Home Blog Page 1173

એહમદ ખાને પહેલી ફિલ્મ ‘રંગીલા’ થી જ સરોજ ખાનનું સ્થાન લીધું

બાળ કલાકાર તરીકે અભિનય કરનાર એહમદ ખાન યુવાની શરૂ થતાં અચાનક જ ‘રંગીલા’ (1995) થી કોરિયોગ્રાફર બની ગયો હતો. સરોજ ખાને એહમદને સારી મદદ કરી હતી અને પોતાની ફિલ્મ આપી હતી. એહમદ 11 વર્ષનો હતો ત્યારે એક ફેશન શોમાં ડાન્સ કરી રહ્યો હતો. એમાં કાસ્ટીંગ ડાયરેક્ટર દિલશાદ પાંડેની એના પર નજર પડી અને નિર્દેશક શેખર કપૂરની ફિલ્મ ‘મિ. ઈન્ડિયા’ (1987) માં બાળ કલાકાર તરીકે પસંદ કરી લેવામાં આવ્યો. ફિલ્મમાં એહમદે સરોજ ખાનના માર્ગદર્શનમાં ડાન્સ કર્યો હતો.

સરોજ ખાન એની પ્રતિભાને ઓળખી ગયા હતા. સરોજે બાકી બાળકો માટે એહમદને મોનીટર બનાવી દીધો હતો. એ પછી બીજી બે-ત્રણ ફિલ્મો કરી અને આગળ ભણવાનું શરૂ કર્યું પણ એમાં રસ પડ્યો નહીં. એહમદે માતાને કહ્યું કે એને ભણવામાં નહીં ડાન્સમાં જ આગળ જવું છે. માતાએ સરોજ ખાનને વાત કરી. સરોજે કહ્યું કે એનામાં પ્રતિભા છે મારી સાથે મોકલી આપો. 16 વર્ષની ઉંમરે અમિતાભની ફિલ્મ ‘અકેલા’ માં એહમદે સરોજ ખાનના અન્ય સહાયકો સાથે કામ કરીને શરૂઆત કરી. ધીમે ધીમે સરોજ ખાન કેટલુંક કામ એહમદ પર છોડવા લાગ્યા હતા.

ત્રણ વર્ષ પછી રામગોપાલ વર્માએ ‘રંગીલા’ માટે સરોજ ખાનનો સંપર્ક કર્યો. સરોજ બીજી ફિલ્મોમાં વ્યસ્ત હતા. એમણે એહમદને કહ્યું કે તું બધી તૈયારી શરૂ કરી દે પછી હું આવીશ. બન્યું એવું કે એ તૈયારી દરમ્યાન વર્માને એહમદનું કામ ગમી ગયું અને કહ્યું કે ‘રંગીલા’ માં ડાન્સ ડાયરેક્ટર તું બનશે. એહમદ ચોંકી ગયો. એણે કહ્યું કે આ ફિલ્મ મારા ગુરુ સરોજ ખાનની છે. વર્માએ કહ્યું કે એમણે ના પાડી છે. એહમદ સરોજ પાસે ગયો અને કહ્યું કે વર્માજી મારી પાસે આખી ફિલ્મ કરાવવા માગે છે. સરોજે કહી દીધું કે તું ફિલ્મ કરી લે. આમ પણ મને દક્ષિણના એ ગીતોમાં બહુ મજા આવતી નથી. તું એક-બે ગીત કરીને આવી જજે. ત્યારે કોઈને ખબર ન હતી કે ‘રંગીલા’ એહમદનું જીવન બનાવી દેશે.

વર્માએ એહમદને ડાન્સના નિયમો તોડવાની પણ છૂટ આપી. એહમદને થયું કે ગીતો નહીં ચાલે તો એના પર માછલા ધોવાશે. ત્યારે વર્માએ પ્રોત્સાહન આપી કહ્યું કે ફિલ્મ માટે જો જેકી, આમિર કે ઉર્મિલા સવાલ કરશે તો એનો જવાબ મારે આપવાનો છે તારે નહીં. એહમદે પહેલી વખત ગીતોમાં મોટી ઉંમરના ડાન્સરને બદલે કોલેજના વિદ્યાર્થીઓને બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે રાખ્યા. એટલું જ નહીં ગીતોમાં સ્ટાર્સ કરતાં એમના પર કેમેરો વધારે રાખ્યો.

સંગીતકાર એ. આર. રહેમાનની પહેલી હિન્દી ફિલ્મ ‘રંગીલા’ હતી. એહમદે પહેલી વખત ગીતો સાંભળ્યા ત્યારે ખ્યાલ આવ્યો નહીં કે શબ્દો પર ધ્યાન આપે કે બીટ ઉપર પણ એણે કશુંક નવું કરવાનો પ્રયત્ન કર્યો અને દરેક ગીત સારા બન્યા. વર્માએ જ્યારે પહેલું ટ્રેલર બહાર પાડ્યું ત્યારે એમાં પહેલી વખત ‘કોરિયોગ્રાફર’ તરીકે એહમદ ખાનનું નામ આપ્યું અને એની ચર્ચા વધી ગઈ. ત્યારથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડાન્સ માસ્ટરને બદલે ‘કોરિયોગ્રાફર’ નામ આપવાનું ચલણ શરૂ થયું.

એ સમય પર સરોજ ખાન એક ગીતના નૃત્ય નિર્દેશનના રૂ.25000 લેતા હતા. જ્યારે વર્માએ એને પણ એટલી જ ફી આપી ત્યારે એને એ સપના જેવું લાગ્યું હતું. અને એ રકમ સ્વીકારતા ખચકાયો હતો. ત્યારે વર્માએ એને કહ્યું હતું કે આ ફિલ્મ માટે એક ગીતના જે નક્કી કરવામાં આવ્યા છે એ જ તને આપવામાં આવ્યા છે. તારી જગ્યાએ સરોજ ખાન કે પ્રભુદેવાએ કામ કર્યું હોત તો એમને પણ એટલા જ આપવામાં આવ્યા હોત. અને પહેલી જ ફિલ્મથી એહમદ ખાને કોરિયોગ્રાફર તરીકે એટલી ફી શરૂ કરી દીધી હતી જેટલી વર્ષો પછી અન્ય કોરિયોગ્રાફરને મળતી હતી. ‘રંગીલા’ માટે એહમદને ટેકનીશીયનની શ્રેણીમાં 20 વર્ષની સૌથી નાની ઉંમરે શ્રેષ્ઠ કોરિયોગ્રાફરનો ‘ફિલ્મફેર’નો એવોર્ડ મળ્યો હતો. ત્યારે ઘણાને ખબર જ ન હતી કે એવોર્ડ લેનાર 20 વર્ષનો જ છે. જે ઓળખતા ન હતા તેઓ એમ માનતા હતા કે તે એહમદ ખાનનો પુત્ર છે અને એવોર્ડ લેવા આવ્યો છે. જ્યારે ખબર પડી કે ખરેખર એ જ છે ત્યારે જલદી સાચું માની શક્યા ન હતા.

અદાણી ગ્રુપ માયો ક્લિનિક સાથે મળીને સસ્તી, વિશ્વસ્તરીય આરોગ્ય સુવિધાઓ સ્થાપશે

અમદાવાદ: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી હેલ્થ સિટી (AHC) ઇન્ટિગ્રેટેડ હેલ્થ કેમ્પસ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેનો અમલ ગ્રુપના બિન-લાભકારી આરોગ્ય સંભાળ એકમ દ્વારા કરવામાં આવશે.

ગૌતમ અદાણીના સામાજિક દર્શન “सेवा साधना है, सेवा प्रार्थना है और सेवा ही परमात्मा है” ને અનુરૂપ, અદાણી પરિવાર સમગ્ર ભારતમાં સમાજના તમામ વર્ગના લોકો માટે સસ્તું, વિશ્વ-સ્તરીય તબીબી સંભાળ અને તબીબી શિક્ષણ લાવવાના ખર્ચને સંપૂર્ણપણે પૂર્ણ કરશે. પરિવાર અમદાવાદ અને મુંબઈમાં પ્રથમ બે ઇન્ટિગ્રેટેડ હેલ્થ કેમ્પસ બનાવવા માટે રૂ. 6,000 કરોડથી વધુનું દાન કરશે. ગૌતમ અદાણી પાસે ભારતના શહેરો અને નગરોમાં આવા વધુ ઇન્ટિગ્રેટેડ અદાણી હેલ્થ સિટીઝ બનાવવાની યોજના છે.

આ દરેક સંકલિત AHC કેમ્પસમાં 1,000 બેડ ધરાવતી મલ્ટી-સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલો, 150 અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ, 80+ રેસિડેન્ટ્સ અને 40+ ફેલો, સ્ટેપ-ડાઉન અને ટ્રાન્ઝિશનલ કેર સુવિધાઓ અને અદ્યતન સંશોધન સુવિધાઓ હશે. AHC મેડિકલ ઇકોસિસ્ટમનો ઉદ્દેશ્ય તમામ સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિના લોકોને સેવા આપવાનો, આગામી પેઢીના ડોકટરોને તાલીમ આપવાનો અને ક્લિનિકલ સંશોધન, કૃત્રિમ બુદ્ધિ અને બાયોમેડિકલ ઇન્ફોર્મેટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

અદાણી ગ્રુપે આ સંસ્થાઓમાં સંગઠનાત્મક ઉદ્દેશ્યો અને ક્લિનિકલ પ્રેક્ટિસ પર વ્યૂહાત્મક સલાહ પૂરી પાડવા માટે યુ.એસ.એ.ના માયો ક્લિનિક ગ્લોબલ કન્સલ્ટિંગ (માયો ક્લિનિક) સાથે જોડાણ કર્યું છે. માયો ક્લિનિક ડિજિટલ અને માહિતી ટેકનોલોજી અને આરોગ્ય સંભાળ ગુણવત્તા વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટેકનોલોજીના એકીકરણ પર નિષ્ણાત માર્ગદર્શન પણ પ્રદાન કરશે.અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું, “બે વર્ષ પહેલાં, મારા 60મા જન્મદિવસ પર મને ભેટ તરીકે, મારા પરિવારે આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં સુધારો કરવા માટે INR 60,000 કરોડનું વચન આપ્યું હતું. આ યોગદાનમાંથી ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં અદાણી હેલ્થ સિટીનો વિકાસ પહેલો છે, જે ભારતીય સમાજના દરેક વર્ગના લોકોને સસ્તું, વિશ્વ-સ્તરીય આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે ખૂબ જ મદદ કરશે. મને વિશ્વાસ છે કે વિશ્વની સૌથી મોટી સંકલિત બિન-લાભકારી તબીબી જૂથ પ્રેક્ટિસ, મેયો ક્લિનિક સાથેની અમારી ભાગીદારી, ભારતમાં આરોગ્ય સંભાળના ધોરણોને વધારવામાં મદદ કરશે. જેમાં ગંભીર રોગોની સારવાર અને તબીબી નવીનતા પર ખાસ ભાર મૂકવામાં આવશે.”

અમદાવાદમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ, 551 પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ લીધો ભાગ

અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર આજે સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0 (એથલેટિક્સ મીટ) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં 551 પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.

રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ, ગુજરાત રાજ્ય ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધામાં ખેલાડીઓએ જુદી-જુદી સ્પર્ધાઓમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ પ્રગતિ કરી.

આ સ્પર્ધાના માધ્યમથી વિશેષ જરૂરિયાત ધરાવતા ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવાનો અને રમતગમતના ક્ષેત્રે આગળ વધવાનો ઉત્તમ અવસર મળ્યો.

ખેલ મહાકુંભ માત્ર એક સ્પર્ધા નહીં, પણ શારીરિક અને માનસિક શક્તિનું પ્રદર્શન છે, જે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓની આત્મવિશ્વાસ અને કુશળતાને એક નવી ઓળખ આપે છે.

આવા પ્રયત્નો સામાજિક સમાનતા અને રમતગમતની લોકપ્રિયતાને વધારવામાં મહત્વનો ફાળો આપે છે. રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદ થયેલા ખેલાડીઓ હવે વધુ ઉચ્ચ સ્તરે પોતાનું પ્રદર્શન કરી ગુજરાતનું ગૌરવ વધારશે.

AMCની ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી, નરોડામાં 30 દુકાનો પર ફેરવ્યું બુલડોઝર

અમદાવાદ: ગુજરાત ભરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ડ્રાઈવ ચાલી રહી છે. આ અગાઉ દ્વારકા, જામનગર, સુરેન્દ્ર નગર સહિતના મોટા જિલ્લામાં સરકારી જમીન પર ગેરકાયદે કરેલા બાંધકામ પર બુલડોઝર ફેરવી આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વચ્ચે હવે અમદાવાના નરોડા વિસ્તારમાં પણ ગેરકાયદેસરના દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય તારીખ 10મી ફ્રેબ્રુઆરીના રોડ AMCની ટીમ દ્વારા અને પોલીસના કડક બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે નોબલનગર વિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષની 25થી 30 દુકાનો પર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે AMC દ્વારા વેપારીઓને દુકાનમાંથી સામાન બહાર કાઢવાનો પણ સમય આપવામાં આવ્યો ન હતો. નરોડા વિસ્તારના નોબલનગર વિસ્તારમાં કોમ્પલેક્ષની 25થી 30 દુકાનોના માલિકો AMC દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેને લઈને દુકાનદારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ અરજીનો જવાબ આવે તે પહેલા જ એએમસીની ટીમે પોલીસની હાજરીમાં દુકાનો તોડી પાડી હતી. દુકાનમાંથી સામાન બહાર કાઢવાનો પણ સમય આપ્યો નહતો, જેના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

મહાકુંભ મેળામાં ઉત્તર ગુજરાતના રોટલા અને સૌરાષ્ટ્રના ગાંઠિયાની બોલબાલા

પ્રયાગરાજ: તીર્થરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળો ગુજરાતની સખી મંડળની બહેનો માટે પણ રોજગારીનો અવસર લાવ્યો છે. કુંભમેળામાં સંગમ સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં જઇ રહેલા ગુજરાતીઓ માટે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલા પેવેલિયન પાસે ઉભી કરાયેલા કાફેટેરિયામાં ગુજરાતી વ્યંજનો બનાવવા અને પીરસવાની જવાબદારી ગુજરાતથી ગયેલી વિવિધ સખી મંડળની બહેનોને સોંપવામાં આવી છે. વિશેષ વાત તો એ છે કે, આ કાફેટેરિયામાં બનતા ગાંઠિયા અને કાઠિયાવાડી થાળીનો ચટકો અન્ય રાજ્યના સ્વાદ રસિયાઓને પણ લાગ્યો છે.પ્રયાગરાજમાં ગંગા નદીના વિશાળ પટમાં ઉભા કરવામાં આવેલા કુંભ મેળાના અલાયદા નગરમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સેક્ટર-૬માં ભારદ્વાજ નગર પાસે એક વિશાળ પેવેલિયન બનાવવામાં આવ્યું છે. અહીં યાત્રિકોને સાવ નજીવા દરે ઉતારો આપવામાં આવે છે. યાત્રાળુંઓની સુવિધાના ધ્યાને રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બીજો 265 પથારીની સુવિધા સાથેનો ડોમ ઉદ્દઘાટિત કર્યો છે.ગુજરાત પેવેલિયનથી સંગમ સ્થાન માત્ર ચારેક કિલોમિટરના અંતરે છે. નાગવાસુકી મંદિરના રસ્તેથી સરળતાથી સંગમ સ્થાને જઇ શકાય છે. આ બાબતને ધ્યાને રાખી ગુજરાત પ્રવાસન નિગમનું પેવેલિયન લોકપ્રિય બન્યું છે. એસટી દ્વારા શરૂ કરવામાં આવેલી બસ સુવિધાના યાત્રીઓને પણ અહીં ઉતારવામાં આવે છે.ગુજરાત પેવેલિયનમાં રાજ્યના પ્રવાસન સ્થળોના નિદર્શન સાથે એક વિશેષ વાત એ ધ્યાને પડે છે કે, અહીં સખી મંડળની બહેનો દ્વારા કાફેટેરિયા ચલાવવામાં આવી રહ્યો છે. આ કાફેટેરિયામાં ચા-કોફી ઉપરાંત ઉત્તર ગુજરાતના રોટલા સાથે કાઠિયાવાડી થાળી અને સૌરાષ્ટ્રના ગાંઠિયા પણ મળે છે. ગુજરાતી હોય એટલે સ્વાદમાં કોઇ કમી ના રહેવી જોઇએ! એટલું જ નહીં, થેપલા પણ મળે છે બોલો! પ્રયાગરાજથી પરત ફરતા સમયે ભાથામાં થેપલા લઇ જવા અહીં સખી મંડળની બહેનોને ઓર્ડર આપવામાં આવે છે.

મહેસાણાથી અહીં આવેલા શિવ મિશન મંગલમ્ નામક સખી મંડળના જલ્પાબેન ઠાકોરના હાથથી બનેલા બાજરાના રોટલાનો સ્વાદ તો બિનગુજરાતીઓને પણ લાગ્યો છે. જલ્પાબેન અને તેમના પતિ રાહુલભાઇએ અહીં સ્ટોલ લગાવ્યો છે અને સાવ સસ્તા દરે રોટલા સાથે કાઠિયાવાડી, ગુજરાતી થાળી જમાડે છે. જલ્પાબેનના હાથે વાઘારેલા શાક અને મસળી મસળી બનાવેલા કડક રોટલા થોડા સમયમાં જ અહીં લોકપ્રિય બની ગયા છે. બીજા રાજ્યના લોકો પણ અહીં કાઠિયાવાડી થાળી જમવા આવે છે. આ યુગલ પ્રતિદિન સાતથી આઠ હજારની કમાણી આસાનીથી કરી લે છે.ગુજરાત પેવેલિયન ગાંઠિયાવાડ પણ બન્યું છે. અહીં જૂનાગઢથી આવેલા રાધે મંગલમ્ જૂથના બહેન વણેલા ગાંઠિયા, ફાફડા અને જલેબી પ્રવાસીઓને ખવડાવી રહ્યા છે. ગુજરાતથી ગયેલા યાત્રાળુંઓને ગુજરાત બહાર હોવાનો બિલ્કુલ અહેસાસ ન થાય એવો માહોલ આ પેવેલિયનમાં છે. જો તમે મહાકુંભમાં જતા હો તો સેક્ટર-૬માં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત અચૂક લેવા જેવી છે. સામાન્ય સંજોગોમાં ફાંફાંમઉથી કાર સાથે અહીં સુધી પહોંચી શકાય છે.

યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા વિવાદ પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યું નિવેદન

મુંબઈ: ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ વધી રહ્યો છે. અલ્લાહબાદિયા પર શોમાં અપશબ્દોનો ઉપયોગ કરવાનો અને અશ્લીલતાને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. તે જ સમયે, આ સમગ્ર મુદ્દા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન પણ સામે આવ્યું છે. જાણીએ કે સીએમ ફડણવીસે શું કહ્યું ?

યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણી પર મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું,”મને તેના વિશે ખબર પડી છે. મેં હજી સુધી તે જોયું નથી. વસ્તુઓ ખોટી રીતે કહેવામાં આવી છે અને રજૂ કરવામાં આવી છે.” દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું, “દરેક વ્યક્તિને વાણી સ્વાતંત્ર્ય છે પરંતુ જ્યારે આપણે બીજાની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરીએ છીએ ત્યારે આપણી સ્વતંત્રતા સમાપ્ત થાય છે. આપણે આપણા સમાજમાં કેટલાક નિયમો બનાવ્યા છે, જો કોઈ તેનું ઉલ્લંઘન કરે છે તો તે એકદમ ખોટું છે અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.”

શિવસેનાએ આપી ચેતવણી
બીજી તરફ, શિવસેનાએ પણ આ સમગ્ર વિવાદ પર યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાને ચેતવણી આપી છે. શિવસેનાના નેતા રાજુ વાઘમારેએ કહ્યું,”શિવસેના આ યુટ્યુબરને ચેતવણી આપવા માંગે છે કે આપણી માતાઓ અને બહેનોનું આ રીતે અપમાન ન થવું જોઈએ. તેણે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ ન કરવો જોઈએ. જો તે સંમત નહીં થાય, તો અમે તેનો શો બંધ કરવાનો પ્રયાસ કરીશું અને તેને ફરીથી આવા નિવેદનો આપતા કાયદેસર રીતે રોકવાનો પણ પ્રયાસ કરીશું.”

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર નીલોપ્તલ મૃણાલે સમય રૈના અને રણવીર અલ્લાહબાદિયા વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ સાથે, NHRC સભ્ય પ્રિયંક કાનુન્ગોએ YouTube ના જાહેર નીતિ વડા મીરા ચેટને પત્ર લખીને “YouTube પરથી સંબંધિત ઘટના/વિડિયો દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવા” નિર્દેશ આપ્યો છે.

ત્રીજી ODI પહેલા જય શાહની મોટી જાહેરાત, અંગદાન માટે યોજાશે ખાસ કાર્યક્રમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેટની ODI ચાલી મેચ ચાલી રહી છે. આ ટેસ્ટ મેચની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ પહેલી બે મેચ જીતીને 2.0ની લીડ મેળવી લીધી છે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી અદ્ભુત રહ્યું છે. નોંધનીય બાબત છે કે આ ODIની ત્રીજી મેચ અમદાવાદ ખાતે રમાવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને ઈંગ્લેન્ડની ટીમને ક્લીન સ્વીપ કરવા માગે છે. જ્યારે ઈંગ્લેન્ડ જીત મેળવવા પર હશે. આ મેચને લઈને બીસીસીઆઈના ભૂતપૂર્વ સચિવ અને વર્તમાન આઈસીસી ચેરમેન જય શાહે મોટી જાહેરાત કરી છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 12 ફેબ્રુઆરીએ રમાનારી આ મેચ અંગે જય શાહે પોતાના સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ કરી જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી કે, ‘આ પ્રસંગે ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ નામની જાગૃતિ પહેલ શરૂ કરવામાં આવશે.’ તેમણે લખ્યું કે, ‘12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચમાં એક જાગૃતિ પહેલ શરૂ કરવાનો ગર્વ છે, “અંગોનું દાન કરો, જીવન બચાવો”. રમતગમતમાં ક્ષેત્ર પ્રેરણા આપવાની, એક થવાની અને મેદાનથી અલગ સ્થાયી પ્રભાવ પેદા કરવાની શક્તિ છે. આ પહેલ મારફતે અમે દરેકને સૌથી મોટી ભેટ- જીવનની ભેટ આપવા તરફ એક પગલું ભરવાનો આગ્રહ કરીએ છીએ. એક વચન, એક નિર્ણય, ઘણા લોકોના જીવ બચાવી શકે છે.’

દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે, મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણી અંગે કરી આ મોટી આગાહી..

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે ​​સોમવારે (૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૫) વિધાનસભામાં તેમના પક્ષના ધારાસભ્યોને મળ્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે દિલ્હી ચૂંટણીના પરિણામોની આવતા વર્ષે યોજાનારી બંગાળ વિધાનસભા ચૂંટણી પર કોઈ અસર પડશે નહીં.

વિધાનસભા બજેટ સત્ર પહેલા એક આંતરિક બેઠક દરમિયાન, મમતાએ તૃણમૂલના ધારાસભ્યોને કહ્યું, “અમે બે તૃતીયાંશ બહુમતી સાથે સત્તામાં આવીશું. કોંગ્રેસ પાસે અહીં કંઈ નથી. અમે અમારા દમ પર જીતીશું.”

ભાજપને પડકારવા માટે એકલું ટીએમસી પૂરતું છે’

સીએમ મમતા બેનર્જીએ કહ્યું, “આવતા વર્ષે તૃણમૂલ કોંગ્રેસ બે તૃતીયાંશથી વધુ બહુમતી સાથે સત્તામાં પાછી આવશે. તેમણે એ પણ ભાર મૂક્યો કે બંગાળમાં ભાજપ સાથે સ્પર્ધા કરવા માટે તૃણમૂલ કોંગ્રેસ પૂરતી છે. તેમણે કહ્યું કે બંગાળમાં કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ નથી. તેમણે એમ પણ કહ્યું કે આમ આદમી પાર્ટીએ હરિયાણામાં કોંગ્રેસને મદદ કરી નથી અને કોંગ્રેસે તાજેતરની ચૂંટણીઓ દરમિયાન દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મદદ કરી નથી.”

જો આપ અને કોંગ્રેસ સાથે હોત તો પરિણામો અલગ હોત’

સૂત્રોએ જણાવ્યું છે કે ટીએમસીના વડાએ પણ સ્વીકાર્યું છે કે જો બંને પક્ષોએ સાથે મળીને કામ કર્યું હોત તો પરિણામો અલગ હોત. નાદિયા જિલ્લાના એક ટીએમસી ધારાસભ્યએ કહ્યું, “કોંગ્રેસને લગભગ 5 ટકા મત મળવાથી પરિણામોમાં ફરક પડ્યો. જો કોંગ્રેસે થોડી લવચીકતા બતાવી હોત અને આમ આદમી પાર્ટી સાથે ચૂંટણી કરાર કર્યો હોત, તો પરિણામો અલગ હોત.” તેમણે એમ પણ કહ્યું કે AAP એ હરિયાણામાં પણ કોંગ્રેસને સમર્થન આપ્યું નથી. તેમનું માનવું છે કે જો બંને ગઠબંધન ભાગીદારોએ સાથે મળીને ચૂંટણી લડી હોત તો ભાજપ હરિયાણામાં સત્તામાં પાછી ન આવી હોત.

ODI ડેબ્યૂમાં 150 રન કરી આ ખેલાડીએ રચ્યો ઈતિહાસ, 47 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

પાકિસ્તાનમાં રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીની બીજી મેચ ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મુકાબલામાં, ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને જ્યારે આફ્રિકન ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી, ત્યારે તેણે 26 વર્ષીય મેથ્યુ બ્રિત્ઝકેને ડેબ્યૂની તક આપી. મેથ્યુએ પોતાની પહેલી જ મેચમાં ઇતિહાસ રચી પોતાની ડેબ્યૂ વનડે મેચમાં 150 રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે.

મેથ્યુ બ્રિત્ઝકે ન્યૂઝીલેન્ડ સામે ૧૪૮ બોલમાં ૧૫૦ રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે ૧૧ ચોગ્ગા અને ૫ છગ્ગા ફટકાર્યા. તેમના પહેલા, ODI ડેબ્યૂ મેચમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ડેસમંડ લીઓ હેન્સના નામે હતો, જેમણે 1978માં ઓસ્ટ્રેલિયા સામે 148 રન બનાવ્યા હતા.

20 બોલમાં 49 રન બનાવ્યા

મેથ્યુ બ્રિત્ઝકે ખૂબ જ ધીમી ગતિએ સદીની ઇનિંગ્સ રમી. તે એટલો ધીમો રમી રહ્યો હતો કે તેણે ૧૨૮ બોલમાં પોતાની સદી પૂરી કરી, પરંતુ સદી પૂરી થતાં જ આ ૨૬ વર્ષીય બેટ્સમેન તોફાની મોડમાં આવી ગયો. બ્રિત્ઝકે આક્રમક બેટિંગ કરી અને આગામી 20 બોલમાં 49 રન બનાવ્યા. આમ, તેની ઇનિંગ્સ ૧૪૮ બોલમાં ૧૫૦ રનના સ્કોર પર સમાપ્ત થઈ. મેચમાં બ્રિત્ઝકેએ વિઆન મુલ્ડર સાથે ૧૩૧ રનની ભાગીદારી અને જેસન સ્મિથ સાથે ૯૩ રનની ભાગીદારી કરી.

વનડે ડેબ્યૂમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર

  • મેથ્યુ બ્રિત્ઝક- ૧૫૦ રન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ
  • ડેસમંડ હેન્સ – ૧૪૮ રન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
  • રહેમાનુલ્લાહ ગુરબાઝ – ૧૨૭ રન વિરુદ્ધ આયર્લેન્ડ
  • કોલિન ઇન્ગ્રામ – ૧૨૪ રન વિરુદ્ધ ઝિમ્બાબ્વે
  • માર્ક ચેપમેન – ૧૨૪ રન વિરુદ્ધ યુએઈ

મેથ્યુ બ્રિત્ઝકેની વાત કરીએ તો, તેણે દક્ષિણ આફ્રિકા માટે અત્યાર સુધીમાં 10 ટી20 મેચ રમી છે, જેમાં તેણે 151 રન બનાવ્યા છે. પરંતુ ઘરેલુ ક્રિકેટમાં તેના સતત સારા પ્રદર્શન માટે, તેને IPL 2025 માટે લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી કરાર મળ્યો. LSG એ તેને 57 લાખ રૂપિયામાં જોડ્યો હતો.