઢના ભેસાણમાં 47 મિ.મી., રાજકોટના લોધિકામાં 44 મિ.મી. વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના અન્ય 123 તાલુકામાં 1થી 10 મિ.મી. વરસાદ નોંધાયો છે.

1થી 5 સપ્ટેમ્બર અહીં પડશે વધુ વરસાદ

નોંધનીય છે કે આગામી 1 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય 31 જિલ્લાઓમાં પણ વોર્નિંગ જાહેર કરાઈ છે. જયારે બીજી બાજુ 2 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાવનગર, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે. જેમાં 3 સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી સહિત આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, સુરત અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જયારે 4 સપ્ટેમ્બરે ભરૂચ અને વડોદરા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર સહિત દાહોદ, પંચમહાલ, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 5 સપ્ટેમ્બરે ભારે વરસાદને પગલે પંચમહાલ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 30 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરાઈ છે.

આ મહિનામાં થશે ચોમાસાની વિદાય

હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યમાં આગામી 10 સપ્ટેમ્બર સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી 15 સપ્ટેમ્બર સુધી અને 23 સપ્ટેમ્બર પછી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. જો કે, સપ્ટેમ્બરના અંત સુધી અથવા ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ચોમાસુ વિદાય લે એવી પણ શક્યતા છે. તો ગુજરાતીઓ સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ માટે તૈયાર રહેજો.

નાણાકીય સંકટગ્રસ્ત સ્પાઇસજેટે 150 કર્મચારીઓને રજા પર મોકલ્યા

નવી દિલ્હીઃ રોકડના સંકટથી ઝઝૂમી રહેલી સ્પાઇસજેટે ઘોષણા કરી હતી કે કંપનીએ હંગામી રીતે 150 કેબિન ક્રૂ સભ્યોને ત્રણ મહિના માટે રજા પર મોકલી દીધા છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે જ્યારે આ કર્મચારીઓ પરત કામ પર ફરશે, ત્યારે તેમના સ્વાગત માટે કંપની સંપૂર્ણ રીતે સજ્જ હશે અને રજા દરમ્યાન પણ કર્મચારીઓને ટેકો આપવા માટે કંપની તેમની સાથે ઊભી છે.  

કંપની છેલ્લાં છ વર્ષથી ખોટમાં ચાલી રહી છે અને હવે કર્મચારીઓને પગાર ચૂકવવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. એવિયેશન વોચડોગ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ થોડા સમય પહેલાં એના પર નિગરાની વધારી દીધી હતી. DGCAએ હાલમાં એક ઓડિટમાં કેટલીક ખામીઓનો પણ ખુલાસો કર્યો હતો. ફ્લાઇટ રદ થવાને કારણે અને નાણાકીય મુશ્કેલીઓના રિપોર્ટ્સ આવ્યા પછી DGCAએ આશરે ત્રણ સપ્તાહ પહેલાં એનું સ્પેશિયલ ઓડિટ કર્યું હતું.

એરલાઇન, વિમાન પટ્ટેદારો, એન્જિન પટ્ટેદારો લેણદારો અને ભૂતપૂર્વ પ્રમોટર કલાનિધિ મારનનાં બાકી લેણાંની ચુકવણીની કાનૂની દાવપેચમાં ફસાયેલી છે.

એરલાઇને કહ્યું હતું કે કંપનીએ 150 કેબિન ક્રૂ સભ્યોને હંગામી રીતે ત્રણ મહિના માટે રજા પર મોકલવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે.કંપનીને વેપાર કરવા માટે ફંડની સખત જરૂર છે અને કંપની વિમાન લીઝ પર આપતી કંપની સહિત કેટલાય વેન્ડર્સને પેમેન્ટ સમયસર નથી કરી શકી અને એને પગલે કંપનીની વિરુદ્ધ નાદારીની અરજી દાખલ કરવામાં આવી છે.

કંપનીનો માર્કેટ શેર ચાર ટકા નીચે આવ્યો છે, કેમ કે 22 વિમાન જ ચાલુ છે અને 30થી વધુ એન્જિન અને સ્પેરપાર્ટ્સની અછતને કારણે બંધ પડ્યાં છે. કંપનીની આવકમાં જૂન ત્રિમાસિકમાં પણ 15 ટકા ઘટાડો થયો છે.

Opinion: હેલ્પલાઇન અને વેબસાઇટ ટ્રાફિકની સમસ્યા ઉકેલશે?

ગુજરાતમાં રખડતા ઢોર અને ટ્રાફિક મુદ્દે તંત્રની કામગીરી ન દેખાતા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે બાદ હાઇકોર્ટે તંત્રની કામગીરી પર પ્રશ્નો ઊભા કર્યા હતા. તંત્રની આંખ ખુલતા હેલ્મેટ મુદ્દે ડ્રાઇવ શરૂ કરવામાં આવી, પરંતુ ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નહી. આખરે કોર્ટના તિરસ્કારની અરજીમાં કુલ 60 ઓર્ડર થયા છતાં રસ્તા પર કામગીરી ના દેખાતા ગુજરાત હાઇકોર્ટે ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ. કે. દાસ તથા અર્બન હાઉસિંગ અને ડેવલપમેન્ટ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિનીકુમારને 29 ઓગસ્ટના રોજ હાઇકોર્ટમાં ઉપસ્થિત રહેવા આદેશ કર્યો હતો.

હાઈકોર્ટે વધતી સમસ્યાના સમાધાન માટે હેલ્પલાઈન નંબર અને વેબસાઈટ લોન્ચ કરવાના આદેશ આપ્યા છે, પરંતુ શું આ સમસ્યાનું સમાધાન છે? વેબસાઈટથી ટ્રાફિકની સમસ્યા ઉકેલાય જશે?

શું કહે છે આ મુદ્દે વિવિધ ક્ષેત્રના લોકો?

સફીન હસન, ટ્રાફિક DCP

ગુજરાત હાઈકોર્ટ દ્વારા હેલ્પલાઈન નંબર અને વેબ સાઈટનો નિર્ણય ટ્રાફિક નિયમો પાલન કરવા માટે નથી. પરંતુ આ નિર્ણય ટ્રાફીકને લગતી સમસ્યા, કોઈ જગ્યા પર ગેરકાયદે ડિવાયર ખોલવામાં આવ્યા છે, કે પછી કેટલી જગ્યા પર બમ્પને લઈ સમસ્યાઓ ઊભી થતી હોય છે. તેના માટે આ વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેથી આ કોઈ નિયમ પાલન કરવા માટે નહી, પરંતુ જાહેર જનતાની સામાન્ય સુધારણા માટે કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી જનતાની સમસ્યા જલ્દીથી અધિકારી સુધી પહોંચાડી શકાશે સાથે જ તેનો જલ્દી ઉકેલ લાવી શકાશે. જ્યારે નિયમ પાલનની વાત થાય ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે હેલમેન્ટ લઈ 1800% વધુ કેસ નોંધાયા છે. લોકોમાં પણ નિયમ પાલનને લઈ જાગૃતિ આવતી જોવા મળી રહી છે.

રોહિત પ્રજાપતિ, સામાજિક કાર્યકર

આ હેલ્પલાઈન નંબર અને વેબસાઈટથી ટ્રાફિકને લગતા કારણ બહાર આવશે. ટ્રાફિકને લગતી ફરિયાદો ફોન અથવા વેબસાઈટ દ્વારા કરાશે તો, ટ્રાફિક થવાના મૂળ કારણો જાણી તેના પર કામ કરી શકાશે. જ્યાં સુધી મૂળ પ્રશ્નની જ જાણ નહી થાય, ત્યાં સુધી તેનું સમાધાન કઈ રીતે કરી શકાય. પરંતુ આ ટ્રાફિક સમસ્યાને નંબર ઓફ વ્હીકલ સાથે લેવા દેવા છે. જ્યારે શહેરમાં વ્હિકલની સંખ્યા વધતી જશે ત્યારે ટ્રાફિક કેમ ઘટશે? આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવું જોઈએ. આ ઉપરાંત વાહનોનું કુટુંબ નિયોજન કરવાની જરૂર છે. જ્યારે વ્હિકલની સંખ્યા વધતી જશે તો, કોઈ પણ ઉકેલ સમસ્યા માટે કામ નહિં આવે. જ્યારે વાત રહી રખડતા ઢોરની તો, અહીં પોલીસીનો મુદ્દો આવે. જ્યારે ગૌચરની જમીન ખવાય જાય ત્યારે તેમને રસ્તા પર આવું જ પડે. એના માટે આરક્ષિત જમીન હોવી જોઈએ. ટ્રાફિક સિગ્નલને રી ડિઝાઇન કરવા જોઈએ.

ઉન્નતિબેન ઠાકર, વકીલ

ટ્રાફિક સમસ્યા માટે વેબસાઈટ અને હેલ્પલાઇન નંબર લોન્ચ કરવાથી ટ્રાફિક ઓછો ના થાય. સામાન્ય જનતામાં આ મુદ્દે જાગૃતિ હોવી જોઈએ. આપણે ત્યાં સામાન્ય જનતા વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર લઈ જાણકારી નથી હોતી. આ ઉપરાંત કેટલાક લોકો પાસે આ વિષય પર પૂરતું જ્ઞાન હોતું નથી. જ્યાં સુધી જનતામાં સ્વયં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી ટ્રાફિકની સમસ્યા દૂર નહીં થાય. ટ્રાફિકમાં પણ અનેક સમસ્યા હોય છે, જેમ કે રખડતા ઢોર, વાહન પાર્કિંગ અને ખરાબ રસ્તા.. કેટલીક વખત તંત્ર તરફથી પણ નિયમ પાલનનો પ્રતિસાદ નથી મળતો. હાલ કેટલાક શહેરોમાં ડ્રાઈવ ચાલે, ટ્રાફિક નિયમોને લઇ કેટલીક ઇવેન્ટનું આયોજન થાય છે. આ વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર લઈ ઇવેન્ટનું આયોજન કરી તેની જનતાને જાણ કરવી પડશે.

કોમલ નિરંજનભાઈ પટેલ, ફાઉન્ડર અને ડિરેક્ટર, ચરોતર ક્રોશેટ ક્વીન્સ ગ્રુપ

સામાન્ય રીતે કોઈ પણ હેલ્પલાઈન નંબર કે વેબસાઈટથી ટ્રાફિકની સમસ્યા દૂર થવાની નથી. કેમ કે લોકો બે કે પાંચ મિનિટનું કામ સમજી મન ફાવે તેમ પાર્કિંગ કરી દેતા હોય છે. અત્યારના સમયમાં વ્હિકલની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. ટ્રાફિકના મુદ્દા પર જનતાએ જ સમજી વિચારી નિયમોનું પાલન કરવું જોઈએ. આજ કાલ લોકો મેમો આપ્યા બાદ વિચાર કરતા થાય છે. આડેધડ પાર્કિંગ થી લોકો 20ની જગ્યામાં 10 જ વ્હીકલ પાર્ક કરી શકાશે. સરકાર સાથે જનતાએ પણ સહકાર આપવાની જરૂર છે. જ્યારે બીજી બાજુ સરકારે પણ આવા હેલ્પલાઈન નંબર લઈ જાગૃતિ કાર્યક્રમ અને જાહેરાતનું આયોજન કરવું જોઈએ.

 

(તેજસ રાજપરા- અમદાવાદ)