Home Blog Page 1267

બે રાફેલ જ બંગલાદેશનું કામ તમામ કરી દેશેઃ સુવેન્દુ અધિકારી

કોલકાતાઃ બંગલાદેશમાં હિન્દુઓની વિરુદ્ધ જારી અત્યાચારને લઈને ભારતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. બંગલાદેશમાં થઈ રહેલી ઘટનાઓના વિરોધમાં બંગલાદેશની સરહદથી નજીક બશીરહાટમાં અનેક હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં બંગાળ ભાજપના અધ્યક્ષ સુવેન્દુ અધિકારીએ મોહમ્મદ યુનુસ સરકારને ધમકી આપતાં કહ્યું હતું કે માત્ર બે રાફેલ વિમાન બંગલાદેશનું કામ તમામ કરવા માટે કાફી છે.

તેમણે કહ્યું હતું કે પાડોશી દેશમાં સ્થિતિ વણસી રહી છે. બંગલાદેશ ભારત પર નિર્ભર છે, ભારત બાંગ્લાદેશ પર નિર્ભર નથી. સુવેન્દુએ કહ્યું કે જો ભારત 97 ઉત્પાદનો ન મોકલે તો બાંગ્લાદેશને ચોખા અને કપડાં નહીં મળે. તેમણે કહ્યું હતું કે જો ભારત ઝારખંડમાંથી ઉત્પાદિત વીજળી નહીં મોકલે તો ત્યાંના 80 ટકા ગામડાંઓને વીજળી નહીં મળે. તેમણે રાફેલ ફાઇટર એરક્રાફ્ટ મોકલવાની પણ ધમકી આપી દીધી હતી. તેમણે કહ્યું હતું કે હાસીમારામાં 40 રાફેલ વિમાન તહેનાત છે. માત્ર બે વિમાનો મોકલવાથી જ કામ ચાલી જશે.

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો સત્તાપલટો થયા બાદ બંગલાદેશમાં લઘુમતીઓ પર હુમલાની 88 ઘટનાઓ બની છે. તેમાંથી મોટા ભાગની ઘટનાઓ હિંદુ લઘુમતીઓ સાથે સંબંધિત છે, એમ વચગાળાની સરકારના ચીફ મુહમ્મદ યુનુસના પ્રેસ સચિવ શફીકુલ આલમે આ જાણકારી આપી છે. આમ બંગલાદેશે ખુદ સ્વીકાર્યું છે કે હિન્દુઓ પર હુમલાની 88 ઘટનાઓ બની છે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટનાઓના સંબંધમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ વચ્ચે ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ બંગલાદેશને લડાકુ વિમાન રાફેલની ધમકી આપી દીધી છે.

ગૂગલની સર્ચ લિસ્ટમાં અલ્જીરિયન બોક્સર ઈમાન ખલીફ ટોચ પર

વર્ષ 2024નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. ત્યારે આખા વર્ષ સ્પોટર્સ જતમાં કોનેનું ગૂગલમાં સૌથી વધુ સર્ચ થયુ તેની યાદી એથ્લેટ્સે જાહેર કરી છે. આ યાદીમાં અલ્જીરિયાની ટ્રાન્સજેન્ડર બોક્સર ઈમાન ખલીફ ટોચ પર છે. મતલબ કે આ વર્ષે તેને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો છે.

ગૂગલ સર્ચિંગમાં મહિલાઓને પંચ મારનાર ટ્રાન્સજેન્ડર બોક્સર ટોપ પર, પંડ્યા તો કોહલીને વટાવી ગયો 1 - image

ઈમાન ખલીફે પેરિસ ઓલિમ્પિક 2024માં બોક્સિંગની મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બાદમાં મેડિકલ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ખલીફ મહિલા નહીં પરંતુ પુરુષ છે. રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે, ઈમાન ખલીફાના શરીરના ઘણાં ભાગો પુરુષોના છે. ઈમાનમાં આંતરિક અંડકોષ અને XY રંગસૂત્રો છે, જે પુરુષોમાં જોવા મળે છે. આપને જણાવી દઈએ કે ગૂગલ પર સર્ચ કરવાની આ યાદીમાં ભારતનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા ટોપ-10 છે. હાર્દિક યાદીમાં સાતમાં સ્થાને છે. આ મામલે તેણે કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટર વિરાટ કોહલી અને ભૂતપૂર્વ મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ દીધા છે. માઈક ટાયસન બીજા સ્થાને અને સ્પેનિશ ફૂટબોલર લામિન યામલ ત્રીજા સ્થાને છે. યામલે લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પણ પાછળ છોડી દીધા છે. પ્રીતિ ઝિન્ટાની માલિકીની IPL ટીમ પંજાબ કિંગ્સનો સ્ટાર ઓલરાઉન્ડર શશાંક સિંહ આ યાદીમાં 9મું સ્થાન ધરાવે છે. તેણે ભારતીય ટીમ માટે હજુ ડેબ્યૂ પણ કર્યું નથી.

‘અકાય’એ Googleની ‘Year in Search 2024’ યાદીમાં મેળવ્યું સ્થાન

ફેબ્રુઆરી 2024માં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માના ઘરે દીકરાનો જન્મ થયો. આ સેલિબ્રિટી કપલે એમના બીજા બાળકનું નામ ‘અકાય’ રાખ્યું છે. વિરાટ અને અનુષ્કાએ એમના પુત્રના નામની જાહેરાત કરતા જ તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો હતો. આ અનોખા નામનો અર્થ જાણવા માટે લોકોમાં જબરદસ્ત ઉત્સુકતા હતી, આ જ કારણ હતું કે ‘અકાય’ને ગૂગલના ‘યર ઇન સર્ચ 2024’ની યાદીમાં સ્થાન મળ્યું.

શું છે ‘અકાય’નો અર્થ?

‘અકાય’ એક હિન્દી શબ્દ છે જેનું મૂળ ટર્કિશ છે. સંસ્કૃતમાં એનો અર્થ થાય છે “શરીર કે સ્વરૂપ વગર.” આ શબ્દ ‘કાયા’ પરથી આવ્યો છે, જેનો અર્થ શરીર થાય છે. આ અનોખા અર્થથી લોકોની ઉત્સુકતા વધી અને Google પર ‘Akay’ સર્ચ રેકોર્ડ સ્તરે પહોંચ્યું.

આ કીવર્ડ્સનો કર્યો ઉપયોગ

Google Trends અનુસાર, લોકોએ ‘Akay’ સંબંધિત ઘણા કીવર્ડ્સ સર્ચ કર્યા. જેમાં અકાય મીનિંગ હિન્દી, અકાય મીનિંગ ઈન હિન્દી, અકાય ઈન હિન્દી, મીનિંગ ઓફ અકાય, કોહલીનો સમાવેશ થાય છે. લોકોએ આ કીવર્ડ્સનો ઉપયોગ કરીને ખૂબ અકાયનો અર્થ શોધ્યો.

ગૂગલ સર્ચમાં ‘અકાય’..

ગૂગલના ‘યર ઇન સર્ચ 2024’માં ‘અકાય’ને ‘મીનિંગ’ કેટેગરીમાં બીજું સ્થાન મળ્યું છે. આ કેટેગરીમાં પ્રથમ સ્થાન “ઓલ આઈઝ ઓન રાફા” ને મળ્યું. ‘મીનિંગ’ કેટેગરીમાં ટોચના દસ ગુગલ સર્ચનો સમાવેશ થાય છે. જેમાં ઓલ આઈઝ ઓન રાફા, અકાય, સર્વાઈકલ કેન્સર, તવાયફ, ડેમોર, પૂકી, સ્ટૈમ્પીડ, મોયે મોયે, કાન્સક્રેશન અને ગુડ ફ્રાઈડેનો સમાવેશ થાય છે.

સ્પોર્ટ્સ સંબંધિત ટોચના સર્ચ કીવર્ડ્સ

ભારતમાં એકંદરે, ઈન્ડિયન પ્રીમિયર લીગ, T20 વર્લ્ડ કપ, ઓલિમ્પિક્સ 2024, પ્રો કબડ્ડી લીગ અને ઈન્ડિયન સુપર લીગ ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી. વિનેશ ફોગાટ, હાર્દિક પંડ્યા, શશાંક સિંહ, અભિષેક શર્મા અને લક્ષ્ય સેન ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલા ભારતીય હતા.

ભારતીયોએ આ મેચોને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરી

ભારત વર્સિસ ઇંગ્લેન્ડ, ભારત વર્સિસ બાંગ્લાદેશ, ભારત વર્સિસ ઝિમ્બાબ્વે, શ્રીલંકા વર્સિસ ભારત, ભારત વર્સિસ અફઘાનિસ્તાન, ભારત વર્સિસ દક્ષિણ આફ્રિકા, ભારત વર્સિસ પાકિસ્તાન, પાકિસ્તાન વર્સિસ ઇંગ્લેન્ડ, રોયલ ચેલેન્જર્સ વર્સિસ સુપર કિંગ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વર્સિસ પંજાબ કિંગ્સ.

દિલ્હી સ્થિત ‘ગરવી ગુજરાત ભવન’ને મળ્યો ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ

નવી દિલ્હી: રાજધાનીના હૃદયમાં સ્થિત ગુજરાત સરકારના રાજ્ય ભવન ‘ગરવી ગુજરાત ભવન’ને, GRIHA (સંકલિત આવાસ મૂલ્યાંકન માટે ગ્રીન રેટિંગ) દ્વારા ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું. આ એવોર્ડ સમારોહ 5મી ડિસેમ્બર, 2024ના રોજ ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે યોજાયો હતો. આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરોનો સામનો કરવા માટે, સ્થિતિસ્થાપકતા અને ટકાઉપણું માટે સમુદાયોને સશક્તિકરણ કરીને, ‘બિલ્ટ એન્વાયર્નમેન્ટમાં એક્સિલરેટિંગ ક્લાઇમેટ એક્શન’નો હેતુ આ બિલ્ડિંગમાં સિદ્ધ થતો હોવાથી GRIHA દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે.TERI અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિકસિત, GRIHA રેટિંગ સિસ્ટમને 2007માં ભારત સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગ માટે રાષ્ટ્રીય ધોરણ તરીકે અપનાવવામાં આવી હતી. નવી દિલ્હીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી પ્રતિષ્ઠિત “ગરવી ગુજરાત” ઇમારત , ગ્રીન રેટિંગ દ્વારા ત્રણ સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે, ગુજરાત સરકાર વતી, ગરવી ગુજરાત ભવનના મુખ્ય વહીવટી અધિકારી કેપ્ટન. પ્રશાંત સિંહને GRIHA રેટિંગ પ્લેક અને શિલ્ડ સાથે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર મુખ્ય અતિથિ મીનાક્ષી લેખી, ભારતના ભૂતપૂર્વ વિદેશ રાજ્ય પ્રધાન દ્વારા હાજર રહ્યો હતો.ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સપ્ટેમ્બર 2019માં કરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગે ગ્રીન બિલ્ડિંગની તમામ માપદંડોને સફળતાપૂર્વક પાર કર્યા છે, જેમાં વર્ટિકલ ગાર્ડન, સોલાર પેનલ્સ જેવા પર્યાવરણને અનુકૂળ તત્વો છે. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), સ્કાયલાઇટમાં ઇલેક્ટ્રોક્રોમિક ગ્લાસ/સ્માર્ટ ગ્લાસ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવી સુવિધાઓ પણ છે.આશરે 20,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું, ગરવી ગુજરાત ભવન તેના ઉદ્ઘાટનના પાંચ વર્ષ પછી પણ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. આ ભવનને મિની-ગુજરાતનું મોડેલ કહેવામાં આવે છે, જે રાજ્યની સંસ્કૃતિના સમૃદ્ધ પ્રતિબિંબ સાથે પરંપરાગત અને આધુનિક સ્થાપત્યનું મિશ્રણ છે.દિલ્હી-NCRના આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓએ તાજેતરમાં ગરવી ગુજરાત ભવનની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને બિલ્ડિંગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રવાસ દરમિયાન, નિવાસી કમિશનર, શ્રીમતી. આરતી કંવરે સમજાવ્યું કે કેવી રીતે માળખું બે વર્ષથી ઓછા સમયમાં પૂર્ણ થયું અને તમામ ગ્રીન બિલ્ડિંગ માપદંડોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા.

બાંગ્લાદેશ: BNPની ઢાકાથી ત્રિપુરા બોર્ડર સુધીની લોંગ માર્ચ

બાંગ્લાદેશ: BNP (બાંગ્લાદેશનેશનાલિસ્ટ પાર્ટી) એ બુધવારથી ભારતની ત્રિપુરા સરહદ સુધી લોંગ માર્ચ શરૂ કરી છે. આ લોંગ માર્ચને ‘ઢાકાથી અખૌરા લોંગ માર્ચ’ નામ આપવામાં આવ્યું છે. પાર્ટીની કૂચ સવારે 9 વાગ્યે ઢાકાના નયા પલ્ટન સ્થિત પાર્ટી હેડક્વાર્ટરથી આ રેલી શરૂ કરવામાં આવી. ત્યારબાદ BNP નેતાઓએ એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી.BNPના વરિષ્ઠ સંયુક્ત મહાસચિવ રૂહુલ કબીર રિઝવીએ રેલીની શરૂઆત કરાવી હતી. પાર્ટીના જણાવ્યા અનુસાર આ લોંગ માર્ચ ત્રિપુરાના અગરતલામાં બાંગ્લાદેશ દૂતાવાસ પર તાજેતરમાં થયેલા હુમલાના વિરોધમાં આયોજિત કરવામાં આવી છે. આ દરમિયાન રૂહુલ કબીર રિઝવીએ ​​ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારત અને મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે.રિઝવીએ કહ્યું, “જો તમે લોકો ચિટાગાંવ પર કબજો જમાવી લો તો અમે બિહાર અને ઓરિસ્સા પણ માંગીશું કારણ કે તે રાજ્યો અમારા નવાબ સિરાજ-ઉદ-દૌલાના છે. આ સિવાય રિઝવીએ આરોપ લગાવ્યો કે શેખ હસીનાએ ભારતને ઘણા કોન્ટ્રાક્ટ મફતમાં આપ્યા હતા, કારણ કે અદાણીની વીજળી અમને સરેરાશ કરતાં વધુ કિંમતે આપવામાં આવી હતી.રિઝવીએ આરોપ લગાવ્યો કે, “મમતા બેનર્જી તિસ્તા યોજનાને સફળ નથી થવા દઈ રહ્યા. પહેલા મને લાગતું હતું કે મમતા બેનર્જી એક સારા નેતા છે. પરંતુ હવે મમતા બેનર્જીના નિવેદનોથી સ્પષ્ટ છે કે મોદી અને મમતા એક જ સિક્કાની બે બાજુ છે.”તાજેતરમાં BNP કાર્યકર્તાઓએ ઢાકામાં ભારતીય હાઈ કમિશનની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વાસ્તવમાં, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના ત્રણ સંગઠનોના હજારો સમર્થકોએ ત્રિપુરામાં બાંગ્લાદેશના આસિસ્ટન્ટ હાઈ કમિશન પર થયેલા હુમલાના વિરોધમાં ઢાકામાં ભારતીય હાઈ કમિશન તરફ કૂચ કરી હતી. BNPના ત્રણ સંગઠનો – વિદ્યાર્થી પાંખ જ્ઞાતિવાદી છાત્ર દળ (JCD), યુવા પાંખ જાતિવાદી જુબો દળ (JJD) અને સ્વયંસેવક પાંખ જ્ઞાતિવાદી શેખસેબક દળ (JSD) એ ભાગ લીધો હતો.

હારનો રેકોર્ડ બનાવતી કોંગ્રેસને જરૂર છે, એક અડવાણીની?

નવી દિલ્હીઃ કોંગ્રેસ માટે મુસીબતો બેટેલિયનમાં આવી છે. એક બાજુ હરિયાણા, મહારાષ્ટ્રનાં ચૂંટણી પરિણામો પછી ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસના નેતૃત્વ સામે સાથી પક્ષોએ રાહુલ ગાંધીને બદલે મમતા બેનરજીને ગઠબંધનના નેતાની માગ કરી છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સજ્જડ હાર પછી પાર્ટીની વ્યૂહરચનામાં ખામીઓને લઈને ચોરેને ચૌટે ચર્ચા થવા લાગી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીની હારની સંખ્યા 89 સુધી પહોંચી ગઈ છે.  10 વર્ષમાં 62 ચૂંટણીમાં કોંગ્રેસને અત્યાર સુધી 47માં હાર મળી છે. આ ચૂંટણીમાં છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણી પણ સામેલ છે. જેથી રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ટોચના નેતૃત્વ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

સામે પક્ષે ભાજપને 1984માં લોકસભા ચૂંટણીમાં માત્ર બે સીટો મળી હતી. ત્યાર બાદ ટોચના નેતા અટલ બિહારી વાજપેયી અને એલ. કે. અડવાણીએ પાર્ટીની ધુરા સંભાળતાં પાર્ટીની વ્યૂહરચના બદલી હતી, જેથી 1989ની ચૂંટણીમાં બેછી વધીને 86 થઈઊ હતી. ત્યાર બાદ એ સીટોમાં સતત વધારો થયો હતો. હાલ છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીમાં ભાજપ મોદીના નેતૃત્વ હેઠળ સત્તારૂઢ છે.

હાલમાં જે કોંગ્રેસની સ્થિતિ છે, એને પણ એક અડવાણી જેવા વ્યૂહરચનાકાર નેતાની જરૂર છે. ભલે પાર્ટી હિન્દુત્વ આધારિત રાજકારણ ના કરે, પણ પાર્ટીના હિસાબે વ્યૂહરચના કરવી જ પડશે. પાર્ટીને એવા નેતાની જરૂર છે, જે સર્વોચ્ચ પદ માટે કોનું નામ પ્રસ્તાવિત કરી શકાય છે. જે જનતાની રગ સમજી શકતો હોય, પાર્ટીનો જનાધાર વધારી શકે. એટલા માટે કોંગ્રેસને હાલ એક અડવાણીની સખત જરૂર છે, જે ચૂંટણી હરતી પાર્ટીની દિશા અને દશા બદલી શકે.

અમદાવાદનું એસ.ટી. સ્ટેન્ડ આ મંદિરના નામે ઓળખાય છે…

અમદાવાદ શહેરનું મુખ્ય બસમથક એટલે ગીતા મંદિર. અમદાવાદ શહેરની બહાર જતા કે શહેરમાં પ્રવેશતા એસ.ટી.બસના પ્રવાસીઓ માટે ગીતા મંદિર એટલે એસ.ટી. બસસ્ટેન્ડ. પરંતુ આ ઓળખ કાયમી બની ચૂકી હોવા છતાં સાચી નથી. હકીકતમાં એસ.ટી. બસ સ્ટેન્ડ જ્યાં આવેલું છે એ વિસ્તારમાં એક ગીતા મંદિર આવેલું છે.

ગીતાજીની મૂર્તિ સાથેના આ સંકુલમાં ગીતાજીની સ્થાપનાની સાથે ભગવદ્ ગીતાના અઢાર અધ્યાય, સચિત્ર પ્રસંગો અને મહાભારતના વિશાળ ચિત્રો પણ અહીં જોવા મળે છે. સાથે ભગવાન શંકર, હનુમાનજી સહિત દેવી દેવતાઓ તો ખરા જ. આ મંદિરની સ્થાપના વર્ષ 1940 માં સ્વામી વિદ્યાનંદજી મહારાજના વિચાર અને હિંમતલાલજી પરિવારના સહયોગથી કરવામાં આવી હતી.

ભારતમાં અને દુનિયાના અન્ય દેશોમાં જ્યાં ગીતાજીના  મંદિરો છે એમાં જે રીતે ગીતા જયંતિ પર જે પ્રકારના કાર્યક્રમો થાય છે એ જ રીતે અમદાવાદના આ ગીતા મંદિરમાં પણ ગીતા જયંતિ નિમિત્તે અનેક કાર્યક્રમો થાય છે. સાથે સાથે માનવ કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

કોંગ્રેસને ખટકી ઉદ્યોગપતિ અદાણીની સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથેની બેઠક

મુંબઈ: ઉદ્યોગપતિ અદાણીની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથેની બેઠક પર કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે અદાણીની તુલના અલ્લુ અર્જુનના ફિલ્મી પાત્ર પુષ્પા સાથે કરી હતી. સરખામણી કરતાં તેમણે કહ્યું કે,”અદાણી ભારતના પુષ્પા છે, તે સરકાર બનાવે છે અને જો કોઈ એવી વ્યક્તિ છે જે સરકારને ઉથલાવી શકે છે, તો તે અદાણી છે’. નોંધનીય છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી.

આ પાત્ર સાથે સરખામણી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે સીએમ ફડણવીસ અને અદાણી પર પ્રહાર કરતા કહ્યું કે,”અદાણી એ ભારતના પુષ્પા છે, તે સરકાર બનાવે છે. જો કોઈ પાસે સરકારને ઉથલાવી દેવાની ક્ષમતા હોય તો તે અદાણી છે, કારણ કે તેમની ઈચ્છા વિના કોઈ સરકાની સત્તા નથી ચાલી શકતી.”

ઈન્ડિયા ગઠબંધનના નેતા બદલવા અંગે તેમણે કહ્યું કે જે India ગઠબંધન બન્યું છે, તે 25-26 પક્ષોના સંયુક્ત પ્રયાસથી રચાયું છે, જો 25-26 પક્ષો સાથે મળીને નવો નેતા પસંદ કરવાની વાત કરે તો તે થવું જોઈએ, આ લોકશાહી છે, નેતા બદલવાની જરૂર નથી કે જો તેમની બેઠકમાં સર્વસંમતિ હોય તો તેને રોકવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી, આ નવી વાત નથી.

નિતેશ રાણેના નિવેદન પર આ વાત કહી
નીતિશ રાણેના નિવેદન પર કોંગ્રેસ નેતાએ કહ્યું કે જે લોકો બંધારણમાં નથી માનતા તેમના માટે શું માન્ય છે, સરકારની યોજના દરેક માટે સમાન છે, પછી તે રાજ્ય હોય કે દેશ, તેને ધર્મના આધારે વિચારવાની જરૂર નથી. તેમની પાસે જ્ઞાન છે કે અજ્ઞાન છે તે કહી શકતા નથી. તેની શક્તિ આવી છે. મારી તેમને સલાહ છે કે તેઓ એવી રીતે વાત ન કરે કે તેનાથી બે ધર્મો વચ્ચે નવો વિવાદ ઊભો થાય.

સુરતની આ શાળામાં ગીતા જયંતીએ વિદ્યાર્થીઓ કરે છે, સમગ્ર ગીતાનાં પાઠ

સુરત: શ્રીમદ્ ભાગવત ગીતાનો સંદેશ વિદ્યાર્થીકાળથી જ બાળકોમાં આવે એવા ઉમદા હેતુથી સુરતનાં પુણા વિસ્તારની જય સરદાર વિદ્યાલયમાં માગશર સુદ એકાદશીના રોજ ગીતા જયંતીએ બાળકો દ્વારા ગીતાજીના અઢાર અધ્યાયના શ્લોકોનું પારાયણ કરવામાં આવ્યું. ધોરણ 8 થી 12ના તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા બુધવારે સવારે 7:00 વાગ્યા થી 11:00 વાગ્યા સુધી સંસ્કૃતમાં જ શ્લોકોનું ગાન કરવામાં આવ્યું. જેના કારણે શાળાનું વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું.

જય સરદાર શાળાના આચાર્ય પરેશ પટેલ ચિત્રલેખા.કોમને જણાવ્યું, “બાળકોમાં સારા ગુણોનું સિંચન થાય, મા–ગીતાજી ઉપર પ્રેમ નિર્માણ થાય, ભગવાન કૃષ્ણપ્રેમી બની જીવનને એક અનોખી રીતે જીવતા થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. માં-ગીતાજીનું માધુર્ય બાળકોના મુખેથી ગવાય તેનાથી વિશેષ વાત કઈ હોય શકે. શાળા દ્વારા અવાર નવાર આવા કાર્યક્રમો કરી વિદ્યાર્થીઓને જીવનલક્ષી શિક્ષણ આપવા સતત પ્રયત્નો થાય છે.”

 

શૈક્ષણિક કાર્ય બંધ રાખીને આજનો દિવસ ભગવત ગીતાને નામ કરવામાં આવે છે. છેલ્લા ૧૭ વર્ષથી આ પ્રકારનું આયોજન થાય છે. આ સાથે નિત્ય પ્રાર્થનામાં પણ દરરોજ ગીતાના પાંચ શ્લોકનું પારાયણ કરવામાં આવે છે. એ રીતે વર્ષ દરમિયાન બે વખત વિદ્યાર્થીઓ દ્વારા ગીતાના પાઠ થાય છે.

ગુજરાતમાં ચેક રિટર્ન કેસો માટે નવી 5 ઓનલાઈન કોર્ટ શરૂ

સ્ટેટવાઈડ એક્સેસ ટુ રિમોટ એડજયુડીકેશન સિસ્ટમ(સારસ) પ્રોજેકટના ભાગરૂપે ગુજરાતના ન્યાયતંત્રમાં સૌપ્રથમવાર લાલ દરવાજા અપના બજાર બહુમાળી બિલ્ડીંગ ખાતે ચેક રિટર્નના કેસોની વધારાની પાંચ નવી ઓનલાઇન કોર્ટ શરૂ કરવામાં આવી છે. જેનું ઉદઘાટન તાજેતરમાં સુપ્રીમકોર્ટના જસ્ટિસ સૂર્યકાંત દ્વારા વર્ચ્યુઅલી રીતે ગુજરાત હાઈકોર્ટ ખાતેથી કરવામાં આવ્યું હતું. આ પાંચ નવી ઓનલાઈન કોર્ટ (રિમોટ એડજયુડીકેશન કોર્ટો) શરૂ થતાં હવે દેશના કોઈપણ ખૂણેથી ચેક રિટર્નના કેસનું ઓનલાઈન ફાઈલિંગ થઇ શકશે અને કોઈપણ જગ્યાએથી વકીલ કે પક્ષકારો તેમના કેસો વર્ચ્યુઅલી ચલાવી શકશે.

ચેક રિટર્નના આ ઓનલાઇન કેસો અને રિમોટ એડજયુડીકેશન કોર્ટો માટે અમદાવાદના બે જજીસ ઉપરાંત, આણંદ, ગીર સોમનાથ અને નર્મદા જિલ્લાના ન્યાયાધીશોને કાર્યભાર પણ સોંપી દેવાયો છે. બેંકીગ અને નોન બેંકીંગ ફયનાન્સ કંપનીઓ અને નાણાંકીય સંસ્થાઓના કેસો હવે આ ઓનલાઇન કોર્ટોમાં ચાલશે. વકીલોએ પણ ઇ-ફઇલીંગ કરી વર્ચ્યુઅલી જ કેસો ચલાવવાના રહેશે. ગુજરાત બાર કાઉન્સીલની ફયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ન્યાયતંત્રના ઇતિહાસમાં સૌપ્રથમવાર ચેક રિટર્નના કેસોની સુનાવણી અને નિકાલ માટે લાલ દરવાજા, અપનાબજાર બહુમાળી બિલ્ડીંગના છઠ્ઠા માળે આ નવી પાંચ ઓનલાઇન કોર્ટો (રિમોટ એડજયુડીકેશન કોર્ટો) શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ચેક રિટર્નના કેસોનું ભારણ ઘટાડવા અને પડતર કેસોના ઝડપી અને અસરકારક નિકાલના ઉમદા આશયથી આ નિર્ણય લેવાયો છે, જે બહુ મહત્વનો સાબિત થશે. આ સુવિધા શરુ થવાથી કોર્ટ કાર્યવાહી ઝડપી બનશે સાથોસાથ વકીલ સહિત અસીલોને પણ મોટી રાહત મળશે.

ચેક રિટર્નના કેસોના નિકાલ માટે કુલ 12 કોર્ટ આવેલી છે, જે તમામ અપના બજાર, બહુમાળી બિલ્ડીંગમાં જ કાર્યરત છે. આ સાથે આજથી નવી પાંચ ઓનલાઇન કોર્ટ ઉમેરાતાં હવે ચેક રિટર્નના કેસોની કુલ 17 કોર્ટ ધમધમતી થઇ છે. આ નવી કોર્ટમાં કેસોનું પેપરલેસ ફાઇલિંગ થશે અને વકીલોએ પણ ઈ-ફાઈલિંગ કરવાનું રહેશે. ચેક રિટર્નના કેસોની સુનાવણી પણ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વર્ચ્યુઅલી અને ઓનલાઇન જ હાથ ધરાશે. ટેકનીકલ ખામી કે અન્ય જરૂરી કિસ્સામાં ફિઝિકલી સુનાવણી પણ શકય બનશે. ગુજરાત રાજ્યમાં અમદાવાદ સહિત રાજ્યની જુદી જુદી ચેક રિટર્નના કેસોની કોર્ટમાં લાખો કેસો પેન્ડિંગ બોલાઈ રહ્યા છે, જેમાં એકલા અમદાવાદમાં જ 3.22 લાખથી વધુ કેસો ચેક રિટર્નના ઘણા સમયથી પડતર છે.