Home Blog Page 1268

શું RBIના નવા ગવર્નરનો એજન્ડા ફેબ્રુઆરીમાં વ્યાજદર કાપનો છે?

નવી દિલ્હીઃ રેવેન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નરપદનો ચાર્જ સંભાળી લીધો છે. તેમની ગવર્નર શક્તિકાંત દાસની જગ્યા નિમણૂક થઈ છે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. કેન્દ્રીય કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટીએ સંજય મલ્હોત્રાની RBIના 26મા ગવર્નર બનાવવા માટે લીલી ઝંડી આપી હતી.

મલ્હોત્રા દુવ્વુરી સુબ્બારાવ પછી પહેલા RBI ગવર્નર હશે, જે સીધા નોર્થ બ્લોક (નાણા મંત્રાલયની ઓફિસ)થી આવશે. ફાઇનાન્સ, ટેક્સેશન અને ITમાં નિષ્ણાત ગણાતા મલ્હોત્રા RBIના સેક્રેટરી તરીકે કામ કરી ચૂક્યા છે. તેમનો કાર્યકાળ અનેક પડકારોની વચ્ચે શરૂ થશે, જેમાં આર્થિક વિકાસને વેગ આપવો, મોંઘવારીને કાબૂમાં રાખવી અને એક્સચેન્જ રેટને સ્થિર રાખવાનો સામેલ છે.

તેમણે એવા સમયે કાર્યભાર સંભાળ્યો છે, જ્યારે દેશમાં આર્થિક પડકારો વધી રહ્યા છે. રિટેલ મોંઘવારીનો દર 6.2 ટકાએ (જે RBIના લક્ષ્યની ઉપર છે) પહોંચ્યો છે, જ્યારે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં GDP ગ્રોથ ઘટીને 5.4 ટકા થયો છે. ડિસેમ્બરમાં ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે RBIએ 2024-25 માટે મોંઘવારીનો અંદાજ 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કરી દીધો છે અને આર્થિક ગ્રોથનો અંદાજ સાત ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યો છે.

છેલ્લાં બે વર્ષોમાં RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો, પરંતુ હાલમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને, વેપારપ્રધાન પીયૂષ ગોયલ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ વ્યાજદરોમાં કાપની માગ કરી હતી. એ દરમ્યાન વ્યાજદરમાં કાપનો નિર્ણય નાણાં સચિવ સંજય મલ્હોત્રા માટે પડકારજનક રહેશે. એ સાથે બેન્કોમાં રોકડ તરલતાની અછતની એક મોટી સમયસ્યા બની ગઈ છે. હાલમાં સરકારી બેન્ક SBI હોય કે નાની ખાનગી બેન્ક- બધી બેન્કો રોકડની અછતનો સામનો કરી રહી છે.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની ઓફિસમાં કેમ પાડી પોલીસે રેડ?

દક્ષિણ કોરિયા: રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલની ઓફિસ પર પોલીસે દરોડા પાડ્યાના સમાચાર સામે આવ્યા છે. આ પહેલા 9મી ડિસેમ્બરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ પર દેશ છોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. દેશના ન્યાય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ યૂનને માર્શલ લો જાહેર કરવા બદલ તેમની સામે તપાસ શરૂ કરવામાં આવી છે. જેના કારણે તેમને વિદેશ પ્રવાસ કે દેશ છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.દક્ષિણ કોરિયાની સ્થાનિક સમાચાર એજન્સી યોનહાપના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિની ઓફિસમાં દરોડાનો હેતુ માર્શલ લો જાહેર કરવામાં યુન સુક યેઓલની ભૂમિકા નક્કી કરવાનો છે. જો તેમનો નિર્ણય બળવા સમાન સાબિત થશે તો આ ગુનામાં તેમને મૃત્યુ દંડની પણ થઈ શકે છે. દક્ષિણ કોરિયા પોલીસના વિશેષ તપાસ એકમે રાષ્ટ્રપતિ કાર્યાલય અને અન્ય એજન્સીઓ સાથે મળીને આ દરોડા પાડ્યા હતા.દક્ષિણ કોરિયાના ન્યાય મંત્રાલય અનુસાર યુન સુક યેઓલે માર્શલ લૉ લાદીને એક અઠવાડિયાથી ઓછા સમયમાં દેશને અરાજકતામાં નાખી દીધો હતો. યુનને સત્તા પરથી હટાવવા માટે વિપક્ષ ફરી એકવાર તેમની વિરુદ્ધ સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે.યુને અચાનક 3 ડિસેમ્બરની રાત્રે લશ્કરી કાયદો જાહેર કર્યો અને સંસદમાં વિશેષ દળો અને હેલિકોપ્ટર મોકલ્યા. વિપક્ષની સાથે તેમની પાર્ટીના સાંસદોએ તેમના આદેશને ફગાવી દીધો અને તેમને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પાડી. રાષ્ટ્રપતિ યુનને મહાભિયોગનો સામનો કરવો પડ્યો હતો અને હવે તેઓ તેમના નિર્ણય પર ફોજદારી તપાસનો સામનો કરી રહ્યા છે. વિપક્ષે યુન સાથે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન કિમ યોંગ-હ્યુન અને અન્ય આઠ અધિકારીઓ સામે ‘બળવા’નો ભાગ હોવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સાથે સત્તાવાળાઓએ પૂર્વ સંરક્ષણ પ્રધાનની ધરપકડ પણ કરી છે.

જ્યારે દિલીપ કુમાર માટે હિટ ફિલ્મો બની હતી સજા, કેમ કહેવાયા ટ્રેજેડી કિંગ?

મુંબઈ: દિલીપ કુમાર હિન્દી સિનેમાના તે સ્ટાર છે, જે આજે ભલે આ દુનિયામાં ન હોય પરંતુ તેમના પાત્રો દ્વારા તેઓ આજે પણ દર્શકો અને તેમના ચાહકોના દિલમાં જીવંત છે. દિલીપ કુમાર એવા કેટલાક સિતારાઓમાંના એક હતા જેમણે જીવતા દર્શકોને માત્ર દિવાના જ રાખ્યા ન હતા પરંતુ આ દુનિયા છોડીને પણ પોતાની લોકપ્રિયતા જાળવી રાખી હતી. આજે 11મી ડિસેમ્બરે દિલીપ કુમારની 102મી જન્મજયંતિ છે. પોતાના લાંબા ફિલ્મી કરિયરમાં અભિનેતાએ ઘણી હિટ અને સુપરહિટ ફિલ્મો આપી. દિલીપ કુમાર વિશે એક વાત જાણીતી હતી કે તેઓ હંમેશા એવી ફિલ્મો પસંદ કરતા હતા જે તેમની અભિનય ક્ષમતા સાથે ન્યાય કરી શકે. આજે દિલીપ કુમારની જન્મજયંતિ છે, આ અવસર પર અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ છીએ.

દિલીપ કુમારનો જન્મદિવસ
દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ બ્રિટિશ રાજ દરમિયાન પેશાવરમાં થયો હતો, જે હવે પાકિસ્તાનમાં છે. તેનું અસલી નામ મોહમ્મદ યુસુફ ખાન હતું, જે પેશાવરથી પુણે ડ્રાય ફ્રુટ્સ સપ્લાય કરવા આવ્યા હતા. દિલીપ કુમારને શરૂઆતથી જ અભિનયમાં રસ હતો, તેથી તેમને અભિનય કરવાની તક મળતા જ તેમણે તેમના પિતાની ઈચ્છા વિરુદ્ધ જઈને અભિનયનો માર્ગ પસંદ કર્યો. તેમની પહેલી ફિલ્મ ‘જ્વાર ભાટા’ હતી. ફિલ્મ નિર્માતાએ તેમનું નામ દિલીપ કુમાર રાખ્યું, જે પાછળથી તેમની ઓળખ બની.

ફિલ્મોમાં પ્રવેશતાની સાથે જ તેણે સફળતા દેખાડવાનું શરૂ કર્યું. પોતાના કરિયરમાં તેમણે ‘અંદાજ’, ‘બાબુલ’, ‘દીદાર’, ‘દેવદાસ’, ‘મધુમતી’, ‘મુગલ-એ-આઝમ’, ‘નયા દૌર’, ‘રામ ઔર શ્યામ’ અને ‘મધુમતી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેમણે અનેક ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો હતો. તેમની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં તેણે એવી ફિલ્મો આપી જે તેને તેની કારકિર્દીની ઉંચાઈ પર લઈ ગઈ. બધું બરાબર ચાલતું હતું, પણ પછી એવું શું થયું કે તેને ‘ટ્રેજેડી કિંગ’ કહેવામાં આવે છે?

દિલીપ કુમારને ટ્રેજેડી કિંગ કેમ કહેવામાં આવ્યા?
તમે ઘણા કલાકારોને એમ કહેતા સાંભળ્યા હશે કે તેઓએ ભજવેલા પાત્રોની અસર તેમના પર પડી હતી. દિલીપ કુમાર સાથે પણ કંઈક આવું જ થયું. તે 50નો દશક હતો અને અભિનેતાનું સ્ટારડમ તેની ટોચ પર હતું. વાસ્તવમાં, દિલીપ કુમારે 50ના દાયકામાં જે પણ ફિલ્મોમાં કામ કર્યું હતું, તેમાં તેમણે ગંભીર પાત્રો ભજવ્યા હતા, જેના કારણે તેમને ટ્રેજેડી કિંગ કહેવામાં આવ્યું હતું. દિલીપ કુમારને ખૂબ જ ઉંચાઈએ લઈ જનાર ફિલ્મોના કારણે તેઓ લાંબા સમય સુધી ડિપ્રેશનમાં રહ્યા, જેનો ખુલાસો તેમણે પોતે કર્યો.

જ્યારે સમય આવ્યો ત્યારે મનોચિકિત્સક સાથે વાત કરી
દિલીપ કુમાર એક સમયે એવી સ્થિતિમાં પહોંચી ગયા કે તેમને મનોચિકિત્સકની સલાહ લેવી પડી. મનોચિકિત્સકે તેને કોમેડી ફિલ્મો કરવાની સલાહ આપી જેથી તે ગંભીર ભૂમિકાઓમાંથી બહાર આવી શકે.

ગુજરાતમાં પ્રદૂષણ વધતા ફેફસાની બીમારીના દર્દી વધ્યા

અમદાવાદ: ગુજરાતમાં તહેવારોની સિઝન પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ તહેવારોની સાઈડ ઈફેક્ટ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. દિવાળી અને નવરાત્રિના તહેવારો દરમિયાન ગુજરાત સહિત દેશમાં પ્રદૂષણના પ્રમાણમાં પણ ઉતરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઓક્ટોબર અને નવેમ્બર સહિતના બે માસમાં અમદાવાદ સહિત ગુજરાતમાં પ્રદુષણનું પ્રમાણ વધતા ફેફસાના દર્દીઓમાં વધારો નોંધાયો છે. 108 એમ્બ્યુલન્સ સર્વિસમાં નોંધાયેલા દર્દીઓની સંખ્યા મુજબ અમદાવાદમાં 32 ટકાનો અને સમગ્ર ગુજરાતમાં 38 ટકાનો વધારો થયો છે.

અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ગત વર્ષે ઓક્ટોબરમાં શ્વાસ લેવાની તકલીફના 2267 દર્દી નોંધાયા હતા અને જે આ વર્ષે ઓક્ટોબરમાં વધીને 3201 થયા હતા.આમ 41.20 ટકા વઘ્યા છે. જ્યારે ગત વર્ષે નવેમ્બરમાં 3201 દર્દી હતા જે આ વર્ષે નવેમ્બરમાં વધીને 2631 થયા છે. આમ 22.26 ટકા વઘ્યા છે. ગત વર્ષે અમદાવાદમાં બે માસ(ઓક્ટોબર-નવેમ્બર)માં નોંધાયેલા કુલ 4419 ફેફસાના દર્દીઓ સામે આ વર્ષે બે માસમાં( ઓક્ટોબર-નવેમ્બર) 5832 દર્દી નોંધાયા છે. આમ અમદાવાદમાં 31.98 ટકાનો ફેફસાના દર્દીમાં વધારો થયો છે. જ્યારે ગુજરાતભરમાં 2023ના બે માસ ઓક્ટોબર અને નવેમ્બરની વાત કરીએ તો  શ્વાસ લેવાની તકલીફ સાથે નોંધાયેલા દર્દી ઓક્ટોબરમાં 8602 અને નવેમ્બરમાં 8149 હતા.જે 2024માં અનુક્રમે વધીને 12351 અને 10789 થયા હતા.આમ  ગત વર્ષના ઓક્ટોબર માસની સરખામણીએ આ વર્ષે ઓક્ટોબરમાં 43.58 ટકા અને નવેમ્બરમાં 32.40 ટકા દર્દી વઘ્યા છે. જ્યારે આ બે માસમાં ગત વર્ષે ગુજરાતમાં કુલ 16751 દર્દી નોંધાયા હતા અને જે આ વર્ષે વધીને 23140 થયા છે. આમ ગુજરાતમાં સરેરાશ 38.14 ટકા દર્દી વઘ્યા છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં: કેજરીવાલ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં સાથે મળીને ચૂંટણી લડવાની કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંભાવનાઓને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે સંપૂર્ણ રીતે ખતમ કરી દીધી છે. બંને પક્ષો વચ્ચે વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનની ચર્ચા જારી હતી, પરંતુ હવે કેજરીવાલે કહ્યું હતું કે આપ પાર્ટી એકલા જ ચૂંટણી મેદાનમાં ઊતરશે અને કોઈ પ્રકારનું ગઠબંધન નહીં થાય.

ભૂતપૂર્વ CM કેજરીવાલે X પર પોસ્ટ કર્યું હતું કે AAP દિલ્હીમાં એકલા જ ચૂંટણી લડશે, કોંગ્રેસ સાથે ગઠબંધનની કોઈ સંભાવના નથી.

અગાઉ માહિતી મળી હતી કે કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન માટે સમજૂતી અંતિમ તબક્કામાં છે. કોંગ્રેસને 15 બેઠકો મળી શકે છે અને અન્ય INDIA ગઠબંધન સભ્યોને 1 કે 2 બેઠકો મળી શકે છે. બાકીની બેઠકો પર આમ આદમી પાર્ટી પોતે ચૂંટણી લડશે. પરંતુ હવે AAP એ ચિત્ર સ્પષ્ટ કર્યું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે

દિલ્હીમાં ગઠબંધનને લઈને INDIAના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. આ પછી જ બુધવારે કેજરીવાલે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ સોમવારે તેના 20 ઉમેદવારોની યાદી જાહેર કરી. આ પહેલાં AAPએ તેના 11 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.

દિલ્હીમાં 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને માત્ર ત્રણ બેઠકો મળી હતી. ખાસ વાત એ છે કે કોંગ્રેસને દિલ્હીમાં એક પણ બેઠક મળી નહોતી. જ્યારે 2020માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં, AAPને 70 માંથી 62 બેઠકો મળી, જ્યારે ભાજપે 8 બેઠક અને કોંગ્રેસનું તો ખાતું જ ખૂલ્યું નહોતું. હવે જોવું એ રહ્યું કે જો આ વખતે પણ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડે છે તો તેને કેટલી બેઠક મળશે.

‘ગદર 2’ એક્ટર મુશ્તાક ખાનનું અપહરણ, UPમાં ફરિયાદ નોંધાઈ

મુંબઈ: ફિલ્મ કલાકાર મુશ્તાક ખાનના અપહરણનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં બિજનૌર પોલીસે અપહરણકર્તાઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ફિલ્મ કલાકાર મુસ્તાક ખાનનું 20 નવેમ્બરે દિલ્હી-મેરઠ હાઈવે પરથી અપહરણ કરવામાં આવ્યું હતું. તે મેરઠમાં એક કાર્યક્રમમાં આવી રહ્યા હતા ત્યારે તેનું કેબમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસને આપેલી ફરિયાદમાં અપહરણ બાદ કલાકારના મોબાઈલ ફોનમાંથી બળજબરીથી પૈસા પડાવી લેવાયા હોવાનું જાણવા મળ્યું છે. ઇવેન્ટ મેનેજર શિવમ યાદવની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે અપહરણ, બંધક બનાવવા, ખંડણી માંગવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો નોંધ્યો છે.

ઇવેન્ટ મેનેજરે ફરિયાદ નોંધાવી હતી

વાસ્તવમાં, બિજનૌર પોલીસ સ્ટેશન કોતવાલી શહેર પોલીસે અભિનેતા મુશ્તાક ખાનના ઇવેન્ટ મેનેજરની ફરિયાદ પર કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, અભિનેતા મુસ્તાક ખાનને મેરઠના રહેવાસી રાહુલ સૈની નામના વ્યક્તિએ વરિષ્ઠ લોકોના સન્માન માટે એક કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું. આ માટે તેણે કલાકાર મુશ્તાકને 50 હજાર રૂપિયા એડવાન્સ આપ્યા હતા. 20 નવેમ્બરે કલાકાર મુસ્તાક ખાન મુંબઈથી ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચ્યા હતા. અહીં મુસ્તાક ખાનનું દિલ્હી એરપોર્ટથી મેરઠ આવતી વખતે હાઈવે પર અપહરણ કરવામાં આવ્યું હતું.

અપહરણ બાદ અપહરણકારોએ તેની પાસેથી ખંડણીની માંગણી કરી અને કલાકારને બળજબરીથી બિજનૌર લઈ જઈને પૈસા વસૂલ્યા. આ દરમિયાન તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો. જો કે, અભિનેતાએ કોઈક રીતે બદમાશોના ચુંગાલમાંથી પોતાને છોડાવ્યો અને ત્યાંથી ભાગી ગયો. હવે આ મામલામાં અભિનેતાના મેનેજર શિવમ યાદવ આજે બિજનૌર પહોંચ્યા અને સિટી કોતવાલી પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી. બિજનૌરને ઘટના સ્થળ માનીને પોલીસે શિવમ યાદવની ફરિયાદ પર અપહરણ અને ખંડણીનો કેસ નોંધ્યો છે. જો કે પોલીસે હવે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

આલિયા-રણબીરથી લઈને કરીના-કરિશ્મા PM મોદીને મળવા પહોંચ્યા,શું છે ખાસ કારણ?

મુંબઈ: રાજ કપૂરને બોલિવૂડના શોમેન કહેવામાં આવે છે. તેમણે હિન્દી સિનેમાને ઘણી સુપરહિટ ફિલ્મો આપી અને તેમના અભિનયથી ભારતીય સિનેમા પર અમીટ છાપ છોડી છે જે પ્રેક્ષકોને આજે પણ ગમે છે. રાજ કપૂરની 100મી જન્મજયંતિ 14મી ડિસેમ્બરે છે અને આ ખાસ દિવસની ઉજવણી માટે તેમનો પરિવાર ખાસ તૈયારીઓ કરી રહ્યો છે. કપૂર પરિવાર સમગ્ર ભારતમાં 40 શહેરો અને 135 થિયેટરોમાં રાજ કપૂરની 100 આઇકોનિક ફિલ્મોનું પ્રદર્શન કરીને ભવ્ય ઉજવણીની તૈયારી કરી રહ્યું છે.

આ દરમિયાન ભવ્ય પ્રસંગની ઉજવણી કરવા માટે કપૂર પરિવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યો હતો. કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, નીતુ કપૂર અને કરિશ્મા કપૂર બધા એક સાથે જોવા મળ્યા હતા. રાજ કપૂરની 100મી જન્મજયંતિ પર તેઓ વડાપ્રધાનને આ ખાસ અવસરનું આમંત્રણ આપવા ગયા હતાં.

કપૂર પરિવાર એરપોર્ટ પર જોવા મળ્યો હતો
આ પ્રસંગે સમગ્ર કપૂર પરિવાર પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યો હતો. નીતુ અને કરિશ્મા અનારકલીમાં જોવા મળ્યા હતા.જ્યારે કરીનાએ ફ્લોરલ પ્રિન્ટ સાથેનો લાલ સૂટ પહેર્યો હતો તો સૈફ અલી ખાન કુર્તા પાયજામામાં હંમેશની જેમ હેન્ડસમ લાગી રહ્યો હતો. રણબીરે કોર્ટ-સેટ પહેર્યો હતો અને આલિયાએ લાલ સાડી પહેરી હતી.તેમજ આદરના પિતા મનોજ જૈન સાથે આદર જૈન અને અનીસા મલ્હોત્રા પણ પરિવાર સાથે જોડાયા હતા.

રાજ કપૂરની 100મી જન્મજયંતિ
‘શોમેન’ રાજ કપૂરની 100મી જન્મજયંતિ હોવાથી કપૂર પરિવાર અને હિન્દી સિનેમા માટે આ ઉજવણીનો સમય છે. 14મી ડિસેમ્બરે રાજ કપૂરની 100મી જન્મજયંતિ છે. કપૂર પરિવારે રાજ કપૂરની ઘણી ફિલ્મોનું પુનઃપ્રદર્શન સાથે આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. રણબીરે NFDC, NFAI, તેના કાકા કુણાલ કપૂર અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન સાથે મળીને તેના દાદા રાજ કપૂરની ફિલ્મોને પુનઃસ્થાપિત કરવાના પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે.

13 થી 15 ડિસેમ્બર સુધી ઉત્સવનું આયોજન
રણબીર કપૂરે તાજેતરમાં IFFI ગોવા ખાતે કહ્યું હતું કે, ‘અમે અત્યાર સુધીમાં 10 ફિલ્મો કરી છે અને અમારે હજુ ઘણું કરવાનું બાકી છે. હું આશા રાખું છું કે તમે લોકો તેમનું કામ તપાસશે કારણ કે ઘણા લોકોએ તેનું કામ જોયું નથી. 13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી એક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે, જેમાં શોમેન રાજ કપૂરની જાણીતી ફિલ્મો બતાવવામાં આવશે.

વાહ ભાઈ વાહ! – ૧૧ ડિસેમ્બર ૨૦૨૪

ક્રિસ્પી ચીઝી પાઉં

પિઝાના સ્વાદવાળા ક્રિસ્પી ચીઝી પાઉં ઘરે જ ઓવન વગર કઢાઈમાં બની શકે છે! બને પણ છે ઝટપટ!

સામગ્રીઃ

  • કાંદો 1
  • ટામેટું 1
  • સિમલા મરચું 1
  • લીલું મરચું 1
  • બાફેલા કોર્ન ½ કપ
  • પનીર નાના ટુકડામાં સમારેલું ½ કપ
  • ઓરેગેનો પાઉડર 2 ટે.સ્પૂન
  • રેડ ચિલી ફ્લેક્સ 2 ટે.સ્પૂન
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • મોઝરેલા ચીઝ 1 કપ
  • ચીઝ સ્લાઈસ 3-4
  • ટોમેટો કેચ-અપ 2 ટે.સ્પૂન
  • ચાટ મસાલો ½ ટી.સ્પૂન
  • પિઝા સોસ
  • પાઉં 6
  • ઝીણી સમારેલી કોથમીર ½ કપ

ગાર્લિક બટરઃ

  • ઓગાળેલું માખણ 1 કપ
  • ઝીણું સમારેલું લસણ 3 ટે. સ્પૂન
  • ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • ઝીણી સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન

રીતઃ કાંદો, ટામેટું, સિમલા મરચું, લીલું મરચું વગેરે ઝીણાં ચોરસ ટુકડામાં સમારી લો. ચીઝ ક્યુબને ખમણી લો. આ દરેક સામગ્રી એક મોટા બાઉલમાં લઈ તેમાં ઓરેગેનો પાઉડર, રેડ ચિલી ફ્લેક્સ, કાળા મરી પાઉડર, મીઠું સ્વાદ મુજબ, ટોમેટો કેચ-અપ, ચાટ મસાલો વગેરે મિક્સ કરી લો.

એક સ્ટીલની ડિશને એલ્યુમિનિયમ ફોઈલ કવર કરીને તેની ઉપર માખણ અથવા તેલ  કે ઘી ચોપડી લો.

એક કઢાઈમાં 1 કપ જેટલું ખાવાનું મીઠું પાથરી ઉપર વાસણ મૂકવાનું સ્ટીલનું સ્ટેન્ડ મૂકીને, ઢાંકીને આ કઢાઈને ગેસની મધ્યમ તેજ આંચે 10 મિનિટ માટે ગરમ થવા દો.

ગાર્લિક બટર બનાવવા માટે બટર ઓગાળીને તેમાં સમારેલી કોથમીર, ઝીણું સમારેલું લસણ તેમજ ચિલી ફ્લેક્સ ઉમેરો.

પાઉંની આખી લાદી (6 પાઉં) લઈ તેને ચપ્પૂ વડે વચ્ચેથી બે ભાગમાં કટ કરી લો. પાઉંના નીચેના ભાગમાં પહેલાં ગાર્લિક બટર ચોપડી લો. ત્યારબાદ પિઝા સોસ લગાડીને તેને એલ્યુમિનિયમ ફોઈલવાળી ડિશમાં ગોઠવીને ઉપર મોઝરેલા ચીઝ ભભરાવી દીધા બાદ ઉપર તૈયાર કરેલો વેજીટેબલ મસાલો મૂકીને ચિલી ફ્લેક્સ તેમજ ઓરેગેનો ભભરાવી દો. હવે તેની ઉપર થોડું મોઝરેલા ચીઝ ભભરાવીને ફરીથી ઉપર ચીઝ સ્લાઈસ ગોઠવીને પાઉંનો બીજો ભાગ ગોઠવી દો. (ચીઝ જોઈતા પ્રમાણમાં ઓછું પણ લઈ શકાય) પાઉંની ઉપર ગાર્લિક બટર ચોપડી દો. આ ડિશને ગરમ કઢાઈમાં સ્ટેન્ડ ઉપર ગોઠવીને કઢાઈ ઢાંકી દો અને ગેસની ધીમી આંચે 15-20 મિનિટ થવા દો.

15 મિનિટ બાદ ચેક કરી જુઓ. જો પાઉંની અંદર ચીઝ ઓગળ્યું હોય તો ગેસ બંધ કરીને કઢાઈ નીચે ઉતારી લો. તૈયાર ક્રિસ્પી ચીઝી પાઉં ભાવતા સોસ સાથે પીરસો.

૧૧ ડિસેમ્બર ૨૦૨૪