નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધિત કરશે. લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પસાર ન થઈ શક્યા બાદ પીએમ મોદીનું આ સંબોધન થવાનું છે. શનિવારે થયેલી કેબિનેટ બેઠકમાં પણ પીએમ મોદીએ વિપક્ષના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે એટલું સુધી કહ્યું હતું કે આ ભૂલની રાજકીય કિંમત વિપક્ષને ચૂકવવી પડશે. હવે આજે રાત્રે 8:30 વાગ્યે તેમનું સંબોધન થવાનું છે.
લોકસભામાં મહિલા આરક્ષણ સુધારા બિલ સંબંધિત 131મું બંધારણીય સુધારા વિધેયક પસાર થઈ શક્યું નહોતું. આ વિધેયક પર સતત બે દિવસ ચર્ચા થઈ હતી. ત્યાર બાદ શુક્રવારે સાંજે થયેલા મતદાનમાં આ વિધેયક પડી ગયું. આ સુધારા વિધેયકના સમર્થનમાં 298 સાંસદોએ મત આપ્યો હતો જ્યારે વિરોધમાં 230 મત પડ્યા હતા.
લોકસભામાં બિલ કેમ પડી ગયું?
લોકસભામાં મહિલા આરક્ષણ સંબંધિત સુધારા વિધેયક પર કુલ 528 સાંસદોએ મતદાન કર્યું હતું. વિધેયક પસાર થવા માટે 326 મતની જરૂર હતી, પરંતુ સમર્થનમાં માત્ર 298 મત મળ્યા. તેથી બિલ પસાર થઈ શક્યું નહોતું.
Prime Minister Narendra Modi will address the nation at 8:30 PM tonight.@narendramodi | @PMOIndia pic.twitter.com/ispYCcwphi
— All India Radio News (@airnewsalerts) April 18, 2026
ભાજપનું વલણ
ભાજપ સતત પ્રેસ કોન્ફરન્સ કરીને વિપક્ષ પર નિશાન સાધી રહ્યો છે. ભાજપ નેતા સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે કોંગ્રેસ અને તેના સમર્થક દળોએ વર્ષોથી સંઘર્ષ કરતી મહિલાઓને 33 ટકા હક ન મળે તેવો જશ્ન મનાવ્યો છે. તેમણે કહ્યું કે મહિલાઓના અધિકારોથી તેમને વંચિત રાખવાનો પ્રયાસ થયો છે. ભાજપ માટે આ સત્તાનો પ્રશ્ન નથી, પરંતુ સમાન અધિકાર આપવાનો પ્રશ્ન છે.
આજે થયેલી કેબિનેટ બેઠક દરમિયાન વડા પ્રધાને વિપક્ષને એ માટે જવાબદાર ઠેરવ્યો અને કહ્યું હતું કે મહિલાઓના આરક્ષણ બિલને સમર્થન ન આપીને તેમણે મહિલાઓ વિરુદ્ધ કામ કર્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે વિપક્ષના આ વલણને મોટી ભૂલ ગણાવી અને ચેતવણી આપી કે ભવિષ્યમાં તેમને તેની રાજકીય કિંમત ચૂકવવી પડશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ સંદેશ દેશના દરેક ગામ સુધી પહોંચાડવો જોઈએ કે વિપક્ષ મહિલાઓ પ્રત્યે નકારાત્મક વિચારધારા રાખે છે.


