થેપલા – ધ અલ્ટિમેટ!

`કહીં તો જાતે હૈં યાર!’ ગયા વર્ષે અમારી બિલ્ડિંગના ફ્રેન્ડ્સના ગેધરિંગમાં કોઈકે સૂર લગાવ્યો. `સુધીર કહાં લેકે જાતે હો હમેં?’ સુધીરે કહ્યું, `જો આપણે બધા જવાના હોઈએ તો હું ઓર્ગેનાઈઝરના મોડમાં જવાનો નથી. મને પણ તમારા બધાની સાથે ટુર એન્જોય કરવાની છે.’ સુધીરની વાત બરોબર હતી. મેં પણ તેને સાથ આપ્યો. જીવનભર અમે ઓર્ગેનાઈઝરના મોડમાં જ છીએ. પર્યટકોની નિશ્ચિંતતા, સુરક્ષિતતા અને આનંદ માટે `વી આર ઓલ્વેઝ ઓન અવર ટોઝ.’ પરંતુ  ફ્રેન્ડ્સ સાથે જતી વખતે આ મોડમાંથી બહાર આવવાનું મહત્ત્વનું હતું. `અમને પણ ક્યારેક અમારા પર્યટકો સાથે રહેવાનું ગમશે.’ બધાને આ વાત ગમી અને અમે તે જ બેઠકમાં દુનિયાનો નકશો ઊથલાવવાનું શરૂ કર્યું. સ્થળ કે દેશ એવો જોઈતો હતો કે અમારાં પાંચ કપલ્સમાંથી કોઈ અગાઉ ત્યાં ગયેલું નહીં હોય. મજલ દરમજલ કરીને અમે મોરોક્કો દેશ પર મંજૂરીની મહોર મારી.

કાસાબ્લાંકા, મારાકેશ, શેફ શો, સબસહારન નામ સાંભળ્યાં હતાં, હોલીવૂડની ફિલ્મમાંથી તેનાં અનેક વાર દર્શન થયાં હતાં, પરંતુ અમારા ફ્રેન્ડ્સમાંથી કોઈ ત્યાં ગયું નહોતું. `મોરોક્કો રોડ ટ્રિપ કરીએ, પોતાની કાર ચલાવતાં મોરોક્કો ફરીએ’ એવો થોડો એડવેન્ચરસ વિચાર કરીને અમે બધાએ કાસાબ્લાંકા ટુ કાસાબ્લાંકા રોડ ટ્રિપ બુક કરી પણ દીધી. આપણી ટુરમાં નહીં હોય તે ફેઝ શહેર કાસાબ્લાંકાથી એક દિવસની ટ્રિપમાં કવર કરી શકાશે, તેથી ત્યાં પણ જઈએ એવું વિચારીને અમે બે દિવસ પૂર્વે કાસાબ્લાંકામાં જવાનું નક્કી કર્યું અને બહુ ઉત્સાહ સાથે અમે અમારી રોડ ટ્રિપ પર નીકળી પડ્યાં. નિયોજિત સમય અનુસાર અમે મોરોક્કોમાં કાસાબ્લાંકા નામે હોલીવૂડની ફિલ્મે ફેમસ કરેલા અનોખા શહેરની ભૂમિ પર પગ મૂક્યો અને વધુ એક દેશ અમારા ટ્રાવેલ મિશનમાં સમાવિષ્ટ થઈ ગયો. અમે સવારે જ પહોંચવાનાં હતાં, જેથી સાંજે `એટલાંટિક ઓશન વ્યુ’ ધરાવતી એક સારી ફાઈન ડાઈનિંગ રેસ્ટોરાંમાં બુકિંગ કર્યું હતું. હવે હોટેલ ચેક-ઈન સુધી શું કરવાનું તેની ચર્ચા કરતાં અમે બેગેજ બેલ્ટ પર ઊભાં હતાં અમારી બેગ્સની પ્રતિક્ષામાં. થોડા સમય પછી અમારા ધ્યાનમાં આવ્યું કે તે બેગેજ બેલ્ટ પરની ગિરદી ઓછી થઈ છે અને અમારામાંથી એકેયની બેગ આવી નથી. દુનિયાના પ્રવાસમાં અમુક વાર અમારી બેગો આ રીતે મોડેથી આવવાની અથવા ગેરવવ્લે થવાની ઘટનાઓ બની હોવાથી અમે મેંટલી તે તુરંત સ્વીકાર્યું. જોકે અમારા ફ્રેન્ડ્સને, તેઓ યુરોપ અમેરિકા ઈન્ગ્લેન્ડની ટ્રિપ્સ વર્ષમાં અનેક વાર કરતા હોવા છતાં ક્યારેય આવી બેગ મિસપ્લેસ્ડ થવાની ઘટનાનો સામનો કરવાનો વારો આવ્યો નહોતો. તેમને માટે આ નવું હતું. `અબ ક્યા કરને કા?’ આ પ્રશ્નએ અમને બધાને પરેશાન કરી નાખ્યાં હતાં. સુધીર શાંતિથી ઓર્ગેનાઈઝરની ભૂમિકામાં આવી ગયો. આદતથી મજબૂર, બીજું શું? બધાએ મળીને કમ્પ્લેઈન્ટ નોંધાવી. `બેગ આવતીકાલની ફ્લાઈટથી રાત્રે પહોંચશે કદાચ. તમારે પોતે આવીને જોવું પડશે. અમે બેગ હોટેલમાં ડિલિવર કરતા નથી.’ આ બીજો આંચકો પચાવીને હેન્ડબેગ અને પર્સ લઈને અમે એરપોર્ટની બહાર આવ્યાં. હમણાં સુધી એરલાઈન્સની બહુ ટીકા કરવામાં આવી હતી. આ સાથે `સુધીર, તુમ ઈતને શાંત કૈસે રહ સકતે હો?’ આ સવાલજવાબ પણ થઈ ગયા હતા.

હવે ખરેખર તો અહીંથી અમારી ટુર શરૂ થવાની હતી, પરંતુ શરૂઆતમાં જ એક અણધાર્યો વળાંક આવ્યો હતો. એક બાજુ થોડું ચીડચીડિયાપણું, થોડી અસ્વસ્થતા તો બીજી બાજુ `ચલો, દેખતે હૈં આગે ક્યા હોતા હૈ’ એવો પ્રવાસી એટિટ્યુડ એટલે ફક્ત પ્લાન પ્રમાણે બધું થાય જ એવું નથી હોતું ને? તો આવા નાનામોટા અણધાર્યા પ્રસંગોથી જ પ્રવાસ રંગતદાર થાય છે. એરપોર્ટની બહાર આવ્યાં તેમ ઠંડી હવાએ અને નવા દેશના વાતાવરણથી મન થોડું પ્રસન્ન થયું. બેગ નહીં હોવા છતાં ઉત્સાહ ઓછો નહીં થવો જોઈએ એવું અમે પોતાને જ મનાવી લેતાં હતાં. આમ પણ કયારેક ક્યારેક આવી નાની મુશ્કેલીઓ જ પ્રવાસને અલગ ટિવસ્ટ આપે છે અને આગળ જતાં આ જ યાદોમાં સૌથી વધુ રંગ ભરે છે.

સુધીરે કહ્યું, `બેગ આવી નથી એ સત્ય છે. તે સ્વીકારીએ અને આગળ જઈએ. તેના ફાયદા જુઓ. ચેક-ઈન સુધી શું કરવાનું એવો આપણા બધાને પ્રશ્ન હતો તેનો ઉકેલ આવી ગયો, કારણ કે સૌપ્રથમ આપણે એકાદ શોપિંગ મોલ અથવા યુનિક્લો જેવો સ્ટોર શોધવો પડશે, જ્યાં એક જ ઠેકાણે બધું મળશે. બીજું, આજે રૂમમાં આપણે સડાફટિંગ જઈશું, જેથી બેગ ખોલવાનો – સમુંસૂતર કરવાનો પ્રશ્ન નહોતો. લેસ લગેજ મોર કમ્ફર્ટસ.’ બધાએ સુધીરને કોણીથી હાથ જોડીને દંડવત કર્યા. એરપોર્ટથી હોટેલ માર્ગમાં એક સેન્ડવિચ પર બપોરની ભૂખ સંતોષીને અમે હોટેલમાં પહોંચ્યાં. અમારા બેગલેસ  ગ્રુપને જોઈને ફ્રન્ટ ડેસ્ક પરના લોકો છક થઈ ગયાં. રૂમ પર જઈને ફ્રેશન-અપ થઈને અમે બહાર નીકળ્યાં. એક મોટા મોલનો રસ્તો પકડ્યો જ્યાં અમને યુનિક્લો હોવાનું ગૂગલ પર દેખાતું હતું. અડધા કલાકના પ્રવાસ પછી અમે ત્યાં પહોંચ્યાં. આખો મોલ ભટક્યાં, પણ યુનિક્લોનો કોઈ પત્તો નહીં લાગ્યો. ગૂગલ ચૂકી ગયો હતો. બધાએ ત્યાંના અમુક સ્ટોર્સમાંથી જોઈએ તેટલી જરૂરી વસ્તુઓ લીધી અને અમે શોપિંગની બેગ્સ લઈને ફાઈન ડાઈનિંગ રેસ્ટોરાંમાં પહોંચ્યાં. ખાસ કરીને આ ઈવનિંગ માટે લાવેલાં અમારાં કપડાં મોટી બેગમાં અટકી જવાથી અમે બધાં તે ફાઈન ડાઈનિંગ રેસ્ટોરાંમાં `ડોન્ટ લાફ એટ અસ, વી હેવ મર્સિડીઝ બેક ઈન ઈન્ડિયા’ કહીને અમારા તે સિંપલ પોશાક સાથે અતિસુંદર સી-વ્યુવાળા ટેબલ પર બિરાજમાન થયાં. હવે આપણો પહેરવેશ ભૂલી જવાનો અને ખાવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વિચારીને રીતસર ખાવાનું ઝાપટી નાખ્યું.

બીજા દિવસે સવારે નીકળીને અમે ફેઝ પર પહોંચ્યાં. પ્રવાસ મોટો હતો, આખો દિવસ હતો અને આવ્યા પછી એરપોર્ટ પર જવાનું હતું, બેગ આવી છે કે કેમ તે જોવા માટે. ફેઝમાં અમે ખાધું, ખાવાનું સ્વાદિષ્ટ હતું. જોકે અમારા સાઉથ ઈન્ડિયન તમિલિયન ફ્રેન્ડ્સને દહીંભાત યાદ આવ્યા. હજુ બાર દિવસ મોરોક્કન ભોજન સાથે નિભાવવાનું હતું. મને અમારી ટુર પરના પર્યટકોના કિસ્સા યાદ આવવા લાગ્યા. ગમે તેટલું ઓથેંટિક લોકલ ફૂડ હોવા છતાં દાળભાત અને દહીંની યાદ એંશી ટકા ભારતીયોને આવે જ છે. `અરે મૈને થેપલા લાયા હૈ લેકિન વો બેગ મેં હૈ નં, હોપ સો આજ બેગ આ રહી હૈ!’ અમારી પાડોશી ગીતા બોલી.

ફેઝ પરથી આવતી વખતે રાત્રે 10.00 વાગ્યા, એરપોર્ટ પર પહોંચ્યાં. ડિનર સ્કિપ કરવું પડ્યું, કારણ કે બેગ મહત્ત્વની હતી. એરટેગ પર અડધા લોકોની બેગો આવતી દેખાતી હતી અને અડધાની નહીં. આ સ્થિતિ ગંભીર હતી. ગઈકાલે બધાની બેગો નહીં આવવાથી તે ચિંતામાં પણ બધા ખુશ હતા, કારણ કે બધા જ તે મુશ્કેલીનો સામનો કરતા હતા. આજે આ રીતે અડધું થયું તો `અન્યની બેગ આવી, પરંતુ મારી આવી નહીં’ તેનું દુઃખ થવાનું હતું. સદનસીબે બધાની બેગ આવી હતી મારી એક બેગ સિવાય. સારું થયું મારી જ બેગ રહી ગઈ. આમ પણ હું આવી બાબતોથી યુઝ્ડ-ટુ હતી.

બેગ જોઈને બધાના ચહેરા પર આનંદ દેખાતો હતો. `બેગો આવી!’ એ ભાવના જ જાણે તે દિવસનો ક્લાયમેક્સ હતો. જોકે મારી બેગ નહીં આવવાથી બધાની નજર આપોઆપ મારા તરફ વળી. `તને દુઃખ થતું નથી?’ એવો પ્રશ્ન તેમની આંખોમાં હતો. અને ખરેખર કહું તો તે ક્ષણે મને પોતાને જ મહેસૂસ થયું કે પ્રવાસે આપણને ખરેખર કેટલું બધું શીખવ્યું છે. અમુક બાબતો આપણા હાથમાં હોતી નથી અને તેની પર ગુસ્સો કરવાને બદલેતે સ્વીકારીને આગળ જવાનું એ જ આસાન હોય છે એ પ્રવાસે સૌથી મોટો પાઠ શીખવ્યો હતો. મારા માટે આ નવું નહોતું, પરંતુ અમારા ફ્રેન્ડ્સ માટે તે એક શીખવાનો અનુભવ હતો. `એકાદ બાબત બને ત્યારે તેમાં અટવાઈ નહીં રહેતાં હવે આગળ શું?’ તેની પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પ્રવાસ આપણને શીખવે છે. અને ખરેખર કહીએ તો આ બેગની બાબતને લીધે અમારી ટ્રિપને એક અલગ જ રંગ ચઢ્યો હતો. હવે પછી શું થશે? તેની ઉત્સુકતા બધાના મનમાં હતી. પ્રવાસમાં આવી નાની `ગડબડ’ જ તો આગળ જઈને બધાની મજેદાર યાદો બને છે નહીં?

બેગ લઈને અમે એરપોર્ટની બહાર નીકળ્યાં. બહુ ભૂખ લાગેલી હતી. ગીતાએ અમારી કાર આવે ત્યાં સુધી વાટ જોઈ નહીં. `મેરી બેગ- મેરા થેપલા’ એવા ઉત્સાહમાં થેપલાનાં પેકેટ્સ બહાર કાઢ્યાં. કારમાં બેઠાં બેઠાં અમે બધાએ તે થેપલા અને ચટણી અથાણા એવા ઝાપટ્યા કે પૂછો જ નહીં. આપણું સ્ટેટસ, આપણી પોઝિશન… બધું જ તે થેપલા સામે ભૂલી ગયાં હતાં. બેગ મળવા કરતાં થેપલા મળ્યા અને તે ખાવાનો આનંદ વધુ હતો.

મને યાદ છે કે ત્રણેક વર્ષ પૂર્વે અમે સમધી-સમધન જાપાનમાં ગયાં હતાં નીલ હેતા સાથે. હેતાના સિંગાપોરનાં મામા મામી પણ જોડે હતાં. આ બધા ગુજરાતી, જાપાનમાં ખાવામાં મુશ્કેલી નહીં પડે તે માટે તે બંને કપલ્સે થેપલા અને અન્ય પદાર્થોની બે મોટી બેગ જોડે લીધી હતી. વચ્ચે જ `આજે અમને ડિનર કરવું નથી’ કહીને તેઓ કલટી મારીને રૂમમાં થેપલા અને અન્ય પણ ઘણા બધા ગુજરાતી ખાદ્યપદાર્થો ઝાપટતાં હતાં. અમને પણ વચ્ચે જ તે જાપાની ખાદ્યનો કંટાળો આવે એટલે થેપલા મગાવી લેતાં હતાં. ગયા વર્ષે નીલ, હેતા, રાયા અને તેને સંભાળતી સિસ્ટર શાયની સ્પેનમાં દસ દિવસ જઈ આવ્યાં. કેરલાઈટ સિસ્ટરે પચાસથી વધુ થેપલા જોડે લીધા હતા, `મુઝે નહી જમતા હૈ રોજરોજ વો પિઝ્ઝા પાસ્તા’ એમ કહીને.

`થેપલા’ પર્યટકોના પ્રવાસમાં એક અનિવાર્ય ઘટક નીવડ્યું છે. યુરોપ અમેરિકામાં આપણા બાળકોને અથવા સંબંધીઓને મળવા જનારની બેગમાં `થેપલા’ નહીં હોય એવું બને જ નહીં. વિમાનમાંની બેગોના વજનમાં થેપલાનું વજન દુર્લક્ષિત કરવા જેવું નથી. ગુજરાતી વ્યાવસાયિક અગાઉ કામ નિમિત્તે બહાર જતા ત્યારે ખાવાની મુશ્કેલી નહીં થાય તે માટે તેમને થેપલા બાંધી અપાતા હતા. સેંકડો વર્ષ પૂર્વે તેની શરૂઆત થઈ હશે, પરંતુ આજે પણ થેપલાનું મહત્ત્વ જરાય ઓછું થયું નથી. ઊલટું, થેપલા મોટો ઉદ્યોગ બની ગયો છે. અત્યંત સુંદર પેકેટ્સમાં થેપલા મળે છે અને આપણી ટ્રાવેલ બેગનો મહત્ત્વનો ભાગ બને છે. મહારાષ્ટ્રિયન, બંગાળી, તમિળ, કેરલિયન આ બધાને થેપલા એકત્ર લાવે છે એવું હું કહીશ. અગાઉ અમે પણ પર્યટકોને સ્નેક પેકેટ્સમાં થેપલા આપતાં,પરંતુ કોવિડ પછી અમે તે બંધ કર્યું અને લોકલી મળતા સ્નેક્સ પર ભાર આપ્યો, કારણ કે જ્યાં જઈએ ત્યાં ત્યાંનું કાંઈક ટેસ્ટ કરવું જોઈએ એવો વિચાર તેની પાછળ હતો. દેશમાંથી દુનિયામાંથી ક્યાંયથી જોઈન થનારા પર્યટકોની વધતી સંખ્યા અને વિમાનના વજનની મર્યાદાને લીધે અગાઉની જેમ હવે ટુર મેનેજર સાથે પણ તે આપી શકાય નહીં. પર્યટકો પણ હેલ્ધી ફૂડ્સની પાછળ પડ્યા છે. તેલમાં તળેલી વસ્તુઓ પર પ્રશ્નચિહન ઊભું થઈ રહ્યું છે. ભારતભરમાં અને દુનિયાભરમાં ઘણા બધા પર્યટકોને અમે અગાઉ આપતા તે સ્નેક્સ આઉટડેટેડ લાગવા માંડ્યાં, જેથી કોવિડમાં સેફ્ટી તરીકે બંધ થયેલાં સ્નેક પેકેટ્સની સંકલ્પના અમે બંધ જ રાખી. જોકે પર્યટકોને અમે કહીએ છીએ કે તમે જોઈએ તે સ્નેક્સ જરૂર જોડે રાખો. તેમાં અન્ય પદાર્થો સાથે થેપલા પણ રાખો, કારણ કે `થેપલા ઈઝધ અલ્ટિમેટ ફૂડ!’ તે ફક્ત એક ખાદ્યપદાર્થ નથી,પરંતુ તે આપણા પ્રવાસનો એક ભાવનાત્મક સાથીદાર છે. તે આપણને આપણે ક્યાંથી આવ્યાં છીએ તેની યાદ અપાવે છે. વિદેશમાં ધમધમતા શહેરમાં, એકાદ હોટેલના રૂમમાં કે એકાદ લાંબા પ્રવાસમાં અચાનક બેગમાંથી બહાર આવેલા થેપલા એટલે જાણે આપણા ઘરનું એક નાનું દ્વાર ખોલવા જેવું લાગે છે, કારણ કે આ થેપલામાં ફક્ત સ્વાદ નથી હોતો, પરંતુ તેમાં ઘરનો સ્પર્શ હોય છે, પરિચિતનો સુગંધ હોય છે અન એક અલગ જ સુરક્ષિતતાની ભાવના હોય છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં હોઈએ તો પણ આપણા પદાર્થનો એક કોળિયો ખાઈએ તો પણ આપણે `આપણા લોકોમાં’ પાછા આવ્યાં છીએ એવું લાગે છે. આથી જ કદાચ દરેક ભારતીય પ્રવાસી પોતાની બેગમાં થોડું પણ `ઘરનું’ લઈને જ ફરતાં હોઈએ છીએ. ક્યારેક લાડવા હોય તો ક્યારેક અથાણાની નાની બરણી હોય છે. અને મજાની વાત એ છે કે આ નાનીનાની બાબતો જ વિદેશમાં ગયા પછી આપણને સૌથી મોટી લક્ઝરી લાગે છે. ફાઈન ડાઈનિંગ, એક્ઝોટિક ક્યુઝિન, સુંદર રેસ્ટોરાં આ બધું જ પોતાની જગ્યા પર પરંતુ એકદ રાત્રે ફરીને થાક્યા પછી હોટેલ રૂમ પર પાછા આવ્યા બાદ આપણા લોકો સાથે બેસીને ઘરનું કશુંક ખાવાનો આનંદ જ અલગ હોય છે. તે રાત્રે કારમાં બેસીને થેપલા ખાતી વખતે હોટેલ પર જતી વખતે અમને એક બાબત ફરીથી જણાઈ કે આધુનિક પ્રવાસ ગમે તેટલો ગ્લોબલ થાય છતાં મન કાયમ `લોકલ’ જ રહે છે! આવી નાનીનાની બાબતો આપણને આપણા મૂળ સાથે જોડીને રાખે છે.આપણે નવા સ્વાદ અનુભવીએ છીએ, નવી સંસ્કૃતિ આત્મસાત કરીએ છીએ, પરંતુ તે છતાં આપણા સ્વાદનો, આપણી આદતનો એક નાનો ટુકડો આપણે જોડે લઈનેજ ફરીએ છીએ. આ નવા જૂનાનો સમતોલ સાધી શકાય તે જ પ્રવાસની ખરી સુંદરતા છે. આથી જ તમે પણ આ વખતે રજામાં ફરવા જશો ત્યારે તમારી બેગ પેક કરતી વખતે એક પ્રશ્ન પોતાને ચોક્કસ પૂછો, `હું દુનિયા જોવા જતી વખતે મારા ઘરનું શું લઈ જઈશ?’ કારણ કે અંતે પ્રવાસ ગમે તેટલો દૂરનો હોવા છતાં મનને આપણા લોકોમાં પાછું લાવવા એક `થેપલું’ કાયમ પૂરતું હોય છે.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)