નવી દિલ્હીઃ આસામના CM હિમંતા બિશ્વ સરમાએ X પોસ્ટ કરીને કહ્યું છે કે બે કલાકના જુમ્મા બ્રેકને ખતમ કરીને આસામ વિધાનસભાની ઉત્પાદકતાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને ઔપનિવેશિક યોજના એક નિશાનને દૂર કરી દીધું છે. આ પ્રથાનો પ્રારંભ મુસ્લિમ લીગના સૈયદ સાદુલ્લાએ વર્ષ 1937માં કરી હતી.
CMએ આ ઐતિહાસિક નિર્ણય માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પીકર બિશ્વજિત દૈમારી અને વિધાનસભ્યોની પ્રશંસા કરી હતી. આસામ સરકારમાં મંત્રી અને ભાજપના નેતા પીયુષ હજારિકાએ આ નિર્ણય પર X પોસ્ટમાં કહ્યું હતું કે આસામમાં સાચી ધર્મનિરપેક્ષતાને ફરીથી મેળવવાની દિશામાં એક મહત્ત્વનું કામ થયું છે. આસામ વિધાનસભાએ દર શુક્રવારે જુમ્માની નમાજ માટે બે કલાકના સ્થગનની પ્રથાને ખતમ કરી દીધી છે.
By doing away with the 2 hour Jumma break, @AssamAssembly has prioritised productivity and shed another vestige of colonial baggage.
This practice was introduced by Muslim League’s Syed Saadulla in 1937.
My gratitude to Hon’ble Speaker Shri @BiswajitDaimar5 dangoriya and our…
આ પહેલાં આસામ વિધાનસભામાં ગુરુવારે મુસ્લિમોના લગ્ન અને છૂટાછેડાની ફરજિયાત સરકારી નોંધણી કરાવા અંગેનું બિલ પસાર કરવામાં આવ્યું છે, જે હવે રાજ્યમાં 1935ના કાયદાનું સ્થાન લેશે. આ દિવસને ઐતિહાસિક દિવસ ગણાવતાં CM હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે હવે તેમની સરકારનું આગામી લક્ષ્ય બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાનું હશે.
સોશિયલ મિડિયા X પર એક પોસ્ટમાં CMએ લખ્યું હતું કે આ કાયદો હવે લગ્નની સરકારમાં નોંધણી કરાવવાનું ફરજિયાત બનાવશે અને છોકરીઓ માટે 18 વર્ષ તથા છોકરાઓ માટે 21 વર્ષની લગ્નની કાનૂની વયનું ઉલ્લંઘન કરી શકાશે નહીં. આ કાયદો કિશોરવયની ગર્ભાવસ્થા સામે મજબૂત અવરોધક તરીકે પણ કામ કરશે અને અમારી છોકરીઓના સર્વાંગી વિકાસમાં સુધારો થશે.
તેમણે આગળ લખ્યું હતું કે હું તમામ ધારાસભ્યોનો આભાર માનું છું કે જેમણે આ બિલ લાવવા અને બાળ લગ્નને રોકવા માટેના સરકારના અભિગમને સમર્થન આપવાનું વચન આપ્યું છે. આ બિલ પક્ષપાતી રાજનીતિથી પર છે અને આપણી છોકરીઓને ગૌરવપૂર્ણ જીવન આપવાનું માધ્યમ છે.
મંબઈ: ક્રિકેટમાં નિવૃત્તિ લેવાની પ્રક્રિયા જાણે ચાલુ હોય તેવું લાગે છે. તાજેતરમાં શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા અને તેના એક દિવસ પહેલા એટલે કે 28 ઓગસ્ટે વેસ્ટ ઈન્ડિઝના બોલર શેનન ગેબ્રિયલએ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. હવે વધુ એક ક્રિકેટરની નિવૃત્તિના મોટા સમાચાર આવી રહ્યા છે. આ ખેલાડી ભારતના જ છે. ભારતના ડાબા હાથના ફાસ્ટ બોલર બરિન્દર સરને ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. સોશિયલ મીડિયા પર પોતાના નિર્ણય વિશે માહિતી આપતા 31 વર્ષીય સરને કહ્યું કે તેમના માટે સંન્યાસ લેવાનો આ યોગ્ય સમય છે.
બરિન્દર સરને કહ્યું કે તેણે સત્તાવાર રીતે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે, તેણે આ પ્રવાસ માટે બધાનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. તેણે કહ્યું કે 2009માં બોક્સિંગમાંથી ક્રિકેટમાં સ્વિચ કર્યા બાદ તેને અસંખ્ય અને અવિશ્વસનીય અનુભવો મળ્યા. તેણે કહ્યું કે ઝડપી બોલિંગ તેના માટે ખૂબ જ લકી બની ગઈ અને તેના માટે આઈપીએલમાં રમવાના દરવાજા ખુલી ગયા. ત્યારબાદ 2016માં તેને ટીમ ઈન્ડિયા તરફથી રમવાનો લહાવો મળ્યો.
તેણે વધુમાં કહ્યું કે ભલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ટૂંકી હતી, પરંતુ ક્રિકેટ સાથે જોડાયેલી યાદો હંમેશા તેના હૃદયમાં રહેશે. તેણે યોગ્ય કોચ અને મેનેજમેન્ટ માટે ભગવાનનો પણ આભાર માન્યો. અંતમાં તેમણે કહ્યું કે આકાશની જેમ સપનાની પણ કોઈ સીમા હોતી નથી માટે સપના જોતા રહો.
બરિન્દરે 2015-16માં પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું અને ત્યારબાદ 2016માં ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારત માટે બે T20I મેચો પણ રમી હતી. તેણે 6 ODI મેચમાં સાત વિકેટ અને બે T20I માં 6 વિકેટ લીધી હતી. બરિન્દરની આઈપીએલ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે મુંબઈ ઈન્ડિયન્સ, કિંગ્સ ઈલેવન પંજાબ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે 2015 અને 2019 વચ્ચે 24 મેચ રમી અને 18 વિકેટ લીધી. તેણે 18 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 47 વિકેટ લીધી હતી જ્યારે 31 લિસ્ટ A મેચોમાં 45 વિકેટ લીધી હતી. આ સાથે જ તેણે 48 ટી20 મેચમાં 45 વિકેટ લીધી હતી.
વાહન અને લાયસન્સ લગતી કામગરીને લઈ કોઈ એજન્ટને થોડા રૂપિયા આપી કામ કરવવાની પધ્તી હવે ભૂતકાળ બની જશે. કારણ કે, ગુજરાત હાઇકોર્ટે આરટીઓ કચેરીમાં ધક્કા ખાતા અરજદારોની હકીકતને વાચા આપી છે. ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ આરટીઓને ફટકાર લગાવી હતી કે, એક નાનું કામ કરવા માટે છ- છ મહિનાનો સમય લાગે છે. જ્યારે તે જ કામ કોઈ એજન્ટને સોંપવામાં આવે તો સવારે સોંપેલું કામ સાંજ સુધીમાં થઈ જાય છે. એટલે કે, આરટીઓનું કોઈપણ કામ હોય તો એજન્ટ રાખવા ફરજિયાત થઈ ગયા હોય તેમ અરજદારો માટે પરિસ્થિતિ ઉદ્ભવી હતી.
ગુજરાત હાઇકોર્ટે કરેલી આ ફટકાર બાદ અમદાવાદ આરટીઓ કચેરી તંત્ર સફાળું જાગ્યું છે. હવે આરટીઓ કચેરીમાં અજાણતા એકથી બીજી બારી સુધી ધક્કા ખાવા નહીં પડે. આ સાથે કોઈ કામ ઝડપથી કરાવવા માટે એજન્ટને સોંપવું જરૂરી નહીં રહે, અરજદાર જાતે જ કચેરીમાં જઈને પોતાનું કામ કરાવી શકે છે. અત્યાર સુધીમાં અરજદારોને જાણ જ ન હતી કે, કયું કાર્ય કરાવવા માટે આરટીઓની કઈ બારી ઉપર જવું પડશે. તેથી એક બારી ઉપર બેસેલા સાહેબ બીજી બારીના સાહેબ પાસે મોકલે અને આમ જ ફક્ત એક નાનું કામ કરાવવા માટે અરજદારોના દિવસો વીતી જતા હતાં. પરંતુ હવે આરટીઓ કચેરીમાં ઠેર-ઠેર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. તથા કઈ બારી શું કાર્ય કરશે? તે પણ અરજદારોને સરળતાથી સમજાવી શકે તે પ્રકારે પણ બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ આરટીઓ કચેરીની જૂની બિલ્ડિંગમાંથી ઓફિસ નવી બિલ્ડિંગમાં લાવી દેવામાં આવી છે, જેથી બે માળમાં આરટીઓ કચેરીનું વિભાજન થયું છે. આ બંને ઓફિસમાં ઠેર-ઠેર ફાઈન બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કયું કાર્ય કરવા માટે કઈ શાખામાં જવું પડશે, તે માટે પણ દરેક બારી ઉપર બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. જેમ કે, ટ્રાન્સફર શાખા, વાહન શાખા, પરમિટ શાખા, નોન ટ્રાન્સપોર્ટ શાખા વગેરે વિવિધ શાખાઓ માટે ઠેર-ઠેર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં CM મમતા બેનરજીની સરકાર વિરુદ્ધ ભડકેલો જનાક્રોશ શાંત થવાનું નામ નથી લેતો. બીજી બાજુ, ભાજપ અને TMC તેમ જ રાજ્ય વિરુદ્ધ કેન્દ્રની લડાઈ પણ ઉગ્ર બની છે. રાજ્યપાલ સીવી આનંદ બોસ દિલ્હી પહોંચ્યા છે. 10 દિવસમાં બીજી વાર તેમણે ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી છે.
રાજ્યપાલની શાહ સાથેની આ મીટિંગ પછી ફરી એક વાર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની અટકળો તેજ થઈ ગઈ છે. આ મુલાકાત પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બળાત્કારને લઈને આપેલા નિવેદન પછી થઈ છે, જેમાં રાજ્યમાં કેન્દ્રીય હસ્તક્ષેપની તૈયારી માનવામાં આવી હતી. અત્યાર સુધી કેન્દ્ર સરકારે આ મુદ્દે કોઈ સ્પષ્ટીકરણ નથી આપ્યું, પણ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટે PM મોદીની મૌન સ્વીકૃતિ માનવામાં આવે છે. ઉપ રાષ્ટ્રપતિએ પણ કહ્યું છે કે જ્યાં મહિલાઓનું સન્માન નથી, એ લોકતંત્ર કલંકિત છે.
રાજ્યપાલ બોસ ગૃહપ્રધાનને મળવા પહોંચ્યા હતા અને તેમણે કોલકાતાના RG કર કોલેજમાં ટ્રેની ડોક્ટરથી થયેલા બળાત્કાર અને હત્યા કેસમાં ચાલી રહેલી કાર્યવાહીની માહિતી આપી હતી. આ કેસ પછી રાજ્યમાં બગડેલી સ્થિતિ અને જનતામાં ફેલાયેલા આક્રોશને લઈને પણ રિપોર્ટ આપ્યો હતો.બીજી બાજુ, પશ્ચિમ બંગાળની ઘટનાને લઈને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગ કરતાં કહ્યું હતું કે રાજ્યમાં એક મહિલા CM હોવા છતાં ત્યાં મહિલાઓ સુરક્ષિત નથી.
આ પહેલાં રાજ્યપાલ બોસ આશરે 10 દિવસ પહેલાં દિલ્હી પહોંચ્યા હતા., ત્યારે પણ તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી. એ સમયે પણ તેણે આ કેસનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપ્યો હતો, ત્યારથી મમતા બેનરજી સરકારની ઊલટી ગણતરી શરૂ થઈ છે.
આને કહેવાય વિધિની વક્રતા. આ અઠવાડિયાના આરંભમાં સુરતના પાર્લે પૉઈન્ટ વિસ્તારની એક હોટેલમાં બેએક દિવસ રહેવાનું થયું. હરીશ રઘુવંશીને કોઈ રીતે મળવું એવા મનસૂબા સાથે મુંબઈથી સુરતની સફર આરંભેલી, પરંતુ કુદરતની તો તમને ખબર છેઃ એની પોતાની સ્કીમ અલગ હોય છે. મારા મનસૂબાનું વરસાદમાં પાણી થઈ ગયું, જેમતેમ મધરાતે મુંબઈ આવ્યો ને ૨૭ ઑગસ્ટની સવારે મિત્ર ફ્યસલ બકીલીનો મેસેજઃ હરીશભાઈ ગયા.
સર્ચએન્જિનની મદદ વિના જાતમહેનતે હિંદી સિનેમાનાં ગીત-સંગીતનો ઈતિહાસ, દુર્લભ માહિતી પુસ્તકો રૂપે ફિલ્મરસિકો સુધી પહોંચાડનારા હરીશભાઈને સુરતમાં ચિત્રલેખાના (તે વખતના) મારા સહકર્મચારી, દોસ્ત ફ્યસલ બકીલી સાથે મળવાનું થયેલું. આ મુલાકાતમાં મારા પર એ ફિલ્મસંગીતના સંશોધક કરતાં એક સાધક કે તપસ્વી હોવાની છાપ પડી. કોઈ નૈષ્ઠિક સાધક પુણ્યાત્માની માફક એમણે એમનો માહિતીખજાનો બતાવીને જાતજાતના કિસ્સા વર્ણવ્યા. જેમ કે મુકેશ…
ગયા મહિને જેમનું જન્મશતાબ્દી વર્ષ ઊજવાયું એ ગાયક મુકેશનાં ગીતો વિશેનો આ કિસ્સો જુઓ. ચારેક દાયકા પહેલાંની વાત. તે વખતે સતત એવું ચર્ચાતું કે મુકેશે ૧૦,૦૦૦થી વધુ ગીતો ગાયાં છે. જો કે આનો પુરાવો કોઈની પાસે નહોતો. 1985માં હરીશ રઘુવંશીનું નક્કર પુરાવા અને પુરવણી સાથેનું પુસ્તક આવ્યું મુકેશ ગીતકોશ. આ પુસ્તકમાં મુકેશનાં હિંદી અને પ્રાદેશિક ભાષાનાં ગીત, બિનફિલ્મી ગીત મળીને કુલ ૯૯૨ ગીતનો સમાવેશ થયો હતો. પુસ્તક છપાયું તે પછી પણ હરીશભાઈને કેટલાંક ગીતની માહિતી મળી, પણ ફિલ્મોની સંખ્યા ૧૦૦૦થી વધુ તો નહોતી જ.
આ પુસ્તકમાં ગીતોની યાદી જ નહીં, બલકે ફિલ્મનું નામ, સંગીતકાર, રેકૉર્ડનંબર સહિતની તમામ વિગત છે. રિલીઝ ન થયેલી ફિલ્મનો પણ એમાં સમાવેશ છે. આ પુસ્તકના રીસર્ચ માટે એ શ્રીલંકા ગયેલા. ત્યાં રેડિયો સિલોનમાં જોઈતાં ચાર-પાંચ ગીતો સાંભળ્યાં, જે હરીશભાઈએ રેકૉર્ડ કરી લીધાં.
‘ચિત્રલેખા’માં ફ્યસલ બકીલીએ લખેલા એમના વિશેના લેખમાં હરીશભાઈ કહે છે કે “આ ગીતોમાં ૧૯૬૯માં ભૂપેન હઝારિકાના સંગીતનિર્દેશનમાં મુકેશે ગાયેલું આસામી ગીત ‘ચીકમીક બીજલી’ મને ખાસ જોઈતું હતું. આ ગીત મેળવવાની સાથે મારે મારું મનગમતું રેડિયોસ્ટેશન જોવું હતું, જે મેં જોઈ લીધું.”
૧૫ ઑક્ટોબર, 1949ના પાલઘરમાં જન્મેલા હરીશભાઈ સમજણા થયા ત્યારથી રેડિયો સિલોનના ચાહક. મુંબઈમાં અભ્યાસ કરી ૧૯૬૭માં સુરત આવ્યા. ૧૯૬૮માં ફેમિલી બિઝનેસમાં જોડાયા. ત્યારથી રેડિયો પર ગીત વાગે એ પહેલાં ઉદઘોષક માહિતી આપે એ હરીશભાઈ પોતાની નોટમાં નોંધી લેતા. આ એમનું ઈતિહાસકાર બનવાની દિશાનું પહેલું પગથિયું.
મુકેશ ગીતકોશ ઉપરાંત એમનું ‘ગુજરાતી ફિલ્મકોશ’ વિશેનું કાર્ય પણ કમાલનું. ૧૯૩૨માં બનેલી પહેલી ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’થી શરૂ કરીને ૧૯૯૪ સુધીની ગુજરાતી ફિલ્મ વિશેની એમાં માહિતી છે. ‘ચિત્રલેખા’ના સ્થાપક વજુભાઈ કોટકની વાર્તા-સંવાદ સાથે બનેલી ‘ગોરખધંધા’ ફિલ્મમાં સંગીતકાર અવિનાશ વ્યાસે પ્રથમ વખત અભિનય કરેલો. વજુભાઈ કોટકની જ ફિલ્મ ‘મંગળફેરા’ (૧૯૪૯)માં વી. શાંતારામની ત્રીજી પત્ની સંધ્યાએ વિજયાના નામે કામ કરેલું. ઉલ્લેખનીય છે કે એક સમયે ‘ચિત્રલેખા’ ગ્રુપના ‘જી’ સામયિકમાં ફિલ્મી કલાકારોનાં સ્કોર બોર્ડ એટલે કે ફિલ્મની યાદી પ્રકાશિત થતી એ હરીશભાઈ લખતા.
હરીશભાઈની જોડી જામી એમના જેવા જ અભ્યાસુ, કાનપુરના હરમિંદરસિંહ હમરાઝ સાથે. બન્નેએ સાથે મળીને હિંદી ફિલ્મોનું દસ્તાવેજીકરણ કર્યું છે એ અજોડ છે. જેમ કે ‘જબ દિલ હી ટૂટ ગયા’ પુસ્તક મહાન ગાયક કુંદનલાલ સાયગલ પર એમની જન્મશતાબ્દી વર્ષમાં (૨૦૦૪માં) પ્રગટ થયેલું.
‘ચિત્રલેખા’ને આપેલી મુલાકાતમાં “આ ખજાનાનું શું કરશો”? એ સવાલમાં હરીશભાઈએ કહેલું કે “હું આને ડિજિટલાઈઝેશન કરવાનો નથી. મને ખાતરી થશે કે જે વ્યક્તિ આ માહિતીનો યોગ્ય ઉપયોગ કરશે એને હું આપી દઈશ, પરંતુ અત્યારે મેં કોઈ નિર્ણય નથી લીધો.”
હરીશભાઈની આ વાત પાછળ એમના કેટલાક કડવા અનુભવ છે. અમુક લોકો એમની પાસેથી માહિતી લઈ જતા ને એને એવી રીતે રજૂ કરતા જાણે એમણે જાતે જ મહેનત કરીને ભેગી કરી હોય. વળી આ લોકો એમનો આભાર સુદ્ધાં વ્યક્ત નહોતા કરતા. એમની માહિતીનો ઉપયોગ કરનારા ઋણસ્વીકાર કરે તો એ રાજીના રેડ. બીજી કોઈ અપેક્ષા નહીં. થોડા સમય પહેલાં હરીશભાઈ જેવા જ એક તપસ્વી વીરચંદ ધરમશીનું અવસાન થયું. જાતમહેનતે ઈતિહાસ ઉલેચનારા ધીરે ધીરે બિછડતા જાય છે…
વીસરાયેલી ફિલ્મપ્રતિભાઓ વિશેના એમના પુસ્તક ‘ઈન્હેં ના ભૂલાના’ની પ્રસ્તાવનાનો અંત હરીશભાઈએ આ રીતે આણ્યો છેઃ
“વિશ્વમાં આપણે સૌથી વધુ ફિલ્મોનાં નિર્માણ કરીએ છીએ, પરંતુ તેનો ઈતિહાસ આલેખવામાં આપણે ઊણા ઊતર્યા છીએ. મેં અને મારા જેવા અન્ય લેખકમિત્રોએ ભારે પરિશ્રમ કરીને જેટલું સાંપડ્યું તેના આધારે વાચકોને આપ્યું છે… કવિ પ્રદીપના શબ્દો યાદ આવે છેઃ હમ લાયે હૈં તૂફાન સે કશ્તી નિકાલકે… હવે તમારા હાથ અને હૃદય વીસરાતા વારસાને સુરક્ષિત રાખી શકે.”
ઈશ્વર હરીશભાઈના આત્માને પરમ શાંતિ તથા એમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.
મુંબઈ:’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અભિનેતા શૈલેષ લોઢાના પિતા શ્યામ સિંહ લોઢાનું જોધપુરમાં નિધન થયું છે. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ દ્વારા તેના પિતાના નિધનના સમાચાર શેર કર્યા છે. ટીવી સેલિબ્રિટી અને કવિ શૈલેષ લોઢાના પિતા છેલ્લા દોઢ મહિનાથી બીમાર હતા. મળતી માહિતી મુજબ તેની બંને કિડની ખરાબ હતી. આવી સ્થિતિમાં તેમને અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડ્યું. તેમના નિધનથી ઉદ્યોગ જગત અને સાહિત્ય જગતમાં શોકનો માહોલ છે.
શૈલેષ લોઢાના પિતાનું અવસાન
શ્યામ સિંહ લોઢા સામાજિક કાર્યકર હતા. તે છેલ્લા દોઢ મહિનાથી બીમાર હતા અને પરિવારના ઘણા પ્રયત્નો છતાં તેણે બીમારીને કારણે અંતે દેહ છોડી દીધો હતો. શૈલેષ લોઢાએ પણ પોતાના પિતા સાથેના સંબંધો વિશે કેટલીક ખાસ વાતો પોસ્ટ દ્વારા શેર કરી છે. શૈલેશે તેના પિતા સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું, ‘હું જે કંઈ પણ છું, હું તમારો પડછાયો છું. આજે જ્યારે સૂર્યે વિશ્વને પ્રકાશિત કર્યું ત્યારે મારા જીવનમાં અંધકાર છવાઈ ગયો. પપ્પા અમને છોડી ગયા.’
પિતાના અવસાન બાદ શૈલેષ લોઢાએ આ નિર્ણય લીધો
શૈલેષ લોઢાએ પોતાનું દુ:ખ અને ખાલીપણું શેર કર્યું અને કહ્યું કે આ થોડા શબ્દો તેમની પીડાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરી શકતા નથી. ભારે હૈયે તેણે પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે પિતાજી, કૃપા કરીને મને છેલ્લી વાર ‘બબલુ’ કહીને બોલાવો. આ પોસ્ટ તેમની વચ્ચેના ગાઢ સંબંધને સ્પષ્ટપણે દર્શાવે છે. શૈલેષ લોઢાએ પિતાની આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. આજે આઈ બેંક સોસાયટીની ટીમ અભિનેતાના ઘરે પહોંચી હતી.
શૈલેષ લોઢાના પિતાના અંતિમ સંસ્કાર
શૈલેષ સિટકોમમાં તારક મહેતાનું પાત્ર ભજવવા માટે પ્રખ્યાત છે. મળતી માહિતી મુજબ, શૈલેષ લોઢાના પિતા શ્યામ સિંહ લોઢાના અંતિમ સંસ્કાર સિવાંચી ગેટ સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે મેકર્સ સાથે ચાલી રહેલા વિવાદને કારણે અભિનેતાએ શો તારક મહેતા શૉ છોડી દીધો હતો. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’શૉ છેલ્લા 15 વર્ષથી ચાલી રહ્યો છે. શોમાં દિલીપ જોશી જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે. આ પહેલા દિશા વાકાણીએ દયાનું પાત્ર ભજવ્યું હતું. જોકે, તે હવે આ શોનો ભાગ નથી.
શિમલાઃ હિમાચલ પ્રદેશના CM સુખવિંદર સિંહ સુખુએ રાજ્યની ખરાબ આર્થિક સ્થિતિથી નિપટવા એક મોટું એલાન કર્યું છે. CM સુખવિંદર સિંહ સુખુ કેબિનેટ સહિત બે મહિના સુધી વેતન-ભથ્થાં ના લેવાનું એલાન કર્યું છે. રાજ્ય પર રૂ. 87,000 કરોડનાં દેવાં છે, જે ચાલુ નાણાકીય વર્ષ પૂરું થતા સુધી વધીને રૂ. 94,992 કરોડ થઈ જશે. આમ રાજ્યમાં દરેક વ્યક્તિ પર રૂ.1.17 લાખનું દેવું છે.
કોંગ્રેસના CMએ રાજ્યનાં દેવાંનું ઠીકરું વિરોધ પક્ષ ભાજપ પર ફોડ્યું છે. રાજ્યને આર્થિક સંકટમાં ધકેલવા માટે જવાબદાર પાછલી ભાજપ સરકાર છે. અમને આ દેવાં વિરાસતમાં મળ્યું છે. અમે રાજ્યની આવકમાં સુધારો કર્યો છે. પાછલી સરકારે પાંચ વર્ષમાં રૂ. 665 કરેડની આવક આબકારીથી એકત્ર કરી હતી, જ્યારે અમે એક વર્ષમાં રૂ. 485 કરોડની કમાણી કરી હતી. અમે રાજ્યની નાણાકીય સ્થિતિ સુધારવા માટે પ્રતિબદ્ધ છીએ, એમ તેમણે કહ્યું હતું.
प्रदेश के आर्थिक हितों के लिए हमने एक निर्णायक कदम उठाया है। हमें हमेशा प्रदेश के उज्ज्वल भविष्य को अपने व्यक्तिगत लाभों से पहले रखना होगा।
मुझे पूरा विश्वास है कि आप सभी माननीय जनप्रतिनिधि भी इस पुनीत कार्य में हमारे साथ कदम से कदम मिलाएंगे और स्वेच्छा से अपने वेतन और भत्तों को… pic.twitter.com/C4vwqcLgK2
CM સુખવિંદર સિંહ સુખુએ કહ્યું હતું કે જૂન, 2022 પછી GST વળતર બંધ થવાને કારણે રાજ્યને આવકમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. જેને કારણે રાજ્યને વાર્ષિક રૂ 2500થી 3000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાને કારણે રાજ્યને રૂ. 2000 કરોડનો બોજ પડ્યો છે. આ આર્થિક પડકારો અંગે જણાવતાં તેમણે કહ્યું હતું કે વર્તમાન આર્થિક સંકટમાંથી બહાર નીકળવું સરળ નહીં હોય.
તેમણે કહ્યું હતું કે તેમને કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ નથી મળી રહી. વર્ષ 2023-24માં મહેસૂલી ખાધ ગ્રાન્ટ રૂ. 8058 કરોડ હતી, જે આ વર્ષે ઘટીને રૂ. 6258 કરોડ થઈ છે. એટલે કે રૂ. 1800 કરોડનો ઘટાડો થયો છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યમાં વરસાદી આફત વચ્ચે વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ ડીપ ડિપ્રેશન હાલમાં કચ્છના ભુજ નજીક યથાવત્ જોવા મળી રહ્યું છે. તે આગળ વધતાં અરબ સાગરમાં સમાઈ જશે પરંતુ, આ ડીપ ડિપ્રેશન સાયક્લોનિક સ્ટોર્મ એટલે કે વાવાઝોડાના સ્વરૂપે દરિયામાં પ્રવેશ કરશે. તે પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું હોવાથી અરબ સાગરમાં જ સમાઈ જશે. જોકે, આ વાવાઝોડાનું આયુષ્ય ખૂબ જ ઓછું હશે અને તેની સક્રિયતા પણ ઓછી હશે એટલે કે ડીપ ડિપ્રેશન નબળા વાવાઝોડા સ્વરૂપે દરિયામાં પ્રવેશ કરશે, જેને કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેની અસર થશે નહીં.
રાજ્યના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્ર કચ્છના પણ મોટાભાગના જિલ્લાઓમાં તેની અસર નહીંવત્ પ્રમાણમાં રહેશે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજના વાવાઝોડાની અસર રહેશે નહીં પરંતુ, સૌરાષ્ટ્ર-કચ્છમાં થોડા અંશે અસના વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન લગભગ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધીમે-ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રાજકોટને બાદ કરતાં ગુજરાત રાજ્યનાં ત્રણ મહાનગરોમાં એટલે કે અમદાવાદ, વડોદરા અને સુરતમાં અસના વાવાઝોડાની અસર રહેશે નહીં. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અસના વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવવાની સાથે હળવા વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનીય છે કે આવું વાવાઝોડું પાછલા 80 વર્ષમાં ચોથી વખત જોવા મળ્યું છે. જેમાં જમીન પર સક્રિય હવામાન પ્રણાલી સમુદ્ર સુધી પહોંચ્યા પછી ચક્રવાતમાં સંક્રમણ કરે છે. ભૂતકાળમાં, જમીન પર સક્રિય આવી ડીપ ડિપ્રેશન 1944, 1964 અને 1976ના વર્ષોમાં અરબી સમુદ્રમાં સંક્રમણ પામ્યું છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારમાં 31 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.
નવી દિલ્હીઃ ભારત અને ચીનની વચ્ચે સરહદે તનાવની સ્થિતિ છેલ્લાં કેટલાંક વર્ષોથી બનેલી છે. ગલવાન સંઘર્ષ પછી તો સ્થિતિ વધુ વિસ્ફોટક જોવા મળી છે, પરંતુ હવે બંને દેશો ફરી વાતચીતના રસ્તે આવી ચૂક્યા છે. સંબંધો સુધારવા અને તનાવ ઓછો કરવા માટે ભાર આપવામાં આવી રહ્યો છે. વળી, હાલના સમયે PM મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની સંભવિત મુલાકાતની પણ ચર્ચા ચાલી રહી છે. આવામાં LAC પર વિવાદને ખતમ કરવાની કવાયત છે.
ભારત અને ચીનના પ્રતિનિધિમંડળ વચ્ચે ગઈ કાલે એક મહત્ત્વની મુલાકાત થઈ હતી. એ મુલાકાતમાં ભારતીય પ્રતિનિધિત્વ જો ઇસ્ટ એશિયાના જોઇન્ટ સેક્રેટરી ગૌરાંગલાલ દાસે કર્યું હતું તો ચીન તરફથી વિદેશ મંત્રાલયના હોંગ લિઆંગ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં દરેક વખતે બંને દેશો વચ્ચનો તનાવ ઓછો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બંને દેશો એ વાત સંમત થયા હતા કે સરહદનો પરનો તનાવ ઓછો કરવા માટે કામ કરવું પડશે.
બંને દેશો વચ્ચે નિર્ણાયક વાતચીત થઈ હતી, જેમાં મતભેદોને ઓછા કરી શકાય અને દરેક મુદ્દે જલદી સમાધાન મળી શકે. બંને દેશો વચ્ચે મુક્ત મને અનેક મુદ્દે વાતચીત થઈ હતી અને સરહદે તનાવ ઓછો કરવા માટે રસ્તો કાઢવા બંને દેશો સહમત થયા હતા. વડા પ્રધાન મોદી અને શી જિનપિંગ વચ્ચે BRICS સમિટમાં મુલાકાત થાય એવી શક્યતા છે, જેથી બંને દેશોના સંબંધો સુધારવા માટે ભાર આપવામાં આવ્યો હતો.
રાજકોટનું હિરાસર એરપોર્ટ આવરનાર ચર્ચા આવતું રહેતું હોય છે. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે હીરાસર ખાતે રૂ. 2,654 કરોડના ખર્ચે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવેલું છે. જોકે તેના એક વર્ષમાં જ આ એરપોર્ટના કામમાં ભ્રષ્ટાચારની ચાડી ખાતા દ્રશ્યો સામે આવતા રહે છે. અગાઉ ટર્મિનલ બિલ્ડીંગ પાસે કેનોપી તૂટી પડી હતી. તો 26 ઓગસ્ટ, 2024ના રોજ 15 ફૂટ લાંબી અને 50 ફૂટ જેટલી પહોળી દીવાલ ધરાશાયી થઈ જતા સત્વરે રીપેરીંગ થઈ શકે તેમ ન હોવાથી સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે. જોકે હાલ ત્યાં CISFના જવાનોનો 24 કલાક પહેરો રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી આ દીવાલનું રીપેરીંગ કામ કરવામાં આવેલું નથી.
એરપોર્ટની આ દિવાલ પડતા ચોટીલાના લોમા કોટડી ગામના સરપંચના ભાઈના ખેતરમાં પાકનું ધોવાણ થઈ જતા અઢીથી ત્રણ લાખ જેટલું નુકસાન થયું હોવાનુ સામે આવ્યું છે. આ ઉપરાંત ખેતરમાં થયેલી નુકસાની અંગે વળતર મેળવવાની સરપંચે માગ કરી છે. તેમને સરકાર અથવા તો એરપોર્ટ ઓથોરિટી નુકસાન વળતર કરે તેવી માગ કરી છે. જે બાદ દિવાલ પડ્યા બાબતે હજુ પણ એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થી થોડા સમય પર પહેલા દુબઈ ફ્લાઈટની ઉડાનની વાતો ચાલી રહી હતી. જ્યાં ફ્લાઈટની જગ્યાએ દિવાલ ધરાશાયી છે. આ ઉપરાંત રન વેની બોર્ડર પરની 15 ફૂટની દિવાલ સોમવારે ધરાશાયી થઈ ગઈ હતી. જ્યારે આ દિવાલે એક વર્ષ પહેલા જ નિર્માણ પામેલા ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ કેટલું નબળું કરવામાં આવ્યું છે તેનો પુરવો આપી દીધો છે.
ગત 29 જૂનના રોજ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની ડોમ કેનોપી બપોરે ધરાશાયી થઈ ગઈ હતી. મુસાફરોના પ્રસ્થાન દ્વાર પાસે જ આ ડોમની કેનોપી પડી ભાંગી પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે તેનાથી મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.ઉલ્લેખનીય છે કે, રાજકોટ-અમદાવાદ હાઇવે પર પાસે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એક વર્ષ પહેલાં જ રૂ.2,654 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું અને તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 27 જુલાઇ, 2023ના રોજ થયું હતું. જ્યારે સપ્ટેમ્બર માસમાં અહીંથી ફ્લાઇટની ઉડાન શરૂ થઈ હતી. પરંતુ આ એરપોર્ટ નિર્માણ પામ્યાના એક વર્ષમાં જ કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં ભયંકર ગોબાચારી કરવામાં આવ્યા હોવાના દ્રશ્યો એક પછી એક સામે આવી રહ્યા છે.