અમેરિકામાં ફરી એક વખત પ્લેન દુર્ઘટના સર્જાય છે. એરિઝોનાના સ્કોટ્સડેસ એરપોર્ટ પર એક પ્રાઈવેટ જેટ લેન્ડ થતા સમયે રનવે પર અન્ચ એક જેટ અથડાતા દુર્ઘટના સર્જાય છે. મીડિયા સૂત્રો પ્રમાણે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે સાથે 4 લોકો ઘાયલ પણ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર વિમાન પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરવામાં આવ્યું હતું. અકસ્માત બાદ રનવે બંધ કરી દેવામાં આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાછલા દોઢ મહિનામાં અમેરિકામાં ચોથી વિમાન દુર્ઘટના સર્જાય છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના સોમવારે બપોરે 2:45 વાગ્યે બની હતી, જ્યારે એક લિયરજેટ 35A વિમાન લેન્ડિંગ પછી રનવે પરથી ઘસી ગયું હતું અને રેમ્પ પર ઉભેલા ગલ્ફસ્ટ્રીમ 200 બિઝનેસ જેટ સાથે અથડાયું હતું. આ પછી એરપોર્ટ પર ફ્લાઇટ્સ અસ્થાયી રીતે બંધ કરવામાં આવી હતી. સ્કોટ્સડેલ એરપોર્ટના અધિકારી કેલી કુએસ્ટરે જણાવ્યું હતું કે જેટનું પ્રાઇમરી લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયું હતું. જેના કારણે તે બીજા પાર્ક કરેલા જેટ સાથે અથડાયું હતું. જે વિમાન અથડાયુ તેમાં ચાર લોકો સવાર હતા. પાર્ક કરેલા વિમાનમાં એક માણસ સવાર હતો. આ અથડામણમાં ઘાયલ થયેલા બે લોકોને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. એકની હાલત સ્થિર છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત પણ થયું છે. આ પહેલા અમેરિકાના અલાસ્કાથી નોમ શહેર જઈ રહેલું એક વિમાન અચાનક ગુમ થઈ ગયું હતું. જે બાદ શોધ શરૂ કરવામાં આવી હતી અને હવે વિમાનનો કાટમાળ દરિયામાંથી મળી આવ્યો હતો. વિમાન દરિયામાં ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર તમામ 10 લોકોના મોત થયા.
સીઆરપીએફ ઓફિસર પૂનમ ગુપ્તા બુધવારે (૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫) લગ્નગ્રંથિથી જોડાશે. તેમના લગ્ન કોઈ સામાન્ય લગ્ન નહીં હોય. આ એક ઐતિહાસિક લગ્ન હશે જેને આખું ભારત યાદ રાખશે કારણ કે તેમના લગ્ન રાષ્ટ્રપતિ ભવનમાં થવાના છે. આ એ જ પૂનમ ગુપ્તા છે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કમાન્ડો તરીકે વર્ણવવામાં આવ્યા હતા. તે પીએમ મોદી સાથે ચાલતી જોવા મળી અને ચર્ચાઓ શરૂ થઈ કે તે પીએમ મોદીની મહિલા કમાન્ડો છે.
પૂનમ ગુપ્તા દેશના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન રાષ્ટ્રપતિ ભવનમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં વિશ્વભરના રાષ્ટ્રાધ્યક્ષોનું સ્વાગત કરવામાં આવ્યું છે, પરંતુ દેશના ઇતિહાસમાં આ પહેલી વાર છે કે રાષ્ટ્રપતિ ભવનમાં લગ્નનું આયોજન કરવામાં આવશે. પૂનમ ગુપ્તાના લગ્ન સમારોહમાં ફક્ત નજીકના પરિવારના સભ્યો જ હાજરી આપશે.
પૂનમ ગુપ્તાના લગ્ન રાષ્ટ્રપતિ ભવનમાં સ્થિત મધર ટેરેસા કોમ્પ્લેક્સમાં યોજાશે. હવે બધાના મનમાં પ્રશ્ન એ છે કે તેમના લગ્ન રાષ્ટ્રપતિ ભવનમાં શા માટે યોજાઈ રહ્યા છે અને પૂનમ ગુપ્તાને તેના માટે પરવાનગી કેવી રીતે મળી? પૂનમ ગુપ્તાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તે માટે વિનંતી પણ કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ પૂનમ ગુપ્તાની વ્યાવસાયીકરણ, સમર્પણ અને CRPFમાં તેમની નોકરી પ્રત્યેની પ્રતિબદ્ધતા અને રાષ્ટ્ર સેવાને ધ્યાનમાં રાખીને તેમની વિનંતી સ્વીકારી.
કોણ છે પૂનમ ગુપ્તા?
દુલ્હન બનવા જઈ રહેલી પૂનમ ગુપ્તા CRPFની સહાયક મહિલા કમાન્ડો છે અને હાલમાં રાષ્ટ્રપતિ ભવનમાં પર્સનલ સિક્યુરિટી ઓફિસર (PSO) તરીકે તૈનાત છે. તેમણે ૭૪મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં મહિલા ટુકડીનું નેતૃત્વ કરીને પોતાનું મજબૂત નેતૃત્વ અને ભૂમિકા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી. પૂનમ ગુપ્તા સીઆરપીએફમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અવનાશ કુમાર સાથે લગ્ન કરવા જઈ રહી છે. તે જમ્મુ અને કાશ્મીરમાં પોસ્ટેડ છે.
પૂનમ ગુપ્તા મધ્યપ્રદેશના શિવપુરીની રહેવાસી છે અને તે હંમેશા અભ્યાસમાં સારી રહી છે. તેણી પાસે ગણિતમાં ડિગ્રી અને અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર ડિગ્રી છે. તેમણે ગ્વાલિયરની જીવાજી યુનિવર્સિટીમાંથી બી.એડ પણ કર્યું છે. 2018 માં, પૂનમ ગુપ્તાએ UPSC CAPF માં 81મો રેન્ક મેળવ્યો. આ પછી તેણીને CRPFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે પોસ્ટ કરવામાં આવી. રાષ્ટ્રપતિ ભવનમાં પોસ્ટિંગ પહેલાં, તેણી બિહારના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં પોસ્ટિંગ કરતી હતી.
અમદાવાદ: ગુજરાતમાં RTOના મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટના ટેકનિરલ ઓફિસ એસોસિયેશન દ્વારા ઘણી પડતર મગોને લઈ વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. આ સાથે કાલથી ગુજરાતભરમાં ગઈકાલથી કામ કાજ ઠપ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. તમામ RTO પર અવાર નવાર ટેકનિકલ એરરને લઈ કામકાજ બંધ થતું હોય, ત્યારે ગઈકાલથી કર્મચારી વિરોધના પગલે કામકાજ ઠપ જોવા મળ્યું હતું. પરંતુ RTOના મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટનાં ટેકનિકલ ઓફિસર એસોસિયેશનના પ્રશ્નોનો ઉકેલવાની સરકાર તરફથી બાયંધરી અપાતા ઓફિસરો કામ પર પરત ફર્યા છે. આજે બપોરે 12 વાગ્યા બાદ જે અરજદારોએ એપોઈન્ટમેન્ટ લીધેલી હશે તેઓની કામગીરી આજથી જ રાબેતા મુજબ થશે.
ટેક્નિકલ ઓફિસર સોમવારે ‘નો લોગિન ડે’ અભિયાન સાથે કામગીરીથી અળગા રહેતા એપોઈન્ટમેન્ટ લઈને આવેલા અરજદારો પરેશાન થયા હતા. આજે પણ તમામ ઓફિસરોએ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી. જો કે, ત્યારબાદ સરકારે પ્રશ્નોનો ઉકેલ લાવવા બાયંધરી અપાતા તમામ ઓફિસર કામ પર પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે દોઢ દિવસમાં અમદાવાદ આરટીઓ કચેરીમાં 400થી વધુ અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા ટેસ્ટ ન આપી શક્યા. વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં પણ 200 થી વધુ લોકોએ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા ન આપી શક્યા ટેસ્ટ 12 વાગ્યા પછીની તમામ અપોઈન્ટમેન્ટ પર અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે.
રણવીર અલ્હાબાદિયા યુટ્યુબની દુનિયામાં એક મોટું નામ છે. આને બીયર બાયસેપ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. રણવીર તાજેતરમાં સમય રૈનાના ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં પેનલિસ્ટ તરીકે જોડાયો. જોકે, આ શોમાં જોડાયા પછી તેને ઇન્ટરનેટ પર લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. શો દરમિયાન યુટ્યુબરે શોના સિગ્નેચર ડાર્ક હ્યુમરને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ખરાબ રીતે નિષ્ફળ ગયો. હવે તેને ખુબ જ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
પ્રખ્યાત યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં મહેમાન તરીકે ગયો હતો. આ એપિસોડમાં તેની સાથે જસપ્રીત સિંહ, આશિષ ચંચલાની અને અપૂર્વ માખીજા જેવા કન્ટેન્ટ ક્રિએટર્સ પણ હતાં. શો દરમિયાન રણવીરે એક વાંધાજનક પ્રશ્ન પૂછ્યો હતો. રણવીર અલ્હાબાદિયાએ એક સ્પર્ધકને તેના માતા-પિતાના શારિરિક સંબંધને લઈ કેટલીક અશ્લીલ ટિપ્પણીઓ કરી સવાલ કર્યો હતો. રણવીરના આ સવાલને કારણે તેને ખુબ જ ટ્રોલ કરવામાં આવ્યો અને તેના સવાલ પર લોકોએ વાંધો ઉઠાવ્યો. લોકોની ટિપ્પણીઓ બાદ સમગ્ર વિવાદ શરૂ થયો.
રણવીરનો વીડિયો વાયરલ થયા પછી તેની ટીકા થવા લાગી અને વિવાદ ઉભો થયો. મામલો એટલો વધી ગયો કે તેની સામે ફરિયાદ અને FIR દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને માફી પણ માંગી, પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે શોમાં જવું એ ખોટો નિર્ણય હતો. આ સાથે રણવીર અલ્લાહબાદિયાએ વિનંતી કરી હતી કે આ એપિસોડમાંથી તેમની ટિપ્પણી દૂર કરવામાં આવે. ચાલી રહેલી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને અને રણવીર અલ્લાહબાદિયાની વિનંતી પર આ એપિસોડ હવે યુટ્યુબ પરથી કાઢી નાખવામાં આવ્યો છે.
રણવીરે માફી માગી
રણવીર અલ્લાહબાદિયાએ એક લાંબો વીડિયો પોસ્ટ કર્યો. વીડિયોમાં તેણે કહ્યું,’મારી ટિપ્પણી માત્ર અયોગ્ય જ નહોતી, પણ રમુજી પણ નહોતી. કોમેડી મારી ખાસિયત નથી, હું ફક્ત માફી માંગવા આવ્યો છું. તમારામાંથી ઘણાએ પૂછ્યું હશે કે શું હું મારા પ્લેટફોર્મનો આ રીતે ઉપયોગ કરવા માંગુ છું, સ્વાભાવિક છે! હું તેનો આ રીતે ઉપયોગ કરવા માંગતો નથી. જે બન્યું તેની પાછળ હું કોઈ સંદર્ભ, વાજબીપણું કે તર્ક આપીશ નહીં, હું ફક્ત માફી માંગવા આવ્યો છું. મારી નિર્ણય લેવાની વ્યક્તિગત ક્ષમતાનો અભાવ હતો. મારા તરફથી આ યોગ્ય નહોતું. આ પોડકાસ્ટ બધી ઉંમરના લોકો જુએ છે, અને હું તે વ્યક્તિ હોવાની જવાબદારીને હળવાશથી લેવા માંગતો નથી. આ પ્લેટફોર્મનો વધુ સારી રીતે ઉપયોગ કરવાની જરૂર છે, આ સમગ્ર અનુભવમાંથી મને આ શીખવા મળ્યું છે. હું ફક્ત વધુ સારા બનવાનું વચન આપું છું. મેં વિડિઓના નિર્માતાઓને પણ અસંવેદનશીલ ભાગો દૂર કરવા કહ્યું છે અને અંતે હું ફક્ત એટલું જ કહી શકું છું કે મને માફ કરશો. મને આશા છે કે તમે મને એક માણસ તરીકે માફ કરશો.
સીએમ ફડણવીસે આપી પ્રતિક્રિયા
યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણી પર મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું,”મને તેના વિશે ખબર પડી છે. મેં હજી સુધી તે જોયું નથી. વસ્તુઓ ખોટી રીતે કહેવામાં આવી છે અને રજૂ કરવામાં આવી છે.” દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું, “દરેક વ્યક્તિને વાણી સ્વાતંત્ર્ય છે પરંતુ જ્યારે આપણે બીજાની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરીએ છીએ ત્યારે આપણી સ્વતંત્રતા સમાપ્ત થાય છે. આપણે આપણા સમાજમાં કેટલાક નિયમો બનાવ્યા છે, જો કોઈ તેનું ઉલ્લંઘન કરે છે તો તે એકદમ ખોટું છે અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.”
એપિસોડ હટાવવામાં આવ્યો
ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટનો વિવાદાસ્પદ એપિસોડ હવે યુટ્યુબ પરથી દૂર કરવામાં આવ્યો છે. આ સામગ્રી ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ મોબાઇલ એપ્લિકેશન પર પણ અલગથી અપલોડ કરવામાં આવે છે, પરંતુ વિડિઓ હવે એપ્લિકેશનમાં પણ ઍક્સેસ કરી શકાતો નથી. NHRC એ YouTube ને વિડીયો દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે, શોમાં અપશબ્દોના ઉપયોગ અંગે મુંબઈ કમિશનર અને મહારાષ્ટ્ર મહિલા આયોગને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં ફક્ત રણવીર અલ્લાહબાડિયા જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પ્રભાવક અપૂર્વ માખીજા અને કોમેડિયન સમય રૈનાનું પણ નામ હતું. આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ પણ આ મામલે ટ્વીટ કર્યું છે અને માહિતી આપી છે કે ગુવાહાટી પોલીસે પણ આ મામલે એફઆઈઆર નોંધી છે.
સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ હતી
એક યુઝરે લખ્યું હતું, “આજકાલ કોમેડી ફક્ત ગાળો, અશ્લીલતા અને બિનજરૂરી મજાક સુધી મર્યાદિત રહી ગઈ છે. આ વિડીયો જોયો ત્યાં સુધી મને ખરેખર આ જૂઠું લાગતું હતું.” બીજા એક યુઝરે લખ્યું. “આ ઘૃણાસ્પદ છે. કોઈએ આ બેદરકાર યુવા સામે FIR નોંધાવવી જોઈએ.”
અમદાવાદ: ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું જોર ઘટતું નોંધાઈ રહ્યું છે. પવનની દિશા બદલાતા લોકોને કડકડતી ઠંડીમાંથી રાહતનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ આ કમોસમી વરસાદ અને બદલાતા વાતાવરણની નિશ્ચિતા જોવા મળી રહી છે ત્યારે ફરી એક વખત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજથી દેશનું વાતાવરણ પલટાવા જઈ રહ્યું છે. કારણ કે, મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. આજથી બાંગ્લાદેશ પર એક ચક્રવાત સર્જાશે, જેની અસર ભારતના અનેક રાજ્યોને થશે. હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોને કમોસમી વરસાદની ચીમકી આપી છે. સાથે જ ગુજરાતના વાતાવરણમાં પણ મોટો પલટો જોવા મળવાની શક્યતા સેવાય રહી છે.
દેશમાં IMD દ્વારા વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે. જેની અસર દેશના વિવિધ રાજ્યોને થશે. આ સાથે ગુજરાતમાં પણ 11-13 તારીખ સુધી કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દેશના ઉત્તરથી ઉત્તર પૂર્વીય ઠંડા પવનો ધીમા પડતા ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો નોંઘાયો ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળી શકે. પરંતુ રાત્રે હજુ પણ ઠંડીમાંથી રાહત નહીં મળે.એવું કહેવાય છે કે મહા મહિનામાં આવતી શિવરાત્રી બાદ ઠંડીનું જોર ઘટશે.
હવામાન વિભાગે રાજ્યના જુદા-જુદા વિસ્તારોને લઈને ઠંડીની આગાહી કરી છે. આ સાથે નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં અમદાવાદ સહિતના સ્થાનો પર સરેરાશ 12 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળ્યું. અમદાવાદમાં 13.8 અને ગાંધીનગરમાં 12.4 ડિગ્રી, ડીસામાં 13.5 જયારે પોરબંદરમાં 12.6 ડિગ્રી, કંડલામાં 12.9 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે કેશોદ, વડોદરા અને ભુજ જેવા સ્થાનો પર નલિયાની સરખામણીએ વધુ તાપમાન જોવા મળ્યું.વલ્લભ વિદ્યાનગરમાં 16.4 ડિગ્રી, કેશોદમાં 13.9 ડિગ્રી, રાજકોટમાં 14.7 ડિગ્રી, વડોદરામાં 15.4 ડિગ્રી, મહુવામાં 15.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.6 ડિગ્રી, ભુજમાં 16.8 ડિગ્રી, ભાવનગરમાં 17 ડિગ્રી અને દ્વારકામાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું.
રોટી, કપડાં અને મકાન એ માણસની પાયાની જરૂરિયાત છે. મનોવિજ્ઞાન વિષયમાં Needs એટલે કે જરૂરિયાતોની અગ્રિમતાનો ત્રિકોણ જેને માસ્લોનો ત્રિકોણ કહે છે તેમાં માણસની જરૂરિયાતોને પાંચ ભાગમાં વહેંચવામાં આવી છે. સૌથી નીચે પાયાના સાથે જોડાયેલી જરૂરિયાતોને Basic Needs એટલે કે મૂળભૂત જરૂરિયાતો કહે છે.
આટલી જરૂરિયાતો સંતોષાય તો જ માણસ આગળની જરૂરિયાતો એટલે કે સલામતી, સામાજિક, કોઈ પણ ક્ષેત્રે કૌશલ્ય થકી Excellence એટલે કે ઉત્તમ ક્ષમતા પ્રાપ્ત કરવી અને છેલ્લે Self Actualization એટલે કે પરમ જ્ઞાન અથવા મોક્ષની સ્થિતિ આવે.
ઊંઘ, ભૂખ, થાક વિગેરે Basic Needs એટલે કે પાયાની જરૂરિયાતો છે. માણસ ભૂખ્યો હોય ત્યાં સુધી એનાં વ્યક્તિત્વ વિકાસનાં આગળનાં પાસાં અને તેમાંય ભજન/ભક્તિ થકી ઈશ્વરની આરાધના અને અંતે મોક્ષની પ્રાપ્તિ તરફ પ્રયાણ આવે છે. પણ આ બધું પેટ ભરેલું હોય ત્યાર પછીના તબક્કે જ સાધી શકાય છે. આ સંદર્ભમાં ‘ભૂખ્યા પેટે ભજન ન થાય’ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
અમેરિકા: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ ચાલુ છે. આ યુદ્ધવિરામ હેઠળ, હમાસ સતત ઇઝરાયલી બંધકોને મુક્ત કરી રહ્યું છે. પરંતુ હવે હમાસે ઇઝરાયલ પર આ યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે તેઓ બંધકોની મુક્તિને રોકી શકે છે, જેના વિશે હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે.
ટ્રમ્પે હમાસને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો ગાઝામાં બંધક બનાવવામાં આવેલા તમામ 73 લોકોને શનિવાર બપોર સુધીમાં મુક્ત કરવામાં નહીં આવે, તો તેઓ ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામનો અંત લાવવા અને હમાસને ખતમ કરવાનો પ્રસ્તાવ મૂકશે.
એક અહેવાલ મુજબ, ઓવલ ઓફિસમાં બોલતા, ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે જો જોર્ડન અને ઇજિપ્ત ગાઝામાંથી પેલેસ્ટિનિયન શરણાર્થીઓને લેવાનો ઇનકાર કરે છે, તો તેઓ તેમને આપવામાં આવતી સહાય બંધ કરી શકે છે. દિવસની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે પેલેસ્ટિનિયનોને તેમની પ્રસ્તાવિત યુએસ-નેતૃત્વ હેઠળના જોડાણ યોજના હેઠળ ગાઝા પાછા ફરવાનો અધિકાર રહેશે નહીં.
ટ્રમ્પે આ ટિપ્પણી હમાસે ઇઝરાયલી બંધકોની મુક્તિ આગામી સૂચના સુધી રોકવાની જાહેરાત કર્યા બાદ કરી હતી. આતંકવાદી સંગઠને ઇઝરાયલ પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે અને ચિંતા વ્યક્ત કરી છે કે સંઘર્ષ ફરી શરૂ થઈ શકે છે. હમાસે જણાવ્યું હતું કે તેમણે આગામી નિર્ધારિત બંધક મુક્તિના પાંચ દિવસ પહેલા આ નિર્ણય લીધો હતો, જેથી મધ્યસ્થીઓને ઇઝરાયલ પર તેનું વચન પૂર્ણ કરવા અને સમયસર મુક્તિ સુનિશ્ચિત કરવા દબાણ કરવા માટે સમય મળે.
બંધકોને શનિવારે મુક્ત કરવાના હતા
યુદ્ધવિરામ મુજબ, હમાસ શનિવારે પેલેસ્ટિનિયન કેદીઓ અને અટકાયતીઓના બદલામાં વધુ ઇઝરાયલી બંધકોને મુક્ત કરે તેવી અપેક્ષા હતી. આ સિસ્ટમ છેલ્લા ત્રણ અઠવાડિયાથી અમલમાં હતી. તે જ સમયે, હમાસની આ જાહેરાત પછી, ઇઝરાયલી બંધક પરિવારો અને તેમના સમર્થકોએ સોમવારે રાત્રે તેલ અવીવના વિસ્તારને ઘેરી લીધો, જેને હવે હોસ્ટેજ સ્ક્વેર તરીકે ઓળખવામાં આવે છે. વિરોધીઓએ સરકાર પર કરાર ન છોડવા માટે દબાણ કર્યું. આ પ્રદર્શનમાં 2 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.
પીએમએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી
આ પછી, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે કહ્યું કે હમાસની જાહેરાતે યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે અને તેમણે સેનાને ગાઝા અને સ્થાનિક સંરક્ષણ માટે ઉચ્ચતમ સ્તરની તૈયારી જાળવવા સૂચના આપી છે. એક ઇઝરાયલી અધિકારીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ મંગળવારે સવારે સંરક્ષણ, NSA અને વિદેશ પ્રધાન સાથે બેઠક કરશે.
સોમવારે બે ઇજિપ્તીયન સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે મધ્યસ્થીઓને ડર છે કે યુદ્ધવિરામ કરાર તૂટી શકે છે. અમેરિકા સાથે મળીને કતાર અને ઇજિપ્તે આ કરારમાં મધ્યસ્થી કરી છે. આ કરારના પ્રથમ તબક્કા હેઠળ, અત્યાર સુધીમાં 33 બંધકોમાંથી 16ને મુક્ત કરવામાં આવ્યા છે. બદલામાં, ઇઝરાયલ તેની જેલોમાં કેદ પેલેસ્ટિનિયનોને પણ મુક્ત કરી રહ્યું છે.
બાંગ્લાદેશ: વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજવાની તૈયારી કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશમાં આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ શકે છે. બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે સોમવારે ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના પક્ષને ખાતરી આપી હતી કે, તેમની વચગાળાની સરકાર ડિસેમ્બર સુધીમાં સામાન્ય ચૂંટણીઓ યોજવાની તૈયારી કરી રહી છે, એમ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના એક ટોચના નેતાએ જણાવ્યું હતું.BNP મહાસચિવ મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરે વચગાળાની સરકારના વડા સાથેની મુલાકાત બાદ મીડિયાને જણાવ્યું, “યુનુસે અમને કહ્યું કે તેઓ ડિસેમ્બર સુધીમાં ચૂંટણી કરાવવા માટે કામ કરી રહ્યા છે. અમે વારંવાર સરકારને જલ્દી ચૂંટણી કરાવવાની અપીલ કરી રહ્યા છીએ. અમે આ બાબતે ફરી એકવાર તેમના પર દબાણ લાવ્યું છે. ન્યૂનતમ સુધારાઓ પૂર્ણ કરીને, સુધારા પંચો સાથે ચર્ચામાં ભાગ લઈને અને સર્વસંમતિ પર પહોંચીને, અમે માનીએ છીએ કે ચૂંટણીઓ ઝડપથી યોજાઈ શકે છે.”
સરકાર જવાબદારી લેવાનું ટાળી રહી છે: BNP નેતા
આલમગીરે દેશભરમાં તાજેતરની ઘટનાઓ, જેમાં ડાંગર બજારની ઘટનાનો પણ સમાવેશ થાય છે, તેના પર પણ સરકારની ટીકા કરી હતી. જ્યાં બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના નિવાસસ્થાનને ટોળાએ તોડી પાડ્યું હતું. તેમણે કહ્યું, “સરકાર આ ઘટનાઓની જવાબદારીથી છટકી શકે નહીં. આ ઘટનાઓના પરિણામે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી હદ સુધી બગડી ગઈ છે.”આલમગીર, પાર્ટીના સ્થાયી સમિતિના સભ્યો સલાઉદ્દીન અહેમદ અને મેજર (નિવૃત્ત) હાફિઝ ઉદ્દીન અહેમદ સાથે, મુખ્ય સલાહકાર સાથે દોઢ કલાક ચાલેલી બેઠકમાં હાજરી આપી હતી. આલમગીરે જણાવ્યું હતું કે, “પ્રતિનિધિમંડળે આવશ્યક ચીજવસ્તુઓના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કારણ કે આ સરકારની સૌથી મોટી નિષ્ફળતાઓમાંની એક છે. જો કે, સરકારે કહ્યું કે તેઓ તેને નિયંત્રિત કરવા માટે કામ કરી રહ્યા છે.”
ડેવિલ હન્ટ વિશે આ કહ્યું
બી.એન.પી. નેતાએ કહ્યું કે સરકારે તાજેતરમાં ‘ડેવિલ હન્ટ’ નામનું સુરક્ષા ઓપરેશન શરૂ કર્યું છે જેમાં કોઈ પણ નિર્દોષ વ્યક્તિને ભોગ બનવું ન જોઈએ. કારણ કે આપણે ભૂતકાળમાં આ જોયું છે. આલમગીરે એમ પણ કહ્યું કે BNP રાષ્ટ્રીય ચૂંટણી પહેલા કોઈપણ સ્થાનિક સરકારની ચૂંટણીઓને કોઈપણ રીતે સ્વીકારશે નહીં. નઝરુલ ઇસ્લામ ખાનના નેતૃત્વમાં બી.એન.પી.ના અન્ય એક પ્રતિનિધિમંડળે મુખ્ય ચૂંટણી કમિશનર એ.એમ.એસ. નાસિર ઉદ્દીન અને અન્ય ચૂંટણી કમિશનરોને મળ્યા અને કમિશનની ચૂંટણી તૈયારીઓ વિશે માહિતી મેળવી.
અમેરિકા: ફરી એક વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ અનુસાર, અધિકારીઓનું કહેવું છે કે એરિઝોનાના સ્કોટ્સડેલ એરપોર્ટ પર ખાનગી જેટ વિમાનો વચ્ચે અથડામણને કારણે અકસ્માત થયો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ રનવે બંધ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા 12 દિવસમાં આ ચોથો વિમાન અકસ્માત છે.
વિમાન પાર્ક કરેલા જેટ સાથે અથડાયું
સ્કોટ્સડેલ એરપોર્ટના એવિએશન પ્લાનિંગ અને આઉટરીચ કોઓર્ડિનેટર કેલી કુએસ્ટરના જણાવ્યા અનુસાર, એક મધ્યમ કદનું બિઝનેસ જેટ ખાનગી મિલકત પર પાર્ક કરેલા બીજા મધ્યમ કદના બિઝનેસ જેટ સાથે અથડાયું. કુએસ્ટરના જણાવ્યા મુજબ, એક જેટ રનવે પરથી ભટકી ગયું અને પાર્ક કરેલા ગલ્ફસ્ટ્રીમ 200 જેટ સાથે અથડાયું. તેમણે કહ્યું કે એવું લાગે છે કે આવનારા જેટનું પ્રાથમિક લેન્ડિંગ ગિયર નિષ્ફળ ગયું હતું, જેના કારણે અથડામણ થઈ. કુએસ્ટરે જણાવ્યું હતું કે જેટ ટેક્સાસથી આવ્યું હતું જેમાં ચાર લોકો સવાર હતા અને એક વ્યક્તિ પાર્ક કરેલા વિમાનમાં હતો.
સ્કોટ્સડેલ ફાયર ડિપાર્ટમેન્ટના કેપ્ટન ડેવ ફોલિયોએ જણાવ્યું હતું કે અથડામણમાં ઘાયલ થયેલા બે લોકોને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા અને એકની હાલત સ્થિર છે. તેમણે કહ્યું કે તેઓ અથડામણમાં માર્યા ગયેલા વ્યક્તિના મૃતદેહને બહાર કાઢવા માટે કામ કરી રહ્યા છે.તાજેતરના વિમાન અકસ્માતો
૩ ફેબ્રુઆરીના રોજ, હ્યુસ્ટનથી ન્યૂયોર્ક જતી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટને ટેકઓફના થોડા સમય પહેલા તેના એક એન્જિનમાં આગ લાગી જતાં તેને ખાલી કરાવવામાં આવી હતી.
1 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રૂઝવેલ્ટ મોલ નજીક એક વિમાન ક્રેશ થયું. ક્રેશ થયેલ વિમાન લિયરજેટ 55 વિમાન હતું. વિમાન સ્પ્રિંગફીલ્ડ બ્રાન્સન રાષ્ટ્રીય વિમાનમથક તરફ જઈ રહ્યું હતું.
આ પહેલા 30 જાન્યુઆરીએ, અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક અમેરિકન એરલાઇન્સનું વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે હવામાં ટકરાયા હતા. ટક્કર પછી, વિમાન અને હેલિકોપ્ટર અલગ થઈ ગયા અને નદીમાં પડી ગયા. આ અકસ્માતમાં બધા 67 લોકોના મોત થયા હતા.
પેરિસ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે એલિસી પેલેસમાં રાત્રિભોજન માટે પહોંચ્યા ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને ચર્ચા શરૂ કરતા પહેલા બંને નેતાઓએ નિખાલસ વાતચીત કરી. બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના મજબૂત સંબંધો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો, જેમાં મુખ્ય મુદ્દાઓ એજન્ડામાં રહેવાની અપેક્ષા છે. રાત્રિભોજન દરમિયાન PM મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને પણ મળ્યા.
PM મોદી ફ્રાન્સના બે દિવસના પ્રવાસે પેરિસ પહોંચ્યા છે, જ્યાં તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે AI એક્શન સમિટના ત્રીજા સંસ્કરણનું સહ-અધ્યક્ષતા કરશે.PMએ મેક્રોન સાથેની તેમની મુલાકાતના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તસવીરો શેર કરતા PMએ લખ્યું, ‘પેરિસમાં મારા મિત્ર રાષ્ટ્રપતિને મળીને આનંદ થયો.’
જ્યારે PM મોદી પેરિસ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે હળવો વરસાદ પડી રહ્યો હતો. આમ છતાં, ભારતીય સમુદાયના લોકો ઉત્સાહિત હતા. તેમણે મોદી-મોદીના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું અને પેરિસના રસ્તાઓ પર PMની એક ઝલક મેળવવા માટે રાહ જોતા જોવા મળ્યા અને PMએ પણ તેમને નિરાશ ન કર્યા. PM લોકો વચ્ચે ગયા અને આ ઉષ્માભર્યા સ્વાગત માટે ભારતીય સમુદાયનો આભાર માન્યો.
ભારતીય સમુદાયનો આભાર વ્યક્ત કરતા PMએ પોસ્ટમાં લખ્યું, પેરિસમાં એક યાદગાર સ્વાગત! આજે સાંજે ઠંડી હતી છતાં પણ ભારતીય સમુદાયને પોતાનો પ્રેમ દર્શાવતા રોકી શકી નહીં. હું આપણા ડાયસ્પોરાનો આભારી છું અને તેમની સિદ્ધિઓ માટે તેમના પર ગર્વ અનુભવું છું!
A memorable welcome in Paris!
The cold weather didn’t deter the Indian community from showing their affection this evening. Grateful to our diaspora and proud of them for their accomplishments! pic.twitter.com/rrNuHRzYmU
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ગવર્નન્સને મજબૂત બનાવવા માટે પેરિસ સમિટનો ઉદ્દેશ્ય વૈશ્વિક શાસન મોડેલો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે જેથી AI ને વધુ સમાવિષ્ટ બનાવી શકાય અને વિશ્વભરના વપરાશકર્તાઓ માટે સલામત અને પારદર્શક AI સુનિશ્ચિત કરી શકાય. તે AI ના સંયુક્ત સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ સમિટ એવા સમયે આવી રહી છે, જ્યારે ચીની સ્ટાર્ટઅપ ડીપસીકે તેની ઓછી કિંમતની અને સચોટ AI પ્રોડક્ટ રજૂ કરી છે, જે તેના અમેરિકન સમકક્ષ ઓપન AIના ChatGPTને સખત સ્પર્ધા આપી રહી છે. પેરિસ પહોંચ્યા બાદ, PM મોદીનું સ્વાગત ફ્રેન્ચ સશસ્ત્ર દળોના મંત્રી સેબેસ્ટિયન લેકોર્ન દ્વારા કરવામાં આવ્યું હતું.
ભારત-ફ્રાન્સ સીઈઓ ફોરમને સંબોધિત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત દરમિયાન AI સમિટની સહ-અધ્યક્ષતા કરશે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. આ પછી, તેઓ ભારત-ફ્રાન્સ સી.ઈ.ઓ. ફોરમને પણ સંબોધિત કરશે. પોતાના સંબોધન પછી, પ્રધાનમંત્રી મોદી માર્સેલીમાં માઝેર્ગ્સ યુદ્ધ કબ્રસ્તાનની મુલાકાત લેશે અને પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. બંને નેતાઓ માર્સેલીમાં ભારતના નવા કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન પણ કરશે.
તે જ સમયે, પેરિસ જતાં પહેલા, PM મોદીએ કહ્યું કે ફ્રાન્સની મુલાકાત પૂર્ણ કર્યા પછી, તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકાની મુલાકાત લેશે. તેમણે કહ્યું, ‘આ મુલાકાત ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નવા કાર્યકાળ દરમિયાન આ અમારી પ્રથમ મુલાકાત હશે.’ જો કે, અમારા ભૂતકાળના સહયોગે ઘણા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે. તેમના પહેલા કાર્યકાળ દરમિયાન ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના નિર્માણની મને યાદો છે.