Home Blog Page 129

ઈરાને 24 કલાકની અંદર ફરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કર્યો બંધ

નવી દિલ્હીઃ ઈરાને ફરીથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાને આ નિર્ણય લીધો છે. ઈરાનની સંયુક્ત સૈનિક કમાન્ડે શનિવારે જણાવ્યું હતું કે હોર્મુઝ પર તેનો નિયંત્રણ પહેલાની જેમ ફરી સ્થાપિત થઈ ગયો છે. તેણે ચેતવણી આપી કે જ્યાં સુધી ઈરાની બંદરો પર અમેરિકી નાકાબંધી ચાલુ રહેશે, ત્યાં સુધી હોર્મુઝમાંથી જહાજોની અવરજવર અવરોધિત રાખવામાં આવશે.

અમેરિકા પર સમજૂતીના ઉલ્લંઘનનો આરોપ

સરકારી ટેલિવિઝન પર પ્રસારિત નિવેદનમાં ઈરાની સેનાએ અમેરિકા પર ઈરાની બંદરો તરફ આવતાં-જતાં જહાજો પર નૌસેનાની નાકાબંધી ચાલુ રાખીને કરારનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા ઈરાન જતાં તમામ જહાજો માટે અવરજવરનું સ્વતંત્રતા પુનઃસ્થાપિત નહીં કરે, ત્યાં સુધી હાલની સ્થિતિ યથાવત્ રહેશે. સેનાએ એ પણ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં હોર્મુઝ ‘કડક નિયંત્રણ’ હેઠળ રહેશે.

લેબેનોનમાં યુદ્ધવિરામ કરાર બાદ ઈરાને શુક્રવારે મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ હોર્મુઝ ફરીથી ખોલવાની જાહેરાત કરી હતી. જોકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથે વ્યાપક કરાર ન થાય ત્યાં સુધી નૌસેનાની નાકાબંધી ચાલુ રહેશે. સરકારી ટેલિવિઝન પર પ્રસારિત નિવેદનમાં ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ જણાવ્યું હતું કે તે હોર્મુઝનું કડક સંચાલન અને નિયંત્રણ ફરી શરૂ કરશે. તેણે કહ્યું હતું કે અમેરિકાએ પોતાની નૌસેનાની નાકાબંધી ચાલુ રાખીને વચન તોડ્યું છે.

ટ્રમ્પે આપી હતી ધમકી

ટ્રમ્પે ઈરાનને ધમકી આપતાં કહ્યું કે જો બુધવાર સુધી કોઈ કાયમી સમજૂતી નહીં થાય તો સીઝફાયર આગળ વધારી શકાશે નહીં. એ સાથે જ તેમણે ચેતવણી આપી કે દબાણ વધારવા માટે ઈરાની બંદરો પર સતત નાકાબંધી અને ફરી બોમ્બમારો કરવાની શક્યતા પર પણ વિચાર કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે કદાચ હું તેને (સીઝફાયરને) આગળ ન વધારું, પરંતુ નાકાબંધી ચાલુ રહેશે અને દુર્ભાગ્યે ફરી બોમ્બમારો શરૂ કરવો પડી શકે છે.

થેપલા – ધ અલ્ટિમેટ!

`કહીં તો જાતે હૈં યાર!’ ગયા વર્ષે અમારી બિલ્ડિંગના ફ્રેન્ડ્સના ગેધરિંગમાં કોઈકે સૂર લગાવ્યો. `સુધીર કહાં લેકે જાતે હો હમેં?’ સુધીરે કહ્યું, `જો આપણે બધા જવાના હોઈએ તો હું ઓર્ગેનાઈઝરના મોડમાં જવાનો નથી. મને પણ તમારા બધાની સાથે ટુર એન્જોય કરવાની છે.’ સુધીરની વાત બરોબર હતી. મેં પણ તેને સાથ આપ્યો. જીવનભર અમે ઓર્ગેનાઈઝરના મોડમાં જ છીએ. પર્યટકોની નિશ્ચિંતતા, સુરક્ષિતતા અને આનંદ માટે `વી આર ઓલ્વેઝ ઓન અવર ટોઝ.’ પરંતુ  ફ્રેન્ડ્સ સાથે જતી વખતે આ મોડમાંથી બહાર આવવાનું મહત્ત્વનું હતું. `અમને પણ ક્યારેક અમારા પર્યટકો સાથે રહેવાનું ગમશે.’ બધાને આ વાત ગમી અને અમે તે જ બેઠકમાં દુનિયાનો નકશો ઊથલાવવાનું શરૂ કર્યું. સ્થળ કે દેશ એવો જોઈતો હતો કે અમારાં પાંચ કપલ્સમાંથી કોઈ અગાઉ ત્યાં ગયેલું નહીં હોય. મજલ દરમજલ કરીને અમે મોરોક્કો દેશ પર મંજૂરીની મહોર મારી.

કાસાબ્લાંકા, મારાકેશ, શેફ શો, સબસહારન નામ સાંભળ્યાં હતાં, હોલીવૂડની ફિલ્મમાંથી તેનાં અનેક વાર દર્શન થયાં હતાં, પરંતુ અમારા ફ્રેન્ડ્સમાંથી કોઈ ત્યાં ગયું નહોતું. `મોરોક્કો રોડ ટ્રિપ કરીએ, પોતાની કાર ચલાવતાં મોરોક્કો ફરીએ’ એવો થોડો એડવેન્ચરસ વિચાર કરીને અમે બધાએ કાસાબ્લાંકા ટુ કાસાબ્લાંકા રોડ ટ્રિપ બુક કરી પણ દીધી. આપણી ટુરમાં નહીં હોય તે ફેઝ શહેર કાસાબ્લાંકાથી એક દિવસની ટ્રિપમાં કવર કરી શકાશે, તેથી ત્યાં પણ જઈએ એવું વિચારીને અમે બે દિવસ પૂર્વે કાસાબ્લાંકામાં જવાનું નક્કી કર્યું અને બહુ ઉત્સાહ સાથે અમે અમારી રોડ ટ્રિપ પર નીકળી પડ્યાં. નિયોજિત સમય અનુસાર અમે મોરોક્કોમાં કાસાબ્લાંકા નામે હોલીવૂડની ફિલ્મે ફેમસ કરેલા અનોખા શહેરની ભૂમિ પર પગ મૂક્યો અને વધુ એક દેશ અમારા ટ્રાવેલ મિશનમાં સમાવિષ્ટ થઈ ગયો. અમે સવારે જ પહોંચવાનાં હતાં, જેથી સાંજે `એટલાંટિક ઓશન વ્યુ’ ધરાવતી એક સારી ફાઈન ડાઈનિંગ રેસ્ટોરાંમાં બુકિંગ કર્યું હતું. હવે હોટેલ ચેક-ઈન સુધી શું કરવાનું તેની ચર્ચા કરતાં અમે બેગેજ બેલ્ટ પર ઊભાં હતાં અમારી બેગ્સની પ્રતિક્ષામાં. થોડા સમય પછી અમારા ધ્યાનમાં આવ્યું કે તે બેગેજ બેલ્ટ પરની ગિરદી ઓછી થઈ છે અને અમારામાંથી એકેયની બેગ આવી નથી. દુનિયાના પ્રવાસમાં અમુક વાર અમારી બેગો આ રીતે મોડેથી આવવાની અથવા ગેરવવ્લે થવાની ઘટનાઓ બની હોવાથી અમે મેંટલી તે તુરંત સ્વીકાર્યું. જોકે અમારા ફ્રેન્ડ્સને, તેઓ યુરોપ અમેરિકા ઈન્ગ્લેન્ડની ટ્રિપ્સ વર્ષમાં અનેક વાર કરતા હોવા છતાં ક્યારેય આવી બેગ મિસપ્લેસ્ડ થવાની ઘટનાનો સામનો કરવાનો વારો આવ્યો નહોતો. તેમને માટે આ નવું હતું. `અબ ક્યા કરને કા?’ આ પ્રશ્નએ અમને બધાને પરેશાન કરી નાખ્યાં હતાં. સુધીર શાંતિથી ઓર્ગેનાઈઝરની ભૂમિકામાં આવી ગયો. આદતથી મજબૂર, બીજું શું? બધાએ મળીને કમ્પ્લેઈન્ટ નોંધાવી. `બેગ આવતીકાલની ફ્લાઈટથી રાત્રે પહોંચશે કદાચ. તમારે પોતે આવીને જોવું પડશે. અમે બેગ હોટેલમાં ડિલિવર કરતા નથી.’ આ બીજો આંચકો પચાવીને હેન્ડબેગ અને પર્સ લઈને અમે એરપોર્ટની બહાર આવ્યાં. હમણાં સુધી એરલાઈન્સની બહુ ટીકા કરવામાં આવી હતી. આ સાથે `સુધીર, તુમ ઈતને શાંત કૈસે રહ સકતે હો?’ આ સવાલજવાબ પણ થઈ ગયા હતા.

હવે ખરેખર તો અહીંથી અમારી ટુર શરૂ થવાની હતી, પરંતુ શરૂઆતમાં જ એક અણધાર્યો વળાંક આવ્યો હતો. એક બાજુ થોડું ચીડચીડિયાપણું, થોડી અસ્વસ્થતા તો બીજી બાજુ `ચલો, દેખતે હૈં આગે ક્યા હોતા હૈ’ એવો પ્રવાસી એટિટ્યુડ એટલે ફક્ત પ્લાન પ્રમાણે બધું થાય જ એવું નથી હોતું ને? તો આવા નાનામોટા અણધાર્યા પ્રસંગોથી જ પ્રવાસ રંગતદાર થાય છે. એરપોર્ટની બહાર આવ્યાં તેમ ઠંડી હવાએ અને નવા દેશના વાતાવરણથી મન થોડું પ્રસન્ન થયું. બેગ નહીં હોવા છતાં ઉત્સાહ ઓછો નહીં થવો જોઈએ એવું અમે પોતાને જ મનાવી લેતાં હતાં. આમ પણ કયારેક ક્યારેક આવી નાની મુશ્કેલીઓ જ પ્રવાસને અલગ ટિવસ્ટ આપે છે અને આગળ જતાં આ જ યાદોમાં સૌથી વધુ રંગ ભરે છે.

સુધીરે કહ્યું, `બેગ આવી નથી એ સત્ય છે. તે સ્વીકારીએ અને આગળ જઈએ. તેના ફાયદા જુઓ. ચેક-ઈન સુધી શું કરવાનું એવો આપણા બધાને પ્રશ્ન હતો તેનો ઉકેલ આવી ગયો, કારણ કે સૌપ્રથમ આપણે એકાદ શોપિંગ મોલ અથવા યુનિક્લો જેવો સ્ટોર શોધવો પડશે, જ્યાં એક જ ઠેકાણે બધું મળશે. બીજું, આજે રૂમમાં આપણે સડાફટિંગ જઈશું, જેથી બેગ ખોલવાનો – સમુંસૂતર કરવાનો પ્રશ્ન નહોતો. લેસ લગેજ મોર કમ્ફર્ટસ.’ બધાએ સુધીરને કોણીથી હાથ જોડીને દંડવત કર્યા. એરપોર્ટથી હોટેલ માર્ગમાં એક સેન્ડવિચ પર બપોરની ભૂખ સંતોષીને અમે હોટેલમાં પહોંચ્યાં. અમારા બેગલેસ  ગ્રુપને જોઈને ફ્રન્ટ ડેસ્ક પરના લોકો છક થઈ ગયાં. રૂમ પર જઈને ફ્રેશન-અપ થઈને અમે બહાર નીકળ્યાં. એક મોટા મોલનો રસ્તો પકડ્યો જ્યાં અમને યુનિક્લો હોવાનું ગૂગલ પર દેખાતું હતું. અડધા કલાકના પ્રવાસ પછી અમે ત્યાં પહોંચ્યાં. આખો મોલ ભટક્યાં, પણ યુનિક્લોનો કોઈ પત્તો નહીં લાગ્યો. ગૂગલ ચૂકી ગયો હતો. બધાએ ત્યાંના અમુક સ્ટોર્સમાંથી જોઈએ તેટલી જરૂરી વસ્તુઓ લીધી અને અમે શોપિંગની બેગ્સ લઈને ફાઈન ડાઈનિંગ રેસ્ટોરાંમાં પહોંચ્યાં. ખાસ કરીને આ ઈવનિંગ માટે લાવેલાં અમારાં કપડાં મોટી બેગમાં અટકી જવાથી અમે બધાં તે ફાઈન ડાઈનિંગ રેસ્ટોરાંમાં `ડોન્ટ લાફ એટ અસ, વી હેવ મર્સિડીઝ બેક ઈન ઈન્ડિયા’ કહીને અમારા તે સિંપલ પોશાક સાથે અતિસુંદર સી-વ્યુવાળા ટેબલ પર બિરાજમાન થયાં. હવે આપણો પહેરવેશ ભૂલી જવાનો અને ખાવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વિચારીને રીતસર ખાવાનું ઝાપટી નાખ્યું.

બીજા દિવસે સવારે નીકળીને અમે ફેઝ પર પહોંચ્યાં. પ્રવાસ મોટો હતો, આખો દિવસ હતો અને આવ્યા પછી એરપોર્ટ પર જવાનું હતું, બેગ આવી છે કે કેમ તે જોવા માટે. ફેઝમાં અમે ખાધું, ખાવાનું સ્વાદિષ્ટ હતું. જોકે અમારા સાઉથ ઈન્ડિયન તમિલિયન ફ્રેન્ડ્સને દહીંભાત યાદ આવ્યા. હજુ બાર દિવસ મોરોક્કન ભોજન સાથે નિભાવવાનું હતું. મને અમારી ટુર પરના પર્યટકોના કિસ્સા યાદ આવવા લાગ્યા. ગમે તેટલું ઓથેંટિક લોકલ ફૂડ હોવા છતાં દાળભાત અને દહીંની યાદ એંશી ટકા ભારતીયોને આવે જ છે. `અરે મૈને થેપલા લાયા હૈ લેકિન વો બેગ મેં હૈ નં, હોપ સો આજ બેગ આ રહી હૈ!’ અમારી પાડોશી ગીતા બોલી.

ફેઝ પરથી આવતી વખતે રાત્રે 10.00 વાગ્યા, એરપોર્ટ પર પહોંચ્યાં. ડિનર સ્કિપ કરવું પડ્યું, કારણ કે બેગ મહત્ત્વની હતી. એરટેગ પર અડધા લોકોની બેગો આવતી દેખાતી હતી અને અડધાની નહીં. આ સ્થિતિ ગંભીર હતી. ગઈકાલે બધાની બેગો નહીં આવવાથી તે ચિંતામાં પણ બધા ખુશ હતા, કારણ કે બધા જ તે મુશ્કેલીનો સામનો કરતા હતા. આજે આ રીતે અડધું થયું તો `અન્યની બેગ આવી, પરંતુ મારી આવી નહીં’ તેનું દુઃખ થવાનું હતું. સદનસીબે બધાની બેગ આવી હતી મારી એક બેગ સિવાય. સારું થયું મારી જ બેગ રહી ગઈ. આમ પણ હું આવી બાબતોથી યુઝ્ડ-ટુ હતી.

બેગ જોઈને બધાના ચહેરા પર આનંદ દેખાતો હતો. `બેગો આવી!’ એ ભાવના જ જાણે તે દિવસનો ક્લાયમેક્સ હતો. જોકે મારી બેગ નહીં આવવાથી બધાની નજર આપોઆપ મારા તરફ વળી. `તને દુઃખ થતું નથી?’ એવો પ્રશ્ન તેમની આંખોમાં હતો. અને ખરેખર કહું તો તે ક્ષણે મને પોતાને જ મહેસૂસ થયું કે પ્રવાસે આપણને ખરેખર કેટલું બધું શીખવ્યું છે. અમુક બાબતો આપણા હાથમાં હોતી નથી અને તેની પર ગુસ્સો કરવાને બદલેતે સ્વીકારીને આગળ જવાનું એ જ આસાન હોય છે એ પ્રવાસે સૌથી મોટો પાઠ શીખવ્યો હતો. મારા માટે આ નવું નહોતું, પરંતુ અમારા ફ્રેન્ડ્સ માટે તે એક શીખવાનો અનુભવ હતો. `એકાદ બાબત બને ત્યારે તેમાં અટવાઈ નહીં રહેતાં હવે આગળ શું?’ તેની પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પ્રવાસ આપણને શીખવે છે. અને ખરેખર કહીએ તો આ બેગની બાબતને લીધે અમારી ટ્રિપને એક અલગ જ રંગ ચઢ્યો હતો. હવે પછી શું થશે? તેની ઉત્સુકતા બધાના મનમાં હતી. પ્રવાસમાં આવી નાની `ગડબડ’ જ તો આગળ જઈને બધાની મજેદાર યાદો બને છે નહીં?

બેગ લઈને અમે એરપોર્ટની બહાર નીકળ્યાં. બહુ ભૂખ લાગેલી હતી. ગીતાએ અમારી કાર આવે ત્યાં સુધી વાટ જોઈ નહીં. `મેરી બેગ- મેરા થેપલા’ એવા ઉત્સાહમાં થેપલાનાં પેકેટ્સ બહાર કાઢ્યાં. કારમાં બેઠાં બેઠાં અમે બધાએ તે થેપલા અને ચટણી અથાણા એવા ઝાપટ્યા કે પૂછો જ નહીં. આપણું સ્ટેટસ, આપણી પોઝિશન… બધું જ તે થેપલા સામે ભૂલી ગયાં હતાં. બેગ મળવા કરતાં થેપલા મળ્યા અને તે ખાવાનો આનંદ વધુ હતો.

મને યાદ છે કે ત્રણેક વર્ષ પૂર્વે અમે સમધી-સમધન જાપાનમાં ગયાં હતાં નીલ હેતા સાથે. હેતાના સિંગાપોરનાં મામા મામી પણ જોડે હતાં. આ બધા ગુજરાતી, જાપાનમાં ખાવામાં મુશ્કેલી નહીં પડે તે માટે તે બંને કપલ્સે થેપલા અને અન્ય પદાર્થોની બે મોટી બેગ જોડે લીધી હતી. વચ્ચે જ `આજે અમને ડિનર કરવું નથી’ કહીને તેઓ કલટી મારીને રૂમમાં થેપલા અને અન્ય પણ ઘણા બધા ગુજરાતી ખાદ્યપદાર્થો ઝાપટતાં હતાં. અમને પણ વચ્ચે જ તે જાપાની ખાદ્યનો કંટાળો આવે એટલે થેપલા મગાવી લેતાં હતાં. ગયા વર્ષે નીલ, હેતા, રાયા અને તેને સંભાળતી સિસ્ટર શાયની સ્પેનમાં દસ દિવસ જઈ આવ્યાં. કેરલાઈટ સિસ્ટરે પચાસથી વધુ થેપલા જોડે લીધા હતા, `મુઝે નહી જમતા હૈ રોજરોજ વો પિઝ્ઝા પાસ્તા’ એમ કહીને.

`થેપલા’ પર્યટકોના પ્રવાસમાં એક અનિવાર્ય ઘટક નીવડ્યું છે. યુરોપ અમેરિકામાં આપણા બાળકોને અથવા સંબંધીઓને મળવા જનારની બેગમાં `થેપલા’ નહીં હોય એવું બને જ નહીં. વિમાનમાંની બેગોના વજનમાં થેપલાનું વજન દુર્લક્ષિત કરવા જેવું નથી. ગુજરાતી વ્યાવસાયિક અગાઉ કામ નિમિત્તે બહાર જતા ત્યારે ખાવાની મુશ્કેલી નહીં થાય તે માટે તેમને થેપલા બાંધી અપાતા હતા. સેંકડો વર્ષ પૂર્વે તેની શરૂઆત થઈ હશે, પરંતુ આજે પણ થેપલાનું મહત્ત્વ જરાય ઓછું થયું નથી. ઊલટું, થેપલા મોટો ઉદ્યોગ બની ગયો છે. અત્યંત સુંદર પેકેટ્સમાં થેપલા મળે છે અને આપણી ટ્રાવેલ બેગનો મહત્ત્વનો ભાગ બને છે. મહારાષ્ટ્રિયન, બંગાળી, તમિળ, કેરલિયન આ બધાને થેપલા એકત્ર લાવે છે એવું હું કહીશ. અગાઉ અમે પણ પર્યટકોને સ્નેક પેકેટ્સમાં થેપલા આપતાં,પરંતુ કોવિડ પછી અમે તે બંધ કર્યું અને લોકલી મળતા સ્નેક્સ પર ભાર આપ્યો, કારણ કે જ્યાં જઈએ ત્યાં ત્યાંનું કાંઈક ટેસ્ટ કરવું જોઈએ એવો વિચાર તેની પાછળ હતો. દેશમાંથી દુનિયામાંથી ક્યાંયથી જોઈન થનારા પર્યટકોની વધતી સંખ્યા અને વિમાનના વજનની મર્યાદાને લીધે અગાઉની જેમ હવે ટુર મેનેજર સાથે પણ તે આપી શકાય નહીં. પર્યટકો પણ હેલ્ધી ફૂડ્સની પાછળ પડ્યા છે. તેલમાં તળેલી વસ્તુઓ પર પ્રશ્નચિહન ઊભું થઈ રહ્યું છે. ભારતભરમાં અને દુનિયાભરમાં ઘણા બધા પર્યટકોને અમે અગાઉ આપતા તે સ્નેક્સ આઉટડેટેડ લાગવા માંડ્યાં, જેથી કોવિડમાં સેફ્ટી તરીકે બંધ થયેલાં સ્નેક પેકેટ્સની સંકલ્પના અમે બંધ જ રાખી. જોકે પર્યટકોને અમે કહીએ છીએ કે તમે જોઈએ તે સ્નેક્સ જરૂર જોડે રાખો. તેમાં અન્ય પદાર્થો સાથે થેપલા પણ રાખો, કારણ કે `થેપલા ઈઝધ અલ્ટિમેટ ફૂડ!’ તે ફક્ત એક ખાદ્યપદાર્થ નથી,પરંતુ તે આપણા પ્રવાસનો એક ભાવનાત્મક સાથીદાર છે. તે આપણને આપણે ક્યાંથી આવ્યાં છીએ તેની યાદ અપાવે છે. વિદેશમાં ધમધમતા શહેરમાં, એકાદ હોટેલના રૂમમાં કે એકાદ લાંબા પ્રવાસમાં અચાનક બેગમાંથી બહાર આવેલા થેપલા એટલે જાણે આપણા ઘરનું એક નાનું દ્વાર ખોલવા જેવું લાગે છે, કારણ કે આ થેપલામાં ફક્ત સ્વાદ નથી હોતો, પરંતુ તેમાં ઘરનો સ્પર્શ હોય છે, પરિચિતનો સુગંધ હોય છે અન એક અલગ જ સુરક્ષિતતાની ભાવના હોય છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં હોઈએ તો પણ આપણા પદાર્થનો એક કોળિયો ખાઈએ તો પણ આપણે `આપણા લોકોમાં’ પાછા આવ્યાં છીએ એવું લાગે છે. આથી જ કદાચ દરેક ભારતીય પ્રવાસી પોતાની બેગમાં થોડું પણ `ઘરનું’ લઈને જ ફરતાં હોઈએ છીએ. ક્યારેક લાડવા હોય તો ક્યારેક અથાણાની નાની બરણી હોય છે. અને મજાની વાત એ છે કે આ નાનીનાની બાબતો જ વિદેશમાં ગયા પછી આપણને સૌથી મોટી લક્ઝરી લાગે છે. ફાઈન ડાઈનિંગ, એક્ઝોટિક ક્યુઝિન, સુંદર રેસ્ટોરાં આ બધું જ પોતાની જગ્યા પર પરંતુ એકદ રાત્રે ફરીને થાક્યા પછી હોટેલ રૂમ પર પાછા આવ્યા બાદ આપણા લોકો સાથે બેસીને ઘરનું કશુંક ખાવાનો આનંદ જ અલગ હોય છે. તે રાત્રે કારમાં બેસીને થેપલા ખાતી વખતે હોટેલ પર જતી વખતે અમને એક બાબત ફરીથી જણાઈ કે આધુનિક પ્રવાસ ગમે તેટલો ગ્લોબલ થાય છતાં મન કાયમ `લોકલ’ જ રહે છે! આવી નાનીનાની બાબતો આપણને આપણા મૂળ સાથે જોડીને રાખે છે.આપણે નવા સ્વાદ અનુભવીએ છીએ, નવી સંસ્કૃતિ આત્મસાત કરીએ છીએ, પરંતુ તે છતાં આપણા સ્વાદનો, આપણી આદતનો એક નાનો ટુકડો આપણે જોડે લઈનેજ ફરીએ છીએ. આ નવા જૂનાનો સમતોલ સાધી શકાય તે જ પ્રવાસની ખરી સુંદરતા છે. આથી જ તમે પણ આ વખતે રજામાં ફરવા જશો ત્યારે તમારી બેગ પેક કરતી વખતે એક પ્રશ્ન પોતાને ચોક્કસ પૂછો, `હું દુનિયા જોવા જતી વખતે મારા ઘરનું શું લઈ જઈશ?’ કારણ કે અંતે પ્રવાસ ગમે તેટલો દૂરનો હોવા છતાં મનને આપણા લોકોમાં પાછું લાવવા એક `થેપલું’ કાયમ પૂરતું હોય છે.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

PM મોદી આજે રાત્રે 8.30 કલાકે રાષ્ટ્રને સંબોધન કરશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધિત કરશે. લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પસાર ન થઈ શક્યા બાદ પીએમ મોદીનું આ સંબોધન થવાનું છે. શનિવારે થયેલી કેબિનેટ બેઠકમાં પણ પીએમ મોદીએ વિપક્ષના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે એટલું સુધી કહ્યું હતું કે આ ભૂલની રાજકીય કિંમત વિપક્ષને ચૂકવવી પડશે. હવે આજે રાત્રે 8:30 વાગ્યે તેમનું સંબોધન થવાનું છે.

લોકસભામાં મહિલા આરક્ષણ સુધારા બિલ સંબંધિત 131મું બંધારણીય સુધારા વિધેયક પસાર થઈ શક્યું નહોતું. આ વિધેયક પર સતત બે દિવસ ચર્ચા થઈ હતી. ત્યાર બાદ શુક્રવારે સાંજે થયેલા મતદાનમાં આ વિધેયક પડી ગયું. આ સુધારા વિધેયકના સમર્થનમાં 298 સાંસદોએ મત આપ્યો હતો જ્યારે વિરોધમાં 230 મત પડ્યા હતા.

 લોકસભામાં બિલ કેમ પડી ગયું?

લોકસભામાં મહિલા આરક્ષણ સંબંધિત સુધારા વિધેયક પર કુલ 528 સાંસદોએ મતદાન કર્યું હતું. વિધેયક પસાર થવા માટે 326 મતની જરૂર હતી, પરંતુ સમર્થનમાં માત્ર 298 મત મળ્યા. તેથી બિલ પસાર થઈ શક્યું નહોતું.

 ભાજપનું વલણ

ભાજપ સતત પ્રેસ કોન્ફરન્સ કરીને વિપક્ષ પર નિશાન સાધી રહ્યો છે. ભાજપ નેતા સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે કોંગ્રેસ અને તેના સમર્થક દળોએ વર્ષોથી સંઘર્ષ કરતી મહિલાઓને 33 ટકા હક ન મળે તેવો જશ્ન મનાવ્યો છે. તેમણે કહ્યું કે મહિલાઓના અધિકારોથી તેમને વંચિત રાખવાનો પ્રયાસ થયો છે. ભાજપ માટે આ સત્તાનો પ્રશ્ન નથી, પરંતુ સમાન અધિકાર આપવાનો પ્રશ્ન છે.

આજે થયેલી કેબિનેટ બેઠક દરમિયાન વડા પ્રધાને વિપક્ષને એ માટે જવાબદાર ઠેરવ્યો અને કહ્યું હતું કે મહિલાઓના આરક્ષણ બિલને સમર્થન ન આપીને તેમણે મહિલાઓ વિરુદ્ધ કામ કર્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.  તેમણે વિપક્ષના આ વલણને મોટી ભૂલ ગણાવી અને ચેતવણી આપી કે ભવિષ્યમાં તેમને તેની રાજકીય કિંમત ચૂકવવી પડશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ સંદેશ દેશના દરેક ગામ સુધી પહોંચાડવો જોઈએ કે વિપક્ષ મહિલાઓ પ્રત્યે નકારાત્મક વિચારધારા રાખે છે.

મહારાષ્ટ્રની તમામ સ્કૂલોમાં મરાઠીનું શિક્ષણ ફરજિયાત

મુંબઈ મહારાષ્ટ્રના શિક્ષણ વિભાગે શુક્રવારે રાજ્યની તમામ સ્કૂલોમાં મરાઠીનું શિક્ષણ ફરજિયાત બનાવવા માટે નવો સરકારી ઠરાવ (GR) જાહેર કર્યો છે. તેમાં વારંવાર નિયમોનો ભંગ કરનાર સંસ્થાઓ પર એક લાખ રૂપિયા સુધીનો દંડ અને માન્યતા રદ કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ નિર્દેશ ‘મહારાષ્ટ્રની તમામ સ્કૂલોમાં મરાઠી ભાષાનું ફરજિયાત શિક્ષણ અને અભ્યાસ અધિનિયમ, 2020’ હેઠળ તમામ સંસ્થાઓ પર લાગુ પડે છે, ભલે તેમનું બોર્ડ, માધ્યમ કે મેનેજમેન્ટ કંઈ પણ હોય.

મરાઠી શિક્ષકોની નિમણૂક પણ ફરજિયાત

આ આદેશ મુજબ દરેક સ્કૂલમાં લાયકાત ધરાવતા મરાઠી શિક્ષકોની નિમણૂક પણ ફરજિયાત કરવામાં આવી છે. બહુસ્તરીય અમલ પ્રણાલી હેઠળ શિક્ષણ વિભાગના ડિવિઝનલ ડેપ્યુટી ડિરેક્ટરને નિયમોના પાલન માટે સક્ષમ અધિકારી બનાવવામાં આવ્યા છે.

નવા શૈક્ષણિક વર્ષ શરૂ થયા બાદ બે મહિનાની અંદર સ્કૂલોનું નિરીક્ષણ કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓને નોટિસ આપવામાં આવશે અને જવાબ આપવા માટે 15 દિવસનો સમય આપવામાં આવશે. તેમ છતાં પાલન ન થાય તો દંડ ફટકારવામાં આવી શકે છે અને તરત અમલ કરવાનો આદેશ આપવામાં આવી શકે છે. GRમાં અપીલ પ્રક્રિયા પણ દર્શાવવામાં આવી છે, જે હેઠળ સ્કૂલ મેનેજમેન્ટ 30 દિવસની અંદર શિક્ષણ નિયામક સમક્ષ દંડને પડકારી શકે છે.

નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી થશે

સતત નિયમોનું પાલન ન કરનાર સંસ્થાઓ સામે શિક્ષણ કમિશનર સમક્ષ સુનાવણી થઈ શકે છે અને અંતે તેમની માન્યતા પણ રદ થઈ શકે છે. જોકે કાર્યકર્તાઓએ આ પગલાની ટીકા કરી છે અને જણાવ્યું છે કે પહેલી એપ્રિલ, 2020થી કાયદો લાગુ થયા બાદ અનેક GR બહાર પાડવામાં આવ્યા છતાં તેનો યોગ્ય અમલ થયો નથી.

તેમણે નિયમોનું પાલન કરનાર અને ભંગ કરનાર સ્કૂલોની ઓળખ દર્શાવતો સ્પષ્ટ ડેટાબેસ ન હોવા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. મરાઠી સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના કો-ઓર્ડિનેટર સુશીલ શેજુલે લાંબા સમયથી 2020ના કાયદાનો કડક અમલ કરવાની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “છેલ્લા છ વર્ષમાં આ મુદ્દે અનેક GR જાહેર થયા છે, છતાં તેનો અમલ હજુ અધૂરો છે.

પાકિસ્તાન ફરી બનશે યજમાનઃ ઇસ્લામાબાદમાં US-ઈરાન નેતાઓની બેઠક

નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચેની આગામી બેઠક સોમવારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં યોજાવાની શક્યતા છે, એમ વાતચીત સાથે જોડાયેલા ઈરાની અધિકારીઓએ આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યાનુસાર બંને પ્રતિનિધિમંડળ રવિવારે ઇસ્લામાબાદ પહોંચવાની શક્યતા છે. હાલમાં અમેરિકી વહીવટી તંત્રે આ બેઠકની સત્તાવાર પુષ્ટિ કરી નથી, છતાં બેક-ચેનલ કૂટનીતિ તેજ બની હોવાના સંકેતો મળી રહ્યા છે.

બંને દેશોમાં વાતચીત અંગે મતભેદઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા શુક્રવારે કહ્યું હતું કે સમજૂતીની દિશામાં પ્રગતિ થઈ રહી છે, પરંતુ એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ તહેરાન તરફથી કોઈ મોટા સમજૂતા અથવા રાહતને નકારી કાઢી છે. આથી સ્પષ્ટ થાય છે કે અનેક મહત્વના મુદ્દાઓ પર હજુ મતભેદ યથાવત્ છે.

હોર્મુઝ પર હજી સંકટનાં વાદળો

આ દરમિયાન હોર્મુઝ જલસંધિ મુદ્દે તણાવ યથાવત્ છે. શુક્રવારે આ મહત્વના સમુદ્રી માર્ગ પરથી મર્યાદિત જહાજોની અવરજવર નોંધાઈ હતી. ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે આ માર્ગ વેપારી જહાજો માટે ખુલ્લો છે, જ્યારે ઈરાની સંસદના સ્પીકરે ચેતવણી આપી હતી કે જો અમેરિકા પોતાની નૌસેનાની નાકાબંધી નહીં હટાવે તો જલસંધિ ફરીથી બંધ કરી શકાય છે. જોકે ટ્રમ્પે પણ જાહેરાત કરી હતી કે હોર્મુઝ સંપૂર્ણ રીતે ખુલ્લો છે.

બીજી તરફ, પાકિસ્તાનના સેનાપ્રમુખ જનરલ અસીમ મુનીરે તેહરાનમાં ઈરાની સંસદ અધ્યક્ષ મહમ્મદ બાકર ગાલીબાફ સાથે મુલાકાત કરી હતી. તેને અમેરિકા–ઈરાન વચ્ચેની વાતચીત ફરી શરૂ કરાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે જાહેર કરાયેલ 10 દિવસનું યુદ્ધવિરામ મોટા ભાગે અમલમાં દેખાઈ રહ્યું છે. જોકે લેબનાને કેટલાક ઉલ્લંઘનના આરોપ લગાવ્યા છે. આ મુદ્દો પણ અમેરિકા-ઈરાન ચર્ચામાં સંવેદનશીલ મુદ્દો માનવામાં આવે છે. કૂટનીતિક વર્તુળોમાં માનવામાં આવે છે કે પાકિસ્તાનની મધ્યસ્થ ભૂમિકા અને ઇસ્લામાબાદમાં પ્રસ્તાવિત બેઠક આવતા દિવસોમાં પ્રાદેશિક તણાવ ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

રવાના ગળ્યા પેનકેક

બાળકોને ભાવે તેવો ગળ્યો નાસ્તો, જે પૌષ્ટિક પણ છે!

સામગ્રીઃ ઝીણો રવો 1 કપ, ચોખાનો લોટ 2 ટે.સ્પૂન, દળેલી સાકર ½ કપ, નાળિયેરનું છીણ 2 ટે.સ્પૂન, બદામની કાતરી 1 ટે.સ્પૂન, ખસખસ 1 ટે.સ્પૂન, સફેદ તલ 1 ટે.સ્પૂન, મીઠું 1 ચપટી, બેકીંગ સોડા અથવા ઈનો ½ ટી.સ્પૂન, ઘી, મધ

રીતઃ એક મોટા બાઉલમાં રવો, ચોખાનો લોટ, દળેલી સાકર, નાળિયેરનું છીણ, ખસખસ, સફેદ તલ તેમજ તેમાં 1 ચપટી જેટલું મીઠું મેળવી દો. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરીને થોડું જાડું એવું ખીરું બનાવીને, તેને ઢાંકીને 15-20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ આ મિશ્રણ રવાને કારણે ફુલીને ઘટ્ટ થઈ ગયું હશે. તેથી તેમાં થોડું પાણી મેળવીને ઢોકળાના ખીરા જેવું પણ થોડું ઘટ્ટ મિશ્રણ બનાવી લો.

જ્યારે પેનકેક બનાવવાના હોય ત્યારે તેમાં બેકીંગ સોડા મેળવી દો.

એક નોન-સ્ટીક પેનને ગેસ પર ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલું ઘી રેડીને તેમાં એક કળછી ખીરું રેડીને ગેસની ધીમી આંચે 2-3 મિનિટ થવા દો. ત્યારબાદ પેનકેક ઉથલાવીને ફરીથી 2-3 મિનિટ થવા દો. પેનકેક બંને બાજુએથી સોનેરી રંગના થવા જોઈએ.

તૈયાર પેનકેકને પીરસતી વખતે તેની ઉપર થોડું મધ રેડીને આપવાથી તે બાળકોને વધુ ભાવશે.

પંચાંગ 18/04/2026

૧૮ એપ્રિલ ૨૦૨૬

બેવડી નાગરિકતા મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ HCનો FIR નોંધવા આદેશ

પ્રયાગરાજઃ કોંગ્રેસ સાંસદ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી માટે બેવડી નાગરિકતા મામલે મુશ્કેલીઓ વધી ગઈ છે. અલાહાબાદ હાઇકોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચે કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું હતું કે રાહુલની વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસ થવી જોઈએ.

રાહુલ ગાંધી પર ભારત સાથે-સાથે UKની પણ નાગરિકતા હોવાનો આરોપ છે. આ મામલે વિજ્ઞેશ શિશિરે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને દાવો કર્યો હતો કે રાહુલ પાસે બે દેશોના પાસપોર્ટ હોવાની શક્યતા છે, જે ભારતીય કાયદાનો ભંગ ગણાય છે. આ મુદ્દે લાંબા સમયથી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. કોર્ટે સરકારને સંબંધિત રેકોર્ડ રજૂ કરવા જણાવ્યું હતું.

આ પહેલાં લખનૌની વિશેષ MP/MLA  કોર્ટ 28 જાન્યુઆરીએ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ માગતી અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ શિશિર ફરીથી કોર્ટમાં પહોંચ્યા હતા. MP/MLA કોર્ટે કહ્યું હતું કે નાગરિકતા મુદ્દે નિર્ણય આપવા માટે તે સક્ષમ નથી.

યાચિકાકર્તાએ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવા અને મામલે વિગતવાર તપાસ કરવાની માગ કરી છે. તેમણે ભારતીય ન્યાય સંહિતા સરકારી ગોપનીયતા અધિનિયમ, વિદેશી અધિનિયમ અને પાસપોર્ટ અધિનિયમ હેઠળ અનેક આરોપો લગાવ્યા છે.

આ મામલે અગાઉની સુનાવણી દરમિયાન પીઠે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા અંગે મળેલી ફરિયાદ પર તેણે શું કાર્યવાહી કરી છે.

રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીમાં શું છે?

આ અરજીમાં 28 જાન્યુઆરી 2026એ લખનૌની સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ આદેશમાં રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની માગ ફગાવી દેવામાં આવી હતી. નીચલી કોર્ટે કહ્યું હતું કે નાગરિકતાનો મુદ્દો નક્કી કરવાનો અધિકાર તેના પાસે નથી. અરજદારે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધાવી વિસ્તૃત તપાસ કરવાની માગ કરી છે. ત્યાર બાદ હાઈકોર્ટે મામલાની સુનાવણી માટે 15 એપ્રિલની તારીખ નક્કી કરી હતી.

અંબાણીને પાછળ છોડી અદાણી બન્યા એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ

નવી દિલ્હીઃ  ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ગુજરાતના જ અન્ય મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા છે. તેમના પોર્ટથી એનર્જી સુધી ફેલાયેલા સમૂહના શેરોમાં સતત તેજી આવતાં તેમની સંપત્તિમાં વધારો થયો છે.

બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સના તાજા અહેવાલ મુજબ  અદાણીની કુલ સંપત્તિ વધીને 92.6 અબજ અમેરિકન ડોલર છે, જ્યારે અંબાણીની સંપત્તિ 90.8 અબજ ડોલર છે. એ સાથે તેઓ ભારત અને એશિયાની સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા છે. એ સાથે તેઓ વિશ્વની અબજોપતિઓની યાદીમાં 19મા સ્થાને પહોચ્યા છે, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ યાદીમાં 20મા ક્રમાંકે આવી ગયા છે.

અદાણીની મોટા ભાગની સંપત્તિ તેમના સમૂહની 10 લિસ્ટેડ કંપનીઓમાં રહેલા હિસ્સેદારી પરથી આવે છે.

આ વર્ષે અદાણીની નેટવર્થમાં 8.1 અબજ ડોલરનો વધારો

વર્ષ 2026 દરમ્યાન અદાણી જૂથની કંપનીઓના શેરોમાં સતત તેજી જોવા મળી છે. એની સીધી અસર તેમની વ્યક્તિગત સંપત્તિ પર પણ પડી છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 8.1 અબજ ડોલરનો વધારો નોંધાયો હતો. જેનાથી તેમણે એશિયાની સૌથી શ્રીમંત વ્યક્તિનું સ્થાન હાંસલ કરી લીધું છે.

માત્ર એક દિવસમાં 3.56 અબજ ડોલરનો સંપત્તિમાં વધારો

ગુરુવારે ટ્રેડિંગ સેશનમાં અદાણી ગ્રુપના શેરોમાં આવેલી તેજીનીની સીધી અસર અદાણીની સંપત્તિ પર પડી હતી. આ તેજીને પગલે તેમની નેટવર્થમાં આશરે 3.56 અબજ ડોલરનો વધારો નોંધાયો હતો.

ટોપ 50 યાદીમાં અદાણી અને અંબાણી જ માત્ર ભારતીયો છે

અંબાણી દાયકાથી વધુ સમય સુધી ભારતના સૌથી શ્રીમંત વ્યક્તિ રહ્યા હતા, પરંતુ ફેબ્રુઆરી 2022માં અદાણી ગ્રુપના શેરોમાં ભારે તેજીથી અદાણી ટોચે પહોંચ્યા હતા.

વિશ્વની સૌથી શ્રીમંત વ્યક્તિ કોણ છે?

વિશ્વના શ્રીમંતોની યાદીમાં એલન મસ્ક હજી પણ પહેલા ક્રમાંકે છે, જેમની કુલ સંપત્તિ 656 અબજ ડોલર દર્શાવવામાં આવી છે. બીજા ક્રમાંકે લૈરી પેજ છે, જેમની નેટવર્થ 286 અબજ ડોલર છે. આ સિવાય ટોચ-10ની યાદીમાં જેફ બેજોસ, સર્ગેઇ બ્રિન, માર્ક ઝુકરબર્ગ, લૈરી એલિસન, માઇકલ ડેલ, જેસન હુઆંગ, બર્નાર્ડ આર્નોલ્ટ અને જિમ વોલ્ટન જેવાં નામ સામેલ છે.

અદાણી ગ્રુપ પરિવહન અને લોજિસ્ટિક્સ, ઊર્જા ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ, કુદરતી સંસાધનો, એરપોર્ટ, ડિફેન્સ અને એરોસ્પેસ, ડેટા સેન્ટર, સિમેન્ટ, મીડિયા, રસ્તા, રેલ અને મેટ્રો નેટવર્ક, રિયલ એસ્ટેટ, અર્બન રિડેવલપમેન્ટ, ફૂડ અને FMCG, ડિજિટલ પ્લેટફોર્મ્સ અને બિઝનેસ ઇન્ક્યુબેશન જેવાં ક્ષેત્રોમાં વિવિધ પોર્ટફોલિયો ઊભો કર્યો છે.

ગ્રુપના જણાવ્યા મુજબ ગૌતમ અદાણી ભારતના એવા પ્રથમ પ્રથમ-પેઢીના ઉદ્યોગસાહસિક છે જેમણે પોતાના વ્યાપાર સામ્રાજ્યને 200 અબજ ડોલરથી વધુના માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચાડ્યું છે.